Category Archives: અમર ભટ્ટ

શબ્દનો સ્વરાભિષેક – અમર ભટ્ટ સાથે એક વાર્તાલાપ

શબ્દનો સ્વરાભિષેક – અમર ભટ્ટના તાજેતરમાં બહાર પડેલા આ કાવ્યસંગીતના સંપૂટ વિષે ઓસ્ટ્રેલિયાના રેડિયો સૂર-સંવાદ પર અમરભાઇ સાથે આરાધનાબેને કરેલી મુલાકાત અહીં પ્રસ્તુત કરું છું. આ મુલાકાતમાં એમણે પોતાના આલ્બમ વિષે, પોતાના વિષે, કવિતા વિષે ઘણી રસપ્રદ વાતો કરી છે, અને મને ખાત્રી છે કે અમરભાઇ સાથેની આ મુલાકાત તમને ચોક્કસ ગમશે.

.

અને હા… શબ્દનો સ્વરાભિષેક અને પન્ના નાયકની ‘વિદેશિની‘ – આ બંને આલ્બમ અમેરિકામાં મેળવવા માટેનો સંપર્ક :

Popat Savla
746 S. Lotus ave.,
Pasadena, Ca 91107
Land line 626 792 6998
email: popatsavla@aol.com

અમર ભટ્ટના બીજા સ્વરાંકનો તમે અહીં સાંભળી શકો છો.

માધો, મન માને તબ આજ્યો – ઉશનસ્

અમર ભટ્ટના અવાજ-સ્વરાંકનોના પ્રેમીઓ માટે ખુશખબર.. (આમ તો થોડા મોડા છે ખબર, પણ મને ખાત્રી છે કે એ મોળા નથી 🙂 )

અમર ભટ્ટના ૩૬ ગુજરાતી ગીતોનો સંગ્રહ (in 4 CDs) ‘શબ્દનો સ્વરાભિષેક‘ નામથી પ્રગટ થયો છે. પહેલી ૨ CDs માંના ગીતો એમના પોતાના સ્વરમાં છે, અને બીજી ૨ CDs માં ગુજરાતના ચુનંદા ગાયકોએ એમના સ્વરાંકનો રજૂ કર્યા છે.

કોઇ પણ ગુજરાતી સુગમ- કવિતાના પ્રેમી માટે આ સંગ્રહ એ અમરભાઇએ સૌને આપેલી એક અમુલ્ય ભેટ છે.. ગુજરાતના ૨૧ અલગ-અલગ કવિઓના શબ્દને મળેલા આ ‘સ્વરાભિષેક’ની ખૂબી એ છે કે દરેક ગીત-ગઝલ કે કાવ્ય રજૂ કરતા પહેલા અમરભાઇ કવિ વિષે અને એ કવિની કવિતા વિષે થોડી વાતો પણ કરે છે.. જાણે સોનામાં સુગંધ ભેળવતા હોય એમ..!

અને હા.. May 9, 2009 ના દિવસે એમનો કાર્યક્રમ ‘શબ્દનો સ્વરાભિષેક’ – ન્યુ જર્સી ખાતે યોજાઇ રહ્યો છે – એની વધુ વિગતો અહીં જુઓ.

સ્વર : ઐશ્વર્યા મજમુદાર
સંગીત : અમર ભટ્ટ

.

સ્વર : ગિરિરાજ ભોજક
સ્વરાંકન : શ્રી જયદેવ ભોજક

.

મન માને, તબ આજ્યો
માધો, મન માને તબ આજ્યો રે.

આ ઘડીએ નહીં રોકું,
રોક્યું કોણ અહીં રોકાશે?
લ્યો, ખોલી દીધા દરવાજા,
વીંટળાયા અવકાશે,
મનભાવન ઘર જાજ્યો રે. – માધો…

ખત નહીં લખીએ, નહીં લખલખીએ,
નહીં કહીએ કે ‘તેડો’,
કોઇ દન અહીં થઇ પાછા વળજ્યો,
એટલું જાચે નેડો.
બે ઘડી રોકાઇ જાજ્યો રે. – માધો…

મૂકી ગયા જે પગલાં
તેની ધડકે હજીયે ધૂળ,
વિરહાને નહીં થાક, અમો તો
હરઘડીનાં વ્યાકુળ,
હર ટહુકો દરદે તાજો રે, માધો.
મન માને તબ આજ્યો, – માધો…

– ઉશનસ્

અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી – રાજેન્દ્ર શુક્લ

આજે તો વસંતપંચમી…. (અરે, ભુલી ગયા? લો સારુ થયું ને મેં યાદ કરાવ્યું એ? 🙂 ) ખાનગીમાં એક વાત કહું? મને પણ ‘કોઇ’એ યાદ કરાવ્યું ત્યારે જ યાદ આવ્યું. 😀

હા.. તો સૌપ્રથમ તો વસંતપંચમીની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને વસંતની પધારમણીને આવકારીએ આ સુંદર ગઝલથી… !

સ્વર – સંગીત : અમર ભટ્ટ

(…ન ક્ષણ એક કોરી !! Picture : A Spirited Chat)

* * * * *

.

ટહુકો ફાઉન્ડેશનના સુર શબ્દની પાંખે કાર્યક્રમમાં હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટના સ્વરમાં સાંભળો

અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી,
ઊડે રંગ ઊડે ન ક્ષણ એક કોરી!

ઊડે દૂરતા ને ઊડે આ નિકટતા,
અહીં દૂર ભાસે, ત્યહીં સાવ ઓરી!

ઊડે આખ્ખું હોવું મુઠીભર ગુલાલે,
ભીંજે પાઘ મોરી, ભીંજે ચુનરી તોરી!

ઊડે છોળ કેસરભરી સર સરર સર,
ભીંજાતી ભીંજવતી ચિરંતનકિશોરી!

સુભગ આપણો સ્વર બચ્યો છે સલામત,
ગઝલ ગાઈયેં, ખેલિયેં ફાગ, હોરી!

– રાજેન્દ્ર શુક્લ (૬ ફેબ્રુઆરી ૧૯૮૫)
ગઝલસંહિતા મંડલ-૨ (મેઘધનુના ઢાળ પર), પૃષ્ઠ ૮૩.
કવિશ્રીની વેબસાઈટ: www.RajendraShukla.com
નોંધ: આખરી શેરમાં અમરભાઈએ ‘ગઝલ’ ને બદલે ‘ચલો’ એવો પાઠફેર એક ગાયકની કોઠાસૂઝથી કર્યો હોય એમ લાગે છે.

મારું ખોવાણું રે સપનું – ગની દહીંવાલા

૨૦૦૮ના વર્ષની આ છેલ્લી પોસ્ટ… આવતીકાલથી તો ૨૦૦૯નો સિક્કો લાગશે 🙂
૨૦૦૮નું સરવૈયું કાઢવા બેસીએ તો આમતો કેટકેટલુંય આવી જાય, પણ ગુજરાતી સાહિત્ય-કવિતા-ગઝલોને ધ્યાનમાં રાખીએ તો, એક વાત જરૂર યાદ આવે – ૨૦૦૮ એટલે આપણા લાડીલા શાયર/કવિ – ગની દહીંવાલાનું જન્મશતાબ્દીવર્ષ… તો આ વર્ષની છેલ્લી પોસ્ટ તરીકે ગનીચાચાનું આ સુંદર ગીત સાંભળી મઝા લઇએ..!

પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરાંકનમાં અમર ભટ્ટનો સ્વર.. ! ગીતનો લય એટલો સરસ મઝાનો છે કે સાંભળ્યા વગર ફક્ત શબ્દો વાંચો તો યે આપમેળે ગવાઇ જાય. ‘તેજ તણા અંબાર’ ભરેલું કવિનું સપનું ખોવાણું – અને કવિ જાણે દુનિયા આખીમાં શોધવા નીકળ્યા… દિશાઓને પૂછ્યું, વગડા-સાગર, ધરતી-આકાશ… ક્યાં ક્યાં જઇને શોધી આવ્યા.

અને આપણી સાથે કવિ કેવી ચોખ્ખી વાર કરી દે છે – ક્યાંય મળે તો આપી દેજો, એ તમારા કામનું નથી.. એ તો મારું શમણું !

(..ચોર આ વસ્તી? …San Francisco from Golden Gate Bridge)

* * * * *

સ્વર – અમર ભટ્ટ
સ્વરાંકન – પુરુષોત્તમ ઉપાધ્યાય

મારું ખોવાણું રે સપનું,
ક્યાંક જડે તો દઈ દેજો એ બીજાને ના ખપનું,
મારું ખોવાણું રે સપનું.

પૂર્વ કહે છે પશ્ચિમ તસ્કર, દક્ષિણ કે’છે ઉત્તર,
વગડા કે’છે ચોર આ વસ્તી, પર્વત કે’છે સાગર,
ધરતીને પૂછું તો દે છે નામ ગગનમંડપનું,
મારું ખોવાણું રે સપનું.

વ્હારે ધાજો જડ ને ચેતન મારી પીડ પિછાની,
અણુ અણુ સાંભળજો માર સમણાની એંધાણી;
તેજ તણા અંબાર ભર્યા છે, નામ નથી ઝાંખપનું,
મારું ખોવાણું રે સપનું.

ખોળે મસ્તક લૈ બેઠી’તી એક દી રજની કાળી,
જીવનની જંજાળો સઘળી સૂતી પાંપળ ઢાળી;
નીંદરના પગથારે કોઈ આવ્યું છાનુંછપનું,
મારું ખોવાણું રે સપનું.

– ગની દહીંવાલા

શબ્દો જ કંકુને ચોખા… – મનોજ ખંડેરિયા

રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા

આ શેર જો મારે કોઇને dedicate કરવાનો હોય, તો મને સૌથી પહેલા લયસ્તરો યાદ આવે.. શબ્દો સાથેનું ખોવાયેલું સગપણ લયસ્તરો એ પાછું આપ્યું, એમ કહું તો એમા જરા અતિશ્યોક્તિ નથી..!

આજે લયસ્તરોની ચોથી વર્ષગાંઠ પર ડો. ધવલ શાહ અને ડો. વિવેક ટેલરને આપણે પણ ‘શુભેચ્છાઓ’નું prescription આપીએ ને? Happy Birthday to Layastaro.com !! 🙂 – અને લયસ્તરોની આખી ટીમ ને ખોબલે ખોબલે શુભકામનાઓ..

આવતા દસ દિવસ સુધી લયસ્તરો પર Birthday Special – ગુજરાતી ગઝલ ઇતિહાસની ૨૦ યાદગાર ગઝલો – વાંચવાનું – માણવાનું – અને ખાસ રસાસ્વાદ સાથે મમળાવવાનું ચુકશો નહીં.

સ્વર : સંગીત : અમર ભટ્ટ

.

રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા

હવાયેલી સળીઓ જ ભીતર ભરી છે
અહીંના જીવન જાણે કે બાકસનાં ખોખાં

લચ્યા’તા જે આંખે લીલા મોલ થઈને
હવે એ જ સપનાં છે સુક્કાં મલોખાં

તું તરસ્યાને આપે છે ચીતરેલાં સરવર
તને ટેવ છે તો કરે કોણ ધોખા

વહાવ્યા કરું આંગળીમાંથી ગંગા
કે ક્યારેક જો હાથ થઈ જાય ચોખ્ખા

ચાલ સખી, પાંદડીમાં… – ધ્રુવ ભટ્ટ

જેટલીવાર સાંભળો એટલીવાર એમ થાય, કે ફરીથી એકવાર સાંભળીયે. શબ્દો સમજવા મને થોડા અઘરા લાગ્યા, પણ તો યે ખૂબ પોતીકું લાગે છે આ ગીત…
મૂળથી ટોચ સુધી લહેરાતી લાગણીનું ગીત :

સ્વર : અમર ભટ્ટ
સંગીત : ક્ષેમુ દિવેટીઆ

.

ધ્રુવ ગીત ચેનલ ઉપર મુકાયેલું ગીત સાંભળો,

સ્વર : હેમંત જોષી ,જલ્પા જોષી
સંગીત સ્વરાંકન : હેમંત જોષી

ચાલ સખી પાંદડીમાં ઝાકળના ટીપાની
જેમ ફરી જિંદગીને મૂકીએ,
ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય
કે લાગણી ગણાય એમ પૂછીએ.

વેદના તો અડીખમ ઉભો કંઠાર
જતાં આવતાં જુવાળ ભલે કોતરે,
સુખ સાથે આપણો તો જળનો સંબંધ
ક્યાંક રેતી ઢાંકે ને ક્યાંક ઓસરે.

છીપલાની હોડીને શઢથી શણગાર ચાલ
કાંઠો છોડીને હવે ઝૂકીએ,
પાંદડીમાં ઝાકળનાં ટીપાંની જેમ
ફરી ચાલ સખી જિંદગીને મૂકીએ.

ચાંદનીને ચાંદનીનું નામ ન’તા દે’તા
એ વાતો અકબંધ મને યાદ છે,
વૃક્ષ પછી ડાળ પછી પંખીનો માળો
ને ઉપર આકાશ જેવો સાદ છે.

મૂળમાંથી ફૂટે ને ટોચ લગી જાય
એવી લાગણીને કેમ રે ઉવેખીએ,
ઝાકળશી જિંદગીને પાનની લીલાશ પરે
ચાલ સખી એક વાર મૂકીએ.

————————

માણસમાત્રની એક ઝંખના હોય છે કે તેની ગતિ તમસો મા જ્યોતિર્ગમય બને, જડતામાંથી લાગણીશીલતા તરફ બને. કાર અને mobile phoneના model બદલાય એમ માણસ સંબંધો પણ ફટાફટ બદલે છે, પણ એનું મન ક્યારેક તો ઝંખે છે ભીનાભીના અતૂટ ભાવભર્યા સંબંધને! ચામડીને ચીપકીને માણસ સુખ તો ભોગવે છે, પણ એનું મન ક્યારેક ઝંખે છે સાચા પ્રેમને! Continue reading →

આપી આપીને તમે પીંછું આપો સજન – વિનોદ જોશી

એક જ ગીતના કેટલા બધા કોમ્પોઝિશન હોઈ શકે ? આ છે કવિના શબ્દોનો જાદુ 🙂
લો માણો વધુ એક કોમ્પોઝીશન:

સ્વર અને સ્વરાંકન : અંકુર જોશી

સ્વર અને સંગીત : કલ્પક ગાંધી

.

સ્વર : રિષભ મહેતા,ગાયત્રી ભટ્ટ
સ્વરાંકન : રિષભ મહેતા

.

સ્વર : અન્વેષા
સ્વરાંકન : નયનેશ જાની

.

સ્વર : રેખા ત્રિવેદી
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલ્બમ : સંગત

.

સ્વર : શિવાંગી દેસાઈ
સ્વરાંકન : અમર ભટ્ટ

.

સ્વર : માલિની પંડિત
સ્વરાંકન : પરેશ નાયક

.

આપી આપીને તમે પીંછું આપો, સજન!
પાંખો આપો તો અમે આવીએ….

ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા
ને એને મોગરાની કળીએ હલાવ્યા,
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી
અમે ઊંબરની કોર લગી લાવ્યાં;

આપી આપીને તમે ટેકો આપો, સજન!
નાતો આપો તો અમે આવીએ…

કાગળમાં કાળઝાળ રેતી વિંઝાય
અને લેખણમાં બેઠી છે લૂ ,
આંગળિયું ઑગળીને અટકળ થઇ જાય
અમે લખીએ તો લખીએ પણ શું?

આપી આપીને તમે આંસુ આપો, સજન!
આંખો આપો તો અમે આવીએ…
– વિનોદ જોશી

ગઢને હોંકારો તો કાંગરાય દેશે – રમેશ પારેખ

gadh ne

સ્વર – વિનોદ પટેલ

આલ્બમ: સંગત
પ્રસ્તાવના :વિનોદ જોશી

.

સ્વર: ઓસમાન મીર
આલબમ: સંગત

.

સ્વરઃ અમર ભટ્ટ

.

ગઢને હોંકારો તો કાંગરાય દેશે,
પણ ગઢમાં હોંકારો કોણ દેશે ?
રાણાજી, તને ઉંબરે હોંકારો કોણ દેશે?

આઘેઆઘેથી એને આવ્યાં છે કહેણ,
જઈ વ્હાલમશું નેણ મીરાં જોડશે,
હવે તારો મેવાડ મીરાં છોડશે.

આઠે અકબંધ તારા ભીડ્યા દરવાજાનાં ફૂલ જેમ ખૂલશે કમાડ
વેગીલી સાંઢણીઓ વહી જાશે દૂર મૂકી ધૂળ મહીં ઊડતો મેવાડ

કિનખાબી પહેરવેશ કોરે મૂકીને મીરાં
કાળું મલીર એક ઓઢશે.
હવે તારો મેવાડ મીરાં છોડશે.

પાદરેથી રસ્તાઓ પાછા વળશે રે લઇ લેણદેણ તૂટ્યાનું શૂળ
ડમરી જેવું રે સહેજે ચડતું દેખાશે પછી મીરાં વીખરાયાની ધૂળ

મીરાં વિનાનું સુખ ઘેરી વળશે ને રાજ
રૂંવે રૂંવેથી તને તોડશે
હવે તારો મેવાડ મીરાં છોડશે.

( કવિ પરિચય )

Gadha ne honkaro to kangara ya deshe – ramesh parekh

Taro mevaad meera chhodashe