Category Archives: ક્ષેમુ દિવેટીઆ

‘ક્ષેમુ દિવેટીઆ’ સ્પેશિયલ 3 : દાડમડીના ફૂલ રાતા ઝૂલણ લ્યો વણઝારી

ઘણા વખત પહેલા ટહુકો પર એક મિત્રએ આ ગીતની ફરમાઇશ કરી હતી.. અને ત્યારે મેં આ ગીત સાંભળ્યું નો’તુ – તો એના બદલે

વગડાની વચ્ચે વાવડી ને વાવડીની વચ્ચે દાડમડી…

એ ગીત મુકી દીધું… ગરબાની કેટગરીમાં મુકી શકાય એવું આ લોકગીત ક્ષેમુદાદાએ ખૂબ જ સરસ રીતે સ્વરબધ્ધ કર્યું છે.. અને સાથે વિભા દેસાઇ, માલિની પંડિત, હર્ષિદા રાવળ, જયશ્રી વોરા, આરતી મુન્શી અને સુધા દિવેટીયા એ સ્વર પણ એવો જ આપ્યો છે કે સાથે આપણને પણ ‘ઊભલા ઊભલા જોયું ઝૂલણ લ્યો…’ કરવાનું મન થઇ જાય…

સ્વર : વિભા દેસાઇ અને વૃંદ

.

દાડમડીના ફૂલ રાતાં ઝૂલણ લ્યો વણઝારી
ફૂલ રાતાં ને ફળ એનાં લીલાં ઝૂલણ લ્યો વણઝારી

હું તો વાણીડાને હાટે હાલી
ચૂંદડી મુલવવા હાલી
ઊભલા ઊભલા જોયું ઝૂલણ લ્યો
હેઠે બેસીને મૂલ કર્યા ઝૂલણ લ્યો
બેઠી એવી હું ઉઠી ઝૂલણ લ્યો વણઝારી…

હું તો સોનીડાને હાટે હાલી
ઝુમણા મુલવવા હાલી
ઊભલા ઊભલા જોયું ઝૂલણ લ્યો
હેઠે બેસીને મૂલ કર્યા ઝૂલણ લ્યો
બેઠી એવી હું ઉઠી ઝૂલણ લ્યો વણઝારી…

હું તો મણિયારાને હાટે હાલી
ચૂંડલા મુલવવા હાલી
ઊભલા ઊભલા જોયું ઝૂલણ લ્યો
હેઠે બેસીને મૂલ કર્યા ઝૂલણ લ્યો
બેઠી એવી હું ઉઠી ઝૂલણ લ્યો વણઝારી…

– લોકગીત

‘ક્ષેમુ દિવેટીઆ’ સ્પેશિયલ 2 : સભર સુરાહી લલિત લચક.. – રાજેન્દ્ર શુક્લ

આમ તો ગઝલ વિષે કેટલીય ગઝલો અને કવિતાઓ લખાઇ છે.. (કોઇવાર ગઝલ-સ્પેશિયલ ઉજવશું ટહુકો પર ! ) અને એ બધામાં ખાસ એવી આ રાજેન્દ્ર શુક્લની ગઝલ.. અલખ અલખ ગિરનારી ગાજે નિત પડછંદા ગઝલ… આહા..!! અને કવિના આ સુંદર શબ્દોને જ્યારે  ક્ષેમુ દિવેટીઆનું સંગીત મળે, એમા શ્યામલ-સૌમિલની જોડીનો સ્વર ભળે…. એટલે તો કોઇ પણ ગઝલ પ્રેમી એને સાંભળ્યા જ કરે…

.

સભર સુરાહી લલિત લચક કટિ, કોમલસ્કંધા ગઝલ,
વન વન ભમતાં મિલત અતર્કિત યોજનગંધા ગઝલ.

લખચોરાસી લખત લખત ચખ વેધત રે લખ ગઝલ,
અલખ અલખ ગિરનારી ગાજે નિત પડછંદા ગઝલ.

ચાક ગરેબાં, બેબાક દિશાઓ દામન હરહર ઊડે,
અષ્ટપાશ આકાશ ઉડાવત ત્રુટિતફંદા ગઝલ.

સાંસ ઉસાંસ ચલાવત, છૂવત ઝિલમિલ સાતોં ગગન,
વિહઁસ વિહઁસ કરતાલ નચાવત ગાવત બંદા ગઝલ.

કઁહ લગ રુઠો, માન કરો અતિ, મુખ મચકોડો અલગ,
સૂર મિલાવી ગાવો પ્રિયજન, સત્-ચિત્-નંદા ગઝલ.

– રાજેન્દ્ર શુક્લ

‘ક્ષેમુ દિવેટીઆ’ સ્પેશિયલ 1 : ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં – રમેશ પારેખ

ગુજરાતી સંગીતપ્રેમીઓ માટે ખુશીના સમાચાર… આપણા વ્હાલા સંગીતકાર શ્રી  ક્ષેમુ દિવેટીઆને એમના સંગીતક્ષેત્રના પ્રદાન માટે ‘અવિનાશ વ્યાસ’ એવોર્ડ ‘ પૂજ્ય મોરારીબાપુ’ ના હસ્તે આવતી કાલે ’17મી ફેબ્રુઆરી’ ના દિવસે અર્પણ કરવામાં આવશે.

‘કાશીનો દિકરો’ માટે ‘શ્રેષ્ઠ સંગીતકાર’નો એવોર્ડ મેળવનાર શ્રી  ક્ષેમુ દિવેટીઆની ‘સંગીત સુધા’ એ ગુજરાતી સુગમ સંગીતનો અમુલ્ય હિસ્સો છે. એમણે કેટલાય નાટકો માટે પણ સંગીત આપ્યું છે.. એમના ગીતો ગુજરાતી સંગીત જગતમાં એક અનોખું સ્થાન ધરાવે છે, અને એમનું યોગદાન માટે આપણે સર્વે એમના હંમેશા ઋણી રહીશું.

એમના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે આપણા બધા તરફથી શુભેચ્છાઓ સાથે આજથી એક અઠવાડિયા સુધી ઉજવીએ એમના ગીતોનો ઉત્સ્વ…

અને શરૂઆત કરીએ ‘કાશીનો દિકરો’ ફિલ્મના આ ગીતથી…

સ્વર – વિભા દેસાઇ
સંગીત – ક્ષેમુ દિવેટીયા
ગુજરાતી ફિલ્મ – કાશીનો દિકરો

ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલા ઓછા પડ્યા રે લોલ
કમ્મખે દોથો ભરીને કાંઇ ટાંક્યા ને આભલાં ઓછાં પડ્યા રે લોલ

માંડવે મ્હેક મ્હેક જૂઇની વેલ કે જૂઇના રેલા દડે રે લોલ
સૈ, મારે નેવાંનું હારબંધ ટોળું કે સામટું મોભે ચડે રે લોલ

ત્રાજવે ત્રંફેલા મોરની ભેળી હું છાનકી વાતું કરું રે લોલ
લોલ, મારે મોભરે કાગડો બોલે ને અમથી લાજી મરું રે લોલ

મેંદીએ મેલું હું મનની ભાત્ય ને હાથમાં દાઝ્યું પડે રે લોલ
આડોશપાડોશ ઘમ્મકે વેલ્યું ને લાપસી ચૂલે ચડે રે લોલ

સૈ, મારી ઊંબરાની મરજાદ કે ઓરડા ઠેસે ચડ્યા રે લોલ
લોલ મારે પથ્થરને પાણિયારે કે જીવતાં મોતી જડ્યાં રે લોલ

લોલ, ઊભી આંગણે નાગરવેલ કે પાંદડા તૂટ્યા કરે રે લોલ
ઓરડે વાની મારી કોયલ આવે ને કાંઇ ઊડ્યા કરે રે લોલ

– રમેશ પારેખ (૨૬ સપ્ટેમ્બર, ૧૯૬૮)

——————
આ ફિલ્મના બીજા ગીતો તમે ટહુકો પર અહીં સાંભળી શકશો.

ઝીણાં ઝીણાં રે આંકેથી અમને ચાળિયા – અનિલ જોશી

કેવા રે મળેલા મનના મેળ – બાલમુકુન્દ દવે

સાંભરણ – માધવ રામાનુજ

દાન દે… વરદાન દે… – જયંત પલાણ

સ્વર : મધુસૂદન શાસ્ત્રી અને વૃંદ
સંગીત : ક્ષેમુ દિવેટીઆ

.

દાન દે, વરદાન દે, પ્રભુ દાન દે
નરસિઁહ અને મીરાં સમા
કંઠમાં કંઇ ગાન દે… દાન દે…

વૈભવ તારા રૂપનો, ઝીલી શકું એ ભાવ દે
તારા વિના તડપી મરું, એવા કલેજે ઘાવ દે
વસંત જ્યાં વરસે કૃપાની, એવા ઊરે વેરાન દે…. દાન દે…

કંપી ઊઠે તારો વીણાના તારા જ કેવળ રાગમાં
મઘમઘે આ ફૂલ મનનું, તારા પ્રેમ પરાગમાં
ભાળીશકું સર્વત્ર તુજને, એવું આતમ જ્ઞાન દે… દાન દે…

ઝીણાં ઝીણાં રે આંકેથી અમને ચાળિયા – અનિલ જોશી

હજુ બે દિવસ પહેલા જ વાત કરી, કે ગુજરાતી ગીતોમાં ‘male duets’ અને ‘female duets’ બહુ ઓછા જોવા મળે છે. આજે ફરીથી એક ‘female duet’ ગીત, અને એ પણ ગુજરાતી સંગીત જગતની બે legendary ગાયિકાઓના કંઠે..

(સૂની ડેલી…..        : Photo : Patricia Dorr Parker)

સ્વર : વિભા દેસાઇ – કૌમુદી મુંશી
સ્વરકાર : ક્ષેમુ દિવેટીઆ

.

ઝીણાં ઝીણાં રે આંકેથી અમને ચાળિયા
કાયા લોટ થઇને ઊડી
માયા તોય હજી ના છૂટી
ડંખે સૂની મેડી ને સૂના જાળિયા…

સૂની ડેલીને જોઇ પૂછશો ન કોઇ
કે અવસરિયા કેમ નથી આવતા
પાંદડું તૂટે તો લોહી નીકળશે ડાળને
એટલે તોરણ નથી બાંધતા…

છાપરે ચડીને મારું જીવતર બોલે
તો ઇને કાગડો જાણીને ના ઊડાડજો
કાયાની પૂણીમાંથી નીકળે જે તાર
ઇને ખાંપણ લગી રે કોઇ પૂગાડજો…

એકલી સળીને કોયલ માળો મા નીને
જીવતર જીવી ગઇ હવે થાય શું
ઇ રે માળામાં કોઇ ઈંડું ના મૂકજો
મૂકશો તો હાલરડાં ગાઇશું….

આખીએ રાત તને કહેવાની વાત… – હર્ષદ ચંદારણા

સ્વર : સંજય ઓઝા
સ્વરકાર : માલવ દિવેટીઆ

dew

.

આખીએ રાત તને કહેવાની વાત મેં
બોલ્યે રાખી તો થયાં ઝાકળનાં પાંચ સાત ટીપાં…

હોઠે જો હોત એ પંખીનું ગીત થઇ
છોડી હું દેત એને ફળિયાની ડાળના માળામાં
પગની જો થાત એ રણઝણતી ઝાંઝરી
મૂકી હું દેત એને સત્તરમા ઓરડે તાળામાં

અરે આંખોથી, ખોબાથી, ફૂલોથી, પાનોથી
કેમે સચવાય ના, ઝાકળનાં પાંચ-સાત ટીપાં…

પહેલું કિરણ જ્યાં સોયની અણી થઇ
સૂરજનું ખૂંપ્યું તો ફૂંટ્યાં કાળા ડિબાંગ પરપોટા
બીજું કિરણ જ્યાં ટીપાંને સ્પશ્યું ત્યાં
ટીંપાંમાં પડી ગયાં જળનાં ય કારમા તોટાં

મારા બોલ્યાનો નાદ, તને કહેવાની વાત ને
અંધારી રાત થયા દિવસ જેવા જ ખાલીપા…

– હર્ષદ ચંદારણા

એક સથવારો સગપણનો – વેણીભાઇ પુરોહિત

26મી જાન્યુઆરી ના દિવસે શબ્દો સાથે મુકેલું આ ગીત, આજે 26મી એપ્રિલના દિવસે ફરી એકવાર – સુર અને સંગીત સાથે..

સ્વર ઃ આશિત – હેમા દેસાઇ
સંગીત ઃ ક્ષેમુ દિવેટિયા

.

એક સથવારો સગપણનો
મારગ મજીયારો બે જણનો
… એક સથવારો …

આંખલડીના દીવા રે દીવા અજવાળાં અજવાળાં
વાંસલડીના ટહુકા રે ટહુકા પરવાળાં પરવાળાં

એક અણસારો ઓળખનો
એક ઝમકારો એક ક્ષણનો
… એક સથવારો …

ખબર નથી પણ અમથું અમથું લાગે વ્હાલું વ્હાલું
મેઘ ધનુષ્યની જાદુઇ રંગત, શું ઝીલું શું ઝાલું

એક ધબકારો રુદિયાનો
એક પલકારો પાંપણનો
… એક સથવારો …

સપનાની સંગતથી કેવું આખું ગગન ગુલાબી
ગુલાલની ગલીઓમાં ચાલો શું જમણી શું ડાબી

એક ફણગો છે ફાગણનો
એક તણખો છે શ્રાવણનો
… એક સથવારો …

તેં પૂછ્યો તો પ્રેમનો મર્મ – હરીન્દ્ર દવે

સ્વર : આનંદકુમાર સી.
સંગીત : ક્ષેમુ દિવેટીઆ
river.jpg

.

તેં પૂછ્યો તો પ્રેમનો મર્મ
ને હું દઈ બેઠો આલિંગન,
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો ,
સરિતાએ તોડ્યાં તટનાં બધંન.

એક અગોચર ઇજન દિઠું
નૈનભૂમીને પ્રાંગણ,
હું સઘળી મોસમમાં માણું
એક અહર્નિશ ફાગણ;

શતદલ ખીલ્યાં પામ્યાં કમલ પર
સૌમ્ય ગીતનું ગુંજન,
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો ,
સરિતાએ તોડ્યાં તટનાં બધંન.

નીલ વર્ણનું અંબર એમાં
સોનલવરણી ટીપકી,
વિંધી શામલ ઘટા, પલકને
અતંર વિજળી ઝબકી;

નૈન ઉપર બે હોઠ આંકતા
અજબ નેહનું અંજન,
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો ,
સરિતાએ તોડ્યાં તટનાં બધંન

રાતી રાતી પારેવાની આંખડી – વેણીભાઇ પુરોહિત

સ્વર : ?
સંગીત : ક્ષેમુ દિવેટીયા

.

રાતી રાતી પારેવાની આંખડી
ઝમકારા લાલ.. ઝમકારા..
ચટક ચણોઠી રાતી ચોળ
અમને રસ્તામાં રંગ લાગ્યો રાતો રાતોજી

લાલ રતન પૂરવમાં વેર્યાં
સૂરખી અદભૂત ઊડી રે
આથમણી મનમોજી રંગત
છલકે ત્રાંબાકુડી રે… ઝમકારાલાલ..

નયણાં નભને ઝીલે જોડા જોડ
ચટક ચણોઠી રાતી ચોળ
અમને રસ્તામાં રંગ લાગ્યો રાતો રાતોજી

અત્તરની ફોરમ મેંદીના
અંતરમાં મતવાલી રે
લીલો રંગ લપાવી બેઠો
લાજ શરમની લાલી રે… ઝમકારાલાલ..

મનડું મેંદીનો ઝીણો છોડ
ચટક ચણોઠી રાતી ચોળ
અમને રસ્તામાં રંગ લાગ્યો રાતો રાતોજી

વરસાદ ભીંજવે – રમેશ પારેખ

આમ તો આ ગીત જ્યારે દેશમાં ચોમાસાની શરૂઆત થઇ, ત્યારે મુક્યું હતું… ( તમે સાંભળવાના રહી નથી ગયા ને ?? ) પણ આજે અહીં એ ગીત ફરીથી લાવી છું, એ પણ કવિશ્રી રમેશ પારેખના અવાજ સાથે..!! અરે દિવાળીના દિવસોમાં યે ભીંજાઇ જવાય એવું ગીત છે, એટલે સમજો ને કે નવાવર્ષનો દિવસ વધુ સ્પેશિયલ થઇ જ ગયો…!!

સ્વર : રમેશ પારેખ

————————————————

Posted on July 4th, 2007

ગુજરાત મુંબઇમાં અને અહીં અમેરિકાના East Coastમાં ચોમાસુ બરાબર જામ્યું છે… તો હવે ટહુકો ખોલો ત્યારે પણ છત્રી લઇને જ બેસજો, હોં ને.. 🙂 એક એક કરીને એવા સરસ સરસ વરસાદી ગીતો આવે છે ટહુકો પર કે ભીંજાયે જ છુટકો… ( પણ સાથે સાથે ભગવાનને પ્રાથના પણ કરતા રહેજો હોં, કે કંઇક વ્યાજબી રાખે…. આખા વર્ષનો વરસાદ 2 દિવસમાં નથી જોઇતો.. બરાબર ને… !! )

સંગીત : ક્ષેમુ દિવેટીઆ

સ્વર : નાદબ્રહ્મવૃંદ

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે

ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે

નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે

ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે

પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે

થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.