બે વર્ષ પહેલા રામનવમીના દિવસે આ ભજન ટહુકો પર મુકેલું – પણ પછી કોઇક કારણસર સંભળાતું નો’તુ. તો આજે રામનવમી અને ભગવાન સ્વામીનારાયણના જન્મદિવસે – આ મારું ગમતીલું ભજન ફરી એકવાર – પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વર સાથે.. (અને સાથે સ્વામીનારાયણ ભગવાનની સ્તુતિ – જુઓ નીચેની પોસ્ટ)
સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય
——————————-
સ્વર : અનુરાધા પૌડવાલ
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય દારૂણમ્
નવ કંજ લોચન કંજ મુખ કર, કંજ પદ કંજારૂણમ્ … શ્રી રામચંદ્ર
જેનો એક-એક શેર એક ગઝલની ગરજ સારે – એવી જલન માતરીની આ સદાબહાર ગઝલ.. સાથે એમનું એટલું જ સુંદર મુક્તક.. અને એ પણ પુરુષોત્તમ ઉપાધ્યાયના દિગ્ગજ સ્વર – સ્વરાંકન સાથે..
અને સાથે બીજું એક બોનસ.. આ રેકોર્ડિંગ Live Program નું છે, એટલે વચ્ચે વચ્ચે પુરુષોત્તમ ઉપાધ્યાય જે વાતો કરે છે – કવિતા વિષે, ગુજરાતી ભાષા વિષે, ક્ષેમુ દિવેટીઆ વિષે, રાગ વિષે.. એ સાંભળવાની પણ એટલી જ મજા આવે છે. જાણે થોડી વાર માટે આપણે પણ એમને રૂબરૂ જ સાંભળ્યા હોય…!! (Weekend ની મજા લીધા પછી એમ પણ સોમવારે સવારે થોડી વધારે energy ની જરૂર પડે ને? તો આ ગઝલ સાંભળીને ચોક્કસ એ extra energy મળી રહેશે..! 🙂 )
પીધાં જગતના ઝેર તે શંકર બની ગયો
ને કીધાં દુ:ખો સહન તે પયંબર બની ગયો
મળતી નથી સિધ્ધી કદી કોઇને સાધના વિના
પણ તું ખરો કે આપમેળે ઇશ્વર બની ગયો
સ્વર : સંગીત – પુરુષોત્તમ ઉપાધ્યાય
.
મઝહબની એટલે તો ઇમારત બળી નથી,
શયતાન એ સ્વભાવે કોઇ આદમી નથી.
તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.
ત્યાં સ્વર્ગ ના મળે તો મુશીબતનાં પોટલાં,
મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી.
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.
હિચકારું કૃત્ય જોઇને ઇન્સાનો બોલ્યા,
લાગે છે આ રમત કોઇ શયતાનની નથી.
ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.
ઊઠ બેસમાં જો ભૂલ પડે મનના કારણે.
એ બંદગીનો દ્રોહ છે, એ બંદગી નથી.
મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.
ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી… છેલ્લા 1 મહિનામાં લગભગ 5-6 જેટલા ‘Construction In Progress’ projects નું audit કર્યા પછી આ વાત મને કદાચ વધુ સારી રીતે સમજાય છે..!! 🙂
પણ સાચ્ચે.. ગઝલનો મત્લા (પ્રથમ શેર) એવો જાનદાર છે કે આખી ગઝલ વાંચવા મજબૂર કરી દે..!! અને આવા શાનદાર શબ્દોને જ્યારે પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરાંકનમાં ‘ધનાશ્રી પંડિત’નો દમદાર અવાજ મળે, ત્યારે સાંભળનાર ડોલી ના ઉઠે તો જ નવાઇ..!!
.
સફળતા જિંદગીની, હસ્તરેખામાં નથી હોતી;
ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.
સુભાગી છે સિતારા કે ગણતરી થાય છે એની,
પ્રણયમાં નહિ તો કોઈ ચીજ ગણનામાં નથી હોતી.
મને દીવાનગી મંજૂર છે આ એક બાબત પર,
મહોબ્બતની મજા તમને સમજવામાં નથી હોતી.
તમે મારાં થયાં નહિ તોય મારાં માનવાનો છું,
કમી સચ્ચાઈમાં હોય છે, ભ્રમણામાં નથી હોતી.
વધુ હસવાથી આંસુ આવતાં જોઈને પૂછું છું,
અસર એનાથી ઊલટી કેમ રોવામાં નથી હોતી ?
હવે આથી વધુ શું ખાલી હાથે દિન વિતાવું હું ?
કે મારી જિંદગી પણ મારા કબજામાં નથી હોતી.
ન શંકા રાખ કે મારી ગરીબી બહુ નિખાલસ છે,
છે એ એવી દશા જે કોઈ પરદામાં નથી હોતી.
ધરાવે છે બધા મારા જ પ્રત્યે સંકુચિત માનસ,
જગા મારે જ માટે જાણે દુનિયામાં નથી હોતી.
કોઈ આ વાત ને સંજોગનો સ્વીકાર ના માને,
જગતની સૌ ખુશી મારી તમન્નામાં નથી હોતી.
મને છે આટલો સંતોષ દુનિયાની બુરાઈનો,
વિકસવાની તો શક્તિ કોઈ કાંટામાં નથી હોતી.
બધે મારાં કદમની છાપ ના જોયા કરે લોકો,
કે મંઝિલ મારી મારા સર્વ રસ્તામાં નથી હોતી.
મળ્યો છે સૌને જીવનમાં સમય થોડોક તો સારો,
ફિકર પોતાની કોઈનેય નિદ્રામાં નથી હોતી.
બીજા તો શું મને અંધકારમાં રાખીને છેતરશે ?
કે મારી જાત ખુદ મારીય છાયામાં નથી હોતી.
ગઝલમાં એ જ કારણથી હું મૌલિક હોઉં છું ‘બેફામ’
પીડા મારાં દુ:ખોની કોઈ બીજામાં નથી હોતી.
સૌપ્રથમ તો પ્રજાસત્તાકદિનની સૌને શુભેચ્છાઓ.. અને આજના આ ખાસ દિવસે તમારા માટે એક ખાસ ગીત પણ લાવી છું. – અને એ પણ વિડિયો સાથે 🙂
આપણા વ્હાલા ગુજરાતનું ગૌરવ ગાતું આ ગીત. ગુજરાતના ૨૬ કલાકારો એકસાથે ‘અડાલજની વાવ’ જેવા ઐતિહાસિક સ્થળે ભેગા થાય – અને એ પણ ગુજરાતની યશગાથા ગાવા માટે – એ કંઇ નાનીસુની વાત છે?
ગીત વિષે વધુ માહિતી માટે નીચેના આર્ટિકલ પર ક્લિક કરો.
(NOTE: જો તમારા internet ની speed ઓછી હોવાથી video અટકી જાય, તો એકવાર play કરી pause કરશો, અને થોડીવાર રાહ જોઇ પછી ફરી play કરશો, જેથી પૂરેપુરું buffering થઇ જાય)
સૌપ્રથમ તો સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… Wishing you all a Very Happy & Prosperous New Year..!! અને ૨૦૦૯ના વર્ષની શરૂઆત કરીએ આ મઝાના કૃષ્ણગીતથી… પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વર-સંગીત મઢ્યું આ ગીત વારંવાર સાંભળ્યા જ કરવાનું મન થાય એવું સરસ મઝાનું બન્યું છે..!! PUના ચાહકો માટે આ અચૂક one of the favorites બની જશે..
(मैं गतमें अपने मोहनकी…)
* * * * *
સ્વર – સંગીત ઃ પુરુષોત્તમ ઉપાધ્યાય
सब अपनी अपनी गतमें, मैं गतमें अपने मोहनकी;
वो मुरली बाजत मैं नाचत, नाचत राधा मोहनकी…
वो मेरा है कृष्ण कनैया, मैं उसकी दौहत हो गैया;
हम दोनों जमना के तट पर, खेलत होरी फागुनकी…
लाल में लाल मिल्यो मन मेरो, गरज गरज घन आयो घेरो;
मैं अपने घनश्यामकी बरसत, बरसत बदरी सावनकी…
———-
સબ અપની અપની ગતમેં, મૈં ગતમેં અપને મોહનકી;
વો મુરલી બાજત મૈં નાચત, નાચત રાધા મોહનકી…
૨૦૦૮ના વર્ષની આ છેલ્લી પોસ્ટ… આવતીકાલથી તો ૨૦૦૯નો સિક્કો લાગશે 🙂
૨૦૦૮નું સરવૈયું કાઢવા બેસીએ તો આમતો કેટકેટલુંય આવી જાય, પણ ગુજરાતી સાહિત્ય-કવિતા-ગઝલોને ધ્યાનમાં રાખીએ તો, એક વાત જરૂર યાદ આવે – ૨૦૦૮ એટલે આપણા લાડીલા શાયર/કવિ – ગની દહીંવાલાનું જન્મશતાબ્દીવર્ષ… તો આ વર્ષની છેલ્લી પોસ્ટ તરીકે ગનીચાચાનું આ સુંદર ગીત સાંભળી મઝા લઇએ..!