થોડા વખત પહેલા ‘ફીલિંગ્સ દીપોત્સવી વિશેષાંક – સંગીત વિશેષ’ વિષે વાત કરી હતી એ યાદ છે? એ જ અંકમા રઇશભાઇએ કેટલીક ગુજરાતી – સંગીતબધ્ધ થયેલી અમર ગઝલો નો આસ્વાદ કરાવ્યો છે. એમાંની એક ગઝલ, સાંભળીએ આશિતભાઇના મઝાના સ્વર-સંગીત સાથે, અને સાથે માણીએ રઇશભાઇના શબ્દોમાં આ ગઝલનો રસાસ્વાદ..!!
રહસ્યોના પડદાઓ ઉપાડી તો જો
ખુદા છે કે નહી હાક મારી તો જો
પલાઠી લગાવીને ના બેસી રહે
તુ મુઠ્ઠીઓ વાળીને ભાગી તો જો
હશે તો ઉઠી દોડવા માંડશે
તુ પ્રારબ્ધને લાત મારી તો જો
ખબર તો પડે મોતીઓ છે કે નહી
તુ સમુંદરમાં ડુબકી લગાવી તો જો
છે મીઠા કે ખારા સમજ તો પડે
જલન ઝાંઝવાઓને ચાખી તો જો
————–
આસ્વાદ : (‘ફિલિંગ્સ’ માંથી સાભાર)
જનાબ જલન માતરી ગુજરાતી ભાષાના વિદ્રોહી શાયર છે. ભારતીય સંસ્કૃતિમાં ચાર્વાકની નાસ્તિકતાથી લઇ, ઉપનિષદોના `અહં બ્રહ્માસ્મિ’ સુધીનું વૈવિઘ્યપૂર્ણ તત્ત્વજ્ઞાન ઝીલાયું અને સચવાયું છે. આ ગઝલમાં પણ કવિનો મિજાજ ઇશ્ર્વરના ઐશ્ર્વર્યને અને પ્રારબ્ધવાદના દૈન્યને પડકારે છે. રહસ્યોના પડદાની પાછળ ઓઝલ રહે, એવો ઇશ્ર્વર કવિને ખપતો નથી. જ્યાં જ્યાં પડદા છે ત્યાં પડદાની પાછળ ખરેખર કોઇ છે પણ ખરું ? એવો શક પડે. આ શકનો દાયરો ધર્મપ્રબોધકોએ, મુલ્લાઓ અને પંડિતોએ ઊભો કર્યો છે. ઇશ્ર્વર અનુભવી શકાય એટલો પારદર્શક બની જાય તો મુલ્લાઓ અને પંડિતોની દુકાન કેવી રીતે ચાલે ? તેથી જ દુનિયામા: પડદાઓનો (અને પંડાઓનો) મહિમા છે. `પ્રારબ્ધને લાત મારવાની’ વાત અને `હશે તો ઊઠી દોડવા માંડશે’નો વિચાર અદ્ભુત છે.અને જીવનારાઓમાં જોમ પ્રેરે એવો છે. આટલી બિન્ધાસ્ત રીતે, આટલી બેફિકરાઇથી અને આલી ખુમારીથી પુરુષાર્થનો મહિમા કદાચ બીજી કોઇ કવિતામાં થયો નહીં હોય !
– રઇશ મનીઆર
જેનો એક-એક શેર એક ગઝલની ગરજ સારે – એવી જલન માતરીની આ સદાબહાર ગઝલ.. સાથે એમનું એટલું જ સુંદર મુક્તક.. અને એ પણ પુરુષોત્તમ ઉપાધ્યાયના દિગ્ગજ સ્વર – સ્વરાંકન સાથે..
અને સાથે બીજું એક બોનસ.. આ રેકોર્ડિંગ Live Program નું છે, એટલે વચ્ચે વચ્ચે પુરુષોત્તમ ઉપાધ્યાય જે વાતો કરે છે – કવિતા વિષે, ગુજરાતી ભાષા વિષે, ક્ષેમુ દિવેટીઆ વિષે, રાગ વિષે.. એ સાંભળવાની પણ એટલી જ મજા આવે છે. જાણે થોડી વાર માટે આપણે પણ એમને રૂબરૂ જ સાંભળ્યા હોય…!! (Weekend ની મજા લીધા પછી એમ પણ સોમવારે સવારે થોડી વધારે energy ની જરૂર પડે ને? તો આ ગઝલ સાંભળીને ચોક્કસ એ extra energy મળી રહેશે..! )
પીધાં જગતના ઝેર તે શંકર બની ગયો
ને કીધાં દુ:ખો સહન તે પયંબર બની ગયો
મળતી નથી સિધ્ધી કદી કોઇને સાધના વિના
પણ તું ખરો કે આપમેળે ઇશ્વર બની ગયો