Category Archives: ગાયકો

તમે થોડું ઘણું સમજો તો સારું… – હરીન્દ્ર દવે

સ્વર : રેખા ત્રિવેદી
સ્વરકાર – ?

.

ટહુકો ફાઉન્ડેશનના સુર શબ્દની પાંખે કાર્યક્રમમાં માધ્વી મહેતાના સ્વરમાં સાંભળો.

તમે થોડું ઘણું સમજો તો સારું
કે રાજ વહેતા વાયરાને કેમ કરી વારુ
વહેતા વાયરાને કેમ કરી વારુ

ધારી ધારીને તમે બોલ્યા બે વેણ
એની અણધારી ચોટ ઉરે લાગી
જેનાં શમણામાં મીઠી નીંદર મ્હાણી’તી
એની ભ્રમણામાં રાતભર જાગી
ભર્યા ઘરમાં હું કેમ રે પોકારું હો રાજ — તમે થોડું

આપણી તે મેડીએ રે આપણ બે એકલા
ને ફાવે તેવી તે રીતે મળજો
મોટા નાનામાં મારે નીચા જોણું છે
રહો અળગા કે વાટ ના આંતરજો
મોટા ઘરની હું નાની વહુવારુ હો રાજ — તમે થોડું

આજ ગરબે રમે છે દેવ-દેવી સંગે…

સ્વર : રેખા-સુધીર ઠાકર

આજ ગરબે રમે છે દેવ-દેવી સંગે
રામ સીતા ભવાની ક્હાન હર હર ગંગે

રાત પૂનમ તણી છે ચાંદની જામી છે
છે રંગાયા અહીં સૌ જોગણીને રંગે
રામ સીતા ભવાની ક્હાન હર હર ગંગે

રાસ ગરબા ને તાંડવ ઢોલ ડમરું ઝાંઝર
સૌ ચડ્યા છે અહીં તો આજ જાણે જંગે
રામ સીતા ભવાની ક્હાન હર હર ગંગે

આ અલૌકિક રમતનું જો મળે દર્શન તો
પાર સૌ કોઇ પડે છે કામ રંગે ચંગે
રામ સીતા ભવાની ક્હાન હર હર ગંગે

ઉગતા પરોઢનો ટાઢો ટાઢો વાયરો – અવિનાશ વ્યાસ

આ ગીત કહો કે ગરબો… પંખીઓના કલબલાટ અને વાંસળીના સૂરની સાથે શરૂઆત એવી મઝાની થાય જાણે ભર બપોરે પણ પરોઢનો વાયરો અડકી જાય…!! અને મહીડા લ્યો રે… ની સાથે સાથે જાણે આપોઆપ જ કમર અને પગ થરકવા લાગે.!!

સ્વર – હેમા દેસાઇ
સંગીત – ગૌરાંગ વ્યાસ

.

હે મહીડા લ્યો રે…
હે મહીડા લ્યો.. રે…
હે મહીડા લ્યો… રે…

ઉગતા પરોઢનો ટાઢો ટાઢો વાયરો
મહીયારણ મહી વેચવા જાય રે
માથે મટુકી મેલી..
સુરત સાંવરી, લીલી પીળી પામરી
વાયરે વિંઝાતી જાય રે
માથે મટુકી મેલી..

હો મહીડા લ્યો રે…

માથે મટુકી મેલી

ઉગતા સૂરજની છડી રે પોકારતો
બોલે રે મોર… બોલે રે મોર…
ગામને જગાડતો ઘરરર ઘરરર
ઘંટીનો શોર… ઘંટીનો શોર…

સાકરીયા સાદનો થાતો રે ઝણરો
આથમતા અંધારામાં ઝાંઝરનો ઝણકો
શેરીઓમાં પડઘા પથરાય રે..
માથે મટુકી મેલી

ઉગતા પરોઢનો ટાઢો ટાઢો વાયરો
મહિયારણ મહિ વેચવા જાય રે
માથે મટુકી મેલી

હો મહીડા લ્યો રે…
મહીડા લ્યો.. રે…
મહીડા લ્યો… રે…

ગાવલડીની કોટે, ઘંટડીયું રે વાગતી
વ્હાલાની વાંસળી ગામને જગાડતી
હું યે મીઠી ને મારા માખણીયા મીઠા
રૂપ તો અમારા એવા, કોઇએ ના દીઠા
મરક મરક મુખલડું મલકાય રે
માથે મટુકી મેલી

ઉગતા પરોઢનો ટાઢો ટાઢો વાયરો
મહિયારણ મહિ વેચવા જાય રે
માથે મટુકી મેલી

હો મહીડા લ્યો રે…
મહીડા લ્યો.. રે…
મહીડા લ્યો… રે…

એક સાબરકાંઠાનો શાહુકાર – તુષાર શુક્લ

સ્વરાંકન – નયનેશ જાની
સ્વર – નિશા કાપડિયા , નિગમ ઉપાધ્યાય

એક સાબરકાંઠાનો શાહુકાર, એના દલડા માથે દેવું
કે વેણો વરીયાળી
એક ગોંડલ ગામની ગોરી, એનું ચીતડું લેવું ચોરી
કે વેણો વરીયાળી

ઘરફોડીનો ગણેશિયો આ તો દલ ચોર્યાની વાત
દનદાડાનું કોમ નૈ રે એણે માથે લીધી રાત
કે વેણો વરિયાળી

માઝમ કોતર મેલીયાં કે લો આયો ગમતો ઘેર
ગોમના લોક તો જોઈ રિયાં એ તો કરતો લીલાલ્હેર
કે વેણો વરિયાળી

આવી આવી નોરતાની રાત – અવિનાશ વ્યાસ

સ્વર – કમલ બારોટ અને કોરસ
સ્વરાંકન – અવિનાશ વ્યાસ

આવી આવી નોરતાની રાત
મારી સૈયર ગરબે રમવા હાલો

રૂડો ચાચરનો ચોક શણગારી
માથે ચંદરવો ઓઢાળો
ગરબે રમવા હાલો

તોરણ બાંધ્યા માંડવે અને
દીવડા મેલ્યા દ્વાર
સરખી સહિયર આવજો
સોળે સજી શણગાર
એ…ય સોળે સજી શણગાર
સૈયર મોરી ગરબે રમવા હાલો

હાલો
આવી આવી નોરતાની રાત
મારી સૈયર ગરબે રમવા હાલો

એ… ચરણે ઝાંઝર ઝમકતાં ને
કર કંકણનો સાથ
કાને લટકે લોળિયાં ને
મેંદી ભરેલા હાથ
એ…ય મેંદી ભરેલા હાથ રે
સૈયર મોરી ગરબે રમવા હાલો

હાલો
આવી આવી નોરતાની રાત
મારી સૈયર ગરબે રમવા હાલો

– અવિનાશ વ્યાસ

(આભાર – માવજીભાઇ.કોમ)

પતૈરાજાનો ગરબો – પ્રફુલ દવે

આજે નવરાત્રીના અવસરે ચાલો સાંભળીએ પાવાગઢનાં શ્રી મહાકાલી મા માટે ગવાતો આ ‘પતૈરાજાનો ગરબો’ પ્રફુલ દવેનાં સ્વરમાં

.

ગરબે ઘુમે રે, ગરવી ગુજરાતણ…

સ્વર : રાજુલ મહેતા

(Photo: Dandiyazone.com)

હે જુઓ ગરબે ઘુમે રે, ગરવી ગુજરાતણ
હે કેવી શોભે મલકતી નાર, ગરવી ગુજરાતણ..

હે એના કંઠે કોયલડી ટહૂકે છે..
એની આંખે વીજલડી ઝબકે છે…
એની ડોકે રે કામણહાર, ગરવી ગુજરાતણ

એને ડગલે તે ધરણી ધમધમતી
એની કેડો ઝુલ્યે છે કેવી મનગમતી
એના ઝાંઝર કરે ઝણકાર, ગરવી ગુજરાતણ

તું મીંઢળ જેવો કઠ્ઠણ… – વિનોદ જોશી

મારું આ ખૂબ જ ગમતું ગીત – આમ તો ૪ વર્ષ કરતા વધુ સમયથી ટહુકો પર ગૂંજે છે..! (તમે સાંભળવાનું ચૂકી નથી ગયા ને? )
આજે ફરી આ ગીત – અને એ પણ એક મઝ્ઝાના બોનસ સાથે.. આ જ ગીત – કવિના પોતાના સ્વર અને સ્વરાંકન સાથે..! મને શિકાગોમાં આ ગીત વિનોદભાઇ પાસે તો સાંભળવા મળ્યું જ હતું – પણ મધુમતીબેને પણ એમના મધુરા સ્વરમાં આની એક રજૂઆત કરી હતી..!

ચલો.. વધુ પૂર્વભુમિકા વગર સાંભળો અને માણો આ મસ્ત ગીત..!

સ્વર અને સ્વરાંકન : વિનોદ જોશી

.

*******
Posted on July 26, 2006.

સ્વર : રેખા ઠાકર
સંગીત : સુધીર ઠાકર
RA2840

.

તું મીંઢળ જેવો કઠ્ઠણ.. ને હું નમણી નાડાછડી
તું શીલાલેખનો અક્ષર, ને હું જળની બારાખડી

એક આસોપાલવ રોપ્યો…
તેં આસોપાલવ ફળીયે રોપ્યો.. તોરણમાં હું ઝુલી
તું અત્તરની શીશી લઇ આવ્યો, પોયણમાં હું ખીલી

તું આળસ મરડી ઉભો.. ને હું પડછાયામાં પડી..
તું મીંઢળ જેવો કઠ્ઠણ….

એક પાનેતરમાં ટાંક્યું,
મેં પાનેતરમાં મોતી ટાંક્યું, તેં પૂજ્યા પરવાળા
મેં શ્રીફળ ઉપર કંકુ છાંટ્યું, તેં પૂછ્યા સરવાળા

તું સેંથીમાં જઇ બેઠો, ને હું પાંપણ પરથી દડી
તું મીંઢળ જેવો કઠ્ઠણ…

– વિનોદ જોશી

સખી, મારી આંખોમાં ખૂંચે ઉજાગરો -મણિલાલ દેસાઈ

આજે ૧ લી ઓક્ટોબર – એટલે ગુજરાતી સુગમ સંગીતના જાજરમાન સંગીતકાર એવા આપણા ક્ષેમુદાદાનો જન્મદિવસ. એમની સ્મૃતિમાં અમદાવાદમાં જે કાર્યક્રમ હતો, એની માહિતી ટહુકો પર મૂકી હતી એ યાદ છે?

અહીં ટહુકો પર પણ આપણે ક્ષેમુદાદાને યાદ કરી એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે માણીએ એમનું આ મઝાનું ગીત…! ક્ષેમુદાદા પોતાના સ્વરાંકનો થકી આવનાર કેટલીય પેઢીઓ સુધી ગુજરાતીઓને હ્રદયસ્થ રહેશે..!

(અમર ભટ્ટ, રાસબિહારી દેસાઇ, વિભા દેસાઇકાવ્યસંગીત શ્રેણી : સ્વરકાર શ્રી ક્ષેમુ દિવેટીયા : October 1 : Ahmedabad)

સંગીત : ક્ષેમુ દિવેટીયા
સ્વર : પૌરવી દેસાઈ

સખી, મારી આંખોમાં ખૂંચે ઉજાગરો,
જાગતી’તી શમણાંમાં કેટલીયે રાત, મને તે દિ’ ના લાગ્યો કાંઈ આકરો.

સુણીને મોરલીનો નાદ મધરાતે હું ઝબકીને એવી તો જાગી,
ત્યારથી આ નયણાંને ક્યાંયે ન ગોઠતું ને હૈયાને રઢ એક લાગી;
સખીઓ સૌ સંદેશા કહી કહી થાકી ને તોયે ના આવ્યો કહ્યાગરો,
સખી, મારી આંખોમાં ખૂંચે ઉજાગરો.

આવી મળે ને ભલે મારગમાં કોઈ દિ’ તો કાળિયાનું મ્હોંયે નથી જોવું,
યમુનામાં ધીરેથી પડછાયો પાડતો ને મુરલીને જઈને શું કહેવું !
દાણ રોજ રોજ મને આપવાનું મન થાય એવો આ મુલકનો ઠાકરો,
સખી, મારી આંખોમાં ખૂંચે ઉજાગરો.

-મણિલાલ દેસાઈ

તારી ચૂંટી ખણીને જગાડવાની ટેવ – રમેશ પારેખ

સ્વર – હેમા દેસાઇ
સ્વરાંકન – આશિત દેસાઇ

(આખું જંગલ થઈ ગયું વાંસળી……..)

Date : 27 May 2006(2006-05-27), 13:06
Source : Adashino chikurin-no-michi
Author : solution_63

તારી ચૂંટી ખણીને જગાડવાની ટેવ,
પોપચામાં નીંદરથી ચીતરાતું,
ભલું મારું સપનું બગડવાની ટેવ.

હું તો કાગડાથી બીઉં છું ને એટલે,
તને કાગડાઓ પાળવાનો શોખ થાય,
હું મારા ટેરવાંને કોયલ કરું ને
તારી આ આંબો સંતાડવાની ટેવ.

તારી ચૂંટી ખણીને જગાડવાની ટેવ…

ને પવન એમ સોંસરવો વાય,
આખું જંગલ થઈ ગયું વાંસળી,
આ મારે પાણીનું ટીપું ___?
તને દરિયો ઉડાડવાની ટેવ.

તારી ચૂંટી ખણીને જગાડવાની ટેવ…