Category Archives: કમલ બારોટ

આવી આવી નોરતાની રાત – અવિનાશ વ્યાસ

સ્વર – કમલ બારોટ અને કોરસ
સ્વરાંકન – અવિનાશ વ્યાસ

આવી આવી નોરતાની રાત
મારી સૈયર ગરબે રમવા હાલો

રૂડો ચાચરનો ચોક શણગારી
માથે ચંદરવો ઓઢાળો
ગરબે રમવા હાલો

તોરણ બાંધ્યા માંડવે અને
દીવડા મેલ્યા દ્વાર
સરખી સહિયર આવજો
સોળે સજી શણગાર
એ…ય સોળે સજી શણગાર
સૈયર મોરી ગરબે રમવા હાલો

હાલો
આવી આવી નોરતાની રાત
મારી સૈયર ગરબે રમવા હાલો

એ… ચરણે ઝાંઝર ઝમકતાં ને
કર કંકણનો સાથ
કાને લટકે લોળિયાં ને
મેંદી ભરેલા હાથ
એ…ય મેંદી ભરેલા હાથ રે
સૈયર મોરી ગરબે રમવા હાલો

હાલો
આવી આવી નોરતાની રાત
મારી સૈયર ગરબે રમવા હાલો

– અવિનાશ વ્યાસ

(આભાર – માવજીભાઇ.કોમ)

ઝટ જાઓ, ચંદનહાર લાવો… – ચીમનલાલ ભીખાભાઈ જોશી

આ ગીત તો હું ઘણી નાની હતી ત્યારથી સાંભળતી આવી છું, અને ત્યારથી મને ઘણું ગમતું આ ગીત. એકદમ હળવા થઇ જવાય એવું ગીત છે..!!

સ્વર : મન્ના ડે, કમલ બારોટ
સંગીત : કલ્યાણજી – આનંદજી

.

ઝટ જાઓ, ચંદનહાર લાવો, ઘૂંઘટ નહીં ખોલું હું
મને લાગ્યો છે હારનો નેડલો, તમથી નહીં બોલું હું

નહીં ચડે ચૂલે રોટલી, ને નહીં ચડે તપેલે દાળ,
હાર નહીં લાવી દીયો, તો તો પાડીશ હું હળતાળ રે
ઘૂંઘટ નહીં ખોલું હું …

નાણાના નખરા બધા, નાણાના સૌ નાદ
માંગવાનું તું નહીં મૂકે, તો મને મૂકાવીશ તું અમદાવાદ
ઘૂંઘટ ઝટ ખોલો ને.. .

હે વડોદરે લ્હાવો લઉં, ને કરું સુરતમાં લ્હેર
હાર ચડાવી ડોકમાં, મારે જોવું છે મુંબઇ શે’ર રે
ઘૂંઘટ નહીં ખોલું હું …

અરે ભાવનગર ભાગી જઇશ, કે રખડીશ હું રાજકોટ
પણ તારી સાથે નહીં રહું, મને મંગાવીશ તું તો લોટ રે
ઘૂંઘટ ઝટ ખોલો ને.. .

મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ…. – નીનુ મઝુમદાર

સોનેરી રંગ સાંજનો
ફૂલ ગુલાબી પ્રભાત
નીલ રંગનું આભલું
શ્યામલ વરણી રાત

સઘળા રંગો મેં રળ્યા
દિલના રંગની સાથ
તોય પીયુની પાઘડીએ પડી
કોઇ અનોખી ભાત

( આ એક જ ગીત બે અલગ અલગ સ્વરમાં સાંભળવું ચોક્કસ ગમશે. )

paaghadie
સ્વર : કમલ બારોટ

.

મેં તો રંગ્યો હતો એને દલડાની સંગ
તો યે સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ
મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ

મેં તો રંગ્યો હતો એને દલડાની સંગ ….

રંગ તો એવો જાલીમ જાણે જમદૂતે ઝંખેલો હો..
ક્યાંકથી લાવ્યો પાતાળ ભેદી નાગણનો ડંખેલો હો..
એના ઝેરની ઝાપટ લાગી મુને ફુટ્યો અંગેઅંગ
મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ

મેં તો રંગ્યો હતો એને દલડાની સંગ ….

રંગની ઉપર રંગ ચડે તે મુળનો રંગ ધોળો હો..
સાહ્યબો મારો દિલનો જાણે શિવજી ભોળો ભોળો હો..
હે કોઇ ભીલડીએ એને ભરમાવી એના તપનો કીધો ભંગ
મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ

મેં તો રંગ્યો હતો એને દલડાની સંગ ….