Category Archives: ગાયકો

આવે મેહુલિયો! – અવિનાશ વ્યાસ

સ્વરકારઃ ક્ષેમુભાઈ દિવેટીયા

ગાયકઃ શ્રુતિવૃંદ

.

કાનમાં પવન કહીને ચાલ્યો- કે હે આવે મેહુલિયો!
ધીખરતી ધરતીને માથે ભીનો ભીનો વીંઝણલો ઢાળ્યો.

દૂર દૂર દૂર દખ્ખણના ઢોલ વાગ્યાઃ મસ્ત મેહુલિયો આયો રે!
બજે આભે નિશાન ડંકો, એને પવન નાંખતો પંખો;
થયો ધરતીનો પાવન મનખો, આજ ઘર આવે એનો બંકો.
દળ વાદળનાં મોતી વેરતાં, ગગન મલ્હાર ગવાયો રે!

લીલી લીલી ધરતી મન મલકંતી તરુવર ચઢીને બોલે,
ખળખળખળ ખળખળખળ સરિતા ને ઝરણાં સરવરિયા પણ ડોલે.
વસુંધરાનો પાલવ લ્હેરે, તરસ્યાનો જામ ભરાયો રે!

….કાનમાં પવન કહીને ચાલ્યો- કે હે આવે મેહુલિયો!…….

ધોધમાર વસાદ પડી રહ્યો હોય અને ધરતી એનું ખોબેખોબે રસપાન કરી રહી હોય ત્યારે એ દ્રશ્ય આંખ સામે આવે કે જાણે માતાએ હમણાં જ જન્મેલા બાળકને ખોળે લીધું છે અને એના સ્તનમાંથી આપોઆપ જ દૂધની સેરો નીકળી રહી છે! માતાના દૂધમાંથી મળતા સંસ્કાર, પોષણ અને હૂંફ બળકનું જીવનપર્યંતનું ભાથું બની રહે છે એમ વરસાદ પણ ધરતીને જાણે આખા વર્ષનું પોષણ પૂરું પાડે છે. ભગવાને વરસાદ આપીને પોતાના લાડલા દીકરા માણસને કેટકેટલું આપી દીધું છે!! પાણી જ જીવન છે, અને સંસ્કૃતમાં પાણીને “જીવન” પણ કહે છે.

વરસાદ પડતાં જ મન બાળક બની જાય છે અને આપણે મોગરાના ફૂલ પર પડેલાં ટીપાં પી જઈએ છીએ, કાગળની હોડી બનાવી એમાં કીડી ને મંકોડાને મૂકી હોડીને તરતી મૂકી દઈએ છીએ. વરસાદ પડતાં જ મન પ્રેમી બની જાય છે અને વરને સાદ પાડીને બોલાવી Hero Hondaને આપણા romantic ઉન્માદોની kick મારી મકાઈ ખાવા નીકળી પડીએ છીએ. વરસાદ પડે અને મન મીરાંબાઈ બની જાય અને કહે કે “હું તો વ્હાલાના વરસાદે જ ભીંજાવું”, અન્યથી તો કોરી ને કોરી!

પાણીનું મહત્વ કોણ જાણે? એક તો છે દરિયાની માછલી કે જે સતત પાણીમાં જ મસ્ત છે, પાણીથી જ એનું જીવન છે. બીજું આ આકાશ કે જે પાણીના વાદળથી ભરેલું અને ખીલેલું લાગે છે. ઝાડ કે જે પાણીથી મ્હોરી ઊઠે છે. નદી કે જે પાણીથી ધસમસતી તરુણી બને છે. આપણા જીવનમાં પણ કોઈ પાણી બનીને આવ્યું હશે કે જેનાથી આપણે જીવીએ છીએ, જીવન ભરેલું છે, ખીલેલું છે, મઘમઘતું છે- એ “કોઈ”ને યાદ કરી કૃતજ્ઞ થવાના દિવસો એટલે આ વરસાદી મોસમ!

પ્રસ્તુત ગીતમાં વરસાદનું ખૂબ સરસ વર્ણન કરેલું છે. છાનું રે છપનું કાંઈ થાય નહી અને ઝાંઝર કે હાથની બંગડી જેમ ચાડી ખાય તેમ મેહુલિયો આવી રહ્યો છે અને ધરતી એના મિલને ઉત્સુક છે એ વાતની ચાડી આપણા કાનમાં પવન કરી જાય છે. અને પછી તો વરસાદ પણ નક્કી કરે છે કે જબ પ્યાર કિયા તો ડરના ક્યા અને ચોરી છૂપીથી નહી પણ દખ્ખણના ઢોલ વગાડતો આવી પહોંચે છે…….અને હવે તો ભરાયો છે એટલે વસુંધરાનો પાલવ પણ લ્હેરે છે! ખૂબ સુંદર શબ્દો અને સ્વરનિયોજનનુ શ્રુતિવૃંદે ગાયેલું આ ગીત અંતમાં અચાનક ધીમું પડી જાય છે ત્યારે પ્રશ્ન થાય કે આનંદ અને ઉત્સવના આ ધરતી-વરસાદના મિલનના વાતાવરણમાં આ ગંભીરતા શાની?? અહીં જ તો સ્વરકાર ક્ષેમુભાઈએ કમાલ કરી છે- ધીમું પડી જતું ગીત આપણને જાણે કવિ કાન્તના ચક્રવાક મિથુન કાવ્યની એ પંક્તિઓ યાદ કરાવી જાય છેઃ “પ્રણયની પણ તૃપ્તિ થતી નથી, પ્રણયની અભિલાષ જતી નથી” મિલનના સંતોષ અને કાંઈક મળ્યું છે એના વિચારોમાં મગ્ન ધરતી પાસું ફેરવીને જુએ છે તો એનો મેહુલિયો તો છે નહી!! ત્યાં જ જાણે પેલો પવન ફરીથી એના કાનમાં કહેતો હોય છે કે “કે હે આવે મેહુલિયો……આવતા શ્રાવણમાં!” અને એ મિલન પછીની જુદાઈ જાણે ધરતીથી જીરવાતી ના હોય એના સંકેત રૂપે ગીત પણ ધીમું થઈ જાય છે! પણ એક વાતની મોટી ખુશી  ધરતી પાસે છે કે ધરતી હવે એકલી નથી, એનો પાલવ હવે લહેરાઈ રહ્યો છે, અને આશ્વાસન છે કે આવતા શ્રાવણમાં વરસાદ આવશે જ!

પ્રિય પપ્પા હવે તો તમારા વગર…. – મુકુલ ચોક્સી

લાડકી દીકરી સાસરે જાય, ત્યારની વિદાયવેળાના ઘણા ગીતો આપણે સાંભળ્યા છે, અને વધુ એવા ગીતો હજુ ટહુકો પર આવશે… પણ આ ગીત થોડુ અલાયદું છે.

અહીં પ્રસ્તુત ગીતમાં એક દીકરી જ્યારે સાસરે ગયા પછી પપ્પાને યાદ કરે છે, તેની વ્યથા છે. મા-બાપ સાથેનો નાતો અનોખો જ હોય છે.. અને તેમાં પણ જ્યારે દીકરી પપ્પાની થોડી વધુ લાડકી હોય.. ત્યારે એને આમ પપ્પાથી દૂર પરદેશે જવાનું વધારે આકરું લાગતું હોય.

આજે ‘ફાધર્સ ડે’ ના દિવસે આ ગીત ખાસ દીકરીઓ અને દીકરીઓના પપ્પાઓ માટે.

Happy Father’s Day, Pappa.

સ્વર : નયના ભટ્ટ
સંગીત : મેહુલ સુરતી

.

પ્રિય પપ્પા હવે તો તમારા વગર
મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર

આ નદી જેમ હું પણ બહુ એકલી
શી ખબર કે હું તમને ગમું કેટલી

આપ આવો તો પળ બે રહે છે અસર
જાઓ તો લાગે છો કે ગયા ઉમ્રભર

…મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર …

યાદ તમને હું કરતી રહું જેટલી
સાંજ લંબાતી રહે છે અહીં એટલી

વ્હાલ તમને ય જો હો અમારા ઉપર
અમને પણ લઇને ચાલો તમારે નગર

…મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર …

તારા વિના નર્મદામાતા…. – મુકુલ ચોક્સી

સંગીત : મેહુલ સુરતી
સ્વર : રૂપકુમાર રાઠોડ, સાધના સરગમ

ગીત પહેલા મમળાવો એક વાચકમિત્રના શબ્દો :

બાળકની પુષ્ટિ અને સંસ્કાર માટે માતાનું દૂધ (બાટલીનું નહીં) જેટલું જરૂરી છે એટલું જ મહત્ત્વ માણસ માટે નદીનાં પાણીનું છે. પૃથ્વીમાતાનાં સ્તન એટલેકે પર્વતોમાંથી નીકળતી વાત્સલ્યની ધારા એટલે નદી! સમગ્ર જીવસૃષ્ટિને પોષણ આપનાર નદી આપણી માતા છે, અને ગુજરાતની આવી એક માતા એ नमामी देवी नर्मदे!! સા દદાતિ નર્મ યા નર્મદા- જેનું દર્શન માત્ર આપણને નર્મ અર્થાત આનંદ આપે છે તે નર્મદા. નર્મનો બીજો અર્થ સંસ્કૃતમાં રમવું એ પણ થાય છે, તો જે આપણને શીખવે છે કે જીવન એક રમત છે, ગીતામાં કહ્યું છે તુષ્યન્તિ ચ રમન્તિ ચ તેમ એવી નદીમાતા એટલે નર્મદા!

આપણી સંસ્કૃતિના નિર્માણ અને સંવર્ધનમાં નર્મદાનો ઘણો મોટો ફાળો છે. હજારો વર્ષો પૂર્વે બલિ રાજા નર્મદાના દશાષ્વમેઘ ઘાટ પર રહેતો હતો અને એને ઘરે ખુદ ભગવાન વામન અવતાર રૂપે આવ્યા અને સંસ્કૃતિનુ રક્ષણ કર્યું હતું. એના કિનારે કાંઈ કેટલાયે ઋષિઓના આશ્રમો હતા. સ્કંદ પુરાણમાં લખાણ છે કે નર્મદાકિનારે 100 million તીર્થયાત્રાળુઓ આવતા હતા. ભૃગુ ઋષિ ૫૦૦૦ વર્ષ પૂર્વે ભરુચ (ભૃગુપુર અથવા ભૃગુકચ્છ)માં નર્મદાકિનારે વસતા હતા. મહર્ષિ યાજ્ઞવલ્ક્યએ તો આખી સંસ્કૃતિનું નિર્માણ નર્મદાકિનારે કર્યું હતું અને આપણને શુક્લ યજુર્વેદ આપ્યો. અત્યારે આપણા ગુજરાતીઓનાં લગ્ન થતી વખતે પુરોહિત જે મંત્રોચ્ચાર કરે છે અને આપણે બીજીબધી ધાર્મિક વિધિઓ કરીએ છીએ એ બધી આ નર્મદા કિનારે રચાયેલા શુક્લ યજુર્વેદમાંથી આવેલા છે! શંકરાચાર્યએ નર્મદા કિનારે અભ્યાસ કર્યો અને આપણને અદ્વૈત philosophy આપી, નર્મદાની સ્તુતિ કરતું नमामी देवी नर्मदे સ્તોત્ર આપ્યું. ત્યારે સરદાર સરોવરથી ગુજરાતને ઘણા બધા materialistic લાભ થાય છે અને થવાના છે, અને એની પાછળ જીવાદોરી ગુજરાતની નર્મદા જ છે, અને સાથે સાથે આપણને આ પણ યાદ રહે કે આપણી સંસ્કૃતિ ઊભી કરવામાં અને ટકાવવામાં નર્મદા માતાનો કેટલો મોટો ફાળો છે. નર્મદા કિનારે સાક્ષાત ભગવાન આવીને વસ્યા છે તો આપણને આટલું બધું મળ્યું છે. જ્યારે જ્યારે train ભરુચથી સુરત જાય ત્યારે નર્મદાનાં દર્શન કરતી વખતે આપણને આ કૃતજ્ઞતા હૈયામાં ઊભરાઈ આવે અને માથું નર્મદા માતાનાં ચરણોમાં નમી જાય!!

.

નર્મદા… નર્મદા… નર્મદા….
બંધના બંધનથી તને બાંધુ જીવતરને હું જળથી સાંધું
તારા વિના નર્મદામાતા, કોણ મને આપે શાતા

નર્મદા… નર્મદા… નર્મદા….

sabindu sindhu suskhalatta ra~Nga bha~Nga ra~njitaM
सबिन्दु सिन्धु सुस्कलत्त रंगभंग रंजितम
dviShatsu paapa jaatajaata kaadivaari sa.nyutam.h |
द्विश्त्सु पाप जातजात कदीवरी संयुतम
kR^itaantaduuta kaalabhuuta bhiitihaari varmade
क्रितांतदूत कालभूत भीतिहारी वर्मदे
tvadiiya paada pa~NkajaM namaami devi narmade || 1||
त्वदिय पाद पंकजम नमामी देवी नर्मदे

tvadam bulii nadiinamiinadivyasaMpradaayakaM
त्वदम्बुली नदीनमी दिव्य संप्रदायकम
kalau malaugha bhaarahaari sarvatiirtha naayakam.h |
कलौमलौघ भारहारी सर्वतीर्थ नायकम
sumach ChakachCha nakra chakra vaakachakrasharmade
सुमच चक्च नक्र चक्र वाकचाक्र शर्मदे
tvadiiyapaadapa~NkajaM namaami devi narmade || 2||
त्वदिय पाद पंकजम नमामी देवी नर्मदे
त्वदिय पाद पंकजम नमामी देवी नर्मदे
त्वदिय पाद पंकजम नमामी देवी नर्मदे

તુજ પરિક્કમા કરતા કરતા પાવન થાનારા છે અહીંયા
કહી નમામી દેવી નર્મદે, મહીમા ગાનારા છે અહીંયા
જો તારા ઘોડાપૂર મહીં તારાજ થનારા પણ છે
ને તારી શ્રધ્ધાના મીઠા ફળ ખાનારા છે અહીંયા

ભિક્ષુક યાત્રિક હો કે પથીક હો
સાધુ સંત હો કે શ્રમિક હો
જે તુજ જળમાં ભીંજાતા, પાવન એ સહુ થાતા
તારા વિના નર્મદામાતા, કોણ મને આપે શાતા
નર્મદા… નર્મદા… નર્મદા….

વરસાદ વિનાના ગામોમાં ધરતીની હથેળી કોરી છે
ત્યાં નહેરના પાણી પહોંચાડો ને જુઓ હરિયાળી મ્હોરી છે
તુજ વીજળીથી, તુજ ઉર્જાથી, ને તુજ સિંચાઇના પાણીથી
ઉત્તર ગુજરાતથી કચ્છ સુધી ખેતીની મૌસમ ફોરી છે

આખું વરસ ભરપૂર રહે છે, કાંઠાઓ છલકાવી વહે છે
તુ જીવનની માતા, તું છે અન્નની દાતા
તારા વિના નર્મદામાતા, કોણ મને આપે શાતા

થઇ તુજથી અળગા દૂર જઇ કઇ વિસ્થાપીતો ઉભા છે
તેઓના હકને માટે લડનારા મેદાનમાં ઉતર્યા છે
સરદાર સરોવર ખેતી ને વીજળીનો તારણહાર હશે
પણ યાદ રહે એ જળમાં કંઇ કેટલા ગામો ડૂબ્યા છે

એ ગામની ભીની માટી પર આંસુની વધતી સપાટી પર
વાયરા એવા વાતા, પ્રશ્નો વધતા જાતા
તારા વિના નર્મદા માતા, કોણ મને આપે શાતા

કોઇ વિસ્થાપીત નહીં રહે સહુ કોઇને જાણ એ વાતની છે
આ સકલ્પનો સંકલ્પ ફળે એ ઇચ્છા ભારતમાતની છે

આ સપનું છે આ વર્તમાન, આ ભાવિ છે આ જીવન છે
આ બંધ એ કેવળ બંધ નથી, જીવાદોરી ગુજરાતની છે

પ્રેમમાં ચાલને ચકચૂર થૈ ચાલ્યા કરીએ – હરીન્દ્ર દવે

એકવાર સાંભળો અને તરત જ ગમી જાય, અને પછી વારંવાર બસ સાંભળ્યા જ કરવાનું મન થાય એવી સુંદર ગઝલ.

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય, હંસા દવે

.

પ્રેમમાં ચાલને ચકચૂર થૈ ચાલ્યા કરીએ,
સૂર્યની આંખે અજબ નૂર થૈ ચાલ્યા કરીએ.

એને બદનામી કહે છે આ જગતના લોકો,
ચાલને, આપણે મશહૂર થૈ ચાલ્યા કરીએ.

એના ધસમસતા પ્રવાહે બધું આવી મળશે,
પ્રેમનું કોઈ અજબ પૂર થૈ ચાલ્યા કરીએ.

પ્રેમના ગર્વથી વધતો નથી સંસારનો ગર્વ,
ચાલ, ભગવાનને મંજૂર થૈ ચાલ્યા કરીએ.

મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે

સ્વર : દિવાળીબેન ભીલ

.

મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે,
મારાં હૈડાં હારોહાર, મારાં દલડે લેરાલેર જાય,
જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે…..મારે ટોડલે બેઠો…..

મારે કમખે બેઠો રે, મોર ક્યાં બોલે
મારી ચુંદડી લેરાલેર, જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે
મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે.

મારા કડલે બેઠો રે, મોર ક્યાં બોલે
મારી કાંબીયું લેરાલેર, જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે
મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે.

——————–

ફરમાઇશ કરનાર મિત્રો – S.Vyas, ટીના.

મુને અંધારા બોલાવે, મુને અજવાળા બોલાવે..

સ્વર : હંસા દવે

.

મુને અંધારા બોલાવે
મુને
અજવાળા બોલાવે

હું વનવગડામા પેઠી છું
હું લાગણીઓથી હેઠી છુ
હું બેરી થઇને બેઠી છુ
મને લાજશરમ લલચાવે…

મુને અંધારા બોલાવે
મુને
અજવાળા બોલાવે

આ રાત હ્રદયમા થાકી છે
આ પ્રીતની પાની પાકી છે
આ સુખ ને દુખ પણ બાકી છે
મને સપનાઓ સળગાવે…

મુને અંધારા બોલાવે
મુને
અજવાળા બોલાવે

આ લીલાવનને માંડવડે
આ પાનેતરને પાલવડે
આ જીવરતર સઘળે મારગડે
મને હૉંશ વિના હરખાવે…

મુને અંધારા બોલાવે
મુને
અજવાળા બોલાવે

——————————-

( ફરમાઇશ કરનાર મિત્ર : કૌમુદી પંડ્યા, જિતેન્દ્ર રાઠોડ )

Come One, Come All… – Dr. Raeesh Maniar

28 જુલાઇ,2006 – 4 ઓગસ્ટ, 2006 દરમ્યાન સુરતની ધરતી પર રમાયેલ સૌથી મોટો ખેલમેળો, ‘એશિયન જિમ્નેસ્ટિક’ માટે સુરતના જ કલાકારોએ તૈયાર કરેલું આ ‘Theme Song’.

આ ગીત વિષે વધુ માહિતી આ Newspaper article વાંચીને મળશે. સાથે સાથે હું એટલું જરૂર કહીશ, કે ગુજરાતી ભાષામાં ન હોવા છતાં આ ગીત પણ એટલું જ પોતીકું લાગે છે, જેટલું ‘તમારા સમ’ 🙂

અહીં આ image જરા નાની દેખાય છે, પણ એ વાંચવામાં તકલીફ પડતી હોય તો અહીં click કરો. અને પછી File Save કરીને એને zoom કરી શકો છો. અથવા નીચે જે image દેખાય છે, એના પર click કરો, અને જે પાનું ખુલશે, એમાં all sizes પર click કરીને એને મોટી કરીને જોઇ શકશો.
સ્વર : દિલનાઝ બેસાનિયા
સંગીત : મેહુલ સુરતી

filename_11

Come One,
Come All….;
Lets be together.

Enjoy this moment,
Enjoy this moment,
May It Last Forever
Learn the Rhythm,
– Know the Pace,
Life is Fun, its not a race.

Turn a bit, twist a little,
But never loose your balance.
Be it life, be it sport,
This is the only essence.

—————–

એકલા આવો,
સહુ આવો…
આવો આપણે ભેગા મળીયે.

આ પળને માણો,
કાશ એ કાયમી બની રહે.

તાલને પામો, લયને જાણો,
જીવન તો આનંદ છે, એ કોઇ દોડ નથી

જરા ઘૂમો, જરા વળો,
પણ સંતુલન કદી ન ગુમાવો,
જીવન હોય કે ખેલ,
આ એનો તર્ક છે.

માળામાં ફરક્યું વેરાન ! – માધવ રામાનુજ

ધવલભાઇના શબ્દોમાં આ ગીત વિષે : ગુજરાતી ગીતોના ‘ટોપ ટેન’માં સહેજે સ્થાન પામે એટલું સરસ બન્યું છે આ ગીત. કન્યાવિદાયનો પ્રસંગ છે એટલે વિષાદની ઝાંય તો રહેવાની જ. પરંતુ અહીં કન્યામાંથી વિવાહિતા બનવાની વાતને વધારે અંગત દ્રષ્ટિકોણથી મૂકી છે. પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતું ચોરી ગયું રે કોઈ ભાન ! – કેટલી નાજુક પણ સચોટ પંક્તિ !

સંગીત : ક્ષેમુ દિવેટીઆ
સ્વર : કાજલ કેવલરામાની, ગોપા શાહ

.

દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન,
પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન !

ખોળો વાળીને હજી રમતાં’તાં કાલ અહીં
સૈયરના દાવ નતા ઉતર્યા;
સૈયરના પકડીને હાથ ફર્યા ફેર-ફેર –
ફેર હજી એય ન’તા ઉતર્યા;
આમ પાનેતર પહેર્યું ને ઘૂંઘટમાં ડોકાયું
જોબનનું થનગનતું ગાન !
દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન.

આંગળીએ વળગેલાં સંભાર્યા બાળપણાં,
પોઢેલાં હાલરડાં જાગ્યાં;
કુંવારા દિવસોએ ચૉરીમાં આવીને
ભૂલી જવાના વેણ માગ્યાં !
પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતું
ચોરી ગયું રે કોઈ ભાન !
પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન !

( આભાર : લયસ્તરો )

( ફરમાઇશ કરનાર મિત્રો : વિવેક, ઊર્મિ )

( કવિ પરિચય )

ઝીણા ઝરમર વરસે મેહ – ન્હાનાલાલ કવિ

સ્વર : નિશા ઉપાધ્યાય ; સંગીત : રિષભ Group

.

ઝીણા ઝરમર વરસે મેહ,
ભીંજે મારી ચૂંદલડી :
એવો નીતરે કૌમારનો નેહ,
ભીંજે મારી ચૂંદલડી.

આજે ઝમે ને ઝરે ચન્દ્રની ચન્દ્રિકા,
ભીંજે રસિક કોઈ બાલા રે :
ભીંજે સખી, ભીંજે શરદ અલબેલડી,
ભીંજે મારા હૈયાની માલા;
હો! ભીંજે મારી ચૂંદલડી.

વનમાં પપૈયો પેલો પિયુ પિયુ બોલે,
ટહુકે મયૂર કેરી વેણાં રે :
ટમ ટમ ટમ ટમ વાદળી ટમકે,
ટમકે મારા નાથનાં નેણાં :
હો! ભીંજે મારી ચૂંદલડી.

આનન્દકન્દ ડોલે સુન્દરીનાં વૃન્દ ને
મીઠા મૃદંગ પડછાન્દા રે :
મન્દ મન્દ હેરે મીટડી મયંકની,
હેરો મારા મધુરસચન્દા!
હો! ભીંજે મારી ચૂંદલડી.

————-

રમેશ પુરોહિતના શબ્દોમાં આ કવિતાના આસ્વાદની એક ઝલક.

ગુજરાતી કવિતામાં ભાષાનું લાલિત્ય અને લાવણ્ય સદેહે મૂર્તિમંત થતું ફક્ત ન્હાનાલાલની કવિતામાં જોવા મળે છે.

ગીતની શરૂઆતમાં આષાઢી કે શ્રાવણની હેલીની વાત નથી. આ વાત છે ઝીણા ઝરમરિયા મેહની. ન્હાનાલાલની શબ્દસૂઝ અહીં કામે લાગે છે. ‘ઝીણા’ શબ્દથી સૂક્ષ્મતા પ્રત્યે ઇશારો છે. ઝરમર વરસાદમાં સાતત્યની વાત છે. ધીમે ધીમે એકધારા પડી રહેલા હળવાફૂલ વરસાદને ઝીણો ઝરમર વરસાદ કહી શકાય. મુશળધાર નથી અને સરવડાં પણ નથી. કાવ્યનાયિકા મુગ્ધા છે એ બતાવવા કૌમારના નેહની વાત કરાઇ છે. વાસ્તવમાં મુગ્ધા પોતે ભીતરથી પલળી રહી છે. ભીતરના ભીંજાવાની વાત પર આવરણ ઓઢાડીને કહે છે કે ભીંજે મ્હારી ચૂંદલડી. ભીંજાવાની વાત સહેતુક છે, કુંવારા સ્નેહની વાત છે.

( કવિ પરિચય )

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.. – મણિલાલ દેસાઇ

19 જુલાઇ, 2006 ના દિવસે પહેલા ટહુકો પર મુકેલી આ પોસ્ટ આજે નિરુપમા શેઠના સુમધુર કંઠ સાથે ફરીથી રજુ કરું છું
કવિ શ્રી મણિલાલ દેસાઇ ( જન્મ : 19 જુલાઇ, 1939 ; અવસાન : 4 મે, 1966 )

સ્વર : નિરુપમા શેઠ

.

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.

ગામને પાદર ઘૂઘરા વાગે,
ઊંઘમાંથી મારાં સપનાં જાગે,
સપનાં રે લોલ વ્હાલમનાં.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.

કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ,
કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ,
ઝૂલતાં ઝોકો લાગશે મને,
કૂદતાં કાંટો વાગશે મને,
વાગશે રે બોલ વ્હાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.

આજની જુદાઇ ગોફણ ઘાલી વીંઝશું લોલ,
વાડને વેલે વાલોળપાપડી વીણશું લોલ.
વીંઝતાં પવન અડશે મને,
વીણતાં ગવન નડશે મને,
નડશે રે બોલ વ્હાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.