ગુજરાત દિવસની આપ સર્વેને ખુબ ખુબ શુભેચ્છાઓ….
આજે કવિ શ્રી તુષાર શુક્લની રચના અહીં મૂકતા આનંદ અને ગર્વ અનુભવાય છે.
સ્વર : રૂપકુમાર રાઠોડ, કીર્તિ સાગઠીયા
.
અમે સૌ ગુજરાતી, વિશ્વની મહાજાતિ
મુલાયમ હૈયું છે, વજ્રની છે છાતી
અંતથી ઉભા થયા ખમીરથી ઉભા હશું,
સિદ્ધિ ને શિખર ચડી ગગનને ચૂમી જશું
મળે છે સૌ કોઈને વિકાસનો અવસર
બન્યું ગુજરાત હવે વિકસતા વિશ્વનું ઘર
સદીઓ વીતી ગઈ, સદીઓ વીતી જશે
જીત્યું અમારું ગુજરાત,
ગુજરાતી જીતી જશે
વાત કરે વાદળથી ઉભો ગઢ ગિરનારી
બન્યો છે મહાસાગર શિવજીની જલધારી
આદ્યશક્તિ અંબા માત રે જગદંબા
દ્વારકાદિશ નો જય કૃષ્ણ હે મોરારી
અસુરનો નાશ કરે દધીચિ દેહ ધરે
નમામિ નર્મદા માં ધરાને ધન્ય કરે
આ છે અમારું ગુજરાત
ગુજરાતી જીતી જશે
પ્રેમ પ્રેમ ઝણકાર થાય જ્યાં એવું છે ગુજરાત
વીર ધનુષ ટંકાર થાય જ્યાં એવું છે ગુજરાત
લક્ષ્મીનો રણકાર થાય જ્યાં એવું છે ગુજરાત
વિદ્યાનો સત્કાર થાય જ્યાં એવું છે ગુજરાત
ઘરમાં નરને નાર થાય જ્યાં એવું છે ગુજરાત
વ્હાલ ભર્યો વ્યવહાર થાય જ્યાં એવું છે ગુજરાત
ચલો ગુજરાત ,ચલો ગુજરાત
ચલો ગુજરાત ,ચલો ગુજરાત
ઉજ્જવળ ભાવિ કેરી સોહે ભાત અતિ રળિયાત
કલકલતા આશિષ વહે અહીં નમો નર્મદા માત
ભેદના કોઈ ભાવ નહિ સંદેશો હે સૌ જાત
ગુર્જર વિકાસ ગાથા આખા વિશ્વ મહી વિખ્યાત
સત્યતણો સ્વીકાર થાય જ્યાં એવું છે ગુજરાત
સપનાઓ સાકાર થાય જ્યાં એવું છે ગુજરાત
ચલો ગુજરાત ,ચલો ગુજરાત
ચલો ગુજરાત ,ચલો ગુજરાત
– તુષાર શુક્લ
ના તને ખબર પડી, ના મને ખબર પડી,
કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી;
કારણમાં આમ કઇ નહીં, બે આંખ બસ લડી,
ને હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી.
બંનેના દિલ ઘડકતા હતા જે જુદા જુદા,
આ પ્રેમ એટલે કે એને જોડતી કડી;
શરમાઈ જતી તોય મને જાણ તો થતી;
મારી તરફ તું જે રીતે જોતો ઘડી ઘડી.
હૈયું રહ્યું ન હાથ, ગયું ઢાળમાં દડી;
મેળામાં કોણ કોને ક્યારે ક્યાં ગયું જડી.
ઢળતા સૂરજની સામે સમંદરની રેતમાં
બેસી શકે તો બેસ અડોઅડ અડીઅડી;
મારા વિના ઉદાસ છું તે જાણું છું પ્રિયે
મેં પણ વિતાવી કેટલી રાતો રડી રડી.
મેં સાચવ્યો ’તો સોળ વરસ જે રૂમાલને;
તું આવ્યો જ્યાં નજીક ને ત્યાં ઉકલી ગઇ ગડી.
આ ગીતમાં જે મીઠા મીઠા સપનાઓની વાત થઇ છે… આપના એવા અને બીજા દરેક સપના સાકાર થાય એ શુભેચ્છાઓ સાથે…. (આજે તો ધોકાનો દિવસ છે ને? એટલે સાલ મુબારક તો કાલે કરીશ 🙂 )
બાળકની પુષ્ટિ અને સંસ્કાર માટે માતાનું દૂધ (બાટલીનું નહીં) જેટલું જરૂરી છે એટલું જ મહત્ત્વ માણસ માટે નદીનાં પાણીનું છે. પૃથ્વીમાતાનાં સ્તન એટલેકે પર્વતોમાંથી નીકળતી વાત્સલ્યની ધારા એટલે નદી! સમગ્ર જીવસૃષ્ટિને પોષણ આપનાર નદી આપણી માતા છે, અને ગુજરાતની આવી એક માતા એ नमामी देवी नर्मदे!! સા દદાતિ નર્મ યા નર્મદા- જેનું દર્શન માત્ર આપણને નર્મ અર્થાત આનંદ આપે છે તે નર્મદા. નર્મનો બીજો અર્થ સંસ્કૃતમાં રમવું એ પણ થાય છે, તો જે આપણને શીખવે છે કે જીવન એક રમત છે, ગીતામાં કહ્યું છે તુષ્યન્તિ ચ રમન્તિ ચ તેમ એવી નદીમાતા એટલે નર્મદા!
આપણી સંસ્કૃતિના નિર્માણ અને સંવર્ધનમાં નર્મદાનો ઘણો મોટો ફાળો છે. હજારો વર્ષો પૂર્વે બલિ રાજા નર્મદાના દશાષ્વમેઘ ઘાટ પર રહેતો હતો અને એને ઘરે ખુદ ભગવાન વામન અવતાર રૂપે આવ્યા અને સંસ્કૃતિનુ રક્ષણ કર્યું હતું. એના કિનારે કાંઈ કેટલાયે ઋષિઓના આશ્રમો હતા. સ્કંદ પુરાણમાં લખાણ છે કે નર્મદાકિનારે 100 million તીર્થયાત્રાળુઓ આવતા હતા. ભૃગુ ઋષિ ૫૦૦૦ વર્ષ પૂર્વે ભરુચ (ભૃગુપુર અથવા ભૃગુકચ્છ)માં નર્મદાકિનારે વસતા હતા. મહર્ષિ યાજ્ઞવલ્ક્યએ તો આખી સંસ્કૃતિનું નિર્માણ નર્મદાકિનારે કર્યું હતું અને આપણને શુક્લ યજુર્વેદ આપ્યો. અત્યારે આપણા ગુજરાતીઓનાં લગ્ન થતી વખતે પુરોહિત જે મંત્રોચ્ચાર કરે છે અને આપણે બીજીબધી ધાર્મિક વિધિઓ કરીએ છીએ એ બધી આ નર્મદા કિનારે રચાયેલા શુક્લ યજુર્વેદમાંથી આવેલા છે! શંકરાચાર્યએ નર્મદા કિનારે અભ્યાસ કર્યો અને આપણને અદ્વૈત philosophy આપી, નર્મદાની સ્તુતિ કરતું नमामी देवी नर्मदे સ્તોત્ર આપ્યું. ત્યારે સરદાર સરોવરથી ગુજરાતને ઘણા બધા materialistic લાભ થાય છે અને થવાના છે, અને એની પાછળ જીવાદોરી ગુજરાતની નર્મદા જ છે, અને સાથે સાથે આપણને આ પણ યાદ રહે કે આપણી સંસ્કૃતિ ઊભી કરવામાં અને ટકાવવામાં નર્મદા માતાનો કેટલો મોટો ફાળો છે. નર્મદા કિનારે સાક્ષાત ભગવાન આવીને વસ્યા છે તો આપણને આટલું બધું મળ્યું છે. જ્યારે જ્યારે train ભરુચથી સુરત જાય ત્યારે નર્મદાનાં દર્શન કરતી વખતે આપણને આ કૃતજ્ઞતા હૈયામાં ઊભરાઈ આવે અને માથું નર્મદા માતાનાં ચરણોમાં નમી જાય!!
તુજ પરિક્કમા કરતા કરતા પાવન થાનારા છે અહીંયા
કહી નમામી દેવી નર્મદે, મહીમા ગાનારા છે અહીંયા
જો તારા ઘોડાપૂર મહીં તારાજ થનારા પણ છે
ને તારી શ્રધ્ધાના મીઠા ફળ ખાનારા છે અહીંયા
ભિક્ષુક યાત્રિક હો કે પથીક હો
સાધુ સંત હો કે શ્રમિક હો
જે તુજ જળમાં ભીંજાતા, પાવન એ સહુ થાતા
તારા વિના નર્મદામાતા, કોણ મને આપે શાતા
નર્મદા… નર્મદા… નર્મદા….
વરસાદ વિનાના ગામોમાં ધરતીની હથેળી કોરી છે
ત્યાં નહેરના પાણી પહોંચાડો ને જુઓ હરિયાળી મ્હોરી છે
તુજ વીજળીથી, તુજ ઉર્જાથી, ને તુજ સિંચાઇના પાણીથી
ઉત્તર ગુજરાતથી કચ્છ સુધી ખેતીની મૌસમ ફોરી છે
આખું વરસ ભરપૂર રહે છે, કાંઠાઓ છલકાવી વહે છે
તુ જીવનની માતા, તું છે અન્નની દાતા
તારા વિના નર્મદામાતા, કોણ મને આપે શાતા
થઇ તુજથી અળગા દૂર જઇ કઇ વિસ્થાપીતો ઉભા છે
તેઓના હકને માટે લડનારા મેદાનમાં ઉતર્યા છે
સરદાર સરોવર ખેતી ને વીજળીનો તારણહાર હશે
પણ યાદ રહે એ જળમાં કંઇ કેટલા ગામો ડૂબ્યા છે
એ ગામની ભીની માટી પર આંસુની વધતી સપાટી પર
વાયરા એવા વાતા, પ્રશ્નો વધતા જાતા
તારા વિના નર્મદા માતા, કોણ મને આપે શાતા
કોઇ વિસ્થાપીત નહીં રહે સહુ કોઇને જાણ એ વાતની છે
આ સકલ્પનો સંકલ્પ ફળે એ ઇચ્છા ભારતમાતની છે
આ સપનું છે આ વર્તમાન, આ ભાવિ છે આ જીવન છે
આ બંધ એ કેવળ બંધ નથી, જીવાદોરી ગુજરાતની છે
ભારતીય સમય પ્રમાણે આમ તો દિવસ પૂરો થવા આવ્યો છે, પણ મને હમણા જ ખબર પડી કે આજે શિવરાત્રી છે… તો મને થયું, આ શિવ-ભક્તિ ગીત જે હું થોડા દિવસથી રોજ જ સાંભળું છું, એ ટહુકાના વાચકો / શ્રોતાઓને પણ સંભળાવું. કવિતા ક્રિષ્નમુર્તી અને રૂપકુમાર રાઠોડના સ્વરમાં ભૈરવી રાગ પર આધારિત આ ગીત સાંભળવું ખરેખર એક લ્હાવો છે.