સાગરના ઊઠતા તરંગ……Point Bonita, California
મારા આ ઉરના ઉમંગને
કેવી રીતે રે સખી ! ભરી શકું ખોબલે
સાગરના ઊઠતા તરંગને ?
ધીરેધીરે રે કોઈ હાક મને મારતું
ન બોલાવે તોય મને પાસે;
હર શ્વાસે નીતરતો જાણે આ પ્રાણ,
મને લાગે ઝાઝું નૈં જિવાશે
કાલ સુધી આનંદે ઝૂલતું’તું ઉર
કહે કોણે વીંધ્યું એ કુરંગને
ભૂલું ભૂલું ને ફરી પાછું સજાગ થાય
હૈયે સૂતેલું કો ગીત !
દિવસ ને રાત એક વાત રહે અંતરમાં,
આને શું લોક કહે પ્રીત ?
કોણ જાણે ઉત્તર કે દખ્ખણનો વાયરો
લાવે સોનેરી સુગંધને ?
– મણિલાલ દેસાઈ
_______________________
કુરંગ = હરણ