Category Archives: નયના ભટ્ટ

આહા એટલે આહા એટલે આહા…. – મુકુલ ચોક્સી

પહેલીવાર સાંભળો કે દિવસમાં પાંચમીવાર સાંભળો, પણ એક અલગ જ મસ્તીની દુનિયામાં લઇ જતું ગીત….!! ભર ઉનાળો હોય તો યે છત્રીમાં ભેગા પલળ્યાની ભીનાશ યાદ આવી જાય. ગુજરાતી યુગલગીતોમાં એક અલગ જ તરી આવતું ગીત.

સ્વર : હરીશ ઉમરાવ, નયના ભટ્ટ

.

આહા એટલે આહા એટલે આહા…
हमनें तुमको चाहा…. આહા.

ચોમાસાની જળ નિતરતી આગ એટલે આહા
છત્રીમાં ભેગા પલળ્યાનો સ્વાદ એટલે આહા
ભીના હોઠોમાં થઇ ગઇ એક ભીની મૌસમ….સ્વાહા…

આહા એટલે આહા એટલે આહા…
हमनें तुमको चाहा…. આહા.

સાંજે કોઇને અમથું અમથું મળવું એટલે આહા
પાછા ફરવા મન ન પછી કરવું એટલે આહા
રાતની એકલતામાં ગાયા કરવા ગીતો…. મન-ચાહા…

આહા એટલે આહા એટલે આહા…
हमनें तुमको चाहा…. આહા…

– મુકુલ ચોક્સી

પ્રિય પપ્પા હવે તો તમારા વગર…. – મુકુલ ચોક્સી

લાડકી દીકરી સાસરે જાય, ત્યારની વિદાયવેળાના ઘણા ગીતો આપણે સાંભળ્યા છે, અને વધુ એવા ગીતો હજુ ટહુકો પર આવશે… પણ આ ગીત થોડુ અલાયદું છે.

અહીં પ્રસ્તુત ગીતમાં એક દીકરી જ્યારે સાસરે ગયા પછી પપ્પાને યાદ કરે છે, તેની વ્યથા છે. મા-બાપ સાથેનો નાતો અનોખો જ હોય છે.. અને તેમાં પણ જ્યારે દીકરી પપ્પાની થોડી વધુ લાડકી હોય.. ત્યારે એને આમ પપ્પાથી દૂર પરદેશે જવાનું વધારે આકરું લાગતું હોય.

આજે ‘ફાધર્સ ડે’ ના દિવસે આ ગીત ખાસ દીકરીઓ અને દીકરીઓના પપ્પાઓ માટે.

Happy Father’s Day, Pappa.

સ્વર : નયના ભટ્ટ
સંગીત : મેહુલ સુરતી

.

પ્રિય પપ્પા હવે તો તમારા વગર
મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર

આ નદી જેમ હું પણ બહુ એકલી
શી ખબર કે હું તમને ગમું કેટલી

આપ આવો તો પળ બે રહે છે અસર
જાઓ તો લાગે છો કે ગયા ઉમ્રભર

…મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર …

યાદ તમને હું કરતી રહું જેટલી
સાંજ લંબાતી રહે છે અહીં એટલી

વ્હાલ તમને ય જો હો અમારા ઉપર
અમને પણ લઇને ચાલો તમારે નગર

…મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર …