સ્વર : કવિતા કૃષ્ણમૂર્તિ
સ્વરાંકન : શ્યામલ-સૌમિલ મુન્શી
ઓ મારા મન ઉપવનના માળી હું તો લજામણીની ડાળી.
મહિયરમાં મસ્તીમાં ઝૂમી મનગમતું મરજીથી ઘૂમી;
વગર ઓઢણે શેરી પાદર પવન પજવતો ચૂમી ચૂમી;
આજ હવે અણજાણ્યે આંગણ પ્રીત બની ગઈ પાળી.
મહિયરની માટીમાં મ્હોરી, શ્રાવણ ભીંજીમ, ફાગણ ફોરી;
કૈંક ટહુકતાં સ્મરણો ભીતર, ચૂનરી છોને કોરી કોરી;
સપનાં જેવી જિંદગી જાતે ગાળી અને ઓગાળી.
એક ક્યારેથી બીજે ક્યારે રોપાવું ને ઊગવું મારે;
મહિયરની માટી સંગાથે આવી છું હું આંગણ તારે;
સ્નેહથી લે સંભાળી સાજન વ્હાલથી લે જે વાળી.
– તુષાર શુક્લ