સ્વર – ઐશ્વર્યા મજમુદાર
સંગીત – રથિન મહેતા
સૂક્કું મેવાડ એક આંખથી વહે,
ને બીજી આંખેથી ભીનું ચિત્તોડ,
કે મને શ્યામનાં તે જાગ્યાં છે કોડ.
ધોળીને દખ અમે પીધાં છે વખ,
કે શ્યામ સંગ જાવું મારે પરદેશ,
રાણાજી હવે, ભાવતો નથી તારો દેશ.
તારા મેવાડમાં રાત અને દિ’ મેરો
ગિરિધર ગોપાલ મુને સાંભરે,
સાંઢણીનાં મોઢેથી કોણ જાણે કેમ,
મને સંભળાઅ ગાયોની વાંભ રે,
દ્વારિકામાં સોનાના અજવાળા હોય,
મારી અંધારી ઘોર છે રવેશ,
રાણાજી હવે, ભાવતો નથી તારો દેશ.
સંતોની સંગ મારે કરવો સત્સંગ,
ભલે આખો મેવાડ રહે જોઇ,
હૈયામાં દખ અમે રાખ્યું છે એમ,
જેમ સાચવે ઘરેણાં કોઇ,
ચિત્તે તો ક્યારનું છોડ્યું ચિત્તોડજી,
હવે બાકીમાં ગોપી છે શેષ.
રાણાજી હવે, ભાવતો નથી તારો દેશ.
– જતીન બારોટ