Category Archives: રથિન મહેતા

તમે યાદ આવ્યા! – પારસ પટેલ | રથીન મહેતા

આજે 24મી ઓગસ્ટ, આપણી વ્હાલી માતૃભાષાને ઉજવવાનો, આપણી રગેરગમાં વહેતા એના સોનેરી ઉજાસને અનુભવવાનો અને નતમસ્તક એનો ઋણ સ્વીકાર કરવાનો ખાસ દિવસ!
૨૦૦૬થી શરુ કરેલી ટહુકોની, નવાનક્કોર કાવ્યો અને સ્વરાંકનોને આપ સુધી લાવવાની પરંપરા જાળવતાં, આજે જ રજૂ થયેલું, આ સર્વાંગસુંદર સર્જન પ્રસ્તુત છે.

હવા ફરફરીને, તમે યાદ આવ્યા
શમા થરથરીને, તમે યાદ આવ્યા

તમે શું ગયા ને; થયો ચાંદ ઓઝલ
ઉગ્યો એ ફરીને, તમે યાદ આવ્યા

લખી કાગળો જે કદીએ ના આપ્યા
મળ્યા એ ફરીને, તમે યાદ આવ્યા

અમર પ્રેમની વાત થઇ આ સભામાં,
સભા આ ભરીને, તમે યાદ આવ્યા
– પારસ પટેલ

Lyrics: Paras Patel
Music Composed & Produced by: Rathin Mehta
Singers: Nayan Pancholi & Himali Vyas Naik
Music Arrangements: Dharmesh Maru
Audio Mix & master: Karan Maru
Video & Edit: Dhruv Patel
Recorded by: Saurabh Kajrekar, Buss In studio, Mumbai
Special Thanks ~ Sanket Khandekar & Jagdish Christian
Copyright: Rathin Mehta / SRUJANASHOW Productions

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ દર વર્ષે 24મી ઓગસ્ટે સુપ્રસિદ્ધ ગુજરાતી કવિ લેફ્ટનન્ટ નર્મદાશંકર દવેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને ગુજરાતી ભાષા અને સાહિત્યને સમર્પિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કવિ નર્મદ તરીકે પણ ઓળખાય છે, તેઓ આધુનિક ગુજરાતી સાહિત્યના પિતા છે. તેઓ સ્પષ્ટવક્તા પત્રકાર અને પેમ્ફલેટર અને સમાજ સુધારક પણ હતા. તેમણે ભાષામાં લેખનના ઘણા સર્જનાત્મક સ્વરૂપો રજૂ કર્યા.
ગુજરાતી ભાષા ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસો દર્શાવે છે. તે વિશ્વની 26મી સૌથી વધુ બોલાતી મૂળ ભાષા છે. નર્મદ ગુજરાત અને ગુજરાતી ભાષાના કટ્ટર અને ગૌરવપૂર્ણ પ્રશંસક અને પ્રશંસાકર્તા છે. કવિ નર્મદ લિખિત ‘જય જય ગરવી ગુજરાત’ને ગુજરાતના રાજ્યગીત તરીકે સ્વીકારવામાં આવ્યું છે.

ચાંદ સે લિપટી હુઈ -ભગવતીકુમાર શર્મા

ચાંદ સે લિપટી હુઈ સી રાત હૈ, પર તૂ નહીં
ફૂલના હોઠે ય તારી વાત છે, પણ તું નથી..

વાહ, ક્યા બાત હૈ! કેવો સરસ શેર, એ પણ બાયલિન્ગ્યુઅલ એટલે કે દ્વિભાષી! ગઝલનો ઉઘાડ હિન્દી-ઉર્દૂ અંદાજમાં અને બીજી જ પંક્તિ ગુજરાતી ગઝલના રુઆબમાં ચાલે એવો પ્રયોગ માત્ર ગુજરાતી ભાષામાં જ થયો હોવાની સંભાવના છે. પછી તો આ ગઝલ રાગેશ્રી-બાગેશ્રીનો હાથ ઝાલીને રાતની રાણીની જેમ મદમસ્ત મ્હાલે છે.

ગીત, ગઝલ, ભજન, સોનેટ અને ગદ્યકાવ્ય જેવાં વિવિધ સ્વરૂપોને ખેડનારા કવિ ભગવતીકુમાર શર્મા આ ગઝલમાં એમના વ્યક્તિત્વમાં જોવા મળે એવી કોમળતા અને ઋજુતા લઈને આવ્યા છે.
આ ગઝલ સ્પર્શી ગઈ એનું કારણ છે સ્વરાંકનજેણે કર્યું છે રાસબિહારી દેસાઇ અને વિભા દેસાઇના ભાણિયા રથિન મહેતાએ.
ગઝલ સ્વરબદ્ધ કરવી ચેલેન્જ છે કેમ કે હિન્દી લાઈન હિન્દી કે ઉર્દૂ ફોર્મેટમાં અને ગુજરાતી પંક્તિ ગુજરાતી ગઝલના રુઆબમાં ચાલે એ રીતે સ્વરબદ્ધ કરી છે. આ ગઝલ સૌ પ્રથમ 2010માં રાસબિહારી દેસાઈએ કેનેડામાં ગાઈ હતી અને પહેલા જ પ્રયોગમાં વન્સમોર થઈ હતી. ત્યાર બાદ ઓસમાન મીરે, હિમાલી વ્યાસ, આલાપ દેસાઈ, પ્રહર વોરા ઇત્યાદિ ઘણી કોન્સર્ટમાં ખૂબ સરસ રીતે ગાય છે.

સ્વર: પ્રહર વોરા
સંગીતકાર : રથિન મહેતા

.

જલસોના ૧૦૦ મા એપિસોડ દરમ્યાન હિમાલી-વ્યાસ-નાયકે આ ગઝલની રજૂઆત કરેલી. (જલસો ના સૌજન્ય થકી)

ચાંદ સે લિપટી હુઈ સી રાત હૈ પર તૂ નહીં
ફૂલના હોઠે ય તારી વાત છે, પણ તું નથી

આપણાં બન્નેનાં અશ્રુઓ અલગ ક્યાંથી પડે
હર તરફ બરસાત હી બરસાત હૈ, પર તૂ નહીં

હૈ ઝમીં બંજર મગર યાદોં કિ હરિયાલી ભી હૈ
પાનખરમાં રણ બન્યું રળિયાત છે, પણ તું નથી

મૌસમ-એ-બારિશ મેં કશ્તી કો ડૂબોના ચાહિએ
પત્રરૂપે તરતાં પારિજાત છે, પણ તું નથી

બોજ આહોં કા અકેલા મૈં ઉઠા સકતા નહીં
ચોતરફ વીંઝાય ઝંઝાવાત છે, પણ તું નથી
-ભગવતીકુમાર શર્મા

સૂક્કું મેવાડ – જતીન બારોટ

સ્વર – ઐશ્વર્યા મજમુદાર
સંગીત – રથિન મહેતા

સૂક્કું મેવાડ એક આંખથી વહે,
ને બીજી આંખેથી ભીનું ચિત્તોડ,
કે મને શ્યામનાં તે જાગ્યાં છે કોડ.

ધોળીને દખ અમે પીધાં છે વખ,
કે શ્યામ સંગ જાવું મારે પરદેશ,
રાણાજી હવે, ભાવતો નથી તારો દેશ.

તારા મેવાડમાં રાત અને દિ’ મેરો
ગિરિધર ગોપાલ મુને સાંભરે,
સાંઢણીનાં મોઢેથી કોણ જાણે કેમ,
મને સંભળાઅ ગાયોની વાંભ રે,
દ્વારિકામાં સોનાના અજવાળા હોય,
મારી અંધારી ઘોર છે રવેશ,

રાણાજી હવે, ભાવતો નથી તારો દેશ.

સંતોની સંગ મારે કરવો સત્સંગ,
ભલે આખો મેવાડ રહે જોઇ,
હૈયામાં દખ અમે રાખ્યું છે એમ,
જેમ સાચવે ઘરેણાં કોઇ,
ચિત્તે તો ક્યારનું છોડ્યું ચિત્તોડજી,
હવે બાકીમાં ગોપી છે શેષ.

રાણાજી હવે, ભાવતો નથી તારો દેશ.

– જતીન બારોટ