આજે ૩૦ જુલાઇ – આપણા મુર્ધન્ય સ્વરકાર શ્રી ક્ષેમુ દિવેટીઆની પૂણ્યતિથિ. તો આપણા સૌ ગુજરાતીઓ તરફથી એમને શ્રધ્ધાંજલી સાથે આજે માણીએ એક એવું ગીત – જે એમણે ગુજરાતી સુગમસંગીતની શાસ્ત્રીયસંગીતને અંજલિ તરીકે બનાવ્યું છે. સાંભળીએ આ ગીત અમરભાઇ પાસે – અને સાથે અમરભાઇના જ શબ્દોમાં થોડી વાતો આ સ્વરાંકન વિષે (ગીતના શબ્દોની નીચે).
મન મસ્તાનું થઈને ઝૂલે પવન્નનાં પારણીયે જી,
મોતી શું મલકાતું આવે કોઈ હવે બારણિયે જી
વળે છે નજરો ટોળે રે
ફૂલો આગળ ભમરો છેડે ફળિયે ગુન ગુન રાગ જી,
સંતો વચાળે હરતો ફરતો મઘમઘતો એક બાગ જી,
ચડે છે જીવડો ઝોલે રે
ઘડીક ઘરની અંદર ઘડીમાં બહાર ફરતાં પગલાં જી,
ફૂલો જેવાં ઊગી નીકળે અવસર ઢગલે ઢગલા જી,
અત્તરિયા દરિયા ડોલે રે
– લાલજી કાનપરિયા
ક્ષેમુભાઇનું આ છેલ્લું સ્વરાંકન સુગમ સંગીતની શાસ્ત્રીય સંગીતને અંજલિ છે. સ્થાયી રાગ છાયાનટની ઉસ્તાદ ફેયાઝ ખાનસાહેબે ગાયેલી બંદિશ -ઝનનન બાજે બીછુઆ – પર આધારિત છે.
પ્રથમ અંતરાની પ્રથમ પંક્તિ સૂરશ્રી કેસરબાઈ કેરકરના ગાયેલા રાગ નટકામોદની બંદિશ- નેવર બાજો- પર આધારિત છે. બીજા અંતરાની પ્રથમ પંક્તિ પંડિત ઓમકારનાથજીના ગાયેલા રાગ નીલામ્બરીની બંદિશ- હે મિતવા- પરથી એમણે બાંધી છે અને છેલ્લા અંતરાની પ્રથમ પંક્તિમાં પંડિત રવિશંકરના રાગ પરમેશ્વરીનો આધાર છે. શાસ્ત્રીય સંગીતથી આપણને સમૃદ્ધ કરનાર સૌ દિગ્ગજ કલાકારોને ક્શેમુભાઈની સલામ આ સ્વરાંકનમાં છે, જે જન્મતું જોવાનો ને પ્રથમ વાર ગાવાનો લ્હાવો મને મળ્યો એ મારું સદનસીબ! – અમર ભટ્ટ