Category Archives: કાવ્યપ્રકાર

છલકતું તળાવ એમ છલકાય ટહુકો – મનોજ ખંડેરિયા

છલકતું તળાવ એમ છલકાય ટહુકો
પળેપળને  ભીની  કરી જાય  ટહુકો

મહકતો રહે ફૂલ-ગજરાની માફક
હવામાં શી તાજપ ભરી જાય ટહુકો

તૂટી પડશે તરડાઈને નીલિમા કંઈ
જરા પણ જો નભ સાથ અફળાય ટહુકો

તમે મૌન દોરા સમું જો કરીને
પરોવી શકો તો પરોવાય ટહુકો

ફૂટી નીકળે પાંખનું પીછું થઈને
વિહગના ગળામાં જે રહી જાય ટહુકો

બરડ શુષ્ક શબ્દોના અવકાશમાં નિત
લીલોછમ મૃદુ તારો સંભળાય ટહુકો

કોઈ મોરપીછાંને મૂંગું કરી દો
હવે મુજથી એકે ન સચવાય ટહુકો

મંઝિલને ઢૂંઢવા… – રવિ ઉપાધ્યાય

કવિ શ્રી રવિ ઉપાધ્યાયના જન્મદિવસે આપણા બધા તરફથી એમને શ્રધ્ધાંજલી..

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

challenge

ગાયક અને સંગીતકાર : પ્રકાશ ઉપાધ્યાય   

મંઝિલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે,
છોડી જૂનું વતન નવી નગરી જવું પડે.
 
યુગોથી મીંટ માંડવી તપ એનું નામ છે,
શ્રીરામને જમાડવાં શબરી થવું પડે.
 
બદલાની અપેક્ષા વિનાં સત્કર્મ જો ક્રરો ,
પત્થરનાં દેવને ક્દી પ્રગટી જવું પડે.
 
દર્શન પ્રભુનાં પામવાં ક્પરી કસોટી છે,
અર્જુનનાં રથના ચક્ર્ની ધરી થવું પડે.
 
પાણી થવાંને કેટલું પાણી સહન કરે,
વાદળ બનીને વીજથી સળગી જવું પડે.
 
સન્માન કેવું પામશો મૃત્યુ પછી ‘રવિ’,
જોવાં તમાશો એક્વાર ગુજરી જવું પડે.

 

આવન જાવન – પન્ના નાયક

તમે પાંખો કાપીને આભ અકબંધ રાખ્યું
ને એનું તે નામ તમે સંબંધ રાખ્યું

મારાં સઘળાં દુવારને કરી દીધા બંધ
ને આમ તમે આંખોને કરી દીધી અંધ
તમે કાંટાળા થોરનો આપ્યો મને સ્પર્શ
ને એનું તે નામ તમે સુગંધ રાખ્યું.

હું તો વહેણમાં તણાઇ મને કાંઠો નથી
ને આપણા સંબંધની કોઇ ગાંઠો નથી
અછાંદસ જેવો છે આપણો આ પંથ
ને એનું તે નામ તને છંદ રાખ્યું…

ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર … – રાજેન્દ્ર શાહ

ચલો, આજે પાછું તમને હોમવર્ક આપું. આજે તમારા માટે એક ગીત તો લાવી છું, પણ સાથે કોઇ નામ નથી… એ કામ તમારું. શોધી આપો – કવિ, સ્વરકાર અને ગાયક….. !! 🙂

ગાયિકા : કૌમુદી મુનશી
સ્વરકાર : નવીન શાહ
indhana

.

ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર …
ઇંધણા વીણવા ગઇ’તી રે લોલ
વેળા બપોરની થઇ’તી મોરી સૈયર,
વેળા બપોરની થઇ’તી રે લોલ

ચૈતરનું આભ સાવ સુનું સુનું તોયે
કંઇથી કોકિલ કંઠ બોલે રે લોલ
વનની વનરાઇ બધી નવલી તે કુંપળે
દખ્ખણને વાયરે ડોલે રે લોલ

જેની તે વાટ જોઇ રઇ’તી મોરી સૈયર
તેની સંગાથે વાટ વઇ’તી રે લોલ

સુકી મેં વીણી કંઇ ડાળી ને ડાખળી
સુકા અળૈયા ને વીણ્યા રે લોલ
લીલી તે પાંદળીમાં મેહકંતા ફૂલ બે
મારે અંબોડલે સોહ્યા રે લોલ

વક્ત્રક્ત વહેણમા ન’ઇતી મોરી સૈયર
વક્ત્રક્ત વહેણમા ન’ઇતી રે લોલ

ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર …
ઇંધણા વીણવા ગઇ’તી રે લોલ
વેળા બપોરની થઇ’તી મોરી સૈયર,
વેળા બપોરની થઇ’તી રે લોલ

બદલાવ દોસ્ત – અલ્પેશ ‘પાગલ’

birds 

બદલી શકાતું હોય તો બસ આટલું બદલાવ દોસ્ત
તું માપ દંડોનું પુરાણું કાટલું બદલાવ દોસ્ત

જો તો ખરા આકાશ આખુ આવકારે છે તને
પણ શર્ત છે કે પૂર્વગ્રહનું પાંજરું બદલાવ દોસ્ત

કાંટો બની અંદરથી કાંટો કાઢવો પડશે હવે
મક્કમ રહી તારૂ વલણ થોડુંઘણું બદલાવ દોસ્ત

તું હારવાની બીકથી બાજી અધુરી મુકમાં
જીતી શકાશે માત્ર તારી ચાલ તું બદલાવ દોસ્ત

‘પાગલ’ તને તાજી ખબર કેવી રીતે મળશે ભલા
અખબાર સામે છે હજી ગઈકાલનું બદલાવ દોસ્ત

– અલ્પેશ ‘પાગલ’

મેલી મત જા મને એકલી વણજારા – કાજી મામદશા

સ્વર : ચેતન ગઢવી

dungar

.

મેલી મત જા મને એકલી વણજારા
મેલી મત જા, પરદેશમાં વણજારા
જીઓ વણજારા, જીઓ વણજારા….

સોનું જાણીને તારો સંગ કર્યો વણજારા,
મારે કરમે નીકળ્યા કથીર રે, વણજારા…
જીઓ વણજારા, જીઓ વણજારા…

ડુંગર માથે તારી દેરડી વણજારા,
હું તો ચડી ચડી જોઉં તારી વાટ રે, વણજારા…
જીઓ વણજારા, જીઓ વણજારા….

કાજી મામદશાની વિનંતી વણજારા,
તમે રહી જાઓ આજની રાત રે, વણજારા….
જીઓ વણજારા, જીઓ વણજારા…

ઉદાસી વેડફી જો નાખવાની હોય તો – ગુંજન ગાંધી

આજે ગુંજનભાઇની એક Oven Fresh ગઝલ… એમના જ સ્વર સાથે 🙂

udasi

.

ઉદાસી વેડફી જો નાખવાની હોય તો કહેજે મને તું,
સુગંધી સાચવીને રાખવાની હોય તો કહેજે મને તું.

બધા સુખની, બધા દુ:ખની કથા તારે જ હસ્તક રાખ પણ,
કથા સંજોગની આલેખવાની હોય તો કહેજે મને તું.

કે જે શબરી એ ચાખ્યા’તા અને જે તે ન’તા ચાખ્યા કદી પણ,
એ ભક્તિ બોરની જો ચાખવાની હોય તો કહેજે મને તું.

હજી હમણાં સુધી ખુલ્લી હતી જે શક્યતાઓની, ને ક્ષણની,
એ બારી સહેજ અમથી વાખવાની હોય તો કહેજે મને તું.

નવેસરથી જ તારો ન્યાય કરવાની મને આપી છે સત્તા,
જરા શ્રધ્ધાને નમતી જોખવાની હોય તો કહેજે મને તું.

ઉદાસી સાચવીને રાખવાની હોય તો કહેજે મને તું,
સુગંધી વેડફી જો નાખવાની હોય તો કહેજે મને તું.

——————-

અને હા, એમની બીજી રચનાઓ વાંચવા એમના બ્લોગની મુકાલાત લેતા રહેજો

http://gujaratikavita.blogspot.com/

ભીતરથી ભાંગેલો માણસ – ગૌરાંગ દિવેટિયા

depressed 

આયનાની ભીતરમાં ફૂટેલા માણસને
પૂછી શકો તો જરી પૂછો,
કોરાકટ કાચમાંથી ઝરતું આ લોહી
લૂછી શકો તો જરી લૂછો.

લીલાછમ વાંસમાંથી ફૂટતા અંકુર
કેમ કરી જીરવ્યા જીરવાય નહીં.
એકાકી વાંસળીની વેદનાના પડછાયા
કેમ કરી ઝાલ્યા ઝલાય નહીં.

સૂરજ વિનાનું પેલું તડકાનું ફૂલ
સૂંઘી શકો તો જરી સૂંઘો.

ભમ્મરિયા કૂવામાં ઘુમરાયા કરતી
એ પથ્થરિયા સમણાંની વારતા.
ફૂલો વિનાના આ બાવળિયા ગામમાં
અત્તરિયા કોઇ નથી આવતા.

દ્રષ્ટિ વિનાની કોઇ ખાલીખમ આંખોમાં
ફરકી શકો તો જરી ફરકો.

 

ભોળી રે ભરવાડણ – નરસિંહ મહેતા

.

ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી;
સોળ સહસ્ત્ર ગોપીનો વાહાલો, મટુકીમાં ઘાલી. ભોળીo

અનાથના નાથને વેચે આહીરની નારી;
શેરીએ-શેરીએ સાદ પાડે : લ્યો કોઈ મોરારિ. ભોળીo

મટુકી ઉતારી, માંહી મોરલી વાગી;
વ્રજનારીને સેજે જોતાં મૂરછા લાગી. ભોળીo

બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા કૌતક એ પેખે;
ચૌદ લોકના નાથને કાંઈ મટુકીમાં દેખે. ભોળીo

ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી;
દાસલડાંને લાડ લડાવે નરસૈંનો સ્વામી. ભોળીo

– નરસિંહ મહેતા

આભાર : લયસ્તરો

કોઇ કહે ગુલમહોર બરાબર – તુષાર શુક્લ

આ લ્યો… આજનું આ ગીત મારા માટે… (એટલે કે હું અને અમિત – બંને માટે)

કવિ તુષાર શુક્લની કલમનો જાદુ હોય, પછી ગીતની મીઠાશ માટે બીજું કઇં કહેવાનું બાકી રહે? અને આ ગીત સાંભળતાની સાથે જ કવિ તુષાર શુક્લનું જ એવું જ મઘમીઠું ગીત – એક હુંફાળો માળો… યાદ આવે ને?

સ્વર : સંજય ઓઝા, આરતી મુન્શી
સ્વરકાર : હસમુખ પાટોડિયા
gulmahor

.

કોઇ કહે ગુલમહોર બરાબર
કોઇ કહે ગરમાળો
મનગમતી એક ડાળ ઉપર
ચલ રચીયે, આપણો માળો

કોઇ કહે કે શ્યામ ગુલાબી
કોઇ કહે કે કાળો
કૃષ્ણ રંગ રચવામાં સૈયર
રંગ રંગનો ફાળો

તું ને હું, હું ને તું
બંને લઇ આવ્યા
મનગમતી કંઇ સળીઓ
સૈયરા સુખના સપનાંની
મઘમઘતી કંઇ કળીઓ

ગમે બેઉને એજ રાખશું
ફરી વીણશું ગાશું
અણગમતું ના હોય કોઇનું
પછી નહીં પસ્તાશું

વ્હેણ ગમે છે કોઇને વ્હાલમ
ગમે કોઇને પાળો
મનગમતી એક ડાળ ઉપર
ચલ રચીએ આપણો માળો

સમજણ નામે ફૂલ મહોરશે
પ્રિયે પ્રેમ સરવરમાં
ટહુકા નામે શબ્દ ગુંજશે
સ્નેહ નામના ઘરમાં

શ્રધ્ધાને વિશ્વાસ આપણો
મજબૂત માળો રચશે
ભલે ફૂકાતો પવન સમયનો
આપણો માળો ટકશે

કોઇ કહે કે મૂળ ઉખડશે
કોઇ કહે કે ડાળો
શંકા છેદી કરીયે સૈયર
સમજણનો સરવાળો

——————————-

અને હા, એક મહત્વની વાત કહેવાની તો રહી જ ગઇ… આ ગીતના કવિ તુષાર શુક્લ, અને ગાયક સંજય ઓઝા – પોતાની ટીમ સાથે હમણા અમેરિકામાં છે. એક-બે દિવસમાં એમના પ્રોગ્રામની વધુ માહિતી ટહુકો પર જરૂર મુકીશ.