લય્સ્તરો પર આ પહેલા પ્રસ્તુત થયેલી અલ્પેશભાઇની આ ગઝલ વાંચી ત્યારે જ આખે-આખી ગમી ગયેલી..! આજે એ ખજાનામાં ડૂબકી મારતા પાછી મળી – તો થયું તમારી સાથે વહેંચી જ લઉં..!
***
કૈં પણ નહીં બાકી રહે આગળ પછી,
તું શબ્દ સાથે મૌનને સાંભળ પછી.
તું ક્યાંક તો આ જાતને અજમાવ દોસ્ત,
આ જિંદગીને કહે સફળ નિષ્ફળ પછી.
ના, ના, દવા પ્હેલાં દુવાઓ માંગ મા,
પ્હેલાં પ્રયત્નો હોય છે, અંજળ પછી.
આ એક પળ બાકી હતી આવી ગઈ,
શું શું ન જાણે આવશે આ પળ પછી.
જ્યાં હાસ્ય સાથે પ્રેમનો ટહુકો મળે,
ત્યાં ત્યાં વધેરી નાખ તું શ્રીફળ પછી.
એક શક્યતામાંથી જ ઘટનાઓ બને,
થૈ જાય છે વટવૃક્ષ આ કૂંપળ પછી.
આ જિંદગીની રેસમાં આવ્યો છે તો,
‘પાગલ’ ન રે’વું પાલવે પાછળ પછી.
-અલ્પેશ ‘પાગલ’