પાંપણને સરનામે આવ્યું રેશમ તેડું !
ના પર્વત ના સાગર… હું તો સપનાં ખેડું !
ઊંડે ઊંડે એ દ્રશ્યે મૂળિયાં છે નાખ્યાં,
ગામ, કૂવો, પનિહારી, ગીતો…. છલકે બેડું
શ્વાસ – સજાવ્યા છે ને આ ઇજન પણ આપ્યું,
તું આવે તો યાદોના હું આંબા વેડું
‘હાલ-હમણાં’, ના ગોકીરાથી ત્રસ્ત નથી હું,
મોકો શોધી ગઇ – ગુજરીની સિતાર છેડું!
બોલો, ક્યાંથી ભાળ મળે મુજ મુગ્ધ પળોની?!
બે ડગલાં, મારાથી આગળ છે ભાગેડું!
રોજ કળણમાં ઊંડે ખૂંપું છું પ્રશ્નોનાં,
થાય મને : સ્વજનોનું આ ‘ઋણ’ (?) ક્યારે ફેડું?
‘બકુલેશ’ સદા દિલ્હી તુજ આઘે ને આઘે,
જીરણ, જર્જર વાહન, મારગ ને હાંકેડુ.