બાળદિન Special 1: ગોદડાંમાં શું ખોટું? – વિવેક મનહર ટેલર

૧૪ નવેમ્બર – બાળદિવસ અને વ્હાલા સ્વયમનો જન્મદિવસ પણ… તો આજે એક મસ્ત મજાનું બાળગીત, વિવેકભાઇની કલમે… ધીમે ધીમે ઠંડીની મોસમ આવી રહી છે તો તમે પણ આ ઠંડીની મજા વધારતું ગીત માણો..!!


(…… …સ્વયમ્, નળસરોવર,૨૭-૦૧-૨૦૦૭)

સ્વર – વિવેક ટેલર

.

મમ્મી બોલી, ઠંડી આવી, સ્વેટર પહેરો મોટું,
ગોદડું વ્હાલું અમને તો ભઈ, ગોદડાંમાં શું ખોટું?

ગોદડાંને પકડી તો જુઓ,
ગોદડાંમાં છે નરમી;
મથી-મથીને અમે કરી છે
અંદર ભેગી ગરમી.
ગોદડાંની અંદર હું કેવો મસ્તીથી આળોટું ?
ગોદડું વ્હાલું અમને તો ભઈ, ગોદડાંમાં શું ખોટું?

ગોદડાંનો ગોટો છે આ કે
વારતાઓનો ડબ્બો?
ડુંગરમાંથી હાથી થઈ જાઉં,
ભૂત બની કહું, છપ્પો !
સ્વેટરમાં તો છોટુ થઈને રહેશે ખાલી છોટુ…
ગોદડું વ્હાલું અમને તો ભઈ, ગોદડાંમાં શું ખોટું?

-વિવેક મનહર ટેલર
(૧૧-૦૨-૨૦૦૮)

ગ્લૉબલ કવિતા: ૫૦ : સૉનેટ ૧૮-વિલિયમ શેક્સપિઅર

ગ્લૉબલ કવિતાની આજે ગોલ્ડન જ્યુબિલી – પચાસમી કવિતા…

Sonnet 18

Shall I compare thee to a summer’s day?
Thou art more lovely and more temperate:
Rough winds do shake the darling buds of May,
And summer’s lease hath all too short a date:
Sometime too hot the eye of heaven shines,
And often is his gold complexion dimm’d;
And every fair from fair sometime declines,
By chance or nature’s changing course untrimm’d;
But thy eternal summer shall not fade
Nor lose possession of that fair thou owest;
Nor shall Death brag thou wander’st in his shade,
When in eternal lines to time thou growest:
So long as men can breathe or eyes can see,
So long lives this and this gives life to thee.

– William Shakespeare

સૉનેટ ૧૮

કહે, ઉનાળાનો દિવસ તુજને કેમ કહું હું?
વધુ છે તું એથી પ્રિય, અધિક ઉષ્માસભર છે:
ઉનાળુ ફૂલો ને પવન વસમો, કેમ બચવું?,
વળી ઉનાળોયે દિન ગણતરીના જ ટકશે:

કદી આકાશી નેણ વધુ પડતા તેજ બનતા,
કદી આ કાંતિયે કનકવરણી ઝાંખી પડતી;
અને રૂપાળાના સમય વીતતા રૂપ વીતતા,
અકસ્માતે યા તો કુદરત તણા કાળક્રમથી;

ઉનાળો તારો આ કદી નહિ વીતે, શાશ્વત હશે
અને કોઈ કાળે વિલીન ન થશે રૂપ તવ આ,
ન ખોંખારે મૃત્યુ: અવગત જઈ તું ફરી રહે
તું જ્યારે જીવે છે અજર-અમરા આ કવનમાં:

શ્વસે છે જ્યાં સુધી મનુષ અથવા આંખ નીરખે,
જીવે ત્યાં સુધી આ, જીવન ધરશે એ જ તુજને.

-વિલિયમ શેક્સપિઅર
(અનુ.: વિવેક મનહર ટેલર)

જીવન નાશવંત છે, કળા અમર છે..

ઋતુ ક્ષણિક છે, ઋતુના રૂપ ક્ષણભંગુર છે; સૌંદર્ય ક્ષણિક છે, સૌંદર્યની અદાઓ ક્ષણભંગુર છે પણ
અ-ક્ષર અવિનાશી છે. કળા સમયાતીત છે અને શબ્દમાં કંડારાયેલ શિલ્પ શાશ્વત-સનાતન બની રહે છે. હિપોક્રેટ્સ યાદ આવે: Ars Longa Vita Brevis (જીવન ટૂંકું છે, કળા શાશ્વત છે). શેક્સપિઅર પણ આવી જ કંઈ વાત પ્રસ્તુત સૉનેટમાં લઈ આવ્યા છે.

વિલિયમ શેક્સપિઅર. ભલે એ એમ કહી ગયા કે What is there in name?, પણ સાહિત્યમાં જરાય રસ ન હોય છતાં એના નામથી અજાણ્યો કોઈ શિક્ષિત ભાગ્યે જ જોવા મળશે. નિર્વિવાદિતપણે અંગ્રેજી સાહિત્યજગતના બિનહરીફ શહેનશાહ. સર્વકાલીન સર્વશ્રેષ્ઠ અંગ્રેજી સાહિત્યકાર. મોટાભાગે ૨૩-૦૪-૧૫૬૪ના રોજ સ્ટ્રેટફર્ડ-એટ—એવોન ખાતે ચામડાના વેપારી જોન અને મેરી આર્ડનને ત્યાં જન્મ. બાળપણ અને અભ્યાસ અંગે પણ ભાગ્યે જ કોઈ માહિતી છે. ૧૮ની ઊંમરે પોતાથી સાત-આઠ વર્ષ મોટી એન હથવે સાથે લગ્ન. બે સંતાન. એમની સમલૈંગિકતા પણ બહુચર્ચિત છે. જેમના નાટ્કો અને કવિતાઓ ચાર-ચાર સૈકાથી વિશ્વભરના માનવમન પર એકહથ્થુ રાજ કરી રહ્યાં છે એમનું મોટાભાગનું જીવન હજીય એક રહસ્ય જ બની રહ્યું છે. શેક્સપિઅરના જીવનનો ૧૫૮૫થી લઈને ૧૫૯૨ સુધીનો ગાળો –‘લોસ્ટ પિરિયડ’- પણ લગભગ અજાણ્યો છે. આ વર્ષોમાં એ ક્યાં હતા, શું કરતા હતા એની વિશે ભાગ્યે જ કોઈ અધિકૃત માહિતી આજે ઉપલબ્ધ છે. કહે છે કે આ સમયગાળામાં એ કળાકાર થવા માટે લંડન પહોંચ્યા હશે. લંડનના નાટ્યગૃહો ૧૫૯૨થી ૧૫૯૪ દરમિયાન પ્લેગના કારણે બંધ રહ્યાં હતાં. ૧૫૯૪માં લોર્ડ ચેમ્બર્લિનની નાટ્યસંસ્થામાં જોડાયા. થોડા સમય બાદ ‘ધ ગ્લૉબ’ સાથે જોડાયા જે પ્રવર્તમાન સમયની સૌથી વધુ લોકપ્રિય નાટ્યસંસ્થા બની રહી અને શેક્સપિઅર બે પાંદડે થયા, પોતાનું ઘર ખરીદ્યું. ૨૩-૦૪-૧૬૧૬ના રોજ નિધન.

દુનિયાની તમામ જીવિત ભાષાઓમાં એમના સાહિત્યનો અનુવાદ થયો છે. એમના સમકાલીન બેન જોન્સને કહ્યું હતું કે આ માણસ કોઈ એક યુગનો નથી, પણ સર્વકાલીન છે. શેક્સપિઅરના ૧૫૪ સૉનેટ વિશ્વસાહિત્યનું મહામૂલું ઘરેણું છે. પહેલાં ૧૨૬ સૉનેટ ઉંમરમાં નાના પણ સામાજિક સ્તરે ચડિયાતા મિત્ર કે પ્રેમીપુરુષને સંબોધીને લખાયાં છે. એ પછીના સૉનેટ એકાધિક સંબંધ રાખનાર શ્યામસુંદરીને સંબોધીને લખાયાં છે. શેક્સપિઅરની જિંદગી બહુધા એક અણજાણ કોયડો બનીને રહી ગઈ હોવાથી અને એના બધા સૉનેટ નાટ્યાત્મક આત્મકથનાત્મક શૈલીમાં લખાયા હોવાથી આ સૉનેટ એમની જિંદગીની કથા કહે છે એમ માનવાની લાલચ થાય પણ સત્ય શું છે એ આપણે જાણતા નથી. આ સૉનેટોમાં સજાતીય અને વિજાતીય સંબંધો, પ્રેમ-બેવફાઈ બધું જ ઊઘડીને આમે આવે છે. વિવેચક જોન બેરીમેને કહ્યું હતું: ‘જ્યારે શેકસપિઅરે લખ્યું કે મારે બે પ્રેમી છે, વાચક, એ મજાક નહોતો કરતો.’ મહદાંશે આ સૉનેટ એકતરફ સમય સાથેના અનિવાર્ય ક્ષય અને બીજીતરફ પ્રેમ, સૌંદર્ય અને ખાસ તો કળાની શાશ્વતતાને સામસામે મૂકે છે. શેક્સપિઅરે લેટિન, ફ્રેંચ, ગ્રીક જેવી ભાષાના શબ્દો અને શબ્દોના મૂળને હાથ ઝાલીને હજારો નવા શબ્દો અને શબ્દપ્રયોગો અંગ્રેજી ભાષાને ભેટ આપ્યા છે, જે સર્વસ્વીકૃતિ પામ્યા છે. કોઈપણ કવિનો કોઈ ભાષા પર આવો વિરાટ અને એકલહથ્થો પ્રભાવ न भूतो, न भविष्यति છે. લગભગ ૩૭ જેટલા નાટકો એમના નામે બોલાય છે જેમાંના એકાદ-બેને બાદ કરતાં એકપણ નાટક મૌલિક નથી. મોટાભાગના નાટક જાણીતી-અજાણીતી વાર્તાઓ-ઘટનાઓના સંમિશ્રણથી રચેલા છે પણ કથાગૂંફનની નવીનતા, અભૂતપૂર્વ શબ્દસામર્થ્ય, ભાષા પરની અનનય હથોટી, માનવમનના અંતરતમ સંવેદનોને તાદૃશ કરવાની કળા, નાનાવિધ લોકબોલીઓનો ઊંડો અભ્યાસ- આ બધાથી રસાઈ રસાઈને બનેલા આ નાટક વિશ્વસમગ્રમાં સર્વશ્રેષ્ઠ ગણાય છે અને લખાયા ત્યારથી આજદિનપર્યંત દુનિયામાં કોઈનીય સરખામણીમાં સૌથી વધારે વાર મંચિત થયા હશે. એક સર્જક તરીકે એમનો પ્રભાવ પણ અનન્ય, સર્વકાલીન અને સર્વવ્યાપી રહ્યો છે.

શેક્સપિઅરના સૉનેટવિશ્વમાં પગ મૂકતાં પહેલાં એમની શૈલી ન સમજીએ તો એમને પૂર્ણતઃ પામી જ ન શકાય. સૉનેટનો જન્મ ઇટાલીની ધરતી પર થયો પણ ઇંગ્લેન્ડમાં એને લઈ આવવાનું શ્રેય સર થોમસ વાયટ અને હેન્રી હાવર્ડ અર્લ ઑફ સરેના ફાળે જાય છે. ઇટાલિયન સૉનેટ પેટ્રાર્કન સૉનેટ તરીકે પણ ઓળખાય છે જેમાં અષ્ઠક-ષટકની પંક્તિવ્યવસ્થા અને ABBA ABBA / CDE CDE (અથવા CDCDCD) પ્રાસવ્યવસ્થા રહેતી જે અંગ્રેજી ભાષાને સાનુકૂળ નહોતી. વાયટ સૉનેટ લઈ આવ્યા તો અર્લ ઑફ સરે ત્રણ ચતુષ્ક- યુગ્મની પંક્તિવ્યવસ્થા તથા ABAB CDCD EFEF GG મુજબની પ્રાસવ્યવસ્થા લઈ આવ્યા જે પ્રાસ-નબળી અંગ્રેજી ભાષાના ગળે શીરાની જેમ ઊતરી ગયાં. શેક્સપિઅરે આ અંગ્રેજી કાવ્યપ્રકારમાં હથોટી મેળવીને એવું ઊંડુ ખેડાણ કર્યું કે અંગ્રેજી સૉનેટ શેક્સપિરિઅન સૉનેટ તરીકે ઓળખાયું. (મિલ્ટનશાઈ અને સ્પેન્સરિઅન સૉનેટ પણ સૉનેટના અન્ય જાણીતા પ્રકાર છે)

ચૌદ પંક્તિના આ કાવ્યમાં શેક્સપિઅર ત્રણેય ચતુષ્ક અને અંતિમ યુગ્મને એકમેકથી અલગ કરવાના બદલે બધાને એક જ સૂત્રે બાંધીને પ્રવાહિતા લાવ્યા. ત્રણેય ચતુષ્ક અને યુગ્મ ભાવજગતની દૃષ્ટિએ અલગ તારવી શકાય એ ખરું; ભાવપલટો અને અંતિમ બે પંક્તિઓમાં ચોટ અને નિષ્કર્ષ પણ અદભુત રીતે આવે એ છતાંય સળંગસૂત્રિતા એ શેક્સપિઅરના સૉનેટનું મુખ્ય પાસુ છે. ૧૪૫ (આયંબિક ટેટ્રામીટર)મા સોનેટને બાદ કરતાં બધા સૉનેટ આયંબિક પેન્ટામીટરમાં લખાયા છે. શેક્સપિઅરના મોટાભાગના સૉનેટમાં કોઈએક શબ્દ પુનરાવર્તિત થતો નજરે ચડે છે. બહુધા ત્રણેય ચતુષ્ક અને યુગ્મમાં એક-એકવાર અર્થાત્ કુલ્લે ચારવાર તો ખરો જ. આ સૉનેટમાં summer અને fair શબ્દ ત્રણવાર તો eternal બેવાર પ્રયોજાયા છે. હેલન વેન્ડલરના અવલોકન મુજબ બીજું એક નોંધપાત્ર પાસું couplet-tie છે, જેમાં આખરી યુગ્મનો કોઈક મહત્ત્વનો શબ્દ સૉનેટના કોઈક શબ્દ સાથે અનુસંધાયેલ હોય છે, જેમકે પ્રસ્તુત સૉનેટમાં યુગ્મકનો eye પ્રથમ પંક્તિના ‘I’ તથા પાંચમી પંક્તિના eye સાથે તાલ મિલાવે છે. આમ કરીને એ સૉનેટના મુખ્ય શરીર અને યુગ્મકને જોડે છે. ક્યારેક એ વિરોધાભાસી શબ્દોને અડખપડખે મૂકીને વાતનું મહત્ત્વ પરાકાષ્ઠાએ લઈ જાય છે. પ્રસ્તુત સૉનેટમાં eternal summer આવો જ એક પ્રયોગ છે. ઉનાળો એક ઋતુ છે અને એ નાતે એનું નિશ્ચિત આયુષ્ય છે. શેકસપિઅર તારો રમણીય ઉનાળો એમ શબ્દપ્રયોગ કરી શક્ય હોત પણ એ મર્ત્ય અને અમર્ત્યને એક તાંતણે બાંધી દઈને પોતાનો કક્કો ખરો કરે છે. જેન કોટ કહે છે, શેક્સપિઅરનું યુગ્મક અનિવાર્યપણે નાયક પોતાને જ સીધું ઉદ્દેશીને બોલતો હોય એ પ્રકારના નાટ્યાત્મક સંવાદથી જ બનેલું હોય છે.

પહેલા ૧૭ સૉનેટ પ્રજોત્પાદન સૉનેટ (Procreation Sonnets) તરીકે ઓળખાય છે. ૧૯મા સૉનેટથી સમય કેન્દ્રવર્તી સ્થાન લે છે. એમ કહી શકાય કે આ અઢારમું સૉનેટ આ બે વચ્ચેનું સંક્રમણ-સૉનેટ છે કેમકે ૧૫થી ૧૭મા સૉનેટમાં જીવનને શાશ્વત બનાવવાની મથામણ અને કાવ્યામૃતની વાતો છે જ જે અહીં જોવા મળે છે અને ૧૯મા સૉનેટમાં પણ સમય અને ઘડપણને કવિતાની મદદથી પડકાર અપાતો જોવા મળે છે. કવિતા દ્વારા અમરત્વનો શેક્સપિઅરનો વિચાર જે આગળના સૉનેટ્સમાં ઢીલોપોચો દેખાય છે, એ અહીં આત્મવિશ્વાસની ટોચે પહોંચેલો નજરે ચડે છે. કદાચ સૉનેટ લખતાં-લખતાં ૧૮મા સૉનેટ સુધી કવિ આવ્યા હશે ત્યાં સુધીમાં એમને પોતાને પોતાની સર્ગશક્તિ અને શાશ્વતીનો અંદાજ આવી ચૂક્યો હશે, જે આત્મવિશ્વાસ આ પછીના સૉનેટ્સમાં બળવત્તર થયેલો જોઈ શકાય છે.

કાવ્યારંભ કવિ પ્રિયપાત્રને પ્રશ્ન પૂછીને કરે છે. કહે છે, ઉનાળાના દિવસ સાથે તને સરખાવું? ઇંગ્લેન્ડમાં રહ્યા હોય એ જ ઉનાળાના દિવસનું સૌંદર્ય અને મહત્ત્વ સમજી શકે. ‘હૉમ થોટ્સ, ફ્રોમ અબ્રોડ’માં રૉબર્ટ બ્રાઉનિંગ પણ ઇંગ્લેન્ડના ઉનાળાને યાદ કરીને નૉસ્ટેલજિક થાય છે. ૧૭૫૨ સુધી ઇંગ્લેન્ડમાં આજે વપરાતા ગ્રેગોરિઅન કેલેન્ડરના સ્થાને જૂનું જુલિયન કેલેન્ડર વપરાતું, એટલે મે મહિનો પ્રારંભિક ઉનાળાનો સમય હતો. ‘મે ડે’ ઉત્સવનો, પ્રણયફાગનો દિવસ ગણાતો. જોકે કવિ તરત જ જાહેર કરે છે કે ઉનાળા જેવી જાજરમાન માનવંતી ઋતુના દિવસ કરતાં પણ પ્રિયપાત્ર વધુ પ્રિય પણ છે અને વધુ ઉષ્માસભર પણ છે. ઉનાળો ગમે એટલો આનંદપ્રદ કેમ ન હોય, નાજુક ફૂલોને નઠોર પવનોનો ડર રહે જ છે, વળી ઉનાળો પોતે પણ કેટલા દિવસ ટકવાનો? ઉનાળામાં સૂર્ય ક્યારેક અસહ્ય બની જાય એટલો તપે છે તો ક્યારેક સૂર્યની સુવર્ણ કાંતિ વાદળોનું ગ્રહણ લાગી જતા ઝાંખી પણ થઈ જાય છે. ભલભલા રૂપસ્વીઓના રૂપ સમયની સાથે ઓઝપાઈ જાય છે, ક્યારેક આકસ્મિકપણે જ તો ક્યારેક કુદરતના અનિવાર્ય કાળચક્રની અડફેટે ચડીને. કુદરત સતત પરિવર્તનશીલ છે અને સૃષ્ટિમાં કશું જ સ્થાયી નથી એ તરફ ઈશારો કરીને કવિ સમસ્ત પ્રકૃતિની ક્ષણભંગુરતા તરફનો પોતાનો અણગમો પ્રદર્શિત કરે છે. કવિની ગતિ પણ સ્વથી સર્વ પ્રતિની છે- એક દિવસથી કદી-ક્યારેક તરફ અને એક સૂર્યથી અનેક સૂર્ય-તમામ રૂપાળાઓ તરફની છે. વ્યક્તિથી સમષ્ટિ સુધીની વાત પ્રથમ બે ચતુષ્કમાં સમાવી કવિ સૉનેટમાં અનિવાર્ય એવો વળાંક (વૉલ્ટા) લે છે.

પણ કવિને ખાતરી છે કે એના ઉનાળાથીય વધુ ઉષ્માસભર અને અધિકતર પ્યારા પ્રિયપાત્રનો સવર્ણકાળ –ઉનાળો કદી વીતનાર નથી, એ શાશ્વત છે અને એનું રૂપ સમયના વાદળ કદી ઝાંખું નહીં પાડી શકશે. મૃત્યુ પણ ખોંખારો ખાઈને એવી શેખી નહીં જ મારી શકે કે લે જો, આ તારું પ્રિયજન પ્રેતાત્મા થઈને ભટકી રહ્યું છે, કેમકે પ્રિયપાત્ર તો કવિના કવનમાં અજરામર થઈ ચૂક્યું છે. ‘સામ્ઝ’ (Psalms) (૨૩.૩)માં Shadow of death (મૃત્યુના ઓળા)નો ઉલ્લેખ છે. બાઇબલમાં ‘મૃત્યુ! તારો ડંખ ક્યાં છે?’ કહીને મૃત્યુને જીવન પર વિજયની શેખી મારતું દર્શાવાયું છે. વર્જિલ (ઇ.પૂ. ૭૦-૧૯)ના ‘ઇનીઇડ’ (Aeneid)માં ઇનીઆસને મૃત્યુ પછી પાતાળમાં- પ્રેતલોકમાં જતો બતાવ્યો છે એ વાતથી પણ શેક્સપિઅર વાકેફ હોઈ શકે છે.

અંતે શેક્સપિઅર એમની સૉનેટશૈલી મુજબ અંતિમ બે પંક્તિમાં આખી કવિતાનો સાર નિચોવી આપે છે. કવિ વાસ્તવદર્શી છે. એ ‘यावत्चंद्रौदिवाकरौ’ની વાત નથી કરતા, એ મનુષ્યજાતના અસ્તિત્વ સુધીની જ ખાતરી આપે છે કેમકે મનુષ્યના નાશ સાથે જ કળા પણ અર્થશેષ બની રહે છે. કહે છે, જ્યાં સુધી આ પૃથ્વી પર મનુષ્યો જીવતા હશે અથવા આંખ જોઈ શકતી હશે ત્યાં સુધી આ કવિતા જીવશે અને આ કવિતા તને સમયાતીત જીવન આપતી રહેશે. આખરે, કવિતાથી ચડિયાતી સંજીવની બીજી કઈ હોઈ શકે?

ચાલ, ફરીએ ! – નિરંજન ભગત

સ્વર – સ્વરાંકન ઃ અમર ભટ્ટ

.

એકદમ નાનકડું, તો યે વાંચતા જ ગમી જાય એવું મજાનુ કાવ્ય…
વાત પણ કેવી સરસ.. મળી જો બે ઘડી – ગાવા વિષે, ચ્હાવા વિષે; તો આજની ના કાલ કરીએ !

(આ સૃષ્ટિ છે ના સાંકડી ! Lake Tahoe, August 08)

* * * * *

પઠન : નિરંજન ભગત
આલબમ : શબ્દનો સ્વરાભિષેક – 5

.

ચાલ, ફરીએ !
માર્ગમાં જે જે મળે તેને હ્રદયનુ વ્હાલ ધરીએ !

બહારની ખુલ્લી હવા
આવે અહીં, ક્યાં લૈ જવા ?
જ્યાં પંથ નવા, પંથી નવા;
એ સર્વનો સંગાથ છે તો નિત નવા કૈં તાલ કરીએ !

એકલા રહેવું પડી ?
આ સૃષ્ટિ છે ના સાંકડી !
એમાં મળી જો બે ઘડી
ગાવા વિષે, ચ્હાવા વિષે; તો આજની ના કાલ કરીએ !
ચાલ ફરીએ !

-નિરંજન ભગત

વ્યોમ સરોવરમાં ભમે દિવ્ય મકરનાં વૃંદ -નીનુ મઝુમદાર

આદરણીય કવિ, સ્વરકાર અને ગાયક શ્રી. નિનુ મઝુમદારને આજે એમના 102મા જન્મદિને આદરાંજલિ.વંદન


કવિના અક્ષરમાં લખેલી કવિતા

વ્યોમ સરોવરમાં ભમે દિવ્ય મકરનાં વૃંદ
મલય ત્યજી લાવે રવિ શીતળતાનો અંત;
અરુણે વાળ્યાં અશ્વને અલકાપુરીને પંથ
દક્ષિણથી ઉત્તર ફર્યાં ભાનુદેવ ભગવંત.

સચરાચર ચેતનનું મોતી એક પ્રગટી સનાતન જ્યોતિ
ચઢ્યાં મેઘ વિના મેઘધનુ રંગો દોડી આવી ગગનમાં પતંગો

પેલા ગેબનું રહસ્ય જઈ ખોલે, કોઈ બાકી છબીલી ડોલે,
કોઈ સંદેશો લઇ ધરતીનો, શોધે પ્રીતમ પ્રણય રંગભીનો
કોઈ રૂપેરી ફુમતાંવાળી તો કોઈ અંતરના રૂપથી રૂપાળી
જાણે ઉડે અનંતનાં ઉમંગો દોડી આવી ગગનમાં પતંગો

ફૂટી અંબરને લીલી પીળી પાંખો, ખૂલી મસ્તીની લાલ લાલ આંખો
અહી જામ્યો છે જંગી મેળો, એને બાંધે અખંડ દોર ભેળો
કોઈ ખેંચે ને કોઈ ઢીલ છોડે તો કોઈ ખેલે પવનને ઘોડે
જાણે જીવનનાં જીતવા જંગો દોડી આવી ગગનમાં પતંગો

કોઈ ઉત્તરને કોઈ દખ્ખણની કોઈ પૂરવને કોઈ પરછમની
મળી કોઈ ચતુર કોઈ ભોળી પૂરા આભમાં છવાઈ રંગટોળી
દીધી ઢાંકી સૂરજની જ્વાળા રચે દિગંતમાં નક્ષત્રની માળા
જાણે બ્રહ્માનાં મનનાં તરંગો દોડી આવી ગગનમાં પતંગો
—– નીનુ મઝુમદાર

—————————————————————

ઓલ્યા પહાડની પાછળ પરોઢિયે રાતો રાતો રંગ ઢોળાયો
વસ્તર જાતા રાતનું
જાણે આભને ગાલે શરમભર્યો શેરડો એક છવાયો. – ઓલ્યા …

રમતા’તા થોડા તારલા થોડી બાકી રહેલી રાતે
ભમતા’તા નભ મોરલા થઇ વાદળિયાં પરભાતે
પૂરવને ભરી અમરતનો સોનલ કૂપો પાયો. – ઓલ્યા…

એકદંડિયા મ્હેલથી કો’કે કુવરીને છોડાવી
હજાર હાથે લડે બાણાસુ, કાળસેના તેડાવી
સૂરજદાદો અગનરથે ચઢી ગગન ધાયો – ઓલ્યા …

કુદરતમાં નાહીને પશુપ્રાણીએ મંત્ર જગાવ્યો
ભૂલાઈ જાતા સામને પાછો પંખીઓએ ગવરાવ્યો
ઝાકળથી ધોઈ આકાશભૂમિ હવનને પ્રગટાવ્યો – ઓલ્યા ….
—– નીનુ મઝુમદાર

નેહા યાગ્નિકનો ખુબ આભાર.

સાવ અંગત – હરિશ્વન્દ્ર જોશી

ગઝલ પઠન : દિપલ પટેલ

.

સાવ અંગત એક સરનામું મળ્યું
આજ વર્ષો બાદ એ પાનું મળ્યું

મેં લખેલી ડાયરી વાંચી ફરી,
યાદની ગલીઓમાં ફરવાનું મળ્યું.

સોળમા પાને પતંગિયું સળવળ્યું,
જીવવા માટે નવું બહાનું મળ્યું.

જાણ થઈ ના કોઈને, ના આંખને,
સ્વપ્ન એ રીતે મને છાનું મળ્યું.

એક પ્યાસાને ફળી સાતે તરસ,
બારણા સામે જ મયખાનું મળ્યું.

– હરિશ્ચન્દ્ર જોશી

ભવ્ય ગઝલ ગુજરાતી – સંજુ વાળા

રૂપ – અરૂપા હે શતરૂપા ભવ્ય ગઝલ ગુજરાતી
તું જ છલકતા અમિયલ કૂપા ભવ્ય ગઝલ ગુજરાતી

તું કેદારો, તું મંજીરા, તું જ ચદરિયા ઝીની
રે ભજનોની નિત્ય અનૂપા ભવ્ય ગઝલ ગુજરાતી

બાળાશંકર, સાગર-શયદા, મરિઝ-ઘાયલ, આદિલ
મનોજ, મોદી, શ્યામ, સરૂપા ભવ્ય ગઝલ ગુજરાતી

તું ચંદા, તું સનમ, છાંદાસી તું ગીરનારી ગૂહા
સૂફીઓમાં તું સ્પંદન છૂપાં ભવ્ય ગઝલ ગુજરાતી

અર્થા, વ્યર્થા, સદ્ય સમર્થા, તું રમ્યા, તું રંભા
તું મારી ભાષામાં ભૂપા ભવ્ય ગઝલ ગુજરાતી

– સંજુ વાળા

(અમિયલ કૂપા=અમૃતના પ્યાલા, અનૂપા=શ્રેષ્ઠ,અપૂર્વ, ભૂપા=રાજકુંવરી)

આભાર – લયસ્તરો

આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી – રમેશ પારેખ

સ્વર્ઃ અનાર શાહ્
સ્વરાંકનઃ અમર ભટ્ટ

.

આલ્બમ : સંગત
સ્વર : વિરાજ બીજલ
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી….
ચપટી નીંદર વીણવા અમે ટેવનાં માર્યાઁ બોરડી કને ગયાં, સખી
આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી….

આજ રાબેતાભેર હું મારે ઘેર ન પાછી આવી
કોઈ મને ઘેર લાવ્યું કે હું ઘેર કોઈને લાવી ?
પાસપાસે અણસાર જેવું પણ નીરખ્યું તો મોંસૂઝણાં છેટાં રહ્યાં, સખી
આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી….

મોરા વિનાનું પીંછ દીઠું કે પીંછ વિનાનો મોર !
કોણ જાણે, પણ કીકીઓ કરે ઢેલ સમો કલશોર
મોરને એનું કોઈ ચોમાસું સાંભરી આવે એટલાં લોચન વહ્યાં, સખી
આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી….
– રમેશ પારેખ ‌

ગ્લૉબલ કવિતા : ૪૯ : ગુડ બાય, દોસ્ત – સર્ગે યેઝેનિન

Good-bye, my friend, good-bye.
My dear, you are in my heart.
This predestined separation
Promises of the meeting by and by.

Good-bye, my friend, without a hand, without a word,
Do not be sad, no furrowed brows, –
To die, in this life, is not new,
And living’s no newer, of course.

– Translated by Vivek Manhar Tailor

આવજે, મારા દોસ્ત, આવજે

આવજે, મારા દોસ્ત, આવજે.
મારા વહાલા, તું તો મારા હૃદયમાં છે.
આ નિર્ધારિત જુદાઈ વચન આપે છે
કે આપણે ફરી ક્યારેક નક્કી મળીશું.

આવજે, મારા દોસ્ત, ન હસ્તધૂનન, ન શબ્દ,
ન દુઃખ, ન તણાયેલી ભ્રૂકુટી, –
મરવું, આ જિંદગીમાં, કંઈ નવું નથી,
અને જીવવુંય કંઈ નવું નથી, અલબત્ત.

– સર્ગે એલેક્ઝાન્ડ્રાવિચ યેઝેનિન
(અનુ.: વિવેક મનહર ટેલર)

પરમ સખા મૃત્યુ…

દોરડું સ્કાર્ફની જેમ ગળે વીંટાળીને એક હાથે હિટિંગ પાઇપ પકડી રાખીને એણે જિંદગીના ટેબલને ધક્કો માર્યો અને મોતની આગોશમાં લટકી ગયો. એક મહિનો પાગલખાનામાં રહ્યા બાદ ક્રિસમસના દિવસે એને રજા અપાઈ હતી અથવા એ ભાગી છૂટ્યો હતો. ત્યાંથી ભાગીને સેંટ પિટર્સબર્ગની હોટલ એન્ગ્લેટેરમાં એ રોકાયો. બે દિવસ સતત વોડકા પીધો. મિત્ર વોલ્ફ હેર્લિચ સાથે એક રાત ગાળી. રૂમમાં શાહી પણ નથીની ફરિયાદ કરી. પોતાના બંને કાંડા કાપીને પોતાના લોહીથી પોતાની આખરી કવિતા –ગુડ બાય, માય ફ્રેન્ડ, ગુડ બાય- લખી. બીજા દિવસે ૨૮-૧૨-૧૯૨૫ના રોજ એની લાશ મળી. ઉંમર માત્ર ૩૦ વર્ષ. એના પોતાના શબ્દોમાં જ, ‘સામાન્યરીતે કહું તો, એક ગીતકવિએ લાંબુ જીવવું જોઈએ નહીં.’ એક કવિતામાં એ કહે છે: ‘હું મારી જાતને મારી બાંય પર લટકાવી દઈશ, એક લીલી સાંજે એ બનશે.’ એના મૃત્યુ પછી એની જ અદામાં આત્મહત્યા કરવાની નવી જ ફેશન જન્મી અને ઢગલાબંધ ચાહકો, ખાસ કરીને સ્ત્રીચાહકોની કતારબંધ આત્મહત્યાઓએ દુનિયાને ચોંકાવી દીધી.

સર્ગે એલેક્ઝાન્ડ્રાવિચ યેઝેનિન. રશિયામાં કોન્સ્ટાન્ટિનોવોના ખેડૂતને ત્યાં ૦૩-૧૦-૧૮૯૫ના રોજ જન્મ. મા-બાપ શહેરમાં રહેવા ચાલ્યા ગયા એટલે મોટાભાગનું બાળપણ દાદી સાથે વીત્યું. નવ વર્ષની કુમળી વયે કવિતા લખવી શરૂ કરી. સત્તર વર્ષની ઉંમરે મોસ્કો સ્થાયી થયા અને પ્રુફ-રિડર તરીકે કામ કરવું શરુ કર્યું. ૧૯૧૬માં એમનો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ થયો. ૧૯૧૯માં પોતાની પ્રકાશન સંસ્થા શરૂ કરી અને પ્રયોગાત્મક બળવાખોર કવિતાઓ અને ચોપનિયાંઓ વડે લોકોની (અને સરકારની) ઊંઘ ઊડાડી નાંખી. શરૂમાં ઓક્ટોબર ક્રાંતિ/રેડ ઓક્ટોબરના હિમાયતી પણ સ્વપ્નભંગ થયા પછી એના ટીકાખોર. (ઓક્ટોબર અથવા બોલ્શેવિક ક્રાંતિ એટલે રશિયામાં સદીઓની ઝાર રાજાશાહીનો ઈ.સ. ૧૯૧૭માં વ્લાદિમીર લેનિનના નેતૃત્વ હેઠળ અંત થઈ સામ્યવાદી શાસનનો સૂર્યોદય થયો તે) ૧૯૧૩માં અન્ના ઇઝરિઆદનોવા સાથે પહેલાં લગ્ન. એક પુત્ર. ૧૯૧૭માં ઝિનૈદા સાથે બીજા લગ્ન. બે સંતાન. ૧૯૨૨માં ઇઝાડોરા ડન્કન નામની પોતાનાથી ૧૮ વર્ષ મોટી નૃત્યાંગનાને વર્યા. વળી એક સ્ત્રીના પ્રેમમાં પડ્યા ને વળી એક કવયિત્રી વોલ્પિન થકી લગ્નેતર પુત્રના પિતા બન્યા. એ કહેતા: ‘ઘણી સ્ત્રીઓએ મને ચાહ્યો, અને મેંય એકાધિકને ચાહી છે.’ ૧૯૨૫માં ટોલ્સ્ટોયની પૌત્રી સોફિયા સાથે ચોથા લગ્ન. દારૂની લતના શિકાર. ડ્ર્ગ્સના રવાડે પણ ચડ્યા. ડિપ્રેશન, નર્વસ બ્રેકડાઉનના શિકાર રહ્યા. નશામાં ચકચૂર થઈ હોટલના રૂમોમાં તોડફોડ કરતા એ કારણે અવળી પ્રસિદ્ધિ પણ બહુ મળી. સર્ગે એક કવિતામાં પૂછે છે: ‘શા માટે મારી ખ્યાતિ એક શાતિર ઠગ અને ઉપદ્રવી તરીકેની છે, સાચે?’

રશિયાના લોકપ્રિય ‘ઉપદ્રવી કવિ’ (‘hooligan poet’) સર્ગે નિઃશંક વીસમી સદીના ઉત્તમ રશિયન ગીતકવિ હતા. એઝરા પાઉન્ડના ઇમેજિઝમના અનુયાયી. એમની પ્રારંભની કવિતાઓ રશિયન લોકગીતોથી પ્રભાવિત હતી. ફિલ્મી અભિનેતા જેવા અત્યંત દેખાવડા સર્ગે કાચી વયનું મૃત્યુ, સ્ત્રીઓ સાથેના ચર્ચાસ્પદ સંબંધો, સમલૈંગિક સંબંધ, શરાબખોરી, ડ્રગ્સ, ઉગ્ર સરકાર વિરોધી સૂર, જાહેરમાં પત્ની સાથે લડાઈ, તોફાન-તોડફોડ વિ.ના કારણે સતત ચર્ચાસ્પદ અને ખૂબ લોકપ્રિય પણ રહ્યા. જો કે એમની કવિતામાં સંવેદનાની જે ધાર અને ઊર્મિની અનૂઠી અભિવ્યક્તિ અને નાવિન્ય જોવા મળે છે એ જ એમની સદાબહાર લોકપ્રિયતાનું ખરું કારણ છે. લાગણીઓની કાલિમા આલેખતી પીંછીથી લખાયેલી આ કવિતાઓ અલ્લડ પ્રાસરચના અને ઉદ્ધતાઈથી ભરી-ભરી હોવા છતાં સશક્ત સંવેદન, મનમોહક અદા અને કામુક સૌંદર્ય, પ્રકૃતિ માટેના અદમ્ય સ્નેહ, બેવફા જિંદગી તરફના બેફિકર અંદાજના કારણે ઉફરી તરી આવે છે. મૃત્યુ એમની કવિતાઓમાં ચારેતરફ ઘુરકિયા કાઢતું રહે છે. સરવાળે સર્ગેની કવિતાઓ ભાવકને વ્યથિત કરી મૂકે છે અને ભાવકના મન પર અમીટ છાપ મૂકી જવામાં સફળ રહે છે.

મૃત્યુના આગલા દિવસે પોતાના જ લોહીથી લખવામાં આવેલી આ કવિતા અમરપટો લખાવીને આવે છે. બે મિત્રો કે બે પ્રેમીઓના વિખૂટા પડવાનો સમય થયો છે. કારણ શું છે એ કવિ પહેલા અંતરામાં કહેતા નથી. કવિતાને કારણો સાથે નિસ્બત હોય પણ નહીં. કવિતાનું કામ અંતરના ભીતરતમ ખૂણામાંથી જ્વાળામુખીની જેમ બહાર ઊછળી આવતી લાગણીઓને યથાતથ ભાવક સુધી પહોંચાડવાનું છે. જે અનુભૂતિમાંથી કવિ પસાર થયો હોય એ જ અનુભૂતિ રચનામાંથી પસાર થતી વખતે ભાવક પણ અનુભવે તો કવિતા લેખે લાગી ગણાય. સર્ગેની આ સ્વરક્તલિખિત રચનાનો ઇતિહાસ ખબર જ ન હોય તો પણ બીજા અંતરા સુધી પહોંચતામાં તો રુંવાડા ઊભા થઈ જાય છે. એક ઠંડી કંપકંપી કરોડરજ્જુમાંથી પસાર થતી અનુભવાય છે. કવિતા એટલી બધી સહજ-સાધ્ય, બળકટ અને વેદનાસિક્ત છે કે એના વિશે લખવા જતી વખતે ન માત્ર આંગળાઓ, સમગ્ર સંવેદનતંત્રને લકવો મારી ગયો હોવાની લાચારી અનુભવાય છે.

જીવન અને મૃત્યુની જેમ જ મિલન અને વિયોગ એક સિક્કાની જ બે બાજુ છે. ભલેને આપણે ગાઈએ કે, ‘કિસ્મત માં કોઈના કદી એવી ન પ્રીત હો, જેમાં મિલનના હોઠે જુદાઈનાં ગીત હો’ (શૂન્ય પાલનપુરી), પણ આપણે જાણીએ જ છીએ કે, ‘लिखनेवाले ने लिख डाले, मिलने के साथ बिछोड़े’ (આનંદ બક્ષી). સર્ગેની કવિતા જુદાઈના ભાવને મૃત્યુના કાળા કફનમાં વીંટાળીને રજુ કરે છે. જુદાઈ હંમેશા તકલીફ આપે છે પણ આ જુદાઈ બેવફાઈની જુદાઈ નથી, આ તો કાયમ માટેની જુદાઈ છે. એક કવિતામાં સર્ગે કહે છે, ‘જે ચાલ્યું ગયું એ કદી પાછું મેળવી શકાતું નથી.’ પણ અહીં કવિ પુનર્મિલનની ખાતરી આપે છે. કહે છે, આજે આપણે ભલે જુદા થઈ રહ્યા છીએ પણ તારું સ્થાન તો સદાકાળ મારા હૃદયમાં યથાવત્ જ રહેનાર છે. શરીર ભલે અલગ થઈ રહ્યા છે પણ આત્મા તો ક્યારનો એક થઈ ચૂક્યો છે ને એક જ રહેવાનો. આ જુદાઈ ટાળી શકાય એમ નથી. આ જુદાઈ પૂર્વનિર્ધારિત છે કેમકે મૃત્યુનો જન્મ તો સજીવમાત્રના જન્મતાવેંત જ થઈ ગયો હોય છે. મૃત્યુની સન્મુખ ઊભેલા રશિયન યુવાકવિની ભાષામાં જાણે કે ગીતાપાઠ સંભળાય છે:

जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च।
तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि।। (ભગવદ્ ગીતા ૨:૨૭)
(જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરનારનું ફરી જન્મવું પણ નિશ્ચિત છે, માટે આ અનિવાર્ય બાબતમાં શોક કરવો યોગ્ય નથી.)

वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि।
तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति नवानि देही।। (ભગવદ્ ગીતા ૨:૨૨)
(જેવી રીતે મનુષ્ય જૂનાં વસ્ત્રો ત્યાગીને નવાં વસ્ત્રો ધારણ કરે છે, તેવી રીતે આપણાં વૃદ્ધ અને નકામાં શરીરો ત્યજીને આત્મા નવાં શરીર ધારે છે.)

જલાલુદ્દીન રૂમી આવી જ વાત કરે છે:

अज मौतो हयात चंद पुरसी मन ?
खुर्शीद अज रौजनी दर अफतादो बेरफ्त ।
(મોત અને હયાતી વિશે મને શું પૂછો છો? સૂર્યનો તડકો બારીમાંથી પ્રવેશ્યો અને ચાલ્યો ગયો.)

આદિ શંકરાચાર્ય પણ જન્મ-મૃત્યુ વિશે આવું જ કહે છે: ‘पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननी जठरे शयनम्।’ (ફરી પાછો જન્મ. ફરી પાછું મૃત્યુ. ફરી પાછું માતાના પેટમાં સૂવું)

ત્રીસ વર્ષની કુમળી વયે રશિયા જેવા સામ્યવાદી દેશમાં થઈ ગયેલો આ ‘કેસનોવા’ ફિતરતનો રંગીન મિજાજ કવિ પણ આ જ વાત કેટલી સહજતાથી કહે છે! મૃત્યુ તો પૂર્વનિર્ધારિત જુદાઈનું જ બીજું નામ છે. પણ આ જુદાઈ વચન પણ આપે છે એ વાતનું કે ક્યાંક, ક્યારેક, કોઈક રીતે પણ આપણું પુનર્મિલન અવશ્ય થશે જ થશે. અને આ અફર જુદાઈનો શોક પણ વળી શાને? કવિશ્રી હરીન્દ્ર દવે તો આ ઘટનાને મૃત્યુનું નામ આપવાની જ ના કહે છે:

મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો
તેજમાં તેજ મળી જાય તો મૃત્યુ ન કહો
રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહો
શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો.

બંનેનો રસ્તો અલગ ફંટાઈ રહ્યો છે પણ દિલમાં સ્થાન તો અવિચળ જ છે અને ફરી મળવાની ખાતરી પણ જડબેસલાક છે એટલે જ કવિ શોક કરવાની ના કહે છે. જેનું સ્થાન દિલમાં જ છે એનાથી છૂટા પડવાની આખરી વેળાએ કંઈ કહેવું-કારવવાનું બિનજરૂરી જ હોવાનું. કોઈ ઔપચારિક હસ્તધૂનન, આલિંગન, પ્રેમાડંબરયુક્ત શબ્દો કે આંસુ, દુખથી તણાયેલા ભંવા – આ કશાની અહીં જરૂર જ નથી. રૂમી પણ કહે છે, ‘જ્યારે મારો જનાજો નીકળે, તમે કદી એવું ન વિચારશો કે હું આ દુનિયાથી જઈ રહ્યો છું. એકપણ આંસુ સારશો નહીં, ન વિલાપ કરજો, ન તો દિલગીર થજો.’ જિબ્રાન કહે છે: ‘તમારા આંસુઓ સૂકાવી દો, મારા મિત્રો, અને માથાં ઊંચકો જેમ ફૂલ પરોઢને આવકારવા એમના મસ્તક ઊઠાવે છે. પાસે આવો અને મને વિદાય આપો; મારી આંખોને સસ્મિત હોઠોથી અડકો’ જન્મ કોઈ અલગ ઘટના છે જ નહીં. બાળકમાંથી કાળક્રમે જન્મતા વૃદ્ધ અને બાળકને આપણે સમયરેખા સિવાય કઈ રીતે અલગ પાડી જ શકીએ? મૃત્યુ તરફની અવિરત ગતિની શરૂઆતને જ આપણે જન્મ કહીએ છીએ. મૃત્યુ તો મંઝિલપ્રાપ્તિની ઘડી છે. એને વધાવવાનું હોય, એનો શોક કેમ? જયંત પાઠક કહે છે, ‘મૃત્યુ એટલે એક અજાણ્યું ઈંડું, ફૂટ્યા વગર એના ગર્ભને પામી શકાતો નથી.’

કવિનું મૃત્યુ આત્મહત્યા હતી કે હત્યા એ હજી સુધી ચર્ચાનો વિષય બની રહ્યું છે. એવું કહેવાય છે કે એમના સરકારવિરોધી વલણ અને ઉદ્દામ કવિતાઓના કારણે સોવિયટ યુનિયનની છૂપી પોલિસે જ એમની હત્યા કરી અને આત્મહત્યામાં ખપાવી દીધી. યેઝેનિનની કવિતાઓમાં રહેલી તાકાતથી ડરીને એમના મૃત્યુ બાદ છેક સ્ટાલિનના શાસનકાળમાં એમના કાવ્યો પર જડબેસલાક પ્રતિબંધ લાગ્યો હતો અને કવિના મૃત્યુના ચાર-ચાર દાયકા બાદ છે…ક ૧૯૬૬ની સાલમાં એમનું મોટાભાગનું સર્જન લોકોને પ્રાપ્ત થયું.

મોતનો ડર મોટાભાગનાને સતાવે છે. કવિ મોતથી ડરતા નથી કેમકે એ જિંદગીથી ડરતા નથી. એ જિંદગી અને મોતને અલગ સ્વરૂપે જોતા જ નથી.

મોત પણ આવે હવે તો દુઃખ નથી,
જિંદગીને જાણવાની આ ક્ષણે.

જિંદગી અને મોત એક જ રેખાના બે બિંદુ છે એ સમજણ આવી જાય તો ડર નીકળી જાય. કવિ ભલે કહે કે ‘મને ન મરવું ગમે છૂટક ટૂંક હપ્તા વડે’ (ચુનીલાલ મડિયા) પણ આ જીવન અને મરણ –બંનેમાં કંઈ જ નવું નથી, કંઈ જ અલગ નથી. જે જન્મ્યો છે એ મરવાનો જ છે. અને દુનિયાની ઘરેડમાં ઘૂસી ગયા પછી ઘાણીના બળદની જેમ જીવ્યા કરવામાં પણ વિશેષ શી નવીનતા છે, કહો તો! માણસ જીવીને મરે છે અને મરીને જીવે છે. જીવવામાં પૂરો થઈ જાય છે અને પૂરો થતાં-થતાં જીવે છે. જિંદગીના વરસો ગણવાના બદલે વરસોમાં રહેલી જિંદગી ગણતા આવડે એ જ સાચું ગણિત છે. જેટલો સમય તમે ભીતરથી આનંદિત થઈ શકો છો એટલું જ તમે જીવ્યા છો. બાકીનો સમય એટલે હાડ-ચામના ખોખામાં થયા કરતી અવરજવર નકરી, બસ. સર્ગે સંતુષ્ટ છે. એ આયુષ્યમાં છૂપાયેલ જિંદગી જીવી જાણે છે. કહે છે: ‘આપણી આ દુનિયામાં આપણે બધા નાશવંત છીએ. ખુશનસીબ છું હું કે ખીલવાનો સમય મળ્યો, મરી જતાં પહેલાં.’ જ્યારે જિંદગીના કપાળેથી મરણની નવાઈ ભૂંસાઈ જાય છે ત્યારે ચહેરો ગ્લાનિમુક્ત થઈ જાય છે. વધારાના શ્વાસનો બોજો જીવતરના ખભે નાંખી ઢસરડા કરવાની ગાડરિયા વૃત્તિ, જેને આપણે સહુ જિજિવિષાના નામનું સોનેરી વરખ ચડાવીને ખુશ થવા મથતા રહીએ છીએ, હવે બચતી નથી. એટલે લોહીના હસ્તાક્ષર કરીને લટકી જવામાં હિચકિચાહટ રહેતી નથી. આમેય વચ્ચે મૃત્યુના વિસામા પર થોભ્યા વિના એક જીવનમાંથી બીજા જીવન તરફ સરાતું નથી.

દેહ છોડી જીવ મારો ક્યાં જશે ? કોને ખબર ?!
એક પરપોટો પુનઃ પાણી થશે ? કોને ખબર ?! (ચિનુ મોદી)

ફૂટવાના કારણે વચ્ચે ભરાયેલી હવા નીકળતાવેંત પરપોટો પુનઃ પાણી બની જાય છે. આત્મા અલગ થઈ જતાવેંત શરીર માટી બની જાય છે, પંચમહાભૂતમાં ભળી જાય છે. સર્ગેને આ સમજાઈ ગયું છે એટલે એ સંપૂર્ણ સજાગાવસ્થામાં નિર્લેપભાવે કપાળ પર કરચલી પણ પાડ્યા વિના અને ન પાડવાની સલાહ આપીને વિદાયની વાત કરી શકે છે. જિબ્રાનની એક પંક્તિથી વાત પૂરી કરીએ: ‘કેમકે જિંદગી અને મૃત્યુ એક જ છે જેમ નદી અને સાગર એક જ છે. કેમ કે મરી જવું પવનમાં નગ્ન ઊભા રહેવું અને તાપમાં ઓગળી જવાથી વધુ બીજું શું છે?’

ગ્લૉબલ કવિતા : ૪૮ : ગેરહાજરી – અબુ અલ બક્ર તુર્તુશી

Absence

Every night I scan
the heavens with my eyes
seeking the star
that you are contemplating.
I question travelers
from the four corners of the earth
hoping to meet one
who has breathed your fragrance.
When the wind blows
I make sure it blows in my face:
the breeze might bring me
news of you.
I wander over roads
without aim, without purpose.
Perhaps a song
will sound your name.

Secretly I study
every face I see
hoping against hope
to glimpse a trace of your beauty.

Abu Bakr al-Turtushi
Translation into Spanish by Emilio García Gómez
Translatiion from Spanish to English by Cola Franzen

ગેરહાજરી

દરરોજ રાતે હું ફંફોસ્યા કરું છું
આકાશને મારી આંખ વડે,
એ તારો શોધવાને
જેના પર તારીય આંખ મંડાયેલી છે.
પૃથ્વીના ચારે ખૂણાઓથી આવેલા
મુસાફરોની હું પૂછપરછ કરતો રહું છું
કાશ ! એમાંથી એકાદના શ્વાસમાં
તારી સુગંધ મળી આવે.

ફૂંકાતા પવનની બરાબર સામે જ
હું મોઢું રાખીને ઊભો રહું છું
રખે કોઈ ઝોકુ
તારા સમાચાર લઈ આવે

હું ગલી-ગલી ભટ્ક્યા કરું છું
મંઝિલ વિના, હેતુ વિના.
કે કાશ! કોઈ ગીતના બોલમાં
તારું નામ જડી આવે.

છાનામાના હું ચકાસ્યા કરું છું
એ દરેક ચહેરો જે હું જોઉં છું
તારા સૌંદર્યની આછીપાતળી ઝલક મેળવવાની
આકાશકુસુમવત્ આશામાં.

– અબુ અલ બક્ર તુર્તુશી
(અંગ્રેજી પરથી અનુવાદ : વિવેક મનહર ટેલર)

પ્રતીક્ષાની પરાકાષ્ઠાનું નિરવધિ ગાન…

પ્રેમ અને પ્રતીક્ષા પ્રકાશ અને પડછાયાની જેમ તાણાવાણાથી વણાયેલા છે. જ્યાં પ્રેમ હોવાનો ત્યાં પ્રતીક્ષા પણ હોવાની જ. પ્રેમમાં મિલનમાં જેટલી મજા છે એટલી જ મજા વિરહની પણ છે. મિલનની મીઠાઈ એકધારી ખાઈ ખાઈને ઓચાઈ ન જવાય એ માટે જ કદાચ પ્રેમની થાળીમાં વિયોગનું ફરસાણ, ઇંતેજારના અથાણાં અને યાદની ચટણી પણ પીરસવામાં આવ્યા હશે. પ્રેમમાં મિલન કરતાં પ્રતીક્ષા કવિતા માટે પણ હંમેશા વધુ ઉપકારક નીવડ્યા છે. ‘कहीं वो आ के मिटा दें न इंतिज़ार का लुत्फ़, कहीं कबूल न हो जाए इल्तिजा मेरी।‘ (‘હસરત’ મોહાની) અબુ બક્રની પ્રસ્તુત કવિતા પણ પ્રેમ અને પ્રતીક્ષાની પરાકાષ્ઠા પર બિરાજમાન છે…
અગિયારમી-બારમી સદીમાં થઈ ગયેલા અબુ બક્રને આપણે જ્ઞાન માર્ગના પ્રવાસી તરીકે પણ ઓળખીએ છીએ. અહીં કવિ તરીકેની એક બીજી ઓળખાણ આપણી સમક્ષ ખુલે છે. આખું નામ અબુ બક્ર મુહમ્મદ ઇબ્ન અલ-વલિદ અલ-તુર્તુશી. જન્મ ૧૦૫૯માં ઈશાન સ્પેઇનના અલ-અંડાલુસ પ્રાંતના તોર્તોસા ગામમાં. નિધન ઈ.સ. ૧૧૨૬માં એલેક્ઝાન્ડ્રિયા, ઇજિપ્તમાં. ન્યાય અને કાયદાના ઊંડા અભ્યાસુ. મધ્ય યુગીન અંડાલુસી મુસ્લિમ રાજકીય તત્ત્વ ચિંતક. જ્ઞાનોપાર્જનાર્થે અને નાનાવિધ મહારથીઓના હાથ નીચે શિક્ષા પામવા માટે તેમણે છેક બગદાદ સુધી પ્રવાસ કર્યા. એમના ડઝનબંધ શિષ્યો કાયદાશાસ્ત્રીઓ અને ધર્મશાસ્ત્રીઓ બન્યા. એમની સન્યાસી જેવી નિસ્પૃહતા અને ધાર્મિકતાના ચુંબકથી સેંકડો લોકો આકર્ષાયા. એમનું પુસ્તક ‘કિતાબ સિરાજ અલ-મુલક’ (રાજાઓનો દીપક) મધ્યયુગીન ઇસ્લામિક વિશ્વમાં ઇસ્લામિક રાજનીતિક સિદ્ધાંતો પર અમીટ છાપ છોડનારાઓમાંનું મહત્ત્વનું એક છે, જે સદીઓથી આજપર્યંત એક સીમાચિહ્ન, દીવાદાંડી બની પ્રકાશી રહ્યું છે. એમાં અબુ કહે છે, ‘ન્યાયી શાસક એની પ્રજા માટે એ હોવો જોઈએ જે વરસાદ તરસ્યા છોડવાઓ માટે છે, અથવા એથી વધીને, કેમ કે વરસાદ તો થોડા સમય માટે જ છે, જ્યારે ન્યાયના આશીર્વાદ તો સમયાતીત છે.’

પ્રસ્તુત રચના અબુ બક્રની કવિતાના એમિલિયો ગાર્સિયા ગોમેઝે કરેલા સ્પેનિશ અનુવાદ પરથી કોલા ફ્રાન્ઝને કરેલા અંગ્રેજી અનુવાદ પરથી કરાયેલ ગુજરાતી અનુવાદ છે. દરેક ભાષાની પોતાની એક ફ્લેવર હોય છે. ભાષા જે તે સમાજ અને સમય –બંનેને યથાર્થ ઝીલતી હોય છે. દરેક સમાજની પોતાની કહેવતો, રુઢિપ્રયોગો, રિવાજો અને શબ્દાર્થો છે. ભાષા આ બધાને આગવી છટાથી પોતાની પીઠ પર બેસાડીને સમયની ધાર પર રેવાળ ચાલે ચાલતી હોય છે. એક જ શબ્દ અલગ અલગ સમયે એક જ ભાષામાં અલગ અલગ અર્થ ધરાવતો હોઈ શકે. ૧૩-૧૪મી સદીથી શેક્સપિઅરના સમય દરમિયાન ઑનેસ્ટનો અર્થ ‘આદરણીય’, ‘સદાચારી’, ‘સભ્ય’ થતો હતો પણ આજે એ જ શબ્દનો અર્થ ‘પ્રામાણિક’ થાય છે. એક જમાનો હતો જ્યારે સ્ત્રીઓને પણ ‘હેન્ડસમ’ કહેવામાં આવતું. જેન ઑસ્ટિન કે થોમસ હાર્ડીની નવલકથાઓમાં આ પ્રયોગ અવારનવાર થતો પણ આજે કોઈ સ્ત્રીને તમે હેન્ડસમ કહો તો? અબુ બક્રની ભાષા કે સ્પેનિશ કે અંગ્રેજી ભાષા પણ ન સમજી શકતા હોય એવા ગુજરાતી કાવ્યરસિકો આ કવિતાની સુંદરતાથી વેગળા રહી જાય એ તો યોગ્ય નથી જ ને? અનુવાદ બે ભાષા, બે સંસ્કૃતિ, બે દેશો વચ્ચેનો પુલ છે. અનુવાદ જ લોકલને ગ્લોબલ બનાવે છે પણ કોઈપણ અનુવાદ સર્વાંગસંપૂર્ણ કદી હોઈ જ ન શકે. જે તે ભાષાની અર્થચ્છાયા અને શબ્દપ્રયોગોની બારીકી બીજી ભાષા કદી પણ યથાતથ ઝીલી શકે જ નહીં. એટલે અનુવાદ એક ભાષાના મૂળ ભાવ અને શબ્દોને બને એટલી ચિવટાઈથી વળગી રહીને એને નવી ભાષા, નવા શબ્દપ્રયોગો અને અર્થચ્છાયામાં ઢાળવાની કળા છે. આ કવિતાનો સ્પેનિશ ભાષામાં અનુવાદ થયો ત્યારે પણ મૂળ કૃતિમાંથી કંઈક રહી ગયું હશે અને કંઈક નવું ઉમેરાયું હશે. સ્પેનિશનો અંગ્રેજીમાં અનુવાદ થયો હશે ત્યારે ફરી આમ બન્યું હશે અને આખરે ગુજરાતીમાં અનુવાદ થયો ત્યારે ફરીથી કંઈક ચૂકી જવાયું હશે ને કંઈક મૂકી જવાયું હશે. એટલે અબુ બક્રની મૂળ કવિતા તો ભગવાન જાણે કેવી હશે! આપણે તો એના અંતઃસત્ત્વની એક ઝલક પામી શકીએ એટલું જ બસ.

સમય કોઈ પણ હોય, પાત્ર કોઈ પણ હોય, સંસ્કૃતિ કોઈ પણ હોય, પ્રેમ હંમેશા જિંદગીની તીવ્રતમ અનુભૂતિ અને ઉચ્ચતમ ઉપલબ્ધિ જ બની રહ્યો છે. વાત પ્રિયતમાની હોય કે અલ્લાહની ઇબાદતની હોય, પ્રેમની તરસ એની એ જ રહે છે… કબીર-મીરા-નરસિંહની સમર્પણભાવના અબુ બક્રની આ કવિતામાં શબ્દે-શબ્દે વર્તાય છે…

સિક્કા ખિસ્સામાં છે તારી યાદના,
રોજ થોડા થોડા લઉં છું કામમાં.

ખલિલ જિબ્રાને કહ્યું હતું: ‘યાદ કરવું એ મુલાકાતનો જ એક પ્રકાર છે.’ પ્રિયજનની ગેરહાજરીમાં સ્મરણ જ સાચો સંગાથી બની રહે છે. એટલે જ કવિ કહે છે,

ભલે તું જાય છે પણ યાદ પરનો હક તો રહેવા દે,
સ્મરણના ‘સ’ વગર તો થઈ જશે મારું ‘મરણ’ તુર્ત જ.

સ્મરણના આ જ ઊંટ પર સવાર થઈને અબુની આ કવિતાનો કાફલો સમયના રણમાં આગળ ધપે છે. અલ્લાહ કહો તો અલ્લાહ અને માશૂકા કહો તો માશૂકા – હવે સાથે નથી. બંદો કે માશૂક હવે એકલો છે. એટલે દરરોજ રાતે એ શૂન્યમનસ્ક આકાશમાં તાકી રહે છે. કવિતા ‘દરરોજ રાતે’થી શરૂ થાય છે એય વિચારવા જેવું છે. આ કોઈ ‘નવું નવું નવ દિવસ’વાળા પ્રેમીની વાત નથી ‘જેનો સમયની સાથે હૃદયભાર પણ ગયો’ (મરીઝ) હોય. પ્રતીક્ષાની તીવ્રતા સાચા પ્રેમમાં સમયની સાથે વધુને વધુ બળવત્તર બનતી હોય છે. નાયક દરરોજ રાતે થાક્યા વિના આખા આકાશને ફંફોસ્યા કરે છે. મતલબ ‘ઊડી ગઈ છે નીંદ હવે તો સહર સુધી.’ (બેફામ) નાયિકા દૂર ચાલી ગઈ છે એ સાચું પણ પ્રણયવિચ્છેદ હજી થયો નથી કે આ વિયોગનું કારણ બેવફાઈ પણ જણાતું નથી કેમકે નાયકને ખબર છે કે ‘जो हाल दिल का इधर हो रहा है, वो हाल दिल का उधर हो रहा है|’ (સમીર). કિટ્સ યાદ આવે: ‘આત્મા બે પણ વિચાર એક જ, બે હૃદય પણ ધબકાર એક જ.’ આ તરફ જો નાયક અથાક ઉજાગરા કરીને આકાશે મીટ માંડીને બેઠો છે તો પેલા ખૂણે નાયિકા પણ એમ જ એકટકે જોતી બેઠી હશે. નાયકને એ તારો જડવાની આશા છે, જેના ઉપર જ નાયિકાનું ધ્યાન પણ કેન્દ્રિત હોવાનું. એક અલગ જ પ્રકારના તારામૈત્રક માટેની આ કેવી ઘેલછા! આ ઘેલછા જો કે ન હોય તો એક રાત કાપવી પણ કપરી થઈ પડે:

‘इक उम्र कट गई है तिरे इंतिज़ार में,
ऐसे भी हैं कि कट न सकी जिनसे एक रात।’ (‘ફિરાક’ ગોરખપુરી)

નાયક પૃથ્વીના ખૂણેખૂણેથી આવનાર વટેમાર્ગુઓની પૃચ્છા કરતો રહે છે:

आते-जाते हर राही से पूछ रहा हूं बरसोंसे,
नाम हमारा लेकर तुमसे, हाल किसीने पूछा है? (વિશ્વાનાથ ‘દર્દ’)

કોઈક મુસાફર કાશ એના સમાચાર લઈ આવે… ‘છે શ્વાસ આખરી છતાં પૂરો નથી થતો, છે આશ કૈંક ક્યાંકથી તારી ખબર મળે.’ કોઈક પ્રવાસે ક્યાંક ક્યારેક એને મળી ગયો હોય અને એના શ્વાસમાં કવિને ‘કોઈ જાણીતો શ્વાસ લાગે છે, એ અહીં આસપાસ લાગે છે’ (શોભિત દેસાઈ)ની અનુભૂતિ થાય! પ્રિયતમના સમાચાર મેળવવાની ઝંખના હવે તીવ્રતમ થાય છે. ફૂંકાતા પવનને નાયક પોતાના ચહેરા પર ઝીલી લે છે, એ આશામાં કે નિર્જીવ પવનનું કોઈ એક ઝોકું કદાચ એના સમાચાર લઈને આવ્યું હોય. સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ ભૂલાઈ જાય છે. કાલિદાસના મેઘદૂતનો યક્ષ યાદ આવે: ‘कामार्ता हि प्रकृतिकृपणाश्चेतनाचेतनेषु।’ (કામ પીડિત સમજી નથી શકતા કે આ જડ છે, આ ચેતન છે.) (પૂર્વમેઘ)

आलिङ्ग्यन्ते गुणवति मया ते तुषाराद्रिवाताः
पूर्वं स्पृष्टं यदि किल भवेदङ्गमेभिस्तवेति॥
(હે ગુણવતિ! એ વાયુઓને તારા અંગનો સ્પર્શ થયો હોય એમ ધારી હું એને આલિંગું છું.) (ઉત્તરમેઘ)

વાલ્મિકીના રામાયણમાં રામ પણ આવી જ અનુભૂતિ વર્ણવે છે: वाहि वात यतः कान्ता तां स्पृष्ट्वा मामपि स्पृश| (એ સ્ત્રી (સીતા)ને સ્પર્શીને આવતા પવન, મને પણ સ્પર્શ.)

દરબદર, ગલી-ગલી નાયક ભટકી રહ્યો છે. આશ એજ છે ને એક જ છે કે ક્યાંકથી કોઈક ગીત સંભળાય જેના બોલમાં એનું નામ સંતાયેલું હોય. રૂમી કહે છે: ‘પ્રેમીઓ ધૈર્યવાન હોય છે અને જાણે છે કે ચંદ્રને સોળેકળાએ ખીલવા માટે સમય જોઈએ છે.’ જો કે હવે મિલનની રહીસહી આશાનું પોત પણ પાતળું પડી રહ્યું છે. એ જાણવા છતાં કે હવે મિલનની આશા આકાશકુસુમવત્ બની ગઈ છે પણ તોય આ આશા એવી દુર્દમ્ય બની ગઈ છે કે આશાના આ તણખલાના સહારે નાયક ભવસાગર પાર કરવા કૃતનિશ્ચયી બન્યો છે. દુનિયાની ભીડમાં નાયક દરેક ચહેરાને એ હજીય ચકાસી રહ્યો છે કે જરાઅમથી આશાના અજવાળે ક્યાંક પ્રેયસીના ચહેરાની એક ઝલક જોવા મળી જાય!

આવા જ કોઈ પ્રેમઘેલા માટે રૂમીએ કહ્યું હશે: ‘ભલે તમારા મોઢા પર જ દરવાજો કેમ ન બંધ કરી દેવાયો હોય, ધીરજપૂર્વક રાહ જુઓ.’ જિબ્રાને સાચું જ કહ્યું છે: ‘કોઈપણ ઝંખના અપરિપૂર્ણ રહેતી નથી.’ જો મિલન અને વિરહ પ્રેમની બે આંખ હોય તો ધીરજ અને આશા પ્રેમના બે પગ છે. એના વિના પ્રેમ ચાલી શકતો જ નથી. પ્રેમી જ કહી શકે: ‘તારી પ્રતીક્ષામાં હું રોજેરોજ મર્યો છું. પ્રિયે, ડરીશ મા. હું તને હજારો વર્ષોથી ચાહતો આવ્યો છું. હું તને હજારો વરસ ચાહતો રહીશ.’ (ક્રિસ્ટીના પેરી) ફરી જિબ્રાન યાદ આવે: ‘એકાંત એ નિઃશબ્દ તોફાન છે જે તમારી તમામ મૃત ડાળીઓને તોડી પાડે છે; છતાં આપણા જીવંત મૂળને જીવિત ધરાના જીવંત હૃદયમાં ઊંડા ઉતારે છે.’

સ્મરણ એ પ્રેમની રગોમાં વહેતું રુધિર છે. પ્રેમમાં સાથે હોવામાં જે મજા છે એથીય અદકેરી મજા સાથને સ્મરવામાં છે. વિયોગની કપરી કમરતોડ પળોએ યાદોની ભીંત જ પ્રેમને અઢેલવા માટે કામ લાગે છે. ૫૮મા સોનેટમાં શેક્સપિઅર કહે છે: ‘I am to wait, though waiting so be hell’ (મારે રાહ જોવાની જ છે, ભલે આમ રાહ જોવું નર્ક કેમ ન હોય!) તો ૫૭મા સોનેટમાં એ કહે છે, ‘કેમકે હું તારો ગુલામ છું, તું ઇચ્છે એ સમય આવે ત્યાં સુધી કલાકો પ્રતીક્ષા કરવા સિવાય હું બીજું શું કરી શકું?’

પ્રાચીન ઉર્દૂ-ફારસી કવિતામાં માશૂક અને અલ્લાહને અળગા કરવા ઘણીવાર અશક્ય બની જાય છે. કવિતા પરનો નકાબ ઉતારીએ ને અંદરથી પ્રિયતમ નીકળે છે કે ઈશ્વર – એ નકાબ હટાવનારની અનુભૂતિ પર જ અવલંબિત રહે છે. પ્રેમની ક્ષિતિજ પર આમેય અલ્લાહ અને માશૂક એકમેકમાં ઓગળી જાય છે. પ્રિયજનની ગેરહાજરીને તારસ્વરે વાચા આપતી આ રચનાને પણ ઈશ્વરની અનુપસ્થિતિ અને ઈશ્વરની એક ઝલક પ્રાપ્તિ માટેની આકંઠ તાલાવેલી તરીકે પણ જોઈ શકાય. કે કદાચ એ રીતે જ જોઈ શકાય? કહેજો…

ચાલ પર્વત પર ચડીને – ખલીલ ધનતેજવી

કાવ્ય પઠનઃ ખલીલ ધનતેજવી

.


photo from internet

ચાલ પર્વત પર ચડીને ખૂબ ચીસો પાડીએ,
જો આ સન્નાટો ન તૂટે તો તિરાડો પાડીએ.

એક ચાંદો આભમાં બી જો અગાશીમાં ઊગ્યો,
બેઉમાંથી કોને સાચો, કોને ખોટો પાડીએ.

બાળપણ, યૌવન, બૂઢાપો, વેશ સૌ ભજવી ચૂક્યા,
થૈ ગયું પૂરું આ નાટક, ચાલ પડદો પાડીએ.

ભૈ આ મારી નામના છે શી રીતે વહેચું તને,
બાપની મિલકત નથી કે ભાગ અડધો પાડીએ.

હા,ખલીલ એવું કશું કરીએ સૌ ચોંકી ઊઠે,
થઇ શકે તો ચાલ પરપોટામાં ગોબો પાડીએ.
– ખલીલ ધનતેજવી

———————————————

હવાનો હાથ જાલીને રખડતા આવડી ગ્યુ છે,
મને ખુશ્બૂની દુખતી રગ પકડતા આવડી ગ્યુ છે.

હવે આનાથી નાજૂક સ્પર્શ બીજો હોય પણ ક્યાંથી,
મને પાણીના પરપોટાને અડતા આવડી ગ્યુ છે.

બધા ખમતીધરો વચ્ચે અમારી નોંધ લેવાશે,
ભરી મહેફિલમાં સૌની નજરે ચડતા આવડી ગ્યુ છે.

હવે તો સાપને પણ ઝેર ખાવાનો વખત આવ્યો,
મદારીને હવે માણસ પકડતા આવડી ગ્યું છે.
– ખલીલ ધનતેજવી

————————————————

સુખચેન તો કર્તવ્ય વગર ક્યાંથી લાવશો
તમને દુવા તો મળશે અસર ક્યાંથી લાવશો

બંગલો તો ઓછેવત્તે ગમે ત્યાં મળી જશે
ઘર, ઘર કહી શકાય એ ઘર ક્યાંથી લાવશો

શત્રુ તો ઉઘાડો છે છડેચોક દોસ્તો
મિત્રોને પારખે એ નજર ક્યાંથી લાવશો

શંકરની જેમ નાગને મફલર કરી શકો
પણ ઝેર પી જવાનું જિગર ક્યાંથી લાવશો

મંજિલ ‘ખલીલ’ આવશે રસ્તામા ક્યાંક પણ
સથવારો હોય એવી સફર ક્યાંથી લાવશો
– ખલીલ ધનતેજવી
———————————-

ઝેરનો તો પ્રશ્ન ક્યાં છે, ઝેર તો હું પી ગયો,
આ બધાને એ જ વાંધો છે કે હું જીવી ગયો !

હું કોઈનું દિલ નથી, દર્પણ નથી, સ્વપ્નું નથી,
તો પછી સમજાવ કે હું શી રીતે તૂટી ગયો.

માછલીએ ભરસભામાં ચીસ પાડીને કહ્યું,
તેં મને વીંધી છે મારી આંખ તું ચૂકી ગયો.

એમ કંઈ સ્વપ્નામાં જોયેલો ખજાનો નીકળે ?
એ મને હેરાન કરવા મારું ઘર ખોદી ગયો.

ને ખલીલ, એવું થયું કે છેક અંતિમ શ્વાસ પર
મોતને વાતોમાં વળગાડીને હું સરકી ગયો.
– ખલીલ ધનતેજવી