પ્રસંગો પાંદડાના -જવાહર બક્ષી

સ્વર: આશિત દેસાઈ
સંગીતઃ આશિત દેસાઈ
આલ્બમ: ગઝલ રુહાની

.

પ્રસંગો પાંદડાના ઢગમાં બાળતા રહીએ.
પરિસ્થિતિનાં ધુમાડાને ઘુંટતા રહીએ.

હવે અવાજનું ઊંડાણ તું ય જાણે છે
તને ગમે તો જરા વાર બોલતા રહીએ.

ફરીથી સ્થિર થઈ જાશે જળ સરોવરનાં
ફરીથી આપણાં પથ્થરને ફેંકતાં રહીએ.

થીજી ગયો છે હવે પ્રેમ પણ અતિતની જેમ
સમય ની જેમ ચલો આપણે જતા રહીએ.

‘ફના’ચાલોને આ પગલાંને મુકવા જવું છે,
જરા ક્ષિતિજ સુધી જઈને આવતા રહીએ
-જવાહર બક્ષી

દોડ ને! – હિમલ પંડ્યા ‘પાર્થ’

કોણ તારું, કોણ મારું, છોડ ને!
એકલા છે દોડવાનું, દોડ ને!

જ્યાં ટકોરા મારવાનું વ્યર્થ છે,
કામ લે હિમ્મતથી, તાળું તોડ ને!

રોજ જે ચહેરો સતત જોવો ગમે,
આઈના પર એ જ ચહેરો ચોડ ને!

કેટલા ભેગા થયેલાં છે સ્મરણ?
તું સમયનો સહેજ ગલ્લો ફોડ ને!

લે, હવે વધસ્તંભ પર આવી ઊભા!
હોય ખીલ્લા એટલા તું ખોડ ને!

ત્યાં નિરંતર ઈશ વસતો હોય છે,
તું હૃદય સાથે હૃદયને જોડ ને!

– હિમલ પંડ્યા ‘પાર્થ’

ગ્લૉબલ કવિતા : ૭૭ : ગીતાંજલિ – રવીન્દ્રનાથ ટાગોર

મહામાનવ ટાગોર: જીવન અને કવન

પવનમાં મંદમંદ ફરફરતી શ્વેત દાઢી, ઘટાદાર ધવલ કેશજટા, સીધી હૃદયમાં જ ઊતરી જાય એવી પાણીદાર છતાં કરુણાસભર આંખ અને ઘેરો મીઠો અવાજ… વીસમી સદીનો આ સંતકવિ ખુલતો ઝભ્ભો પહેરી ચાલવા નીકળતો ત્યારે સૃષ્ટિ પણ એમના સૌંદર્યનું આચમન કરવા બે ઘડી થંભી જતી. રવીન્દ્રનાથ ટાગોર. બંગાળીમાં રબીન્દ્રનાથ ઠાકુર. ઓગણીસમી સદીમાં બંગાળમાં જેના પગરણ મંડાયા એવા ઉપનિષદ આધારિત હિંદુત્વને પ્રમાણતા બ્રહ્મસમાજના અગ્રણી નેતા દેવેન્દ્રનાથ ટાગોરના ઘરે ૦૭-૦૫-૧૮૬૧ના રોજ કલકત્તા ખાતે જન્મ. શરૂનું શિક્ષણ ઘરે જ. માત્ર ૮ વર્ષની વયે એમણે કવિતા લખવી શરૂ કરી હતી. ૧૬ વર્ષની વયે તો ભાનુસિંહાના છદ્મનામથી એમની કવિતાઓ પ્રગટ થવા માંડી. સત્તર વર્ષની કૂમળી વયે વિદ્યાભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા પણ અભ્યાસ પૂર્ણ કર્યો નહીં. ઘરની વિશાળ જાગીરોની દેખરેખ માટે ગંગાકિનારે બોટ-હાઉસમાં ઘણા વરસો સુધી કોઈને એમનો ખરો પરિચય હોય જ નહીં એવી અવસ્થામાં દિવસ-રાતના અનવરત એકાંતને અઢેલીને રહ્યા. પત્ર દ્વારા મોકલાતી અને સામયિકોમાં છપાતી કવિતાઓ વડે જ એ બહારના વિશ્વ સાથે જોડાયેલા રહ્યા. ત્યાં સ્વરચિત કાવ્યો એ મોટા અવાજે રાત્રિના નીરવ આકાશ તળે બેસીને પોતાને જ સંભળાવતા. આ કામમાં જોતરાવાના પરિણામે સામાન્ય વર્ગના માણસોના નજદીકી પરિચયમાં આવ્યા જેનો પછીની આખી જિંદગી અને તમામ સાહિત્યસર્જન પર પર ખૂબ વ્યાપક પ્રભાવ રહ્યો. ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં પણ અવારનવાર જોડાયા. ગાંધીજી એમના નજીકના મિત્ર હતા. પોતાના અરુઢ વિચારો અને નવા સમાજની કલ્પનાઓને સાકાર કરવા માટે એમણે ૧૯૦૧માં શાંતિનિકેતન નામની પ્રાયોગિક સંસ્થા શરૂ કરી, જે આજે બીજમાંથી વટવૃક્ષ બની ચૂકી છે. ૧૯૧૮માં વિશ્વભારતીની સ્થાપના કરી. ૧૯૧૫માં બ્રિટીશ સરકારે એમને નાઇટનો ખિતાબ આપ્યો જે ૧૯૧૯માં જલિયાવાલા બાગના હત્યાકાંડના વિરોધમાં એમણે પરત કર્યો. ૧૮૮૩માં માત્ર દસ વર્ષની મૃણાલિનીદેવી સાથે એમના લગ્ન થયા. ટાગોર સાચા અર્થમાં બહુશ્રુત પ્રતિભા હતા. કવિ. નાટ્યકાર. વાર્તાકાર. નવલકથાકાર. નિબંધકાર. પ્રવાસકથાકાર. આત્મકથાકાર. વિવેચક. ફિલસૂફ. સમાજસેવક. ચિત્રકાર. સંગીતકાર. રવીન્દ્રસંગીતના પ્રણેતા. પોતાની બંગાળી કૃતિઓના જાતે જ કરેલા અંગ્રેજી અનુવાદોના પરિણામે વિદેશમાં એમની ખ્યાતિ આભને આંબવા માંડી. પાશ્ચાત્ય વિશ્વ માટે એ ભારતના સાહિત્યિક વારસાનો પ્રતિનિધિ અવાજ હતા અને ભારતમાં એ જીવતીજાગતી યુનિવર્સિટી બની રહ્યા. ૦૭-૦૮-૧૯૪૧ના રોજ લાંબી બિમારીના અંતે એમનું દેહાવસાન થયું.

૧૯૧૨માં ઇંગ્લેન્ડ જતી વેળાએ જહાજ પર એમણે પોતાની રચનાઓનું અંગ્રેજીમાં ભાષાંતર આદર્યું. જહાજમાં સમય પસાર કરવાના એકમાત્ર આશયથી કરાયેલી આ પ્રવૃત્તિ જ્યોતમાંથી સૂર્યનું સ્વરૂપ લેશે એની એમણે કલ્પના પણ નહોતી. લંડનના સબવેમાં એમનો દીકરો ટાગોરની બ્રિફકેસ ભૂલી ગયો પણ કોઈક પ્રામાણિક માણસે એ પરત કરી. ટાગોરના મિત્ર રોથેન્સ્ટાઇનને આ કવિતાઓની જાણ થતાં એમણે જોવા માંગી. ખંચકાતા-ખંચકાતા ટાગોરે એમની નોટબુક એમને આપી. રોથેન્સ્ટાઇનને તો જાણે ધોળે દિવસે તારા દેખાયા. એણે તત્કાલીન મહાકવિ ડબ્લ્યુ. બી. યિટ્સને આ રચનાઓ વાંચવા અનુગ્રહ કર્યો. યિટ્સ તો આભા બની ગયા. એમણે આ રચનાઓની પ્રસ્તાવના લખી અને લંડનની ઇન્ડિયન સૉસાયટીએ આ કવિતાઓ ગીતાંજલિ નામથી પ્રગટ કરી. મૂળ બંગાળી ગીતાંજલિ તો અંગ્રેજીથી ઘણી અલગ છે. પોતાના જ દસેક કાવ્યસંગ્રહોમાંથી ૧૦૩ કવિતાઓનું ચયન કરીને એમણે આ પુસ્તક સર્જ્યું. પાશ્ચાત્ય દેશોમાં પુસ્તકે રાતોરાત ધમાલ મચાવી દીધી. આ અગાઉ પાશ્ચાત્ય વિશ્વે આવું કશું વાંચ્યું જ નહોતું. ૧૯૧૩માં ગીતાંજલિ માટે સાહિત્યનું નૉબેલ પારિતોષિક એમને એનાયત કરવામાં આવ્યું. શાંતિનિકેતનમાં કવિને જ્યારે ટેલિગ્રામથી સમાચાર મળ્યા ત્યારે સમાચારને બરાબર સમજ્યા વિના કાગળ એમણે ખિસ્સામાં મૂકી દીધો. એક અંગ્રેજ મુલાકાતીના આગ્રહથી જ્યારે એમણે તાર વાંચ્યો ત્યારે પહેલાં તો એમને થયું કે તારની અંગ્રેજી ભાષામાં કંઈ સમસ્યા છે. આવું વિરાટ બહુમાન ખાટનાર એ ન માત્ર પ્રથમ ભારતીય હતા, પ્રથમ બિનયુરોપીય નાગરિક પણ હતા. ટાગોર પહેલાં અને ટાગોર પછી પણ કોઈ ભારતીય સાહિત્યકારને આ બહુમાન આજદિનપર્યંત પ્રાપ્ત થયું નથી.

નોબેલ પારિતોષિકની વેબસાઇટ પર ટાગોરની કવિતાઓ માટે લખાયું છે: ‘એમની ગહન સંવેદનશીલતા, તાજગી અને સૌંદર્યસભર કવિતાઓ, જેના વડે, કુશળ કૌશલ્યસહિત, એમણે પોતાના કાવ્યાત્મક વિચારોને, જે એમના પોતાના અંગ્રેજી શબ્દોમાં અભિવ્યક્ત થયા છે, પાશ્ચાત્ય સાહિત્યનો એક હિસ્સો બનાવ્યો છે.’ નોબેલ પુરસ્કાર ગ્રહણ કરતી વખતે કવિએ જે ભાષણ આપ્યું હતું એમાં એમણે કહ્યું કે પચાસ વર્ષો સુધી સક્રિયતાથી અલિપ્ત, પશ્ચિમથી તો સાવ જ દૂર રહેલા મારા માટે ક્ષણાર્ધ જેવામાં જ મારો એમના કવિઓની સમકક્ષનો સ્વીકાર મારા માટે એક ચમત્કાર જ હતો. એકાંત અને એકલતાના વર્ષોમાં જે શાંતિ કવિઉરમાં જમા થઈ હતી એનો પડઘો પાશ્ચાત્ય સભ્યતાએ તરત જ સ્વીકારી લીધો. કવિ કહે છે કે, ‘હું જાણું છું કે આ પ્રસંશાને મારે વ્યક્તિગત ધોરણે સ્વીકારવી ન જોઈએ. મારી અંદર જે પૂર્વ હતું એણે જ પશ્ચિમને આપ્યું. મારા સદભાગ્યે જ્યારે પશ્ચિમે પોષણ માટે પૂર્વ તરફ નજર ઊઠાવી એ જ ક્ષણે હું સામે આવ્યો અને એટલે જ મને આ સન્માન મળ્યું છે.’

કવિવર અને અનેકાનેક સ્ત્રીઓનો સંબંધ પણ હંમેશા ચર્ચાના ચકડોળે રહ્યો. ટાગોર અને ભાભી કાદમ્બરી વચ્ચેનો સ્નેહસંબંધ કુટુંબમાં ચર્ચાવા લાગ્યો ત્યારે એમના પિતાએ કવિવરના લગ્ન માત્ર દસ વર્ષની કન્યા મૃણાલિણીદેવી સાથે કરાવી દીધા. કાદમ્બરીએ ટાગોરના લગ્નના ચાર મહિનામાં જ આત્મહત્યા કરી લીધી. ટાગોરની ત્રણેય પુત્રીઓના લગ્ન પંદર વર્ષથી ઓછી આયુમાં થયા અને ટાગોરે ત્રણેયના લગ્નમાં દહેજ પણ ખાસ્સું આપ્યું હતું. ટાગોરે પોતાની પત્ની કે પુત્રીઓને શાંતિનિકેતન કે વિદેશમાં અભ્યાસ કરવા કેમ ન પ્રેર્યા એ પણ એક પ્રશ્ન છે. પાંચ બાળકોને જન્મ આપીને મૃણાલિનીદેવી ૨૯ વર્ષની કાચી વયે જ ગુજરી ગયા. મોટી દીકરી માધુરી ૩૨ની વયે તો નાની દીકરી રેણુકા તો લગ્ન પછી માત્ર ૧૪ જ વર્ષની વયે નિધન પામી. કદાચ ટાગોરે સમાજસુધારાના મહાયજ્ઞની સામે પારિવારીક ભોગને નગણ્ય જ ગણ્યો હતો. ટાગોરના જીવનમાં સ્ત્રીઓ પણ ઘણી આવી. ઇંગ્લેન્ડ જતાં પહેલાં મુંબઈ જેમના ઘરે એ રહ્યા હતા એ પરિવારની અન્નપૂર્ણા તુરખુડ ટાગોરનો કદાચ પ્રથમ પ્રેમ હતો અને વાત લગ્ન સુધી જતાં-જતાં અટકી ગઈ હતી. એ કહેતી કે, ‘કવિ, હું માનું છું કે હું મૃત્યુશૈયા પર પણ હોઈશ તો તારાં ગીત મને ફરી જિંદગી બક્ષશે.’ લંડનમાં જેમના ઘરે એ પેઇંગગેસ્ટ તરીકે રહ્યા હતા એ મિ. સ્કૉટની બંને સુપુત્રીઓ એમના પ્રેમમાં હતી પણ ટાગોર શારીરિક પ્રોત્સાહન આપવાથી દૂર રહ્યા. ટાગોરની પહેલી પુત્રીના અવસાન પછી નિકટ આવેલી રાનુ અધિકારી સાથેના ટાગોરના સ્નેહસંબંધોમાં શરૂઆતનો પિતૃભાવ કાયમ ન રહેતાં બંને વચ્ચે કાયમી કહી શકાય એવો લાંબા ગાળાનો બહુઆયામી સંબંધ સ્થપાયો હોવાનું પણ કહેવાય છે. ટાગોરે એને ૨૦૦ પત્રો અને એક નાટક રક્ત કરાબી પણ લખ્યું હતું.

બંગાળી કવિતાને એમણે પારંપારિક ભારઝલ્લી સંસ્કૃત ભાષાના પ્રભુત્વથી આઝાદી અપાવી. ગદ્ય અને પદ્યને એમણે માત્ર બોલચાલની ભાષાના જ નહીં, પોતીકી આગવી શૈલીના નવાં કલેવર પણ પહેરાવ્યાં. ટાગોરના સર્જનની સંખ્યા, ગુણવત્તા અને વિવિધતા વિશે કશું જ બોલવું સંભવ નથી. ૬૦ વર્ષની વયે એમણે ચિત્રકળા અપનાવી પણ એમાંય એ ભારતભરના અગ્રણી કળાકારોમાંના એક બની રહ્યા. ૨૫૦૦થી વધુ ચિત્રો અને ૨૦૦૦થી વધુ કવિતાઓ રચી. ભારત અને બાંગ્લાદેશના રાષ્ટ્રગીત પણ એમની જ કલમે અવતર્યાં. આઇન્સ્ટાઇન સાથે વિજ્ઞાનની ઊંડા વાદવિવાદમાં પણ ઊતરી શકે એવી એમની કાબેલિયત હતી. વિશ્વભરમાં પ્રવાસો કરીને એમણે પ્રવચનો આપ્યાં અને એ રીતે સાચા અર્થમાં તેઓ પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનો મજબૂત સાંસ્કૃતિક સેતુ બની રહ્યા. જીવનના સેંકડો ક્ષેત્રોમાં આપેલા ઊંડા અને ઉમદા પ્રદાનોને લઈને એમને મહામાનવ ગણવામાં આવે છે એમાં લગરિક અતિશયોક્તિ નથી.
ઈશ્વરની અસીમ કૃપાઓનું નિરવરત ભક્તિગાન એટલે ગીતાંજલિ. ગીતાંજલિ એ ભારતીય સંત-ભજનિક પરંપરાનું જ વહન કરતી હોવાથી લખાયાના સો વરસ પછી આજેય એ આપણા હૃદયને સીધો સ્પર્શ કરતી હોવાનું અનુભવાય. ગીતાંજલિમાંથી પસાર થતાં કોઈકને કદાચ એવુંય લાગે કે આ બધું તો સેંકડો સદીઓથી આપણી રગોમાં કબીર-તુલસી-નરસિંહ-મીરાંના હાથે દોડતું જ રહ્યું છે પણ મૌલિક અભિવ્યક્તિ, સહજ કલ્પન, સરળ બાની અને પ્રવાહી રવાનીના કારણે ગીતાંજલિના કાવ્યો આપણા સાહિત્યના અ-મર અમૂલ્ય મૌક્તિક બની રહ્યાં છે. ઈશ્વર પ્રતિ અગાધ પ્રેમ અને અનન્ય વિશ્વાસના કવિ એટલે રવીન્દ્રનાથ અને ગીતાંજલિ એટલે જાણે વેદઋચાઓ… ગીતાંજલિના કેટલાક ફૂલોનો બૂકે આજે આપ સહુ માટે:

૧.

તેં મને અંતહીન બનાવ્યો છે, એ જ તારી ઇચ્છા છે. આ તકલાદી વાસણને તું ફરી ફરીને ખાલી કરે છે અને ફરી ફરીને નવજીવનથી ભરી દે છે.

વાંસની આ નાનકડી વાંસળીને ઊંચકીને તું પર્વતો અને ખીણોમાં ફર્યો છે અને એમાં શ્વસીને તેં નૂતન શાશ્વતી સૂરાવલિઓ રેલાવી છે.

તારા હાથોના અમર્ત્ય સ્પર્શે મારું નાનકડું હૃદય આનંદમાં એની સીમાઓ ગુમાવી દે છે અને અવર્ણનીય ઉદગારોને જન્મ આપે છે.

તારી અનંત ભેટો માત્ર આ મારા નાનકડા હાથોમાં આવતી રહે છે. યુગો વહી જાય છે, અને છતાં તું ભરતો જ રહે છે અને છતાં હજી એમાં જગ્યા ખાલી જ રહે છે.

જીવન તો નાશવંત છે છતાં કવિ એને અનંત કહે છે કેમકે મનુષ્યજીવનનું આ વાસણ ઘડી ઘડી ખાલી થાય છે પણ ઈશ્વર એને સદા નવજીવનથી નપવપલ્લવિત કરતો જ રહે છે. જીવતરની ગલીમાં આપણી ચોર્યાસી લાખ ફેરાની વાત કવિ કેવી સાહજિકતાથી કરે છે! पुनरपि जननं, पुनरपि मरणं, पुनरपि जननी जठरे शयनं (આદિ શંકરાચાર્ય) યાદ આવી જાય. જીવનના બધા ઉતાર-ચઢાવ કવિની નજરે ઈશ્વરકૃપાને જ આધીન છે. આપણા સુખ-દુઃખનો ખરો સંગીતકાર એ પોતે જ છે. માટે આપણે સુખ જોઈ છકી ન જવું જોઈએ અને દુઃખ જોઈ ભાંગી પડવું ન જોઈએ. વિશાળ પર્વતો અને ઊંડી ખીણોના સાપેક્ષમાં આપણું જીવતર તો ચિદ્ર પડેલી નાની પોલી વાંસળી જેવું તુચ્છ છે. ઈશ્વરકૃપા આપણા પોલાણમાંથી પસાર થાય ત્યારે જ નવીનતમ સૂરાવલિઓ રેલાય છે, ત્યારે જ જીવન સંગીતમય બને છે.

એના હાથોના અમર્ત્ય સ્પર્શનો અહેસાસ થાય ત્યારે આપણે નિરવધિ આનંદની અવર્ણનીય ચરમસીમા અનુભવીએ છીએ. ઈશ્વરકૃપા થઈ હોય એ જ નરસિંહની જેમ મામેરાની ચિંતા ન કરે કે મીરાંની જેમ ઝેર ગટગટાવી જઈ શકે. આપણા સંતકવિઓના શબ્દો અજરામર છે કેમકે એમની વૈખરીને ઈશ્વરનો અમૃતસ્પર્શ થયો છે. એની કૃપા થાય ત્યારે હદ-અનહદ બધું ઓગળી જાય, અનલહકની અનુભૂતિ થાય… “એ”ની ભેટ! અનંત! પણ આપણા હાથ? તોય આશ્ચર્ય તો એ વાતનું કે આપણા ખોબા જેવડા વાસણમાં એ યુગયુગાંતરોથી સતત કૃપામૃત રેડતો જતો હોવા છતાં વધુ ને વધુ કૃપા માટે જગ્યા ખાલીને ખાલી જ રહે છે.. આપણે લેતાં થાકી જઈએ, એ દેતા નહીં થાકે… દુઃશાસન થાકીને ઠુસ્સ થઈ જશે પણ દ્રૌપદીના ચીર કદી નહીં ખૂટે.

૨.

જ્યારે તું મને ગાવા માટે આજ્ઞા કરે છે ત્યારે મારું હૃદય જાણે ગર્વથી તૂટી જવાનું ન હોય એમ લાગે છે અને હું તારા ચહેરા તરફ જોઉં છું અને મારી આંખોમાં આંસુ આવે છે.

મારા જીવનમાં એ બધું જે કર્ણકટુ અને બેસૂરું છે એ એક મધુર સ્વરસંવાદિતામાં ઓગળી જાય છે અને મારી ભક્તિ સમુદ્ર પાર કરવા નીકળેલ એક ખુશહાલ પક્ષી પેઠે પોતાની પાંખો પ્રસારે છે.

હું જાણું છું કે તું મારા ગાયનમાં આનંદ લે છે. હું જાણું છું કે ફક્ત ગાયક તરીકે જ હું તારી સન્મુખ આવી શકું છું.

મારા ગાનની વિસ્તીર્ણ પાંખોની કિનારી વડે હું તારા ચરણોને સ્પર્શું છું જ્યાં પહોંચવાની અન્યથા હું આકાંક્ષા પણ રાખી શક્તો નથી.

ગાયનની મસ્તીમાં ઘેલો હું મારી જાતને પણ વિસરી જાઉં છું અને તને, જે મારો માલિક છે, હું મારો દોસ્ત કહી બેસું છું.

ઈશ્વર સર્વજ્ઞ છે. એ આપણી ઇચ્છાઓથી સુપેરે પરિચિત છે. આપણે એની સાથે જોડાવા તૈયાર નથી હોતા બાકી એ તો પોતાના બંને બાહુ ફેલાવીને આપણને આશ્લેષમાં લેવા સદાકાળ તત્પર જ ઊભો છે. એ આપણને એની નજીક પહોંચવાનો માર્ગ પણ બતાવે છે. એ આદેશ પણ કરે છે આપણને. કહે છે કે તારી અંદર જે કંઈ ગોપવીને બેસી રહ્યો છે એ બધું જ ખુલ્લું કરી દે કેમકે મારા સુધી આવવાનો એકમાત્ર માર્ગ સંપૂર્ણ સમર્પણ જ છે. ભવાટવિમાં ભેરવાઈ ગયેલ આપણને એનો સાદ જ કાને પડતો નથી. જે દિવસે આપણે એની આજ્ઞા સાંભળી લઈશું, અપાર આનંદથી ફાટ-ફાટ હૈયું આંસુઓથી છલકાઈ ઊઠશે. એની આજ્ઞા સાંભળતાવેંત આપણી અંદરની તમામ વિસંવાદિતતા ઓગળી જાય છે. આપણા શબ્દો કે આપણો અહમ કે આપણી અંદરની ભારોભાર વિસંવાદિતતા નહીં, પણ આપણી ભીતરથી ઊઠતું પ્રાર્થનાનું સંગીત જ આપણને ઈશ્વર સુધી લઈ જઈ શકે છે. આપણો સૂર જ્યારે ઈશ્વર માટે ઊઠે છે ત્યારે એ ભવસાગર પાર કરવા નીકળેલ પક્ષીના ઉડ્ડયન સમો વિસ્તારિત થાય છે. આપણી તમામ નિઃસ્વાર્થ વૃત્તિ અને પ્રવૃત્તિમાં એને આનંદ જ આવે છે.

અહીં ગાયન એક પ્રતીક છે. કવિ કવિ હોવાના નાતે પોતાને ગાયક કલ્પે છે. આપણી પાસે જે કંઈપણ પ્રતિભા છે એને આપણે ઓળખી લઈએ અને આપણી શુદ્ધ પ્રતિભાનું પુષ્પ એના ચરણે ચડાવીએ ત્યારે એ નિરંજન નિરાકાર પ્રસન્ન જ થશે. આપણી અંદર એણે જે આપ્યું છે એ લીધા વિના એની સન્મુખ પહોંચવું શક્ય જ નથી. આ પાંખ વડે જ ઊડીને એનો ચરણસ્પર્શ કરી શકાશે. આત્માના સંગીતથી જ્યારે આપણે નિરાકાર સાથે અદ્વૈત અનુભવીએ છીએ એ ચરમસીમાએ જગતપિતાને, જે આમ તો આપણો માલિક છે એને દોસ્ત કહી બેસવામાંય કશું ખોટું નથી. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચના, વંદના, મિત્ર, દાસ્ય, આત્મનિવેદન – આ નવધા ભક્તિમાં મિત્ર પણ એક ભક્તિભાવ છે. અને મિત્ર તો શું, સમર્પણની ચરમસીમાએ તો આપણા મલિકનેય આપણે વેચવા નીકળી શકીએ છીએ. મટુકીમાં માધવને વેચવા નીકળેલી ગોપી યાદ છે?

૩.
મને ખબર નથી નથી, ઓ મારા માલિક ! તું શી રીતે ગાય છે. હું હંમેશા મૂકાશ્ચર્યથી સાંભળતો રહું છું.
તારા સંગીતનું અજવાળું વિશ્વને ઝળાંહળાં કરે છે. તારા સંગીતનો પ્રાણવાયુ આકાશે આકાશમાં વિસ્તરતો રહે છે. તારા સંગીતનું પવિત્ર ઝરણું ભલભલા પત્થર જેવા અવરોધો ભેદીને પણ અનવરત વહેતું રહે છે.

મારું હૃદય તારા ગીતમાં જોડાવા તો ઝંખે છે પણ અવાજ માટે નિરર્થક પ્રયાસ કરે છે. હું બોલવા તો જાઉં છું પણ મારા બોલ ગીતમાં પરિણમતા નથી, અને હું મૂંઝાઈને રડી પડું છું. આહ, મારા માલિક ! તારા સંગીતની અંતહીન જાળમાં તેં મારા હૃદયને બંદી બનાવ્યું છે.

ઈશ્વરના સૂરમાં સૂર પુરાવવાની મંશા કોને ન થાય? પણ એના ગીત-સંગીતની રીત કોણ કળી શકે છે? એની બધી વાત, એની બધી જ છટા અનાદિકાળથી અકળ જ રહ્યાં છે. એનું સંગીત આખા વિશ્વને રોશન કરે છે. એના સૂરથી જગ આખું પ્રકાશિત છે. ઈશ્વરનું સંગીત એ સૃષ્ટિનો ધબકાર છે. એ બ્રહ્માંડમાં પ્રાણવાયુ થઈને રેલાય છે, જ્યાં-જ્યાં આકાશ જેવી મોકળાશ છે, ત્યાં-ત્યાં બધે એ વ્યાપ્ત છે. આકાશ જેવા ખુલ્લા હૈયાને ઈશ્વરનું સંગીત પ્રાણવાયુ બનીને ઠેઠ ભીતર સુધી સ્પર્શે છે. ભગવાનના પ્રેમનું ઝરણું ભલભલા પથ્થર જેવા હૈયાને પણ ભેદી રહે છે અને એકધારું વહેતું જ રહે છે. એની કૃપાઓનો કોઈ અંત નથી, એની આશિષને કોઈ અવરોધ નથી. એ સર્વથા સર્વદા છે. આપણે એના સૂરમાં સૂર પૂરાવવાની માત્ર કોશિશ જ કરી શકીએ છીએ. કેમકે એના સૂરમાં તાલ પુરાવવાની વાત તો દૂર રહી, એમ કરવા જતાં આપણને તો અવાજ માટેય ફાંફા મારવા પડે છે. કારણ? કારણ એ જ કે એના અનંતગાનની જાળમાં આપણું અંતઃકરણ સદા માટે કેદ થયું છે… એના સંગીત, એના ઝરણાંની સાથે તાલમેલ પૂરાવી શકે એવું એકમાત્ર ઝરણું જે આપણી પાસે છે એ પ્રાયશ્ચિતનો અશ્રુપ્રવાહ જ છે…

૪.

હે પ્રાણેશ્વર! હું સદા મારા શરીરને વિશુદ્ધ રાખવા પ્રયત્ન કરીશ કેમકે હું જાણું છું કે મારા અંગાંગમાં તારો જીવંત સ્પર્શ છે.

બધા અસત્યોને મારા વિચારથી પણ બહાર રાખવા હું સદા પ્રયત્નશીલ રહીશ કેમકે હું જાણું છું કે એ તારું જ સત્ય છે જેણે મારા માનસમાં કારણનો પ્રકાશ રેલાવ્યો છે.

હું મારા હૃદયમાંથી તમામ અનિષ્ટને હાંકી કાઢવા હંમેશા મથીશ અને પુષ્પને ચાહીશ કેમકે હું જાણું છું કે તું મારા હૃદયની અંતરતમ બેઠકમાં વિરાજે છે.

અને એ મારી કોશિશ રહેશે કે મારા તમામ કર્મોમાં તું જ દૃશ્યમાન થાય કેમકે હું જાણું છું કે તારી શક્તિ જ મને ચાલકબળ પૂરું પાડે છે.

ટાગોરની આ રચના વાંચતા જ ચાર વેદના ચાર મહાવાક્યો યાદ આવે.

प्रज्ञानम् ब्रह्म (જ્ઞાન એ જ પરમાત્મા. ઐતરેય ઉપનિષદ:ઋગ્વેદ)
अयम् आत्मा ब्रह्म (આ જાત બ્રહ્મ છે. માણ્ડુક્ય ઉપનિષદ:અથર્વવેદ)
तत् त्वम् असि (તે તું છે. છાંદોગ્ય ઉપનિષદ:સામવેદ)
अहम् ब्रह्मास्मि (બૃહદારણ્યક ઉપનિષદ:યજુર્વેદ)

ટૂંકમાં, ઈશ્વર આપણી ભીતર જ વસેલો છે. આપણી ભીતર જે ચેતન છે એ જ ઈશ્વર છે. આપણા અસ્તિત્વના કણકણમાં એનો વાસ છે. આપણે જે કંઈ પણ કરીએ છીએ એ એનાથી અછતું નથી. માટે જ આપણે આપણા વાણી, વિચાર અને વર્તન- બધાને પરિશુદ્ધ રાખવા જોઈએ. અને આપણા બધા જ કૃત્યોમાં એનો સ્નેહ તરવરી ઊઠે એ માટે આપણે સદૈવ પ્રયત્નશીલ રહેવું જોઈએ…

શ્રીકૃષ્ણે પણ ભગ્વદ્ગીતામાં કહ્યું છે કે सर्वस्य चाहं हृदि सन्निविष्टो मत्तः स्मृतिर्ज्ञानमपोहनञ्च| (હું જ બધા પ્રાણીઓના હૃદયમાં સ્થિત છું તથા મારાથી જ સ્મૃતિ, જ્ઞાન અને અપોહન (બંનેનો નાશ) થાય છે.) આપણી ભીતર અંગાંગમાં એનો જીવંત સ્પર્શ છે, એ જ આપણા માનસમાં કારણનો પ્રકાશ રેલાવે છે, એ આપણા હૃદયમાં સૌથી અંદરના સ્થાને વિરાજમાન છે, અને એની શક્તિ જ આપણને ચાલકબળ આપે છે એની પ્રતીતિ જો સદા રહે તો मनसा कर्मणा वाचा न च काड्क्षेत पातकम् –મન, કર્મ અને વાણીથી પણ પાપ કરવાની ઇચ્છા ન થાય.

ફરી ન છૂટવાનું બળ -જવાહર બક્ષી

સ્વર: આશિત દેસાઈ
સંગીતઃ આશિત દેસાઈ
આલ્બમ: ગઝલ રુહાની

.

ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઈ,
પ્રસંગ નહીં તો મિલન ના જતા કરે કોઈ.

મને ઘણાય તમારો સંબંધ પૂછે છે,
તમારી પણ કદી એવી દશા કરે કોઈ.

ક્યાં એની પાસ જવાની થતી નથી ઇચ્છા,
મને ફરીથી જવાની મના કરે કોઈ.

ફના ગુનાહ કર્યા તો કર્યા છે મેં તારા,
મને આ માન્ય નથી કે સજા કરે કોઈ.
– જવાહર બક્ષી

ગ્લૉબલ કવિતા :૭૬ : ઋતુસ્ત્રાવની પ્રસંશામાં કવિતા – લૂસીલ ક્લિફ્ટન

poem in praise of menstruation

if there is a river
more beautiful than this
bright as the blood
red edge of the moon if

there is a river
more faithful than this
returning each month
to the same delta if there

is a river
braver than this
coming and coming in a surge
of passion, of pain if there is

a river
more ancient than this
daughter of eve
mother of cain and of abel if there is in

the universe such a river if
there is some where water
more powerful than this wild
water
pray that it flows also
through animals
beautiful and faithful and ancient
and female and brave

– Lucille Clifton


ઋતુસ્ત્રાવની પ્રસંશામાં કવિતા

જો ત્યાં એક નદી હોય
આના કરતાં વધારે સુંદર
તેજસ્વી જાણે કે રક્ત
રાતી કિનાર ચંદ્રની જો

ત્યાં એક નદી હોય
આનાથીય વધુ વફાદાર
જે દર મહિને પરત ફરતી
એ જ મુખત્રિકોણ પર જો ત્યાં

એક નદી હોય
આનાથીય વધુ બહાદુર
જે આવ્યા જ કરે આવ્યા જ કરે
આવેશના, દર્દના ઉછાળા સાથે જો ત્યાં એક

નદી હોય
જે વધુ પુરાતન હોય
કેઇન અને એબલની માતા
ઈવની આ પુત્રી કરતાં જો ત્યાં એક આવી

નદી હોય બ્રહ્માંડમાં જો
ત્યાં ક્યાંય પાણી હોય
વધુ તાકતવર આ જંગલી
પાણીથી
પ્રાર્થના કરો કે એ વહે
પ્રાણીઓમાંથી પણ
સુંદર અને વફાદાર અને પુરાતન
અને સ્ત્રી અને બહાદુર

– લૂસીલ ક્લિફ્ટન
(અનુ. વિવેક મનહર ટેલર)
માસિક-ઋતુસ્ત્રાવની ‘નો નોનસેન્સ’ કવિતા…

માસિક. માહવારી. મેન્સિસ. પિરિયડ. કેલેન્ડરના મહિનાના પાનાં સાથે જિગરજાન યારી હોય એ રીતે પુખ્તવયની સ્ત્રી રજોદર્શનથી રજોનિવૃત્તિ સુધીના જીવનના લગભગ ત્રણ-ત્રણ દાયકાઓ સુધી દર મહિને એકવાર ચારથી પાંચ દિવસ સુધી યોનિમાર્ગેથી કુદરતી રીતે થતા રક્તસ્ત્રાવને સહન કરે છે. દુનિયાની વસ્તીનો અડધોઅડધ ભાગ સક્રિય જીવનના લગભગ અડધોઅડધ વરસ આ દેહધાર્મિક ક્રિયામાંથી પસાર થતો હોવા છતાં આ દિવસો દરમિયાન કોઈકને કોઈક રીતે અછૂતા હોવાનો અહેસાસ આજે પણ કરે છે. અમેરિકા જેવા વિકસિત દેશમાં પણ બિલકુલ કુદરતી એવી આ પ્રક્રિયા તરફની પ્રતિક્રિયા પૂર્ણતયા સામાન્ય નથી જ. લૂસીલ ક્લિફ્ટન એની કવિતામાં સાહિત્યમાં ઓછા ખેડાયેલા આ વિષય તરફ આપણું ધ્યાન દોરે છે.

લૂસીલ ક્લિફ્ટન. અમેરિકન અશ્વેત કવયિત્રી. બાળપણનું નામ થેલ્મા લૂસીલ સેઇલ્સ. ન્યૂયૉર્ક ખાતે ૨૭-૦૬-૧૯૩૬ના રોજ જન્મ. પિતા લોખંડની મિલમાં મજૂર હતા, મા ધોબણ હતી અને કવિતા પણ લખતી. ઓછું ભણ્યા હોવા છતાં મા-બાપે બાળકોને ઢગલાબંધ પુસ્તકો મળતા રહે એનું ધ્યાન રાખ્યું હતું. એમનાં એક પૂર્વજ અમેરિકામાં ગુલામીના સમયે માનવહત્યાના આરોપસર ફાંસી પામનાર પ્રથમ હબસી મહિલા હતાં. બંને હાથમાં છ-છ આંગળી હતી પણ અંધશ્રદ્ધાના કારણે બાળપણમાં જ એ કપાવી નંખાઈ હતી. આ બે આંગળીઓ એમના સર્જનમાં અવારનવાર ડોકાતી રહી. સ્કોલરશીપ મેળવીને ડ્રામા ભણવા તો ગયાં પણ ઓછા માર્ક્સ આવવાના કારણે હાવર્ડ યુનિવર્સિટી છોડવી પડી. પછી બીજી કોલેજમાં ભણ્યાં. શરૂમાં ક્લર્ક તરીકે, બાદમાં સાહિત્ય-સહાયક તરીકે અને અંતે સાહિત્યના પ્રોફેસર તરીકે નોકરી કરી. લગભગ છ વરસ સુધી મેરીલેન્ડના રાજકવિ રહ્યાં. ૧૯૫૮માં ફ્રેડ જેમ્સ ક્લિફ્ટન સાથે લગ્ન. છ બાળકો. ૧૯૮૪માં ફ્રેડનું નિધન. ૧૩-૦૨-૨૦૧૦ના રોજ ૭૩ વર્ષની વયે દુનિયાને અલવિદા. એમના અવસાન પર ન્યૂયૉર્કરે લખ્યું હતું: ‘એ વાત અલગ છે કે ક્લિફ્ટન સાચે જ બિલાડીની નવ જિંદગી જીવી ગયાં-કિડની ટ્રાન્સપ્લાન્ટ, કેન્સરના અલગ-અલગ અંગો પરના વારંવારના હુમલાઓ-તોય એમના અવસાને આપણને આઘાત પહોંચાડ્યો છે કેમકે એમના જેટલા ચહીતા અને બહોળા પ્રભાવવાળા બીજા અમેરિકન કવિ આજે કોઈ નથી.’ (બિલાડીની નવ જિંદગી એ વિદેશોમાં સદીઓથી પ્રવર્તતી વાયકા છે. શેક્સપિઅરે રોમિયો-જુલિયેટમાં પણ એનો ઉલ્લેખ કર્યો છે.)

આફ્રિકન-અમેરિકન સાંસ્કૃતિક વારસો અને નારીવાદ એમના બહોળા સર્જનનો પ્રધાન સૂર રહ્યો. એવરેટ એન્ડરસન નામના હબસી છોકરાના કાલ્પનિક પાત્રને કેન્દ્રમાં રાખીને ઘણું બધું બાળસાહિત્ય સર્જ્યું. એમની કવિતાઓ રોજબરોજના સમાજનો, સામાન્ય માનવજીવનનો સીધો આયનો છે. એમના સર્જનમાં બાળપણ, બાળકોના મનોભાવો અવારનવાર નજરે ચડે છે. દુઃસાધ્યતા બાજુએ રાખીને એ સરળ ભાષામાં લાઘવ સાથે પોતાની ભાવોર્મિ એ રીતે રજૂ કરે છે કે ભાવકને તરત જ સ્પર્શી જાય. કપરા સંજોગોમાં પણ ટકી રહેવાની તાકાત અને ધૈર્ય એ એમની રચનાઓનો લઘુત્તમ સામાન્ય અવયવ છે. અમેરિકન હબસી હોવાના નાતે એક માનવતાવાદી અભિગમ એમના સર્જન સાથે સદા સંકળાયેલો રહ્યો. એ કહેતાં, ‘લેખન એક રસ્તો છે આશા ટકાવી રાખવા માટેનો… કદાચ એ મારા માટે એ યાદ રાખવાનો રસ્તો છે કે હું એકલી નથી.’
કવિતાનું શીર્ષક ‘ઋતુસ્ત્રાવની પ્રસંશામાં કવિતા’ જરૂર કરતાં વધારે બોલે છે. સામાન્યરીતે કવિતા દેખાડે ઓછું અને છુપાવે વધુ, પણ અહીં શીર્ષકની બાબતમાં કિસ્સો ઊલટો છે. એક તો કવિ જાતે જ કહી દે છે કે આ કવિતા છે, બીજું એ ઋતુસ્ત્રાવ વિશે છે અને ત્રીજું એ ઋતુસ્ત્રાવનું પ્રશસ્તિકાવ્ય છે. પ્રશ્ન થાય કે કવિએ શું આટલા મુખર થવાની જરૂર હતી ખરી? પણ વિચારતાં જ સમજાય કે કવયિત્રીએ જે વિષય અહીં હાથમાં લીધો છે એ હજારો વર્ષોથી આખી દુનિયાને સાફ દેખાતો હોવા છતાં હજારો વર્ષોથી છુપાવવામાં આવી રહેલો વિષય છે ને એટલે જ લૂસીલ આ અસ્પૃશ્ય વિષયમાં પ્રવેશતાં પહેલાં જ ભાવકને ચેતવી દે છે: Enter at your own risk! ‘મેન્સ્ટ્રુએશન’ (Menstruation)શબ્દ લેટિન menstruus અર્થાત્ માસિક (લેટિન mensis=મહિનો) પરથી ઊતરી આવ્યો છે. જૂની અંગ્રેજીમાં આ માટે monaðblot અર્થાત્ month-blood શબ્દ હતો. માસિક સામાન્યતઃ પાંચ દિવસ ચાલે એમ આ કવિતા પાંચ અંતરામાં વહેંચાયેલી છે. કવયિત્રીએ છંદ પકડી રાખવાની મમત સેવી નથી પણ રચના આયંબિક ટેટ્રામીટરની નજીક-નજીક પહોંચે છે. વિભાવના મુક્ત કાવ્યની હોવાથી પ્રાસની કેદ પણ એમણે સ્વીકારી નથી. આ ઉપરાંત લગભગ દરેક અંતરો ‘જો ત્યાં એક નદી હોય’થી શરૂ થાય છે અને પહેલા અંતરાના અંતમાં બીજા અંતરાની શરૂમાં આવતી આ ધ્રુવકડીનો પહેલો શબ્દ અંતર રાખીને જોડાઈ જાય છે, અને ત્યારબાદ દરેક અંતરામાં આ જોડાણમાં ધ્રુવકડીનો એક-એક શબ્દ જગ્યા રાખીને ઊમેરાતો જાય છે. લૂસીલ આ રીતે પાંચેય અંતરાઓને સળંગસૂત્રે બાંધે છે અને દરેક તબક્કે આ બંધન બળવત્તર બનાવતાં જાય છે. પાંચમા અંતરામાં આ ધ્રુવકડીમાં વચ્ચે બ્રહ્માંડ પ્રવેશે છે અને કવિતાને સર્વલક્ષી બનાવે છે.

સંસારમાં પહેલી સ્ત્રી પુખ્ત થઈ હશે એ દિવસથી માસિકસ્ત્રાવ (Menstruation)ની શરૂઆત થઈ હશે. ઋતુસ્ત્રાવ એ સ્ત્રીના ગર્ભધારણ માટેની અગત્યની દેહધાર્મિક ક્રિયા છે. હૉર્મોન્સના કારણે ગર્ભાશયની દીવાલો જાડી થાય છે અને બીજું માસિક આવવાનું હોય એના લગભગ ચૌદ દિવસ પહેલાં અંડાશયમાં તૈયાર થયેલ અંડકોષ અંડવાહિનીમાં થઈને ગર્ભાશયમાં આવે છે. ગર્ભાશયની જાડી થયેલી દીવાલો અંડકોષને રહેઠાણ અને પોષણ બંને પૂરાં પાડે છે. આ સમયે જો સ્ત્રીની યોનિમાર્ગેથી પુરુષના શુક્રાણુઓ ગર્ભાશયમાં પ્રવેશે અને લાખો શુક્રકોષમાંથી કોઈ એક નસીબદાર શુક્રકોષ અંડકોષની દીવાલ ચીરીને ભીતર પ્રવેશવામાં સફળ થઈ જાય તો ફલીકરણ થાય છે અને ગર્ભની સ્થાપના થાય છે. ગર્ભાશયની જાડી દીવાલમાંથી ગર્ભને શરૂનું પોષણ મળી રહે છે. શુક્રકોષ વડે અંડકોષનું ફલીકરણ ન થાય એ સંજોગોમાં ચૌદમા દિવસે દીવાલની જાડાઈમાં થયેલી આ વૃદ્ધિ છૂટી પડી જઈને માસિકસ્ત્રાવસ્વરૂપે શરીરની બહાર નીકળી જાય છે, જેથી અંતઃસ્ત્રાવો ગર્ભાશયની દીવાલોને ફરી એકવાર ગર્ભધારણ માટે અનુકૂળ બનાવવાની પ્રક્રિયા પુનર્રારંભ કરી શકે. ટૂંકમાં, માસિક એ ગર્ભધારણ ન થયું હોય એ સંજોગોમાં ગર્ભાશયને સાફ કરવાની દેહધાર્મિક ક્રિયા છે. આ ચક્ર સામાન્યતઃ ચાર અઠવાડિયાનું અથવા થોડું લાબું-ટૂકું હોય છે.

આજે એકવીસમી સદીમાં પણ આપણા દેશમાં ‘પેડમેન’ જેવી માસિકધર્મને લગતી ફિલ્મ બનાવવી પડે છે એ હકીકત જ એ વાતની સાબિતી છે કે હજી આ દેશના લોકોને માસિકધર્મ વિશે પૂરતી જાણકારીનો અભાવ છે. અને આજે આ હાલત હોય તો જૂના જમાનામાં તો કેવી હાલત હશે? હજારો વર્ષો સુધી માસિકમાં આવતી સ્ત્રીઓને જાત-જાતના લેબલ લગાવીને જોવામાં આવી. મોટાભાગના દેશોમાં ઇતિહાસકારો પુરુષો જ હોવાથી માસિક વિશેની પુરાતન માન્યતાઓની માહિતી ઓછી જ મળે છે. ૩૫૦૦ વર્ષ પહેલાં ઇજિપ્તમાં આ ઋતુસ્ત્રાવના લોહીને કેટલીક દવાઓમાં પણ વાપરવામાં આવતું. માસિકમાં જાદુઈ શક્તિ હોવાનું મનાતું અને તેઓ આ શક્તિ મેળવવા માટે આ લોહી પીતાં પણ ખરાં. ગ્રીકલોકો આ લોહી દારૂમાં ભેળવીને જમીન પર છાંટતા જેથી જમીન વધુ ફળદ્રુપ બને. આફ્રિકન સ્ત્રીઓ માનતી કે આ લોહી કોફીમાં ભેળવવાથી પુરુષને વશ કરી શકાય છે. હિપોક્રેટ્સના ગ્રંથમાં ઓછું કે વધુ માસિક આવવાને બિમારી તરીકે નિર્દેશાયું છે. એરિસ્ટોટલના લખાણ પરથી સમજી શકાય છે કે પહેલાંના સમયમાં રજોનિવૃત્તિ નાની ઉમરે -૪૦ની આસપાસ-થતી હોવી જોઈએ. પહેલી સદીમાં રોમન લેખક પ્લાઇની ધ એલ્ડરે લખ્યું છે કે માસિકમાં હોય એવી નગ્ન સ્ત્રી કરાવૃષ્ટિ અને વીજળીને અટકાવી શકે છે અને પાકને નાશ કરતાં જંતુઓને ડરાવી ભગાડી શકે છે. ઈસ્લામમાં પણ નિયમોની ભરમાર છે અને આ સમય દરમિયાન સ્ત્રીઓને પ્રાર્થના કરવાની મનાઈ છે અને કરે તો એ ગણતરીમાં નથી લેવાતી. સિગ્મંડ ફ્રોઇડે તો રક્તસ્ત્રાવ ‘શિશ્ન-ઈર્ષ્યા’માંથી જન્મે છે એવું વિધાન કર્યું હતું. બાઇબલકાળમાં યહૂદીઓ અને વિશ્વમાં બીજા ઘણા સમાજમાં આ સાત દિવસ સુધી સ્ત્રીઓને સમાજથી દૂર એકલી રહેવાની ફરજ પાડતા. આપણે ત્યાં તો હજી પણ સમાજ એટલો પછાત અને ધર્મ એટલો બિમાર છે કે આજની તારીખે પણ મોટાભાગની સ્ત્રીઓને આ દિવસોમાં અસ્પૃશ્ય ગણવામાં આવે છે, એમને રસોઈ કરવાનો કે ઘરમાં કશાંને અડવાનો અધિકાર નથી, દેવસ્થાનોમાં જવાનો તો વિચાર જ અસ્થાને છે.

જો કે એ માહિતી ભાગ્યે જ મળે છે કે સ્ત્રીઓ આ સમયગાળા દરમિયાન સેનિટરી પેડ તરીકે શું વાપરતી હતી? ઇજિપ્શ્યન સ્ત્રીઓ જેમાંથી કાગળ બનાવાતો એ પેપાયરસ નામની જળવનસ્પતિનો તો ગ્રીકસ્ત્રીઓ ઊનનો પેડ તરીકે પ્રયોગ કરતી હતી. હિપોક્રેટ્સ લાકડાના ટુકડા સાથે શણ લગાવીને વાપરવાની સલાહ આપતા. મધ્યયુગીન યુરોપમાં પણ સ્ત્રીઓ ક્યાં તો કપડાંના લબાચા વાપરતી અથવા રક્તસ્ત્રાવ કપડાંમાં થવા દેતી હતી. માસિકસ્ત્રાવ કપડાંમાં જ થવા દેવાની પ્રથા તો હજારેક વર્ષ ચાલી. દુઃખદાયક તંગ માસિક માટેના પટ્ટાઓ પણ ચલણમાં આવ્યા હતા. છેક ૧૮૮૮માં જોન્સન એન્ડ જોન્સન કંપનીએ ડિસ્પોઝેબલ સેનિટરી પેડ –લિસ્ટર’સ ટૉવેલ્સ- અને ૧૯૩૩માં ડૉ હાસે ટેમ્પૂન બજારમાં મૂક્યા. ખરી ક્રાંતિ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ફ્રેન્ચ નર્સોએ ઘા પર લગાડવામાં આવતા સેલ્યુલૉઝ બેન્ડેજીસ વાપરવા શરૂ કર્યા ત્યારે થઈ. આપણા દેશમાં તો આજે પણ ઘણીખરી સ્ત્રીઓ સેનિટરી નેપકીન વાપરતી જ નથી અને ટેમ્પૂન વિશે તો ઘણી શિક્ષિત સ્ત્રીઓને પણ જાણકારી નથી.

કવિતા તરફ ફરી વળીએ. લૂસીલ કવિતાની શરૂઆત ‘જો’થી કરે છે. આ ‘જો’નો સીધો મતલબ એ જ થાય કે જે વાત માસિક વિશે અહીં કરવામાં આવી છે, એ અનન્ય છે; સંસારમાં એની કોઈ જોડ જડે એમ નથી. માસિક દરમિયાન થતા રક્તસ્ત્રાવને એ નદી સાથે, માફ કરજો, સુંદર નદી સાથે સરખાવે છે. અને આવી સુંદર નદી બીજે ક્યાંય જોવાય નહીં મળે એની પ્રતીતિ ‘જો’ મૂકીને કરાવે છે. નદી વહેણની સાથોસાથ ફળદ્રુપતા પણ ઈંગિત કરે છે. માસિકનો પ્રવાહ પણ ગર્ભધારણ માટેની પૂર્વતૈયારી જ તો છે. નદીનો ઉલ્લેખ જૉર્ડન નદીની યાદ પણ અપાવે છે. હિબ્રૂ બાઇબલમાં જૉર્ડન નદીને ફળદ્રુપતા સાથે સાંકળવામાં આવી છે. આ નદી બાપ્ટિઝમ અને પુનર્જન્મ સાથે પણ સંકળાયેલી છે. આ નદી લોહીની બની છે અને આ નદી સુંદર છે, બહાદુર છે, વફાદાર છે; બિલકુલ એ રીતે જે રીતે ઈસુનું લોહી ખ્રિસ્તીઓ માટે. ચંદ્રના ઉલ્લેખ પરથી યાદ આવે કે માસિકને પરાપૂર્વથી ચંદ્રના માસિકચક્ર સાથે સાંકળવામાં આવ્યું છે. લેટિનમાં mene એટલે ચંદ્ર (moon). મેન્સ્ટ્રુએશન શબ્દના ઉદભવમાં આ રીતે ચંદ્રનો પણ હાથ હોવાનું મનાય છે. સોળમી સદીમાં મિઝોઅમેરિકન માયા સંસ્કૃતિમાં માસિક એ ચંદ્રદેવીએ સૂર્યદેવ સાથેના શયન બાદ કરેલા નિયમભંગના કારણે સ્ત્રીઓને કરવામાં આવેલી સજા છે.

નદી એક સ્થળ છોડીને આગળ નીકળી જાય પછી ત્યાં ફરી આવતી નથી. માસિકની નદીથી વધુ વફાદાર નદી બીજી કઈ હશે જે દર મહિને એના એ જ મુખત્રિકોણ પર પરત ફરતી રહે છે? માસિક આવવનું હોય ત્યારે અને/અથવા ચાલુ હોય ત્યારે મોટાભાગની સ્ત્રીઓ ઓછાથી અસહ્ય દુઃખાવામાંથી પસાર થતી હોય છે, પણ સ્ત્રીઓ આ દર્દને ચુપચાપ સહેતી રહે છે. માસિકને કવયિત્રી ઈવની સૌથી પુરાતન પુત્રી તરીકે સંબોધે છે. કેઇન અને એબલ આદમ-ઈવના પ્રથમ બે સંતાન હતા. ઈવ સંસારની પ્રથમ માતા છે. માસિકનો દુઃખાવો અને ઈવનો સંદર્ભ ઇતિહાસનું એ પાનું તાજું કરે છે જ્યારે ચર્ચ માસિકનો દુઃખાવો ઓછો કરવા માટેની કોઈપણ જાતની સારવાર કરવા દેવાની મનાઈ ફરમાવતા કેમકે તેઓ માનતા કે ઈશ્વર દેખીતી રીતે ઇચ્છે છે કે દુઃખની દરેક આંચકી ઈવના મૂળ પાપની યાદ કરાવે. આમ, જે તકલીફોમાંથી પોતે કદી પસાર થવાનું જ નથી એ તકલીફો સમજવાના બદલે, સહાનુભૂતિ બતાવવાના બદલે પુરુષપ્રધાન સમાજે વરસોવરસ ન માત્ર સ્ત્રીઓનો જ વાંક કાઢ્યો, એમને દર્દ સહન કરવાની ફરજ પણ પાડી.

અંતે કવિતા સર્વલક્ષી બને છે. લૂસીલ કહે છે કે આખા બ્રહ્માંડમાં ક્યાંય આવી નદી હોય તો દેખાડો. માસિકના લાલ પાણીથી વધુ તાકતવર અને જંગલી પાણી બીજે ક્યાંય નથી કેમકે આ પાણી સૃષ્ટિના મૂળમાં છે. કવયિત્રી પ્રાર્થે છે કે આ પાણી સંસારના દરેક પ્રાણીઓમાં થઈને વહે. આ પાણી સુંદર છે અને વફાદાર છે અને પુરાતન છે અને સ્ત્રી છે અને બહાદુર છે. કવિતામાં ક્યાંય કવયિત્રીએ નથી કેપિટલ લેટર્સ વાપર્યા કે નથી એક પણ પ્રકારના વિરામચિહ્નો વાપર્યા, જેના લીધે કવિતાની ગતિ નદીની જેમ બિલકુલ અટક્યા વિના સતત વહેતી અનુભવાય છે, નદી જે એક સ્ત્રીને બીજી સ્ત્રી સાથે અને એક માદા સજીવને બીજા માદા સજીવો સાથે અને એ રીતે આખી સૃષ્ટિને સાંકળી લે છે. કવિતા માસિક વિશેના આપણી સૂગ અને માન્યતાઓને ફગાવી દઈને ખુલ્લા હાથે એના ગર્વ અને મહત્ત્વને વધાવી લેવાનું ઈજન આપે છે. આ કવિતા આપણને સ્ત્રીઓની ફળદ્રુપતા અને સંસારચક્રને આગળ વધારવાની અનન્ય ક્ષમતાનો સ્વીકાર કરવાનું શીખવે છે. પ્રથમ પંક્તિનું દરેક અંતરાના પ્રારંભે કરાતું પુનરાવર્તન માસિકની કવિતાને માસિકસ્વીકારની પ્રાર્થનાની કક્ષાએ લઈ જાય છે, જે અંતે શબ્દશઃ પ્રાર્થનામાં પરિણમે પણ છે.

લૂસીલની આ કવિતા ‘નો નોનસેન્સ’ કવિતા છે. જે વસ્તુ તરફ હજારો વર્ષોથી પુરુષ ઇતિહાસકારોએ, પુરુષ સાહિત્યકારોએ, પુરુષ ધર્મનેતાઓએ આંખ આડા કાન જ કર્યે રાખ્યા, અસ્તિત્વ જ ન હોય એમ જેના પ્રતિ સતત દુર્લક્ષ જ સેવ્યે રાખ્યું; એ પવિત્રતાથીય પવિત્ર, ખુદ કુદરતની દેન અને સૃષ્ટિચક્રની સૌથી અગત્યની ધરી એવા ઋતુસ્ત્રાવનો મહિમાગાન લૂસીલ અહીં કરે છે કેમકે એ જાણે છે કે, ‘એ કવિ છે, એની પાસે કોઈ અર્થહીનતા નથી.’

કહેવું છે – સંજુ વાળા

મૂળ સાથે જ વળગી રે’વું છે
માટીનું માત્ર એવું કહેવું છે ?

બાપ – દાદાનું માથે દેવું છે
અન્યથા કયાં કશુંય લેવું છે ?

કોઈ દશ-વીસમાં જતા થાકી
કોઈની દોટ એંશી – નેવું છે

રાત તરબોળ સ્વપ્ન લઇ આવે
આંખને રોજ મેળા જેવું છે

શોધ વરસાદની કરે છે જે
એ નદીબાઈને ય વહેવું છે

ફકત ઈચ્છા જ ચણ-ચરક એનાં
મન અલૌકિક કપોત જેવું છે

સ્વાદ ચાખ્યો જ ક્યા છે પીડાનો
તું શુ જાણે ભલા શું સહેવું છે ?

( કવિતા : દ્વિમાસિક જૂલાઈ – સપ્ટે. – 2017)

મુજ અબળાને મોટી મિરાત – મીરાંબાઈ

સ્વર ઃ પૌરવી દેસાઇ
સ્વરાંકન ઃ નિનુ મઝુમદાર

.

મુજ અબળાને મોટી મિરાત, બાઈ, શામળો ઘરેણું મારે સાચું રે…
વાળી ઘડાવું વિઠ્ઠલવર કેરી, હાર હરિનો મારે હૈયે રે;
ચિત્તમાળા ચતુરભુજ ચૂડલો, શીદ સોની ઘેર જઈએ રે ? … મુજ

ઝાંઝરિયાં જગજીવન કેરાં, કૃષ્ણજી કલ્લાં ને કાંબી રે;
વીછુવા ઘૂઘરા રામનારાયણના, અણવટ અંતરજામી રે… મુજ

પેટી ઘડાવું પુરુષોત્તમ કેરી, ત્રિકમ નામનું તાળું રે;
કૂંચી કરાવું કરુણાનંદ કેરી, તેમાં ઘરેણું મારું ઘાલું રે…મુજ.

સાસરવાસો સજીને બેઠી, હવે નથી કાંઈ કાચું રે;
(બાઈ) મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, હરિને ચરણે જાચું રે…મુજ.

– મીરાંબાઈ

ઠારી દે તું દીપ નયનના -રેઈનર મારિયા રિલ્કે

સ્વર: અમર ભટ્ટ
સ્વરાંકન: અમર ભટ્ટ
અનુવાદ્ઃ હરીન્દ્ર દવે

.

ઠારી દે તું દીપ નયનના
તવ દર્શનને કાજ
મને એ કાચ નથી કઈ ખપના.

કર્ણપટલ તોડી દે તોપણ
રહું સાંભળી સૂર;
ચરણ વિના પણ નહિ લાગે
તવ ધામ મને બહુ દૂર.
છીનવી લે વાચા તદપિ
સ્વર વહેશે મુક્ત સ્તવનના.

બાહુ વિના પણ હ્રદય-બાહુથી
આલિંગન રહું આપી,
હ્રદય પડે પરવશ, તો મન
ધબકાર દિયે આલાપી;
મન પે આગ લગાડો તોપણ
વહું વહેણે નસનસનાં.
-રેઈનર મારિયા રિલ્કે (અનુવાદઃહરીન્દ્ર દવે)

ગ્લૉબલ કવિતા : ૭૫ : પ્રિય મલિસા: – ટીસી ટોલ્બર્ટ

Dear Melissa:

I wish you (my mother once told me—mother of my child-
hood—even though water is water-weary—what is prayer if not quiet
who has made me—what hands you become when you touch—
who laid down on whose body—whose face and whose shoulders

worth shaking—what will I not hear when I look back
at you—who is not the mother of a daughter—who is not
the mother of a man—we are right to be afraid of our bodies—wind
is carried by what is upright and still moves what has) had

(been buried deep enough in the ground to be called roots—
when will this be the world where you stop—whatever broke
into you was torn by the contact—a face wears a face it can see—
what is alive is unrecognizable—need it be—who is my mother,

mother—no one—who hasn’t killed herself by
growing into someone—I’m sorry you have) never been born.

– TC Tolbert


પ્રિય મલિસા:
હું ઇચ્છું છું (મારી માએ મને એકવાર કહ્યું હતું—મા મારા બાળ-
પણની—ભલેને પાણી હોય પાણી-થાક્યું —શું છે પ્રાર્થના જો નથી શાંત
જે એણે મને બનાવી છે—કયા હાથ બનો છો તમે જ્યારે તમે સ્પર્શો છો—
કોણે મૂક્યા કોના શરીર પર—કોનો ચહેરો અને કોના ખભા

હલાવવા લાયક છે—હું શું નહીં સાંભળું જ્યારે હું ફરીને જોઈશ
તારા તરફ—જે મા નથી એક દીકરીની—જે મા નથી
એક પુરુષની—આપણે સાચા છીએ આપણા શરીરથી ડરવામાં—પવન
દોરવાય છે જે સીધું ઊભુ છે એનાથી અને તોય હલાવે છે જે) કે તું

(જમીનમાં એટલે ઊંડે દટાયું છે કે મૂળ કહી શકાય—
ક્યારે આ એ દુનિયા બનશે જ્યાં તમે અટકી શકો—જે કંઈ તૂટ્યું છે
તમારી અંદર એ ચીરાઈ ગયું છે સંપર્કથી—ચહેરો પહેરે છે ચહેરો જેને એ જોઈ શકે—
જે જીવંત છે એ ઓળખી શકાય એમ નથી—એમ જ હોવું ઘટે—કોણ છે મારી મા,

મા—કોઈ નહીં—કોણે પોતાની જાતને મારી નથી નાંખી
બીજા કોઈમાં વિકસીને—હું દિલગીર છું કે તું) કદી જન્મી જ ન હોત.

– ટીસી ટોલ્બર્ટ
(અનુ. વિવેક મનહર ટેલર)


કૌંસ બહાર આવું-આવું કરતી (ટ્રાન્સજેન્ડર) બાળક/કીની સંવેદના

વાંદરી અને એના બચ્ચાની વાર્તા જાણીતી છે. હંમેશ મુજબની ચડસાચડસીમાં બિરબલે અકબરને કહ્યું કે પ્રાણીમાત્ર માટે પોતાની જાતથી વધીને બીજું કશું હોઈ શકે જ નહીં અને મા પણ આમાં અપવાદ નથી. અકબરને ખાતરી કરાવવા માટે એક હોજમાં બિરબલે એક વાંદરી અને એના નવજાત બચ્ચાને મૂકીને પાણી ભરાવવાનું શરૂ કર્યું. જેમ જેમ પાણી વધતું ગયું એમ એમ વાંદરી બચ્ચાને પહેલાં કેડ પર, પછી ખભા પર અને છેવટે માથા પર મૂકીને બચાવવા મથી પણ જ્યારે પાણી એના નાક સુધી પહોંચી ગયું ત્યારે જીવ બચાવવા વાંદરી બચ્ચાને ફેંકી દઈને બહાર કૂદી જાય છે. આવી જ એક ઘટનામાંથી પસાર થયા બાદ વાલિયો લૂંટારો પણ વાલ્મિકી બન્યો હતો. પારાવાર તકલીફોમાંથી પસાર થનાર મા-બાપ ક્યારેક પોતાના સંતાનોને કોસતા પણ હોય છે. આપણે ભલે ‘મા તે મા, બીજા વગડાના વા’ કેમ કહેતાં ન હોઈએ પણ જીવનમાં સમસ્યાઓના અડાબીડ કળણમાં ખૂંપી ગયેલી મા ક્યારેક પોતાના સંતાનને એમ કહી બેસે છે, કે આના કરતાં તો તને જન્મ જ ન આપ્યો હોત તો સારું હતું કે આના કરતાં તો મારા પેટે પાણો પાક્યો હોત તો સારું થાત. ટીસી ટૉલ્બર્ટ ‘પ્રિય મલિસા’ કવિતામાં આવી જ વાત લઈને આવ્યા છે.

ટીસી ટૉલ્બર્ટ. એને તમે સ્ત્રી ગણશો કે પુરુષ? કે પુરુષના શરીરમાં વસતી સ્ત્રી? એ પોતાની વેબસાઇટ ઉપર પોતાને ટ્રાન્સજેન્ડર અને જેન્ડરક્વિઅર નારીવાદી, સહયોગી, નર્તક અને કવિ તરીકે ઓળખાવે છે. ટ્રાન્સ અને જેન્ડરક્વિઅર કવિ અને કાવ્યશાસ્ત્રના એ એક અગ્રણી નેતા છે. પોતાની અ-જાતીયતા કે દ્વિ-જાતીયતાનો જાહેર સ્વીકાર કરી એ પોતાની જાતને S/he કહીને સંબોધે છે. એમણે કવિતામાં માસ્ટર ઑફ ફાઇન આર્ટ્સની પદવી મેળવી છે અને ઓરેગોન સ્ટેટ યુનિવર્સિટીમાં શિક્ષક/શિક્ષિકા છે. હાલમાં એ ટક્સન, અરિઝોનાના રાજકવિનું બહુમાન ધરાવે છે. આ ઉપરાંત તેઓ ઇમરજન્સી મેડિકલ ટેક્નિશ્યન(EMT)નું રાષ્ટ્રકક્ષાનું સર્ટિફીકેટ ધરાવે છે. અવિકસિત અને નિર્જન જગ્યાઓ પર તમને સાહસયાત્રા પર લઈ જવાનું કામ પણ એ કરે છે. સામાજિક ચેતનાના નાનાવિધ અભિયાનો સાથે એ સંકળાયેલા છે. એ એટલી બધી સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લે છે કે એ બધાના નામ જ લખવા બેસીએ તો પાનાંના પાનાં ભરાઈ જાય. આમાનું મોટાભાગનું આપણા માટે તો પરગ્રહની વાત જેવું જ લાગે એમ છે, પણ આ માણસ આ જિંદગી જીવે છે અને એ પોતાની જાતને મનુષ્યના પ્રેમમાં માનવીય કૃત્યો કરનાર એક માનવીથી વિશેષ ગણતો નથી.

એમના મુખ્ય પુસ્તક ‘ગેફાઇરોમેનિયા’ (પુલો માટેનું ઝનૂન)માં એ સ્ત્રી અને પુરુષ, પ્રેમી અને જાત, કે નુકશાન અને રાહતની વચ્ચે પસંદગી કરવાના બદલે જે જગ્યાએ આ દોરાહાઓ ભેગા થાય છે એ જગ્યાઓ પર સ્વેચ્છાએ રહેવાનું પસંદ કરે છે. ટૉલ્બર્ટ સામાન્યલિંગીપ્રજા અને વિપરીતલિંગીઓ વચ્ચે પુલ બનાવવાનું કામ કરે છે, જે વાત એમના આ સંગ્રહમાં નજરે ચડે છે. એમની રચનાઓ ખૂબ જ વ્યક્તિગત લાગે છે, વ્યક્તિની લાગે છે અને એ છતાં એ કબૂલાતનામું બનતી નથી. એક પાત્રમાંથી બીજા પાત્રમાં પાણી ઢોળાતું રહે એમ એમનું કથન એક વાક્યમાંથી બીજામાં અને એક સંદર્ભમાંથી બીજામાં સતત રેલાયા કરતું હોવાથી અપાર વિસંગતિની વચ્ચે પણ અપાર સંવાદિતાની અનુભૂતિ થયા વિના રહેતી નથી. એમની કવિતા સતત ટુકડાઓમાં વિયોજિત થતી અને સમાંતરે જ પુનર્ગઠિત થતી અનુભવાય છે. જેમ એમની કાયા કોઈ એક લિંગમાં રહેવા તૈયાર નથી એમ જ એમની કવિતા પણ વર્ષોથી ચાલ્યા આવતા કવિતાના નિર્ધારિત લિંગી શરીરમાં રહેવા તૈયાર નથી. એટલે જ ટૉલ્બર્ટનો અવાજ અન્ય કવિઓથી સાવ અલગ ઊઠતો સંભળાય છે. એ કહે છે, ‘ઘણા લાંબા સમયથી મને કવિતા કેવું સ્વરૂપ લે છે એમાં એના વિષયવસ્તુ કરતાં વધુ રસ પડે છે. મને સ્વરૂપમાં વધુ રસ છે કેમકે વિષ્યવસ્તુ તો હું પોતે જ છું. હું પાનાંને શરીર તરીકે જોઉં છું અને મેં આ શરીરને કેવી રીતે વાપર્યું, અથવા એણે મને કેવી રીતે વાપર્યો/વાપરી, પ્રયોગ માટે, મૌન, આકાર, સંગીત, આનંદ, દૃશ્ય વિ. એમાં મને રસ પડે છે. મારો પ્રશ્ન હંમેશા આ જ રહ્યો છે: શરીરને કેવી રીતે કવિતામાં લઈ જવું, મારા શરીરને શી રીતે પાનાં પર શોધવું.’

કળા સમાજના કોઈ એક વર્ગ પૂરતી સીમિત નથી. મનુષ્યમાત્રને કળા સાથે અવિનાભાવી સંબંધ છે. સમાજનો કચડાયેલો વર્ગ પણ પોતાની રીતે કળાસાધના કરે જ છે. જેમ આપણી ભાષામાં દલિત વર્ગ ખાસ પ્રકારની દલિત કવિતાઓ રચે છે, એમ વિશ્વના દરેક દેશોમાં દરેક વર્ગના મનુષ્યો પોતાના સમાજ-વર્ગને રજૂ કરતી કવિતાઓ લખતા હોય છે. જે લોકો અ-જાતીય કે દ્વિ-જાતીય છે, એ લોકો પણ પોતાના સમાજને રજૂ કરતી રચનાઓ કરતા હોય છે. આ ટ્રાન્સજેન્ડર લોકો એટલે એવા લોકો જે પોતાની જન્મજાત જાતીયતાથી વિપરીત જીવે છે. લિંગપરિવર્તન કરાવનાર લોકો ટ્રાન્સસેક્સ્યુઅલ કહેવાય છે. ૧૯૬૫માં મનોચિકિત્સક જોન ઑલિવને ટ્રાન્સજેન્ડર શબ્દ પહેલવહેલીવાર વાપર્યો, આ શબ્દ જન્મજાત ખોટું લિંગ ધરાવનારાઓ, લિંગપરિવર્તન કરાવનારાઓ, વિપરીતલિંગી જીવન જીવનારાઓ તથા વિપરીતલિંગી વસ્ત્રધારીઓ- આ બધાને સમાવી લે છે. ૧૯૮૪માં ટ્રાન્સજેન્ડર સમાજની સ્થાપના થઈ અને ૧૯૯૨માં આ લોકો માટેના કાયદાઓ બનાવવા માટે પહેલું આંતરરાષ્ટ્રીય અધિવેશન ભરાયું. ટૉલ્બર્ટે સંપાદિત કરેલા ‘ટ્રબલિંગ ધ લાઇન’ સંગ્રહમાં આવા એક-બે નહીં, ૫૫ કવિઓની રચનાઓ સમાવાઈ છે. આ સંગ્રહમાં જેન (જય) બેઝેમર લખે છે: તમે પુરુષ છો કે સ્ત્રી? તમે દરવાજો છો કે બારી? ક્યારેક ક્યારેક હું ઘૃણાસ્પદ અથવા વિપરીત દેખાઉં છું જેથી પોતાને ખોટી રીતે વર્ગીકૃત થવાથી બચાવી શકું. હું શું છું એ હું શી રીતે કામ કરું છું અને શું બનાવું છું એ જ છે.’

– આ વર્તમાનનો અવાજ છે. ત્રીજા લિંગના મનુષ્યો હંમેશા સામાજિક ઉપેક્ષા અને તિરસ્કારના શિકાર થતા આવ્યા છે. હીજડા, કિન્નર કે વ્યંઢળ કહીને આપણે કદી એમને આપણી અડખેપડખે બેસવા દીધા નથી. પાશ્ચાત્ય દેશોમાં તો આવા લોકોની સ્વીકૃતિ અને સમાનાધિકારની વાત લગભગ સર્વસ્વીકૃત બની ચૂકી છે પણ આપણે ત્યાં આવા લોકોને હજીપણ સામાજિક માન્યતા મળી નથી, અને નજીકના ભવિષ્યમાં મળે એવું દેખાતું પણ નથી. સર્જનહારની ભૂલ આ લોકો માટે જનમકેદની પીડા બની રહે છે. એક લિંગના શરીરમાં ભૂલથી કેદ થઈ ગયેલો બીજા લિંગનો આત્મા આજીવન તરફડતો રહે છે. રાઇસ નામનો/ની એક સર્જક લખે છે: ‘જિંદગીના પહેલા ત્રીસ વર્ષ હું લેખનની મદદથી જ મારા શરીરથી ભાગી છૂટતો/તી હતો/તી, કેમકે મારી જાણ મુજબની આ એકમાત્ર સૌથી જાણીતી અને જીવવાલાયક જગ્યા હતી.’

‘પ્રિય મલિસા’ કવિતા વિપરીતલિંગી કવિની કવિતા છે. આ કવિતા માટે કવિ કહે છે: ‘મલિસા એ યુવતીનું નામ છે જે હું ક્યારેક હતો/તી, અને જ્યારે હું એ હતો/તી, મારી મમ્મી, ગાંઠમાં પૈસા ન હોવા છતાં છોકરાંઓને ઉછેરવાના આવતાં, હતાશા અને ગુસ્સાના આવેશમાં ક્યારેક ચિલ્લાતી, ‘મને થાય છે કે તું કદી જન્મી જ ન હોત.’ આ કવિતા એ જ ભાષાને ઊઘાડવાની કોશિશ છે જેથી સામેલ તમામ કોઈક નવું બની શકે.’ આજ શીર્ષકથી એમણે એક બીજી કવિતા પણ લખી છે, જેના વિશે એ કહે છે: ‘…અને જેમ એ સાચું છે કે એ (મલિસા) કદી મને છોડી ગઈ નથી, હું ઘણીવાર વિચારું છું કે શું મે એને છોડી દીધી છે? આ કવિતા એક રીતે એમ કહે છે, ‘આભાર, મલિસા, એ શરીર બનવા માટે જેમાં મારું મૃત્યુ મરી શકે છે.’

આમ જોઈએ તો આખી કવિતામાં શીર્ષકથી લઈને અંત સુધી એક નાનકડું વાક્ય જ છે: પ્રિય મલિસા, હું ઇચ્છું છું કે તું કદી જન્મી જ ન હોત. બસ! કવિતાનું શીર્ષક કવિતાનો જ એક ભાગ પણ છે શીર્ષકથી જ કવિતાની શરૂઆત થાય છે. પણ આ એક વાક્યની વચ્ચે-વચ્ચે બે વાર કૌંસની વચ્ચે જે સ્વગતોક્તિ આવે છે, એ આખી કવિતાને શીર્ષકને બાદ કરતાં ચૌદ પંક્તિઓ અને ચાર અંતરામાં વહેંચી દે છે. રચનાસ્વરૂપ પર ધ્યાન આપીએ તો આ રચના ત્રણ ચતુષ્ક અને એક યુગ્મ – એમ સૉનેટને મળતી આવે છે. આખી કવિતા એક ન બનેલી વાત ઇચ્છવાની અનિશ્ચિતતાની છે એટલે કવિએ પોતાની જાતને છંદ અને ઘણુખરું વ્યાકરણમાં બાંધવાનું સ્વીકાર્યું નથી. કવિતા સ્વચ્છંદમાં વહે છે કેમકે એની ગતિ પણ એ તરફની જ છે.

જીવનના કોઈ એક તબક્કે મા એની દીકરી મલિસાને કહે છે કે કાશ! તું જન્મી જ ન હોત! (તો આ ઉપાધિઓ સહન કરવાનો વારો જ ન આવ્યો હોત.) જો અને તો પર કોઈની જિંદગી જીવાતી નથી એ બધા જાણે છે ને એ છતાંય બધા જો અને તો પર જ જીવ્યે જતાં હોય છે. માના આ પ્રલાપની વચ્ચે મલિસા પોતાની જાતને ટુકડા-ટુકડામાં અભિવ્યક્ત કરે છે. મા ખુદ ઊઠીને સંતાનના અસ્તિત્વના આગમન સામે નાદારી નોંધાવે ત્યારે સંતાનના મનમાં કેવા ત્સુનામી ઊઠતા હશે? આ સમયે એવું કોઈ હશે જે સુસંગતતાથી વિચારી શકે? ટૉલ્બર્ટ જેમ્સ જૉયસ અને વર્જિનિયા વુલ્ફે પ્રચલિત કરેલી ‘સ્ટ્રીમ ઑફ કૉન્સિયશનેસ’ -જેમાં મનુષ્યની છિન્નભિન્ન ચાલ્યે રાખતી વિચારધારાને યથાતથ રજૂ કરવાની નેમ હોય છે- પ્રકારની કથનશૈલી પ્રયોજે છે. મા સામેના એના પ્રતિભાવો સળંગ નથી, અને સુસ્પષ્ટ પણ નથી. બાળકને બોજ ગણતી માના બળાપા સામે ડઘાઈ ગયેલા સંતાનના છુટકમુટક વિચારોને ટૉલ્બર્ટ ટુકડાઓને જોડવાની કોશિશ કર્યા વિના જ, એમાંથી કોઈ અર્થ તારવવાની સ્પષ્ટ ચેષ્ટા કર્યા વિના જ આપણી સામે રજૂ કરે છે.

માના એકવાક્યી નિસાસાની વચ્ચે બાળક આંતરિક એકાલાપ (ઇન્ટિરિયર મૉનોલૉગ) કરે છે, જેની શરૂઆત સ્વાભાવિકપણે માથી જ થાય છે. મારી માએ એકવાર કહ્યું હતું… પછી એ કહે છે કે મા એના બાળપણની. આખી કવિતામાં કવિ એકમાત્ર બાળપણ શબ્દને ‘બાળ’ અને ‘પણ’માં દ્વિભાજિત કરે છે, જેના પરથી સમજી શકાય છે કે જે રીતે શબ્દ, એમ જ એમનું બાળપણ પણ અડધેથી ચીરાઈ ગયું છે. બાળક જે જે બોલે છે એ તમામના અર્થ કાઢવા શક્ય નથી કેમકે આ ચિરાયેલા બાળ-પણના અસંબદ્ધ મનોભાવ છે. પહેલા અંતરામાં જે ‘મારી મા’ અને ‘મારા બાળ-પણની મા’ છે, એ બીજા અંતરામાં એક દીકરીની મા નથી, એક માણસની મા પણ નથી, ત્રીજા અંતરામાં એ ‘કોણ છે’નો પ્રશ્ન બની રહે છે અને કાવ્યાંતે મા કોઈની પણ મા રહેતી નથી. એક તરફ માનું વાક્ય આગળ વધે છે કે તું જન્મી જ ન હોત તો સારું થાત તો બીજી તરફ બાળકનો એકાલાપ માના અસ્તિત્વને ક્રમશઃ ભૂંસી નાખે છે. એક તરફ મા જે એક વાક્ય બોલે છે એ મૂકીએ તો કાવ્યાંતે બાળકની એકોક્તિનું અર્ધવાક્ય અને માનું અર્ધવાક્ય ભેગાં થઈને ‘હું દિલગીર છું કે તું કદી જન્મી જ ન હોત’ એમ વંચાય છે. આ વાક્ય માના ઉદ્ગારનો જ પત્યુદ્ગાર નથી તો બીજું શું છે? માના બળાપાની મિરર-ઇમેજ ઊભી કરીને કવિ આપણા સંવેદનાતંત્રને સૂન્ન કરી નાંખે છે.

બાળકની એકોક્તિના નામે કવિ જે નાના-મોટા ટુકડાઓ આપણને આપે છે એ દરેકના પોતપોતાની રીતે અલગ-અલગ અર્થ કરી શકાય એમ છે. પાણી પાણી થાક્યું છે, અર્થાત્ મા સંતાનથી થાકી ગઈ છે કેમકે સંતાન એ આખરે તો માનો જ અંશ છે. મા જો પાણી છે, તો સંતાન પણ એ જ પાણીનું ટીપું છે. માના બળાપાની સામે પણ બાળક શાંત છે કેમકે જો એ શાંત ન થઈ શક્યું હોય તો માએ જ શીખવેલી પ્રાર્થનાનો અર્થ શો? તમે કોઈકને અડો છો ત્યારે તમે કયા હાથ બનો છો? સ્નેહના? ધિક્કારના? તમે કોઈને અડો છો એ ઘડીએ એ હાથની ભાષા તમારા આખા અસ્તિત્વની ભાષા છે. તમે કોના શરીર પર હાથ મૂકો છો, તમે કોનું ધ્યાન ખેંચવા માંગો છો, તમે શું સાંભળશો જ્યારે તમે પાછા વળીને એની સામે જોશો ત્યારે કેમકે જે તમારી મા છે એ તો કોઈ દીકરીની કે અર્થવિસ્તાર કરીએ તો કોઈપણ મનુષ્યની જ મા નથી કેમકે કઈ મા ઇચ્છે કે સંતાન જન્મ્યું જ હોત તો સારું થાત? આપણું શરીર જ્યારે આપણું શરીર નથી એવું અનુભવાય ત્યારે શું ડર ન લાગે? સ્ત્રી તરીકે જન્મ્યા પછી ખબર પડે કે અંદર માહ્યલો તો પુરુષનો આવી ગયો છે અથવા એનાથી વિપરીત હોય તો શું ડર ન અનુભવાય? જિંદગીનો પવન આ દુવિધા દેખાતી હોવા છતાં ઉપર-ઉપરથી તો વહેતો જ રહે છે પણ જેને તમે તમારા મૂળ કહી શકો એને હચમચાવવાનું ચૂકતો નથી. એ વિશ્વ શું બનશે ખરું જ્યાં તમે અટકીને નિરાંતવા શ્વાસ લઈ શકો કે પછી તમારી અંદર જે તૂટી ચૂક્યું છે, ચીરાઈ ચૂક્યું છે સમયના મારથી, તમારા ચહેરા ઉપર જે ચહેરો ચડી ગયો છે, જે કંઈ જીવંત છે એ ઓળખવા-ઓળખાવાની પરિસીમાની બહાર પહોંચી ગયું છે? કદાચ એમ જ હશે કેમકે મા કોણ છે? તું તો નહીં જ. કારણ તેં તારી જાતને બીજા કોઈમાં વિકસીને મારી નથી નાંખી. મા તો પોતાના બાળકના જન્મ સાથે જ પોતાની જાતને ખતમ કરી નાંખે, બાળકનું અસ્તિત્વ જ એનું અસ્તિત્વ બની રહે, બાળકનો ચહેરો જ એના ચહેરા ઉપર ચડેલો દેખાય પણ અહીં એવું નથી એટલે જ સંતાન દિલગીર છે. કાવ્યાંતે આ દિલગીરી બાળક અને માતાની અર્ધોક્તિના સમન્વયમાંથી જન્મતા ઉચ્ચારણની વેદના બનીને આપણને ચીરી નાંખે છે.

મા શા કારણે વ્યથિત છે એ કવિ કહેતા નથી. કવિતા કદી બધું કહે નહીં પણ એક સામાન્ય લાગતા બળાપાની સામે બાળકના ચિત્તતંત્રમાં થતા ખળભળાટને આપણી સામે મૂકીને કવિ આપણને કહેવા માંગે છે કે બાળકોની સામે વગર વિચાર્યે કશું બોલતાં પહેલાં વિચારવું ઘટે. બાળક ખરેખર બાળક નથી હોતો, એ નાનો વયસ્ક જ હોય છે. એના મનોમસ્તિષ્કના કૌંસની વચ્ચે જે છૂટક-તૂટક પ્રતિભાવો તમારી નાસમજીની સામે ઊઠે છે એ જો કૌંસ બહાર આવશે તો તમારું જીવવું જ દુભર થઈ જશે, ધ્યાન રહે!

કુમાર ગૌતમની અંગ્રેજી કવિતા ‘હું કોણ છું?’ના થોડા અંશ આ સાથે જોવા જેવા છે:

હું વિચારું છું
કે હું કોણ છું?
એક શરીર જે અલગ આત્મામાં ફસાઈ પડ્યું છે
કે એક આત્મા શરીર સાથે કુમેળ ધરાવતો.

હું મનન કરું છું
કે કોણ યુદ્ધે ચડ્યું છે?
હું મારી જાત સાથે
કે દુનિયા મારી સાથે ઝઘડી રહી છે.

મને રમૂજ થાય છે.
કોણે મને ગુલામ બનાવ્યો?
મારી દ્વિધાઓ
કે સમાજે.

સાધો, શબ્દસાધના કીજે -કબીરસાહેબ

સ્વર: અમર ભટ્ટ
સ્વરાંકન: અમર ભટ્ટ

.

સાધો, શબ્દસાધના કીજે,
જેહિ શબ્દ તે પ્રગટ ભએ સબ શબ્દ સોઈ ગહિ લીજૈ.

શબ્દહિ ગુરુ શબ્દ સુનિ સિખ ભૈ સો બિરલા બૂઝૈ,
સાંઈ શિષ્ય ઔર ગુરુ મહામત જેઈ અંતરગત સૂઝૈ.

શબ્દૈ વેદ પુરાન કહત હૈ શબ્દૈ સબ ઠહરાવૈ,
શબ્દૈ સુરમુનિ સંત કહત હૈ શબ્દભેદ નહિ પાવે.

શબ્દૈ સુનિસુનિ ભેખ ધરત હૈ શબ્દૈ કહે અનુરાગી,
ષટદર્શન સબ શબ્દ કહત હૈ શબ્દ કહૈ બૈરાગી.

શબ્દૈ માયા જગ ઉતપાની શબ્દૈ કેર પસારા,
કહ કબીર જહં શબ્દ હોત હૈ તબન ભેદ હૈ ન્યારા.
-કબીરસાહેબ