ધવલભાઇએ ‘યાદગાર ગીતો‘ શ્રેણીમાં કવિ શ્રી સુન્દરમ્ નું આ ગીત મુક્યું હતું, ત્યારથી જ એને અહીં મુકવાની ઇચ્છા હતી..! લો, આજે મુહુર્ત આવી ગયું. દિનેશઅંકલનું મઝાનું ગાડાવાળું ગીત સાંભળીને ગામડું.. અને બચપણ.. અને એવું બધું યાદ આવી જ ગયું, તો ચલો ને આ ઝાકમઝોળ બાળગીત સાંભળી જ લઇએ..!
અને હા – કવિ શ્રી સુન્દરમ્ ની જન્મતિથિ પણ ૨૨મી માર્ચે જ ગઇ..! તો એમને પણ યાદ કરી લઇએ..! મને સાચ્ચે અમદાવાદીઓની ઇર્ષ્યા થાય ઘણી વાર. જુઓ ને, ૨ દિવસ પછી ૪થી એપ્રિલે – કવિ શ્રી સુન્દરમ્ ના ગીતો સ્વરકાર અમરભાઇ પ્રસ્તુત કરશે (ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ – લલિતકલાકેન્દ્ર, અમદાવાદ). ચલો, મારા બદલે તમે જ જઇ આવજો 🙂
તો સાંભળો – કવિ શ્રી સુન્દરમ્ ના શબ્દો, રવિન નાયકનું એવું જ મઝાનું સ્વરાંકન – અને બાળમિત્રોની એટલી જ addictive પ્રસ્તુતિ.
સંગીત: રવિન નાયક
સ્વર: બાળવૃંદ
હાં રે અમે ગ્યાં’તાં
હો રંગના ઓવારે
કે તેજ ના ફુવારે,
અનંતના આરે,
કે રંગ રંગ વાદળિયાં
હાં રે અમે ઊડયાં
હો મોરલાના ગાણે,
કે વાયરાના વહાણે,
આશાના સુકાને,
કે રંગ રંગ વાદળિયાં
હાં રે અમે થંભ્યાં
હો મહેલના કિનારે
પંખીના ઉતારે,
કે ડુંગરાની ધારે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે પહોંચ્યાં
હો આભલાને આરે,
કે પૃથ્વીની પાળે,
પાણીના પથારે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે નાહ્યાં
હો રંગના ઓવારે,
કે તેજના ફુવારે,
કુંકુમના ક્યારે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે પોઢયાં
છલકંતી છોળે,
દરિયાને હિંડોળે,
ગગનને ગોળે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે જાગ્યાં
ગુલાલ ભરી ગાલે,
ચંદન ધરી ભાલે,
રંગાયા ગુલાલે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે નાચ્યાં
તારાના તરંગે,
રઢિયાળા રંગે,
આનંદના અભંગે,
કે રંગ રંગ વાદળિયાં.
– સુન્દરમ્
(જન્મ: ૨૨-૩-૧૯૦૮, મૃત્યુ: ૧૩-૧-૧૯૯૧)