Category Archives: કિન્નરી વૃંદ

સાંજ હીંચકા ખાય .. – અનિલ જોશી

પ્રજ્ઞાઆંટીએ નીચે comment માં લખ્યું છે કે ટહુકાએ સાંભળવાની ટેવ પાડી છે – એટલે વાંચતા જરા અડવું અડવું લાગે છે.. તો લો, આજે આ ગીત સાંભળતા સાંભળતા વાંચવાની ફરી એકવાર મઝા….!! અનિલ જોશીનું આ ગામડાની સાંજની યાદ કરાવતું સરસ મઝાનું ગીત…

અને ગીતના પેલા ‘ગામડું Special’ શબ્દો જેવા કે – પાદર, કમોદ, ખડ, પછેડી, ખેતર, કેડી.. – એમાંથી તો જાણે ગામડાની માટીમાં પડેલા પહેલા વરસાદ જેવી સુગંધ આવે છે..!!

સ્વર : કિન્નરી વૃંદ
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
indian_village_pi84_l.jpg

.

ધણ છૂટ્યાની ઘંટડીઓનાં ઝાંઝર પહેરી વડલાની વડવાઇ ઝાલીને –
સાંજ હીંચકા ખાય
ને ઊડતી ધૂળનું થાય વાદળું એવું તો ઘનઘોર કે જાણે ધણની ગાયું –
કણકણ થઇને ગોરજમાં વિખરાય.

સાવ અચાનક કાબર-ટોળું ડાળ ઉપરથી ઊડ્યું ને ત્યાં એક પાંદડું તૂટ્યું
વડલાનાં લીલાં પાન વચાળે લાલચટક આકાશ થઇને લાલ પાંદડું ફૂટ્યું
ધૂળની ડમરી ચડતાં એમાં ચક્કર ચક્કર ફરતાં મારા શૈશવના કણ –
પાદરમાં ઘૂમરાય.
ધણ છૂટ્યાની ઘંટડીઓનાં ઝાંઝર પહેરી વડલાની વડવાઇ ઝાલીને –
સાંજ હીંચકા ખાય.

ખડના પૂળા લઇ હાથમાં પાછા વળતા લોકવાયરે ઊડતી જાય પછેડી
ઘઉંના ખેતર વચ્ચે થઇને સીમપરીની સેંથી સરખી ગામ પૂગતી કેડી
ધીમે ધીમે ખળાવાડમાં કમોદની ઊડતી ફોતરીઓ વચ્ચે થઇને
સાંજ ઓસરી જાય.
ધણ છૂટ્યાની ઘંટડીઓનાં ઝાંઝર પહેરી વડલાની વડવાઇ ઝાલીને –
સાંજ હીંચકા ખાય…