Category Archives: ભદ્રાયુ ધોળકિયા

હું જેમ જેમ તારો દીવાનો થતો ગયો – રાહી ઓધારિયા

સ્વર – સ્વરાંકન : ભદ્રાયુ ધોળકિયા

હું જેમ જેમ તારો દીવાનો થતો ગયો-
બસ એમ એમ મારો જમાનો થતો ગયો.

એનો થતો ગયો અને આનો થતો ગયો,
કોને ખબર હું કેમ બધાનો થતો ગયો !

આપી છે તારી પ્રીતે નજરને વિશાળતા,
તારો થયા પછી હું ઘણાનો થતો ગયો.

વ્યક્તિત્વ ઓગળી ગયું તારા વિચારમાં,
મોટા થવાની સાથ હું નાનો થતો ગયો.

કેવી અસર થઈ છે મને તારા સંગની-
જાણે કે હું જ મારા વિનાનો થતો ગયો !

-રાહી ઓધારિયા

શબ્દ ક્યાં મારો કે તમારો – રાહી ઓધારિયા

સ્વર – સંગીત : ભદ્રાયુ ધોળકિયા

.

શબ્દ ક્યાં મારો કે તમારો છે?
શબ્દ હર કોઈનો દુલારો છે.

બુઠ્ઠા અણિયારા રેશમી બોદા
શબ્દના કેટલા પ્રકારો છે

ભાવ છે અર્થ છે અલંકારો
શબ્દનો કેટલો ઠઠારો છે

જો જરાક અડકો તો છટપટી ઉઠશે
શબ્દ સંવેદનાનો ભારો છે

– રાહી ઓધારિયા

અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા – સુરેશ દલાલ

દેશમાં તો ગઇકાલે ધૂળેટી ગઇ.. પણ અમેરિકા અને બીજી ગઇ જગ્યાએ ઘણા વખત સુધી હોળીના રંગો ઊડશે.. (અહીં બધું સગવડ પ્રમાણે.. હોળી હોય કે દિવાળી – Weekend વગર એ ના આવે.. 🙂 )

તો આજે ફરી એક હોળીના ઘેરૈયોઓનું મજેદાર બાળગીત.. સાથે સાથે તમને પણ ગાવાનું મન થઇ જાય એવું..!

સ્વર : ભદ્રાયુ ધોળકિયા, કસ્તુરી ધોળકિયા
કોરસ : માધવ ધોળકિયા, રોહન ત્રિવેદી, હરીતા દવે
સંગીત : ભદ્રાયુ ધોળકિયા – ડો. ભરત પટેલ
કવિ : સુરેશ દલાલ

.

અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા
અમે ફાગણનો ફાલ છીએ ઘેરૈયા

અમે તલવાર ને ઢાલ છીએ ઘેરૈયા
અમે આજ અને કાલ છીએ ઘેરૈયા
ઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…
અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા…

અમે સંમદર ને પાળ છીએ ઘેરૈયા
અમે સોનેરી વાળ છીએ ઘેરૈયા
ઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…
અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા…

અમે રેશમી રૂમાલ છીએ ઘેરૈયા
અમે ધાંધલ ધમાલ છીએ ઘેરૈયા
ઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…
અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા…

અમે ખૂલ્લો સવાલ છીએ ઘેરૈયા
અમે જાદુ કમાલ છીએ ઘેરૈયા
ઘેરૈયા ઘેરૈયા ઘેરૈયા…
અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા…

– સુરેશ દલાલ