Category Archives: વર્ષાગીત

ઊમટી આવ્યાં વાદળ – પન્ના નાયક

(Photo : http://www.omniplan.hu/)

ઊમટી આવ્યાં વાદળ,
ધોધમાર એ વરસ્યાં આંખનું રેલી નાંખ્યું કાજળ.

કોઇની કાળી નજર લાગી ને
અંગે અંગે વીજળી,
સળવળાટથી સણકે એવી
કે મારામાં ગઇ પીગળી,
મારામાંથી નીકળી ચાલ્યું કોઇ આંખની આગળ.

એવી આ તે કશી કુંડળી
ગ્રહો લડે આપસમાં,
ઝેર ઝેર લ્યો વ્યાપી ચૂક્યું
અમરતની નસનસમાં,
વિધાતાએ કરી મૂક્યો છે કાબરચીતરો કાગળ.

– પન્ના નાયક

પ્હેલો વરસાદ – પ્રદ્યુમ્ન તન્ના

મોસમના પહેલા વરસાદની મઝા કોણે ના લીધી હોય? અને બાળપણમાં તો એ મઝા જાણે બેવડી નો’તી લાગતી? આખા ઉનાળાના વેકેશનની બધ્ધી જ બપોર ક્યાં તો પોતાના કે કોઇ મિત્રના ઘરે કે ઓટલા પર જ ગાળવાની હોય…! અને એ ગરમી અને એના બંધનમાંથી છુટ્ટી આપતો મોસમનો પહેલો વરસાદ જ્યારે વરસે… આ હા હા… જલસો જ કહેવાય ને?

ક્યારની તે જોતાં’તાં વાટ એવા મોસમના
પ્હેલા વરસાદમાં જાવા દે જરી,
મા ! જાવા દે જરી.

ચારેકોર ઊભરતા હાલક હિલોળ મહીં
ઝબકોળાં થોડાંઘણાં થાવા દે જરી.
મા ! થાવા દે જરી.

કેમ આજે રે’વાશે ઘરમાં ગોંધાઈ,
કેમ બારી ને બા’ર કીધાં બન્ધ ?
ઝાલ્યો ઝલાય નહીં જીવ કેવાં કે’ણ લઈ
આવી મત્ત માટીની ગન્ધ !

ફળિયાને લીમડે ગ્હેંકતા મયૂર સંગ
મોકળે ગળે તે ગીત ગાવા દે જરી,
મા ! ગાવા દે જરી.

ચાહે ઘણુંય તોય રે’શે ના આજ કશું
તસુ એક હવે ક્યહીં કોરું,
જળે ભર્યા વાદળાંના ઝુંડ પર ઝુંડ લઈ
ઝૂક્યું અંકાશ જ્યહીં ઓરું :

ઝડીયુંની જોરદાર જામી આ રમઝટમાં
થઈએ તરબોળ એવું ના’વા દે જરી,
મા ! ના’વા દે જરી.

ક્યારની તે જોતાં’તાં વાટ એવા મોસમના
પ્હેલા વરસાદમાં જાવા દે જરી
મા ! જાવા દે જરી.

પહેલા વરસાદનો છાંટો – અનિલ જોષી

આ ગીત આમ તો વર્ષાગીત કરતા વધુ પ્રેમગીત છે.. ગીતની નાયિકાને માણસને બદલે મીઠાની ગાંગડી થવું છે, કે જેથી પિયુજીના પ્રેમના છાંટે એ ઓગળી જાય..

(હું પાટો બંધાવા હાલી રે…. Photo: DollsofIndia.com)

* * * * * * *

સ્વર : હેમા દેસાઇ
સંગીત : ઉદય મઝુમદાર

.

પહેલા વરસાદનો છાંટો મુને વાગીયો હું
પાટો બંધાવા હાલી રે….
વેંત વેંત લોહી કાંઈ ઊંચું થીયું ને
જીવને ચઢી ગઈ ખાલી રે…

સાસ ને સસુરજી અબઘડી આવશે
કાશીની પૂરી કરી જાત
રોજીંદા ઘરકામે ખલેલ પહોંચાડે મુને
આંબલીની હેઠે પડ્યાં કાતરા રે….

પિયુજી છપરાને બદલે જો આભ હોત
બંધાતી હોત હું યે વાદળી રે…
માણસ કરતાં જો હોત મીઠાંની ગાંગડી
છાંટો વાગ્યો ને જાત ઓગળી રે…

પહેલા વરસાદનો છાંટો મુને વાગીયો હું
પાટો બંધાવા હાલી રે….

આખું ચોમાસું તેં મોકલ્યું ટપાલમાં – સંદીપ ભાટિયા

દેશમાં આમ તો ચોમાસું આવવાને થોડી વાર છે, પણ બે દિવસ પહેલા શિકાગો – મિશિગન બાજું જે ધમધોખાર – સાંબેલાધાર વરસાદ આવ્યો હતો, એ પરથી આ ગીત ચોક્કસ યાદ આવી જાય…!

* * * * *

આખું ચોમાસું તેં મોકલ્યું ટપાલમાં
ને પરબીડિયું ગયું ગેરવલ્લે
હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે

છત્રીને થાય, એક નળિયાને થાય,
કોઈ નેવાને થાય એવું થાતું
ખુલ્લા થયા ને તોયે કોરા રહ્યાનૂં
શૂળ છાતીમાં ઊંડે ભોંકાતું

વાદળાંની વચ્ચોવચ હોવું ને તોય કદી
છાંટા ન પામવા જવલ્લે
હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે

ભીંજેલા દિવસોને તડકાની ડાળી પર
સૂકવવા મળતા જો હોત તો
કલરવનો ડાકિયો દેખાયો હોત
કાશ મારુંયે સરનામું ગોતતો

વાછટના વેપલામાં ઝાઝી નહીં બરકત,
ગુંજે ભરો કે ભરો ગલ્લે
હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે.

– સંદીપ ભાટિયા

ચોમાસું ક્યાંક આસપાસ છે – તુષાર શુક્લ

આજનું આ મારું તો અતિપ્રિય ગીત ખરું જ – અને આ ગીત વિષે થોડી વાત વિવેક ટેલરના શબ્દોમાં …

‘હસ્તાક્ષર’ના છ ભાગમાંથી કયું ગીત મને સૌથી વધુ સ્પર્શી ગયું છે એમ કોઈ પૂછે તો નિમિષમાત્રનો વિલંબ કર્યા વિના હું આ ગીત પર આંગળી મૂકું. કવિતાની દૃષ્ટિએ ઉત્તમ ગીત, સ્વરબદ્ધતાની નજરે શ્રેષ્ઠ અને ગાયકી જુઓ તો એ પણ બેમિસાલ… હસ્તાક્ષરની MP3 ગાડીમાં વાગતી હોય ત્યારે આ ગીત જેટલીવાર રસ્તામાં આવે, છ-સાતવાર એકધારું સાંભળું નહીં ત્યાં સુધી ચેન પડતું નથી….

સ્વર : આરતી મુન્શી
સંગીત :નયનેશ જાની
આલ્બ્મ : હસ્તાક્ષર

આંખોમા બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.

કોરી કુંવારી આ હાથની હથેળીમાં માટીની ગંધ રહી જાગી;
તરસ્યા આ હોવાના કોરા આકાશમાં આષાઢી સાંજ એક માંગી.
વરસાદી વારતાઓ વાંચી વાંચીને હવે ભીજાવું એ તો આભાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.
આંખોમા બેઠેલા…

કોરપની વેદના તો કેમે સહેવાય નહીં રૂંવે રૂંવેથી મને વાગે;
પહેલા વરસાદ તણું મધમીઠું સોણલું રહી રહીને મારામાં જાગે.
નસનસ આ ફાટીને વહેવા ચહે છે, આ તે કેવો આષાઢી ઉલ્લાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.
આંખોમા બેઠેલા…

પ્રીત પુરાણી ! – રતિલાલ છાયા

 

આ તો ! બરસત ! પ્રીત પુરાણી !
હળુહળુ કરતી બરસત જાણે પ્રભુની મધુમય વાણી !
– આ તો ! બરસત ! પ્રીત પુરાણી !

સૃષ્ટિ તણા જે આદિ સર્જને હ્રદય હ્રદય ઊભરાણી;
સૂર્ય, ચન્દ્ર ને અવનિ, અંબરે છલક છલક છલકાણી;
પલ્લવી-પુંજે પદ્યકોષમાં એની લખી કહાણી !

– આ તો ! બરસત ! પ્રીત પુરાણી !
હળુહળુ કરતી બરસત જાણે પ્રભુની મધુમય વાણી !

ઝરમર ! ઝરમર ! મેઘ ઝરે ને સૃષ્ટિ હસે મતવાલી;
અંગ અંગ શૃંગાર સજે, ત્યાં જાગે પ્રીત રસાળી !
એક વાર જાગી હૈયે પછી, ના રહેતી એ ! છાની !

– આ તો ! બરસત ! પ્રીત પુરાણી !
હળુહળુ કરતી બરસત જાણે પ્રભુની મધુમય વાણી !

નાગર નરસૈંયે ભરી પીધી એની મત્ત પિયાલી !
મીરાંને ઉર-કમલે બેઠી ગીત બની મસ્તાની !
શબ્દ-અર્થનાં તીર્થ રચન્તી એની આરતવાણી !

– આ તો ! બરસત ! પ્રીત પુરાણી !
હળુહળુ કરતી બરસત જાણે પ્રભુની મધુમય વાણી !

મોર બની થનગાટ કરે… – ઝવેરચંદ મેઘાણી

ટહુકો પર ઘણીવાર એવું થાય છે કે એક ગીત શબ્દો સાથે આવે, અને થોડા વખત પછી મારી પાસે એની music file આવે એટલે સંગીત સાથે ફરીથી ટહુકો કરું… પણ આજે એના કરતા ઊંધું કરવું છે. પહેલા ફક્ત સાંભળી શકાતું આ ગીત – આજે એના શબ્દો સાથે ફરીથી એકવાર…

શબ્દો સાંભળીને લખવામાં હું આમ પણ જરા કાચી છું, અને આ ગીત માટે તો મને ખબર હતી કે રોજિંદા ક્રમ ને ન્યાય આપવાના ચક્કરમાં ગીતને ચોક્કસ અન્યાય થઇ જશે… એટલે આટલા વખત સુધી આ ગીત શબ્દો વગર જ ટહુકો પર રહ્યું. હમણા જ એક મિત્રએ ગીતના શબ્દો મને આપ્યા, અને આવા વરસાદી મૌસમમાં આ ગીત ફરીથી સંભળવવાનો મોકો એમ પણ મારે ચૂકવો નો’તો.

———————-

Posted on August 1, 2006

(આજે તો મારા ટહુકા પર સંભળાશે મોરનો ટહુકો)

આમ તો હું આ ગીત મુકવામાં મોડી કહેવાઉં. કારણ કે ગીત શરુ થાય છે આ શબ્દોથી : “.. આવ્યો ઘઘૂમી અષાઢ”.
અને અષાઢ મહિનો પૂરો થઇને શ્રાવણ આવ્યા ને ય અઠવાડિયું થયું. પણ આજ કલ ગુજરાતમાં મેધરાજાએ મહેર કરી છે, તો સ્હેજે આ ગીત યાદ આવી ગયું.

ગાયક : ચેતન ગઢવી
આલ્બમ : લોકસાગરનાં મોતી

.

ટહુકો ફાઉન્ડેશનના સુર શબ્દની પાંખે કાર્યક્રમમાં અસીમ અને માધ્વી મહેતાના સ્વરમાં સાંભળો.

મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે
ઘનઘોર ઝરે ચહું ઓર મારું મન મોર બની થનગાટ કરે

બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને
બાદલસું નિજ નેનન ધારીને, મેઘમલાર ઉચારીને
આકુલ પ્રાણ કોને કલસાદ કરે
મન મોર બની થનગાટ કરે

ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે
ગુમરી ગુમરી ગરજાટ ભરે નવ ધાન ભરી સારી સીમ ઝૂલે
નદીયું નવજોબન ભાન ભૂલે નવ દીન કપોતની પાંખ ખૂલે
મધરા મધરા મલકાઈને મેંડક મેહસું નેહસું બાત કરે
ગગને ગગને ઘૂમરાઈને પાગલ મેઘઘટા ગરજાટ ભરે
મન મોર બની થનગાટ કરે

નવ મેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે
મારાં લોચનમાં મદઘેન ભરે વનછાંય તળે હરિયાળી પરે
મારો આતમ લહેર બિછાત કરે સચરાચર શ્યામલ ભાત ધરે
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઈ સારી વનરાઈ પરે
ઓ રે મેઘ આષાઢીલો આજ મારે દોય નેન નીલાંજન ઘેન ભરે
મન મોર બની થનગાટ કરે

ઓલી કોણ કરી લટ મોકળીયું ખડી આભ મહોલ અટારી પરે
ઊંચી મેઘ મહોલ અટારી પરે અને ચાકમચૂર બે ઉર પરે
પચરંગીન બાદલ પાલવડે કરી આડશ કોણ ઊભેલ અરે
ઓલી વીજ કેરે અંજવાસ નવેસર રાસ લેવા અંકલાશ ચડે
ઓલી કોણ પયોધર સંઘરતી વિખરેલ લટે ખડી મે’લ પરે
મન મોર બની થનગાટ કરે

નદી તીર કેરાં કૂણાં ઘાસ પરે પનિહારી એ કોણ વિચાર કરે
પટકૂળ નવે પાણી ઘાટ પરે એની સૂનમાં મીટ સમાઈ રહી
એની ગાગર નીર તણાઈ રહી એને ઘર જવા દરકાર નહિ
મુખ માલતી ફૂલની કૂંપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધરે
પનિહારી નવે શણગાર નદી કેરે તીર ગંભીર વિચાર કરે
મન મોર બની થનગાટ કરે

ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે
ચકચૂર બની ફૂલ ડાળ પરે વિખરેલ અંબોડાના વાળ ઝૂલે
દિયે દેહ નીંડોળ ને ડાળ હલે શિર ઉપર ફૂલ ઝકોળ ઝરે
એની ઘાયલ દેહના છાયલ છેડલા આભ ઊડી ફરકાટ કરે
ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે
મન મોર બની થનગાટ કરે

મોર બની થનગાટ કરે આજે મોર બની થનગાટ કરે
મન મોર બની થનગાટ કરે

તમરાંને સ્વરે કાળી રાત ધ્રૂજે નવ બાદલને ઉર આગ બૂઝે
નદી પૂર જાણે વનરાજ ગુંજે હડૂડાટ કરી સારી સીમ ભરી
સરિતા અડી ગામની દેવડીએ ઘનઘોર ઝરે ચહું ઓર

મારું મન મોર બની થનગાટ કરે
મન મોર બની થનગાટ કરે
-ઝવેરચંદ મેઘાણી

સુરતનો વરસાદ… – નયન દેસાઇ

જ્યારે ‘અમે અમદવાદી’ ગીત ટહુકો પર આવ્યુ’તુ. ત્યારે ધવલભાઇએ યાદ કરાવ્યુ’તુ કે કોઇ સુરતનું આવું ગીત શોધો…. મેહુલ સુરતીએ આમ તો સુરત શહેર પરના એક ગીતને સંગીત આપ્યું છે – પણ રેકોર્ડ નથી કરાવ્યું, એટલે હજુ પણ ટહુકો પર એ મેહુલો વરસે એની રાહ જ જોવી રહી.

મારા મમ્મી-પપ્પા સુરતી એટલે આમ જોવા જઇએ તો હું પણ સુરતી જ .!! પછી સુરતના વરસાદના આવા વખાણ થતા હોય તો નાચવાનું તો મન થાય જ ને.. જો કે આજનું ગીત સુરતીઓ સહિત બધાને જ નચાવે એવું છે.

સંગીત : હરીશ ઉમરાવ
સ્વર : હરીશ ઉમરાવ, સ્તુતિ શાસ્ત્રી

surat.jpg

.

પતરે ટપાક્ક ટપ છાંટા પડે, ને પછી નળિયા ખટાક્ક ખટ્ટ તૂટે
સુરતનો એવો વરસાદ…

બારીમાં કૂદે ભફાંગ કરી વાછટ, ને વીજળી વેરાય મૂઠે મૂઠે
સુરતનો એવો વરસાદ…

પહેલાં તો છાપરિયા શેરીઓ ચૂપચાપ કાળા આકાશ ભણી જુએ
સૂકાંભઠ પાંદડાંઓ ગબડે ને ભીનો પવન્ન પછી જાણે પીંજાય રૂંએ રૂંએ
વાદળાં છલાંગ મારી ઉછળે ને તીર એની સાથે સટ્ટાક સટ્ટ છૂટે
સુરતનો એવો વરસાદ…

નેવાંની સાથ વળી ઝૂલતા કોઇ હિંચકાનું આછું કિચૂડકચ્ચ એવું
સુની હવેલીના ગોખમાંથી ચોમાસું માણે છે એકલું પારેવું
રસ્તાઓ સુમસામ ખુલ્લા ફટ્ટાક જેમ શિવાજી શહેરને લૂંટે
સુરતનો એવો વરસાદ…

ચાલો ચાલેને રમીએ હોડી હોડી – પિનાકીન ત્રિવેદી

લયસ્તરો પર ધવલભાઇ અને વિવેકભાઇ વર્ષાકાવ્યોનો વરસાદ લાવ્યા, એમાં ભીજાવાનું ચૂકી નથી ગયા ને?

અહીં સાન ફ્રાન્સિસ્કોમાં હમણા તો (so called & so cold) ઉનાળો ચાલે છે – પણ દેશમાં મેઘરાજા પધાર્યા છે તો ટહુકો પર વરસાદી ગીતો સાંભળ્યા વગર ચાલે?  આ નાનકડું વરસાદી બાળગીત મને તો વાંચતા જ ગમી ગયું.  થોડા અમથા, એકદમ સરળ શબ્દો – પણ તો યે એમાં સમયના ચક્રને કેટલાય વર્ષો પાછળ ફેરવવાની તાકાત છે..!

ચાલો ચાલેને રમીએ હોડી હોડી
વરસ્યો વરસાદ ખૂબ આજે મુશળધાર
ઝરણાં નાના જાય દોડી દોડી

બાપુનાં છાપાં, નક્કામાં થોથાં
કાપી કૂપીને કરીએ હોડી        …ચાલોને

સાદી સઢવાળી, નાની ને મોટી
મૂકીએ પવનમાં છોડી છોડી    … ચાલોને

ખાલી રાખેલી, ઊંધી વળે તો
પાંદડા ને ફૂલ ભરું, તોડી તોડી … ચાલોને

જાશે દરિયાપાર પરીઓના દેશમાં
સૌથી પહેલા દોસ્ત મારી હોડી  … ચાલોને

મેહુલો ગાજે ને માધવ નાચે – નરસિંહ મહેતા

આમ તો ઘણું કહેવાનું મન થાય છે આ ગીત વિષે, પણ મને ખાત્રી છે કે તમને મારી બકબક કરતા કવિ શ્રી હરીન્દ્ર દવેના અવાજમાં આ મધુરા ગીતની પ્રસ્તાવના સાંભળવી વધુ ગમશે, બરાબર ને ? 🙂

krisha

પ્રસ્તાવના : હરીન્દ્ર દવે
સ્વર : કૌમુદી મુન્શી

.

સ્વર : ??

.

મેહુલો ગાજે ને માધવ નાચે,
રૂમઝૂમ વાગે પાયે ઘૂઘરડી રે,
તાલ પખાજ વજાડે રે ગોપી,
વહાલો વજાડે વેણુ વાંસલડી રે. મે.

પહેરણ ચીર, ચરણા ને ચોળી,
ઓઢણ આછી લોબરડી રે;
દાદુર, મોર, બપૈયા બોલે,
મધુરી શી બોલે કોયલડી રે. મે.

ધન્ય બંસીવટ, ધન જમુનાતટ,
ધન્ય વૃંદાવનમાં અવતાર રે;
ધન્ય નરસૈયાની જીભલડીને,
જેણે ગાયો રાગ મલ્હાર રે..

મેહુલો ગાજે ને માધવ નાચે….

-નરસિંહ મહેતા