કોણ કે’છે કે રત્ય રૂડી સરી?!
રંગ રંગ છોળ્ય એની ઓસરતાં મોર્ય
અમીં ચિતને ચંદરવે લીધ ભરી!
કોણ કે’છે કે રત્ય રૂડી સરી?!
મધુવનની ભોંય શા મજીઠ લાલ પોત પરે
ખાંતે આળેખી ભલી ભાત્ય,
કેવડાની મ્હેક મ્હેક કુંજ ચારે કોર્ય, બીચ
મોરલા ને કીર કરે વાત્ય.
એ જી ધાગે ધાગે તે હાંર્યે પોરવ્યો હુલાસ
ને ગુંજરતાં ગીત્યુંની કડી!
કોણ કે’છે કે રત્ય રૂડી સરી?!
આભલિયે આભલિયે ટાંક્યું અંકાશ
ને અંકાશે દા’ડી ને રેણ,
દા’ડે દા’ડે તે ભર્યાં અંજવાળાં ઝોક
ને રેણ ભર્યાં ચંદણીનાં ઘેન,
એ જી ઘેન મહીં ઘોળ્યો છે ગમતો ઉજાગરો
ઉજાગરે ગલાલની ઝડી!
કોણ કે’ છે કે રત્ય રૂડી સરી?!…
માણી પરમાણીને ઝીણું મોટું જેહ કાંઈ
ભરી લઈં ભીતર મોઝાર,
એવું ને એવું રિયે જળવાયું, આછોયે
આવતો ન એને ઓસાર,
એ જી આપણે ઉખેળવાની ખોટી કે પરથમ શું
પ્રગટે સંધુંય ફરી ફરી!
કોણ કે’ છે કે રત્ય રૂડી સરી?!…
– પ્રદ્યુમ્ન તન્ના
ચિતના ચંદરવે સીવેલ ઋતુઓનું રંગધનુ…
કાચના પ્રિઝમમાં સફેદ પ્રકાશ એક તરફથી દાખલ થતાં બીજી તરફ સાત રંગ –જાનીવાલીપીનારા- છૂટાં પડતાં દેખાય એ પ્રયોગ આપણામાંથી મોટાભાગનાંઓએ શાળામાં કર્યો જ હશે. અજવાળાંના રંગની આ કહાની છે. રાતના કાળા રંગની કહાની વળી એનાથી સાવ વિપરિત. બ્લૉટિંગ પેપર જેવું અંધારું સાતેય રંગોને વાદળી પાણી ચૂસી લે એમ ગાયબ કરી દે છે. રંગ એટલે દૃશ્યમાન પ્રકાશની નિયત તરંગલંબાઈ. અલગ-અલગ તરંગલંબાઈ મતલબ અલગ-અલગ રંગ. સફેદ અને કાળા રંગ પાસે કોઈ નિયત તરંગલંબાઈ જ ન હોવાથી એમનું રંગ તરીકે વર્ગીકરણ થતું નથી. પણ છોડો એ વાત. તમને થશે કે કવિતાના ક્લાસમાં વળી રંગ અને ભૌતિકવિજ્ઞાન ક્યાંથી આવી ચડ્યાં? તો એનું કારણ પ્રદ્યુમ્ન તન્નાની આજની કવિતા છે, જેમાં કવિ ચિત્તના ચંદરવા ઉપર સરી જતી ઋતુઓના રંગોને સ્મૃતિની સોય વડે સીવવા બેઠા છે. ચાલો, વિશ્લેષણના પ્રિઝમમાંથી કાવ્યકિરણ પસાર કરતાં સર્જાતું ઋતુઓનું આ રંગધનુ આપણે નિહાળીએ…
‘રત્ય’ એટલે ઋતુ ગણવી કે રાત એ સવાલ કાવ્યારંભે જ જન્મે છે. સૌરાષ્ટ્રી બોલી તથા શબ્દકોશ મુજબ તો રત્ય એટલે ઋતુ, પણ કવિતામાં આવતા સંકેત રાતને અર્થ તરીકે સ્વીકારવા પ્રેરે છે. ઋતુ હોય તો વીતે, રાત સરે. રંગોની ઓસરતી છોળ, ચિતનો ચંદરવો, ઊજાગરો વગેરે રાતના સંદર્ભ યાદ અપાવે છે, પણ દા’ડી ને રેણના અલગ ઉલ્લેખ હોઈ રત્ય એટલે ઋતુ જ માની લેવાનું મન પણ થાય. અન્ય એક કવિતા ‘દોહ્યલી રત્ય’માં કવિ લખે છે:
ઝીણાં મોટાં કોડી કાજ આડે સઈ! દંન તો લઈએ ગાળી
પણ પરણ્યો પડખે ન્હોય ઈને હાય દોહ્યલી રત્ય રૂપાળી!
અહીં તો પરણ્યો પડખે ન હોય તો દિવસ તો પસાર કરી લેવાય પણ રૂપાળી રાત મુશ્કેલ થઈ પડે છે, એ જોતાં રત્યનો અર્થ રાત જ સ્પષ્ટ થાય. જો કે લોકબોલીમાં રત્યના સંદર્ભ ઋતુ તરીકે જ પ્રાપ્ત થાય છે:
૧. શ્રાવણ આયો હે સખી! ઝાડવે નીર ઝરંત;
અણ રત્ય મહિયર મોકલે, મારો કઠણ હૈયારો કંથ.
૨. અસીં ગિરિવર જા મોરલા, કંકણ ચુણ પેટ ભરોં,
રત્ય આવઈ ન બોલજેં, ત હૈયા ફાટ મરોં
કવિને મન શું અભિપ્રેત હોય એ તો કવિ જ જાણે. રાત કહીએ તો સમયપટ ટૂંકો થઈ જાય પણ ઋતુ કહીએ તો સમયખંડ વિસ્તરી જાય એટલે આપણે રાત મનમાં રાખીને વિસ્તૃત અર્થ ઋતુ ગણીને આગળ વધીએ. શીર્ષક પરથી કાવ્યબાની પણ તળપદી હોવાનો ખ્યાલ આવી જાય છે. આ બાનીના પ્રેમમાં ન પડાય તો જ નવાઈ… અડધાથી વધુ જીવન ઇટાલીમાં વિતાવ્યું હોવા છતાં તળપદી ભાષા જે રસાળતાથી પ્રદ્યુમ્ન તન્નાની કવિતાઓમાં ઊતરી આવી છે એવું વાગેશ્વરીનું વરદાન તો ગુજરાતમાં વસતા ઘણા દિગ્ગજ કવિઓને પણ પ્રાપ્ત નથી થયું. પ્રદ્યુમ્ન તન્નાનું ગુજરાતી કોઈપણ નિવાસી-ગુજરાતી કરતાં વિશેષ ગુજરાતી છે. ‘રત્ય’ કાવ્યમાં ગીતનું પરંપરાગત સ્વરૂપ કવિએ અપનાવ્યું છે. મુખડું દોઢવેલી પંક્તિઓનું અને ચાર પંક્તિઓ તથા બેકી કડીઓમાં ચુસ્ત પ્રાસ મેળવી પૂરકપંક્તિ (ક્રોસલાઇન)ના તંતુ ધ્રુવપંક્તિ સાથે બાંધી આપતા ત્રણ બંધ. ષટકલનો મજબૂત લય ગીતને અનવરુદ્ધ ગતિ બક્ષે છે. અર્થ અને શબ્દની પરવા કર્યા વિના ગીત ખુલ્લા અવાજે બે’કવાર લલકારીએ તો શબ્દાર્થની પળોજણમાં પડતાં પહેલાં જ હૈયું છાકમછોળ તરબોળ થયા વિના ન રહે એની ગેરંટી. જેટલીવાર વાંચો એટલીવાર કવિતા મનોમસ્તિષ્કનો વધુને વધુ કબજો કરતી પ્રતીત થશે.
‘ક’કાર, ‘ર’કાર અને ચિતના ચંદરવાના ‘ચ’કારની વર્ણસગાઈ સાથે ઊઘડતું ગીત પ્રારંભે જ હૂક લગાવી ભાવકને બાંધી લે છે. સામું કોઈક રૂડી ઋતુના સરી ગયા હોવા વિશે કંઈક બોલ્યું હશે, જેના જવાબમાં સવાલથી કાવ્યનો ઊઘાડ થાય છે. કોણ કહે છે કે રૂપાળી ઋતુ સરી ગઈ? સામાની ઉક્તિનો વિરોધ તો છે પણ મીઠો. પ્રદ્યુમ્ન આમેય વહાલા વિરોધના કવિ છે. અનેક દાખલા જડી આવે, પણ ‘હિસાબ’ નામક એક વ્રજગીતમાં ‘જાવ જાવ જાદવજી જૂઠા’ કહીને ગોપી જે પ્રેમાળ ચાલાકીભરી ફરિયાદ વિરોધસહ નોંધાવે છે એ ચૂકવા જેવું નથી. ‘વેશ,’ ‘શેણે,’ ‘વડચડ’ વગેરેમાં પણ કવિની આ રીતિ દૃષ્ટિગોચર થાય છે. સૃષ્ટિની રેતશીશીમાંથી ઋતુઓ સરતી રહે છે, પણ કવિને આ સમયચક્રનો યથાતથ સ્વીકાર નથી, કારણ ઋતુના પાલવમાં રહેલ રંગબિરંગી છોળો ઋતુ સાથે અદૃશ્ય થઈ જાય એ પહેલાં જ કવિએ ચિત્તના ચંદરવામાં એને ભરી-સંઘરી લીધી છે. ‘અમે’ માટે જેમ ‘અમીં,’ એમ ‘પહેલાં’ માટે કવિએ જે ‘મોર્ય’ શબ્દ લોકબોલીમાંથી સેરવી આણ્યો છે, એ મન મોહી લે એવો મધમીઠો છે. છોળ્ય સાથે મોર્યનો આંતર્પ્રાસ પણ ગીતના ઉઠાવને વધુ રણઝણતો કરે છે. ચંદરવો એટલે માંડવા ઉપર બાંધવાનું ભરત ભરેલું લૂગડું. ભાત-ભાતના રંગોના ટુકડાઓને એક કાપડ પર સીવી લેવાથી જે કેલિડોસ્કૉપ સર્જાય એ ચંદરવો. કવિએ પોતાના ભાતીગળ ચિત્તના ચંદરવા ઉપર સૃષ્ટિના રંગોના સ્મરણોના ટુકડાઓ ટાંકી લીધા છે. કઈ રીતે ટાંક્યા છે એની વાત લઈ ગીત આગળ સરકે છે.
આપણે ત્યાં માથેરાન એની લાલ માટીના કારણે અન્ય તમામ ગિરિમથકોથી નોખું પડી જાય છે. પણ કવિ અહીં મધુવનની મજીઠી લાલ માટીની વાત કરે છે. આગળ ચિત્તના ચંદરવાની વાત આવી હતી એના પરથી સમજાય છે કે લાલ માટીવાળું મધુવન એ હૈયાની વાત છે. મજીઠ જેમાંથી નૈસર્ગિક લાલ રંગ મેળવાય એવી એક વનસ્પતિનું મૂળિયું છે. મજીઠિયો લાલ રંગ દાસી જીવણની યાદ અપાવે:
‘ચોળ મજીઠી ચૂંદડી, માંઈ કસુંબી રંગ; અળગા રઈ વાતું કરો, અભડાશે માંઈલા અંગ રે.’
મીરાંબાઈ પણ કેમ વિસરાય?: ‘ફાટે પણ ફીટે નહીં, લાગ્યો મજીઠી રંગ’
દિલની રાતી જમીન પર ઉમંગથી જાતજાતની ભાત કવિએ આળેખી છે. સાંઈકવિ મકરંદ દવે આ માટે આમ લખે છે: “ચિત્તનું એક જ પોત અને તેના પર અનેકરંગી ઋતુ-ઋતુની આળખેલી ભાત. ‘ચિત્ત-ચૈતન્ય વિલાસ તદરૂપ.’ અહીં મધુવનનો મોરલો અને પેલો ‘એ રસનો સ્વાદ જાણનારો જોગી’ શુક જે વાતો કરે છે એને ધરાઈને સાંભળીએ તો જીવનમાં રંગ રહી જાય.” ચારે તરફ કેવડાની મહેંક મહેંક થતી કુંજ છે અને એની વચ્ચે મોર અને પોપટ વાતે ચડ્યા હોય એમ ટહુકાઓની રસલ્હાણ કરે છે. ચિત્તના મૂળે મજીઠી રંગના કપડાંને ચંદરવાકરાર કરવા કવિ એમાં શું શું ગૂંથે છે એ જોવાની મજા છે. ‘એ જી’ના હલકારે ભાવકને એકતાંતણે લયના હિલ્લોળે હિંચકાવતા કવિ એક એક દોરામાં ઉલ્લાસ અને ગૂંજી રહેલ ગીતોની કડીઓ પરોવવાની વાત કરે છે. દોરો અને પરોવવાની વાત પર ગૌરાંગ ઠાકરનો એક શેર અચૂક યાદ આવે:
સોયમાં દોરાને બદલે બા હતી,
ગોદડીમાં હૂંફ પણ સીવાઈ ગઈ.
ચિતના ચંદરવામાં તો વળી આભલાંય ટાંક્યા છે. પણ આ આભલાં કંઈ જેવાંતેવાં નથી. આ આભલાંમાં કવિએ આકાશ ટાંક્યું છે. અને આકાશમાં દિવસ-રાત ટાંક્યાં છે. કપડાં પર આભલાં કે સિતારા ટાંકીએ ત્યાં આમ તો વાત પૂરી થઈ જાય પણ કવિ એનું જ નામ જે દુનિયા અટકી જાય ત્યાંથી આગળ વધે. આભલું એટલે આમ તો નાનકડો અરીસો અથવા ધાતુમાંથી બનાવેલ ગોળ ટીપકી, જે પહેરેલ કપડાં કે ચંદરવામાં રંગરંગીન કપડાંની વચ્ચે અનેકાનેક પ્રતિબિંબો સર્જીને પોશાકને હોય એથીય અદકેરો મનમોહક બનાવે. આભલું ટંકાઈ જાય એટલે દરજીનું કામ પૂરું. આભલાંનો એક અર્થ તે આકાશ પણ ખરો જ તે. પણ કવિ તો આભલું ટાંકી દીધા પછી એમાં આકાશ અને આકાશ ટાંકી દીધા પછી એમાં રાત-દિ પણ ટાંકે છે. દિવસોની અંદર કવિ અજવાળાં ભરે છે અને રાતમાં ચાંદનીનાં મદભર્યાં ઘેન. આંખે ઘેન ભરાય એટલે ઊંઘ આવવા માંડે. પણ કંઈક અદકેરું ન કરે તે વળી કવિ શેના? એ ઘેનની અંદર ઉજાગરો ઘોળે છે અને તેય વળી ગમતીલો. કવિના કલ્પનોની ગાડીમાં જો કે બ્રેક જ નથી. આભલાંમાં આકાશ, એમાં રાત-દિ, એમાં અજવાળાં-ચાંદની, એમાં ઉજાગરા અને છેવટે ઉજાગરામાં ગુલાલની ઝડી કવિ ભરે છે. લ્યો! કરો ગમતાંનો ગુલાલ હવે.. આમ ટાંકણમાં ટાંકણ, એની અંદર ટાંકણ એમ કેટલીયે પરત કવિ ઊભી કરે છે! દેખીતી ભાત તો ઝીણી થતી જાય છે પણ આકાશ અને રાત-દિવસના ઉલ્લેખ એને અસીમકરાર આપે છે. કવિતાનો ચંદરવોય આવો જ નહીં?! એક પડળમાં બીજું, બીજામાં ત્રીજું, ત્રીજામાં ચોથું અને ચોથામાં વળી… અનંત સંભાવનાઓ… એ જ તો છે કવિતા!
જુઓ, ‘ઝબુકિયાં’ ગીતનો ચંદરવો:
રાત જાણે ગેબી ચંદરવાની ભાત
કે ભાત કરે ઝબુકિયાં!
ભાત મહીં ઠેર ઠેર આભલાંનાં ઢેર
કે ઢેર કરે અનગળ ઝબુકિયાં!
રાત-દિવસ અને ઉજાગરા-ઘેનની વાતે ‘વૈશાખી રેણ’ની બે’ક કડી પણ અત્રે સ્મરવા જેવી:
દા’ડો તો જાણે નેણ રાતાં ઉજાગરે
ને રાતલડી જાણે આંખ્ય ઢળી મીઠે ઘેન!
ચિત્તના ચંદરવે પ્રકૃતિ કે સમાજ પાસેથી ઝીણું-મોટું જે કંઈ મળે એને માણીને-સ્વીકારીને ભીતરમાં ભરી લેવાનું છે. કવિ થવાની આ પહેલી શરત છે. વર્ડ્ઝવર્થની કવિતાની વ્યાખ્યાનો સંસ્પર્શ અહીં અનુભવાશે: ‘Poetry is the spontaneous overflow of powerful feelings: it takes its origin from emotion recollected in tranquillity.’ (કવિતા બળવત્તર લાગણીઓનો આકસ્મિક ઉભરો છે: પરમ શાંતિમાં એકત્ર થયેલ મનોભાવોમાંથી એ જન્મે છે.) કવિ પણ ઓસરતી રાતે સર્જેલી અનુભૂતિઓના નાના-મોટા તમામ આયામ પૂર્ણતયા માણી-પ્રમાણીને ચિત્તમાં સંઘરી લેવા કહે છે. કલાપીએ કહ્યું’તું એમ, ‘માણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લ્હાવો.’ હૈયાના ચંદરવાનું પોત તો પાટણના પટોળાથીય વધીને છે, નથી એ ફાટનાર કે નથી કદી ફીટનાર. એવું ને એવું એ જળવાઈ રહેનાર છે. એમાં જરા સરખોય ઘટાડો કદી પણ થનાર નથી. આ જ અનુભૂતિનો ઊભરો ક્યારેક કવિતા બનીને કાગળ પર રેલાશે ને!
દિવસ પછી રાત અને રાત પછી દિવસના સમયચક્ર પર સવાર થઈ અનવરત ચાલ્યે રાખતા ઋતુચક્રના રંગો સ્મૃતિપટ પર એક પછી એક અંકાયે રાખે છે. ઇન્દ્રિયો ખુલ્લી રાખીને આપણી આસપાસ રમણા કરતી પ્રકૃતિનું આકંઠ પાન કરવાનું રાખીએ તો આ એક એવો ખજાનો છે, જે કદી ખૂટનાર નથી. મરઘી પહેલી કે ઈંડું પહેલુંની પળોજણમાં રત રહી જે રીતે માણસ બંનેનો ચાર્મ માણવાનું ચૂકી જાય છે, એ જ રીતે પહેલું શું ને બીજું શું એ ઉખેળીને ખોટી થવા સામે કવિને વિરોધ છે. કહે છે, આપણે શા માટે પ્રથમનો કેડો શોધવામાં ખોટી થવું? જેમ દિવસ પછી રાત અને રાત પછી ફરી દિવસ આવવાનું નક્કી જ છે, એમ જ જે ઋતુ ગઈ છે, તે ફરી આવનાર છે જ. બધું ફરી-ફરીને પ્રગટે જ છે. ‘શ્રાવણી સાંજે’માં કવિ જાણે આ જ વાત કહે છે: ‘ભરી ભરી ઠાલવું ને ફરી ભરું માટ.’ શંકરાચાર્યના ‘पुनरपि जननं पुनरपि मरणं’નો રણકો પણ કાવ્યાંતે ઊઠતો સંભળાયા વિના રહેતો નથી. એવોય અર્થ કરી શકાય કે ઋતુરમણામાં જે –જે જોયું-અનુભવ્યું એનાથી અભિભૂત થઈને એને જ વશવર્તીને એની જ આંટી ફરી-ફરી ઉખેળ્યા કરવાની કે પછી પહેલાં જેવી ઋતુ-ઋતુના વળવળાંક વાળી વાત પ્રગટે ત્યારે વાત એમ કરીને મન મનાવતા રહેવાનું? ચૌદમાંથી બાર પંક્તિઓમાં મોણ નાંખીને વાત કર્યા પછી જે રીતે સૉનેટ આખરી બે પંક્તિઓમાં ચોટ આપે છે એ જ રીતે પ્રસ્તુત ગીત પણ ભાવકને ક્રમશઃ અર્થાનુભૂતિમાં વહાવ્યે રાખી આખરે પરાકાષ્ઠાએ લઈ જઈને શમે છે…
મકરન્દ દવે કવિના સમગ્ર સર્જન (oeuvre)ની ઓળખ આ રીતે આપે છે: “મેઘાણીના સમગ્ર સાહિત્ય-સર્જનને જે એક જ ગીતમાં સમાવી શકાય, એ છેઃ ‘રાજ! મને લાગ્યો કસુંબીનો રંગ’. પ્રદ્યુમ્નનાં સારાંયે ગીતોની ધ્રુવકડી સાધવી હોય કે તેને નખચિત્રમાં સમાવવાં હોય તો આ સંગ્રહનું કાવ્ય ‘રત્ય’ બસ થઈ પડે એમ છે.” અને એ જ મકરંદા આ જ અંદાજમાં કવિના અન્ય એક ગીતની નાડ પણ પકડે છે: “ઋતુએ ઋતુમાં જાગી ઊઠતી રંગરંગની છોળ ‘રત્ય’ની જેમ એક જ કાવ્ય –‘છોળ’-માં નીખરી આવે છે. આ એક જ કાવ્યમાં રંગરંગનો બહુરંગી ફુવારો ઊછળે છે.” તો, અંતે ‘છોળ’માં ભીંજાઈને છૂટા પડીએ:
અડકી ગઈ
નેણ અચિંતી રંગની છાકમછોળ!
ઉપર ભૂરાં આભ ને નીચે સોનલવરણાં ખેત,
વચમાં વ્હેતું જાય રૂપેરી વ્હેણ વળાંક લેત;
જાંબળી આંકે રેખ આઘેરા ડુંગરિયાની ઓળ!
આઘેરી ડુંગરિયાની ઓળ!
અડકી ગઈ નેણ અચિંતી રંગની છાકમછોળ!
ઊતરે ઓલ્યું રાન-સૂડાનું ઝૂમખું લેતું ઝોક,
અહીંતહીં ખડમોરની વળી કાબરી ભાળું ડોક;
દીસતું નહિ તોય રે એના ગાનથી જાણું કોક,
પીળચટા થોર વાડની પાછળ સૂર ઝરે ચંડોળ!
ઝીણેરા સૂર ઝરે ચંડોળ!
અડકી ગઈ નેણ અચિંતી રંગની છાકમછોળ!
હળવી વાયે દખણાદીની ફૂલગુલાબી લે’ર
દૂર પણે ઓ ડોલતો લીલો અમરાઈનો ઘેર;
માંહ્યથી મીઠી મ્હેકની હારે ઊડતી આણી મેર,
જળ-થળે ઝાંય રેલતી આવે ચૂંદડી રાતીચોળ!
હીરાગળ ચૂંદડી રાતીચોળ!
અડકી ગઈ નેણ અચિંતી રંગની છાકમછોળ!