Category Archives: સંગીતકાર

આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર

ચિત્ર-વિચિત્ર સપના જોવામાં તો હું યે ઘણી ઉસ્તાદ છું. મોટેભાગે સવારે યાદ નથી રહેતું કે સપનામાં શું જોયું હતું, પણ કોઇક વાર તો યાદ રહી જાય તો એટલું તો આશ્રર્ય થાય? !!! 🙂 મને ન્યુ-જર્સીમાં નાયગ્રા દેખાય શકે, તો આ ગીતમાં જે વર્ણન છે, એવું બધું યે કોઇને સાચે દેખાયું હશે જ…

ધમ ધમક ધમ ધમ ધમ…. સાંબેલું… એ ગીત યાદ છે? નાયિકા એ ગીતમાં પણ ઘરના બધા સભ્યોને કોઇક વસ્તુ સાથે સરખાવે છે.. એની જ જેમ આ ગીતમાં પણ નાયિકા પહેલા સપનામાં શું દેખાયુ એ જણાવે છે – અને પછી ફોડ પાડે છે કે એ ખરેખર કોણ હતું. પણ બંને ગીતમાં સરખી એક વાત એ છે કે જ્યારે પિયુજીની વાત આવે, ત્યારે એ ઘરના બધ્ધા કરતા વધારે મીઠો લાગે…

(વાદળ વચ્ચે ડોલતો ડુંગર…. Grand Canyon, Aug 08)

* * * * *
સ્વર – ઉષા મંગેશકર
સંગીત – ગૌરાંગ વ્યાસ
ગુજરાતી ફિલ્મ – સદેવંત સાવળિંગા

.

આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો
ખળખળતી નદિયું રે, સાહેલી, મારા સપનામાં રે

ડોલતો ડુંગર ઇ તો અમારો સસરો જો
ખળખળતી નદીએ રે સાસુજી મારાં ના’તાં’તાં રે

આજ રે સપનામાં મે તો ઘમ્મર વલોણું દીઠું જો
દહીં – દૂધના વાટકા રે, સાહેલી, મારા સપનામાં રે

ઘમ્મર વલોણું ઇ તો અમારો જેઠ જો
દહીં – દૂધના વાટકા રે જેઠાણી મારાં જમતાં’તાં રે

આજ રે સપનામાં મેં તો લવિંગ લાકડી દીઠી જો
ઢીંગલાં ને પોતિયાં રે, સાહેલી, મારા સપનામાં રે

લવિંગ – લાકડી ઇ તો અમારો દેર જો
ઢીંગલે ને પોતિયે રે દેરાણી મારાં રમતાં’તાં રે

આજ રે સપનામાં મેં તો જટાળો જોગી દીઠો જો
સોનાની થાળી રે, સાહેલી, મારા સપનામાં રે

જટાળો જોગી ઇ તો અમારો નણદોઇ જો
સોનાની થાળીએ રે નણદી મારાં ખાતાં’તાં રે

આજ રે સપનામાં મે તો પારસપીપળો દીઠો જો
તુળસીનો ક્યારો રે, સાહેલી, મારા સપનામાં રે

પારસ પીપળો ઇ તો અમારો ગોર જો
તુળસીનો ક્યારો રે ગોરાણી મારાં પૂજતાં’તાં રે

આજ રે સપનામાં મે તો ગુલાબી ગોટો દીઠો જો
ફૂલડિયાંની ફોરમ રે, સાહેલી, મારા સપનામાં રે

ગુલાબી ગોટો ઇ તો અમારો પરણ્યો જો
ફૂલડિયાંની ફોરમ, સાહેલી, મારી ચૂંદડીમાં રે

————–
આભાર : http://www.mavjibhai.com/

આ મનપાંચમના મેળામાં – રમેશ પારેખ

પહેલા ફક્ત શબ્દો સાથે મુકેલી આ ગઝલ આજે સ્વર-સંગીત સાથે ફરી એકવાર.. આજે ૧૭ મે, કવિ શ્રી રમેશ પારેખને એમની પુણ્યતિથિને દિવસે આપણા સૌ તરફથી શ્રધ્ધાંજલી.  રમેશ પારેખની રચનાઓની વિવિધતા પર એક નજર કરશો આશ્ચર્ય થયા વિના ન રહે.. એ વ્હાલબાવરીનું ગીત લખે, ૯૯ વર્ષના રાજપૂતનું ગીત લખે, વૃક્ષસંવનનાર્થીનું ગીત પણ લખે, બાળગીતો, સોનલ કાવ્યો, મીરાં કાવ્યો, આલાખાચર કાવ્યો, છોકરા+છોકરીના ગીતો, ગઝલો..

વધારે વાતો નથી કરવી, પણ એટલું ચોક્કસ કહીશ કે એમનો સમગ્ર કાવ્ય/ગઝલ સંગ્રહ ‘છ અક્ષરનું નામ’ મળે તો ચોક્કસ વાંચજો, પાને પાને સાહિત્યનો સાગર છલકશે…

(આ પથ્થરો વચ્ચે… Half Dome, Yosemite N. Park, Aug 08)

* * * * *

સ્વર : ઉદય મઝુમદાર, રેખા ત્રિવેદી
સંગીત : ઉદય મઝુમદાર
આલ્બમ : હસ્તાક્ષર ‘રમેશ પારેખ’

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત

.

આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે,
કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.

અહીં પયગંબરની જીભ જુઓ, વેચાય છે બબ્બે પૈસામાં,
ને લોકો બબ્બે પૈસાની ઔકાત લઈને આવ્યા છે.

કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા,
કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે.

કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ, કોઈ ઉભડક ઉભડક લાગણીઓ,
કોઈ ફાળ, તો કોઈ તંબુની નિરાંત લઈને આવ્યા છે.

કોઈ લા.ઠા., ચિનુ, આદિલજી બુલેટિન જેવું બોલે છે:
અહીંયા સૌ માણસો હોવાનો આઘાત લઈને આવ્યા છે.

કોઈ ચશ્માં જેવી આંખોથી વાંચે છે છાપાં વાચાનાં,
ને કોઈ અભણ હોઠો જેવી વિસાત લઈને આવ્યા છે.

કોઈ લાવ્યા ખિસ્સું અજવાળું, કોઈ લાવ્યા મૂઠી પતંગિયાં,
કોઈ લીલીસૂકી આંખોની મિરાત લઈને આવ્યા છે.

કોઈ ધસમસતા ખાલી ચહેરે, કોઈ ભરચક શ્વાસે ઊમટતા,
કોઈ અધકચરા, કોઈ અણોસરા જજબાત લઈને આવ્યા છે.

આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવુ લાવ્યો તું ય, રમેશ,
સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે.

ધીરે ધીરે લખ્યું – રઇશ મનીઆર

આજની પોસ્ટ એટલે ઊર્મિની છલકતી ગાગરમાંની એક બુંદ..! એટલે કે – કોઇ પણ ભેળ-સેળ વગર સીધ્ધી ઉઠાંતરી! 🙂 આમ પણ, Original material આટલું perfect હોય, તો એમાં મારી વાતો વચ્ચે મુકીને remix કરવાની જરૂર ખરી? (એટલે જ આ વાત અહીં શરૂઆતમાં જ કરી.) આગળ વાંચો ‘ઊર્મિ’ની ઊર્મિઓ…

cd-cover-sml.jpg

ડૉ. રઈશ મનીઆરનાં શબ્દોમાં લખવાની ખુમારીનાં એમનાં એક સુંદર મુક્તક અને ધીમે ધીમે લખવાની વાત કરતી એટલી જ મુલાયમ આ ગઝલ સાંભળીએ…

ભલે અલ્પ તોયે વધારે લખ્યું છે,
લખ્યું તે બધું રક્તધારે લખ્યું છે;
લખાણે લખાણે પ્રહારો થયા છે,
અમે પણ પ્રહારે પ્રહારે લખ્યું છે.

*

અને ગઝલનાં ત્રણ શેરો તો મધુર સંગીત અને કર્ણપ્રિય સ્વરથી એવા રણઝણી ઉઠે છે કે એકવાર સાંભળ્યા પછી દિવસો સુધી આ રણઝણાટ શમતો જ નથી…!!

સંગીત: મેહુલ સુરતી
સ્વર: સત્યેન જગીવાલા

આખું જીવન અમે ધીરે ધીરે લખ્યું,
રેત પર જેમ પાગલ સમીરે લખ્યું.

કોરા કાગળ ઉપર બસ સખી રે ! લખ્યું,
એથી આગળ નથી મેં લગીરે લખ્યું.

મજનૂ ફરહાદ મહિવાલ હીરે લખ્યું,
લીરે લીરે ને આખા શરીરે લખ્યું.

રોજ માણસ ઘવાતો રહ્યો ચૂપચાપ,
જે લખ્યું તે નીતરતા ઝમીરે લખ્યું.

આપણે ક્યાં કદી કંઈ લખ્યું છે ‘રઈશ’ !
એક મીરાએ લખ્યું એક કબીરે લખ્યું.

-ડૉ. રઈશ મનીઆર

ચાલ્યા જતા પ્રસંગની – જવાહર બક્ષી

(ચાલ્યા જતા પ્રસંગની એક ક્ષણ..  Nevada Falls, Yosemite National Park, April 09)

* * * * *

સ્વર: આલાપ દેસાઈ

આલ્બમ: ગઝલ રૂહાની

.

ચાલ્યા જતા પ્રસંગની એકાદ ક્ષણ રહે
તોપણ પૂરા પ્રસંગનું વાતાવરણ રહે.

જો દ્રષ્ટિ સ્થિર થાશે તો જોઈશ ધરાઈને
પણ ત્યાં સુધી એ રૂપ ઉપર આવરણ રહે.

મારી ક્ષિતિજ લઈને હું ફરતો રહ્યાં કરું
મર્યાદા એની એ રહે ને વિસ્તરણ રહે.

મન થાય ત્યારે યાદ નિરાંતે કરું નહીં ?
એ શું કે વાતવાતમાં તારું સ્મરણ રહે !

સ્વપ્નાંય બહુ તો ઓગળી ઝાકળ થઈ ગયાં
જીવનમા તો પછી ‘ફના’ ક્યાંથી ઝરણ રહે ?

– જવાહર બક્ષી

વોર્ડ નંબર ચારની ગઝલ – ડૉ. શ્યામલ મુન્શી

આ સફરની મૂંઝવણ ચારેતરફ
ખૂબ થાકેલા ચરણ ચારેતરફ

પીઠ પાછળ આંખ સામે સાવ અંદર
આ ક્ષણોનું આક્રમણ ચારેતરફ

છે તરસની આંખ ભીની હજી પણ
શ્વાસમાં રેતાળ રણ ચારેતરફ

આ તરફ ને આ તરફ ને એ તરફ પણ
શક્યતાઓમાં મરણ ચારેતરફ

ચોતરફ ગઇ રાતની ઝાંખપ હજુ છે
સૂર્યનો અણસાર પણ ચારેતરફ

– ડૉ. શ્યામલ મુન્શી

મા તુજ જીવનના અજવાળે – ડો. દિનેશ શાહ

મે ૧૦, ૨૦૦૯.. એટલે આજે મધર્સ ડે. મને યાદ છે, મારી એક ખાસ મિત્ર દર વર્ષે પોતાના જન્મદિવસે મમ્મીને Happy Mother’s Day કહે.. 🙂 અને એની વાતમાં logic પણ છે જ ને? એનો જન્મદિવસ એ એની મમ્મી માટે માતૃત્વનો દિવસ.

એ વાત સાચી, કે વર્ષમાં એકવાર યાદ કરવાથી એમના પ્રત્યેનું ઋણ અદા નથી થતું, પણ આ તો એક બહાનું છે, મારી બંને મમ્મીને ફરી એકવાર કહેવાનું.. I love you, Mummy..!!

( મમ્મી સાથેની યાદગાર સાંજ… SkyWalk, Grand Canyon)

* * * * *

સ્વર : માયા દિપક
સંગીત : કમલેશ ઝાલા

.

મા તુજ જીવનના અજવાળે
મુજ જીવનને અજવાળું

નવમાસની કેદ મહીં તેં પ્રેમે પોષણ કીધું
અસહ્ય વેદના જાતે વેઠી મુક્તિ દાન તેં દીધું
રાત દીન કે ટાઠ તાપ તેં ચોમાસું ના જોયું
જીવથી ઝાઝું જતન કરી મુજ જીવન તેં ધોયું

મા તુજ જીવનના અજવાળે
મુજ જીવનને અજવાળું

લાડકોડ ને તપાસા સાથે બાલમંદિર ચાલ્યા
રડતો મુકી અશ્રુ છુપાવી આશા લઇને આવ્યા
છે આ સૌ એક લાડકડાના ભાવિ તણા ભણકારા
આજનું બીજ તે કાલનું વૃક્ષ છે મારે કરવા ક્યારા

મા તુજ જીવનના અજવાળે
મુજ જીવનને અજવાળું

ધ્રુવ પ્રહલાદ શ્રવણની વાતો કેવી વાડ બનાવી
રામ લક્ષ્મણ હરીશ્ચંદ્રની વાતો કદી ના ભુલાવી
હીરા માણેકથી મોંઘું એવું ઘડતર ખાતર નાખી
મુજ જીવનના ક્યારાની તેં વાડી મોટી બનાવી

મા તુજ જીવનના અજવાળે
મુજ જીવનને અજવાળું

મધર્સ ડે ના શુભ પ્રભાતે પેમથી પાયે લાગું
અર્પું સર્વે તુજને ચરણે એવું સદાયે ચાહું
એક સંદેશો તુજ જીવનનો મનમાં કાયમ રાખુ
પ્રેમ ભક્તિને નિસ્વાર્થ સેવા દિલદરિયા સમ સાચું

મા તુજ જીવનના અજવાળે
મુજ જીવનને અજવાળું

શબ્દમાંથી અર્થ છૂટા થાય છે – હર્ષ બ્રહ્મભટ્ટ

હર્ષ બ્રહ્મભટ્ટની આ મને ખૂબ ગમતી ગઝલ, અને એ પણ ખૂબ ગમતા અવાજ સાથે..! કવિએ તો દરેક શેરમાં કમાલ કરી જ છે.. (સાંભળતા પહેલા એકવાર વાંચી લેજો.. મઝા આવશે..!) અને સાથે જ શ્યામલભાઇના સ્વર-સંગીત પણ ગઝલને એટલા જ અનુરૂપ છે. શબ્દના ભાવને આબાદ રીતે રજૂ કરવું એ જ તો આ સ્વર-સંગીતના જાદુગરોનો જાદુ છે.

સ્વર – સંગીત : શ્યામલ મુન્શી

(મારી ભીતર કેટલું વરસ્યાં તમે.. Grand Canyon – Aug 31, 2008)

* * * * *

.

શબ્દમાંથી અર્થ છૂટા થાય છે,
વેદના શું એ હવે સમજાય છે.

કોણ એને ઝાંઝવા સીંચ્યા કરે,
રોજ રાતે સ્વપ્ન એક ફણગાય છે.

આંખ મારી એક એવો કોયડો,
જામ ખાલી છે છતાં છલકાય છે.

મારી ભીતર કેટલું વરસ્યાં તમે,
આખેઆખું અંગ લીલું થાય છે.

ચીર હરપળ કેટલા ખેંચાય છે,
કૃષ્ણને પણ ક્યાં કશુંયે થાય છે.

– હર્ષ બ્રહ્મભટ્ટ

શેષ ઝળહળ મશાલ – રાજેન્દ્ર શુક્લ

આજે આ સ્પેશિયલ ઓડિયોની સાથે વિડિયોનું બોનસ..
રાજેન્દ્ર શુક્લની ગઝલ… એમના પુત્ર ધૈવત શુક્લના સ્વર-સંગીત સાથે, અને એ પણ ૧૦૦% શાસ્ત્રીય ગાયકીમાં… આ હા હા… ફરી ફરીને સાંભળવાનું મન થાય…!!

ઝાંઝ પખવાજ બાજ કરતાલ આજ ,
સૂર ઘેઘૂર પૂર મત બાંધ પાજ!

બિંતબૃખભાન, ઈબ્નબ્રજરાજ, વાહ-
જુગલસરકાર આજ મહેફિલનવાજ!

તીર કાલિંદ, શાખ કાદંબ તખ્ત,
ફરફરે મોરપિચ્છ સરતાજ-તાજ!

અંગ રચ પ્રાસ, સંગ રચ રંગરાસ,
છોડ સિંગાર સાજ, તજ સર્વ કાજ!

ભાન લવલેશ, શેષ ઝળહળ મશાલ,
શ્વાસ ઉચ્છ્વાસ ખેલ અય ખુશમિજાજ!

બિંત: પુત્રી, ઈબ્ન: પુત્ર

– રાજેન્દ્ર શુક્લ (ફેબ્રુઆરી, 1978)

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે – નરસિંહ મહેતા

સ્વર – સંગીત : આશિત દેસાઇ

.

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી,
મારી હૂંડી શામળીયાને કાજ રે શામળા ગિરધારી!

સ્તંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરિયા નરસિંહ રૂપ,
પ્રહ્લાદને ઉગારિયો…વ્હાલે માર્યો હરણાકંસ ભૂપ રે!

ગજને વ્હાલે ઉગારિયો વળી સુદામાની ભાંગી ભૂખ,
સાચી વેળાના મારા વ્હાલમા…તમે ભક્તોને આપ્યા સુખ રે!

પાંડવની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રૌપદીના પૂર્યાં ચીર,
નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારજો…તમે સુભદ્રાબાઈના વીર રે!

રહેવાને નથી ઝૂંપડું, વળી જમવા નથી જુવાર,
બેટાબેટી વળાવિયા….મેં તો વળાવી ઘર કેરી નાર રે!

ગરથ મારું ગોપીચન્દન, વળી તુલસી હેમનો હાર,
સાચું નાણું મારે શામળો….મારે મૂડીમાં ઝાંઝપખાજ રે!

તીરથવાસી સૌ ચાલિયા, વળી આવ્યા નગરની બહાર,
વેશ લીધો વણિકનો….મારું શામળશા શેઠ એવું નામ રે!

હૂંડી લાવો હાથમાં, વળી આપું પૂરા દામ,
રૂપિયા આપું રોકડા….મારું શામળશા શેઠ એવું નામ રે!

હૂંડી સ્વીકારી વ્હાલે શામળે, વળી અરજે કીધાં કામ,
મહેતાજી ફરી લખજો…..મુજ વાણોતર સરખાં કામ રે!

ગૌરવ-કથા ગુજરાતની – શૂન્ય પાલનપુરી

સૌને મારા તરફથી ગુજરાતદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

સંગીત: મેહુલ સુરતી
સ્વર: ભાવિન શાસ્ત્રી
ગાયકવૃંદ: નૂતન સુરતી, ધ્વનિ દલાલ, વ્રતિની ઘાડઘે

(ચંદ્ર ને સૂરજ કહે છે રાતદિ’, ‘જય સોમનાથ!’…. )

* * * * * * *

વિશ્વને રોશન કરી ગઇ દીપિકા ગુજરાતની,
સૂર્ય પણ જોતો રહ્યો જ્યોતિ-કલા ગુજરાતની.

‘ડાંગ’ માર્યાથી કદી પાણી જુદાં થાતાં નથી,
દુશ્મનોએ જોઇ છે ક્યાં એકતા ગુજરાતની?

મુક્તિ કેરા ગાલ પર લાલી અમસ્તી ના ગણો,
રંગ લાવી છે શહીદી-ભાવના ગુજરાતની.

ભાગ્ય પર પુરુષાર્થની મારી છે લોખંડી મહોર,
ભૂલશે ઇતિહાસ ના ગૌરવ-કથા ગુજરાતની.

ચંદ્ર ને સૂરજ કહે છે રાતદિ’, ‘જય સોમનાથ!’
કાળના હૈયે જડી છે અસ્મિતા ગુજરાતની.

માતા કેરા ચીર સાથે ખેલનારા! સાવધાન!
કૈં મહાભારત ન સર્જે ઉર વ્યથા ગુજરાતની.

શૂન્ય, મારી જિંદગીને તો જ લેખું ધન્ય હું,
મૃત્યુ ટાણે પણ મળે જો ગોદ ‘મા’ ગુજરાતની.

-’શૂન્ય’ પાલનપુરી

——————–
ગુજરાતના અને ગુજરાતીઓના ગુણગાન ગાતા બીજા થોડા ગીતો ટહુકો પર અહીં માણી શકો છો : ગુજરાતગીત