Category Archives: ભાવિન શાસ્ત્રી

…કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો – ડૉ. વિવેક મનહર ટેલર

આજે ૧૬મી માર્ચ… વ્હાલા કવિ મિત્ર ડૉ. વિવેક મનહર ટેલરનો જન્મદિવસ. – Happy Birthday વિવેક..!! અને સાથે સાંભળીએ આ મઝાનું ગીત…

સ્વર – ભાવિન શાસ્ત્રી, નૂતન સુરતી
સંગીત – મેહુલ સુરતી
આલબ્મ – અડધી રમતથી

ક્યાંથી મેળવશો આ આલબ્મ CD તથા પુસ્તકો – શબ્દો છે શ્વાસ મારા (ગઝલ સંગ્રહ) અને ગરમાળો (કાવ્યસંગ્રહ)?

———————————————

POSTED ON DECEMBER 29, 2008

આજે ૨૯ ડિસેમ્બર.. ગુજરાતી વેબ-જગતમાં સ્વરચિત કાવ્યો-ગઝલોનો સૌપ્રથમ, અન સૌનો માનીતો બ્લોગ – ‘શબ્દો છે શ્વાસ મારા‘ નો ત્રીજો જન્મદિવસ.. ત્રણ વર્ષમાં ૨૦૦થી વધુ ગીત-ગઝલોની સાથે સાથે ઘણું બધું આપ્યું છે વિવેકભાઇએ, અને ખરેખર તો આ હજુ એક શરૂઆત જ કહી શકાય. તો આજે આ ગઝલ-પ્રેમી કવિનું એક મસ્તીભર્યું ગીત એમના જ અવાજમાં સાંભળીને આપણા તરફથી એમને શુભેચ્છાઓ આપીએ.  (અને સાથે આ ફોટો પણ એમના તરફથી જ – એમની Prior Permission વગર.. 🙂 )

Happy Birthday to શબ્દો છે શ્વાસ મારા..!!
Heartly Congratulations to વિવેકભાઇ.. 🙂

(ઉડ્ડયન…                             …નળસરોવર, ૨૭-૦૧-૨૦૦૭)
(બગલો ~ Intermediate Egret ~ Mesophoyx Intermedia)

ઉંમરના કબાટમાં સાચવીને રાખ્યો’તો, કાઢ્યો એ બ્હાર આજે ડગલો,
કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો.

મ્હેંદી વાવીને તમે ખેતરને રંગી દો,
તો યે બગલાના પગલાનું શું?
નાદાની રોપી’તી વર્ષો તો આજ શાને
સમજણનું ઊગ્યું ભડભાંખળું?

ચાલ્યું ગયું એ પાછું ટીપુંયે આપો તો બદલામાં ચાહે રગ-રગ લો…
કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો.

અડસટ્ટે  બોલ્યા ને અડસટ્ટે ચાલ્યા
ને અડસટ્ટે ગબડાવી ગાડી,
હમણાં લગી તો બધું ઠીક, મારા ભાઈ !
હવે જાગવાની ખટઘડી આવી.

પાંદડું તો ખર્યું પણ કહેતું ગ્યું મૂળને, હવે સમજી વિચારી આગે પગ લો.
કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો.

એકધારું સરકતો રસ્તો અચાનક
માઈલોનો પથ્થર થઈ બેઠો,
અટકી જઈને એણે પહેલીવાર જાતને
કહ્યું આજે કે થોડું પાછળ જો.

વીતેલા વર્ષોના સરવાળા માંડું ત્યાં તો આંખ સામે થઈ ગયો ઢગલો.
કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો.

-ડૉ. વિવેક મનહર ટેલર

ગૌરવ-કથા ગુજરાતની – શૂન્ય પાલનપુરી

સૌને મારા તરફથી ગુજરાતદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

સંગીત: મેહુલ સુરતી
સ્વર: ભાવિન શાસ્ત્રી
ગાયકવૃંદ: નૂતન સુરતી, ધ્વનિ દલાલ, વ્રતિની ઘાડઘે

(ચંદ્ર ને સૂરજ કહે છે રાતદિ’, ‘જય સોમનાથ!’…. )

* * * * * * *

વિશ્વને રોશન કરી ગઇ દીપિકા ગુજરાતની,
સૂર્ય પણ જોતો રહ્યો જ્યોતિ-કલા ગુજરાતની.

‘ડાંગ’ માર્યાથી કદી પાણી જુદાં થાતાં નથી,
દુશ્મનોએ જોઇ છે ક્યાં એકતા ગુજરાતની?

મુક્તિ કેરા ગાલ પર લાલી અમસ્તી ના ગણો,
રંગ લાવી છે શહીદી-ભાવના ગુજરાતની.

ભાગ્ય પર પુરુષાર્થની મારી છે લોખંડી મહોર,
ભૂલશે ઇતિહાસ ના ગૌરવ-કથા ગુજરાતની.

ચંદ્ર ને સૂરજ કહે છે રાતદિ’, ‘જય સોમનાથ!’
કાળના હૈયે જડી છે અસ્મિતા ગુજરાતની.

માતા કેરા ચીર સાથે ખેલનારા! સાવધાન!
કૈં મહાભારત ન સર્જે ઉર વ્યથા ગુજરાતની.

શૂન્ય, મારી જિંદગીને તો જ લેખું ધન્ય હું,
મૃત્યુ ટાણે પણ મળે જો ગોદ ‘મા’ ગુજરાતની.

-’શૂન્ય’ પાલનપુરી

——————–
ગુજરાતના અને ગુજરાતીઓના ગુણગાન ગાતા બીજા થોડા ગીતો ટહુકો પર અહીં માણી શકો છો : ગુજરાતગીત