ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી વિશ્વકોશના શિલ્પી અને પદ્મભૂષણ ડો. ધીરુભાઈ ઠાકરની પુણ્યતિથિએ 24 જાન્યુઆરી 2021 ,રવિવારે એક સુંદર કાર્યક્રમ “પરમ પ્રેમ પરબ્રહ્મ : નરસિંહથી ન્હાનાલાલ સુધી” નું આયોજન થયું જેમાં અમર ભટ્ટે સુંદર પદો રજુ કર્યા.તો માણો હવે એને tahuko.com ઉપર દરેક રચના.
કાર્યક્રમની લિંક –
સ્વર : અમર ભટ્ટ
.
પ્રેમની પીડા તે કોને કહીએ મધુકર પ્રેમની પીડા તે કહીએ
થાતાં ન જાણી પ્રીત,જાતાં પ્રાણ જાયે
હાથનાં કર્યા તે વાગ્યાં હૈયે રે …ઓ મધુકર પ્રેમની પીડા
જેને કહીએ તે તો સર્વે કહે મૂરખ
પસ્તાવો પામીને સહી રહીએ રે …ઓ મધુકર પ્રેમની પીડા
દયા પ્રભુ આવે તો તો સદય સુખ થાય
મુને દુઃખ દીધું એ નંદજી ને છૈયે રે …ઓ મધુકર પ્રેમની પીડા
-દયારામ
અચાનક જ જાણ થઇ કે કવિ દયારામનો અંદાજિત જન્મ દિવસ તે ભાદરવા સુદ 11( ઈસ્વીસન 1777,વિક્રમ સંવત 1833). આજે ભાદરવા સુદ 11- જલ ઝીલણી એકાદશી છે.
આમ સાઠોદરા નાગર જાતિના દયારામે એ સમયમાં ત્રણ વાર ભારતનાં તમામ તીર્થધામોની યાત્રા કરેલી. એમણે પુષ્ટિમાર્ગ અપનાવેલો.એ પોતે ખૂબ સુંદર ગાયક હતા એમ કહેવાય છે. મૂળ એ ચાંદોદ(ચાણોદ)ના ને છેલ્લે ડભોઇમાં રહેલા જ્યાં એમના ઘરમાં એક નાનું મ્યુઝિયમ(જો કે ખૂબ ઓછા મુલાકાતીઓ ત્યાં જાય છે.) દયારામનો તંબૂર ત્યાં સચવાયો છે. ઉમાશંકર જોશીએ એક કાવ્ય લખ્યું છે-
‘દયારામનો તંબૂર જોઈને’. એમાં છેલ્લી બે પંક્તિઓ આમ છે-
‘કાળને હાથ તંબૂરો: હૈયાતંતુથી ભૈરવી
ગુંજે ગુર્જરકુંજે, ત્યાં ડોલે શી કવિની છવિ!’
આજે ગુજરાતના ઉત્તમોત્તમ ગરબી કવિ દયારામની મારી પ્રિય રચના ફરીથી સાંભળો.
કવિ: દયારામ
સ્વરકાર: ગાયક :અમર ભટ્ટ
.
ચિત્ત તું શીદને ચિંતા ધરે?
કૃષ્ણને કરવું હોય તે કરે!
સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે;
સ્મરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરે
કૃષ્ણને કરવું હોય તે કરે!
દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે;
જેવો જંત્ર બજાવે જંત્રી તેવો સ્વર નીસરે
કૃષ્ણને કરવું હોય તે કરે!
તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે?
ધણીનો ધાર્યો મનસૂબો, હર બ્રહ્માથી નવ ફરે
કૃષ્ણને કરવું હોય તે કરે!
થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે;
રાખ ભરોસો રાધાવરનો, દયા શીદને ડરે?
કૃષ્ણને કરવું હોય તે કરે!’
આ દિવસોમાં દયારામનું આ પદ ખૂબ સાંત્વન આપે છે. નરસિંહનું આ પદ પણ યાદ આવે છે-
‘જે ગમે જગદ્ગુરુ દેવ જગદીશને
તે તણો ખરખરો ફોક કરવો
આપણો ચિંતવ્યો અર્થ કાંઈ નવ સરે
ઊગરે એ જ ઉદ્વેગ ધરવો‘
દયારામના આ પદમાં ‘જેવો જંત્ર વગાડે જંત્રી’. કબીરસાહેબ પણ યાદ આવશે-‘જંત્રી જંત્ર અનુપમ બાજે’.
‘રાખ ભરોસો રાધાવરનો’ એમ છેલ્લે કહીને દયારામ પુષ્ટિમાર્ગમાં છેલ્લે ગવાતા સૂરદાસજીના પદનું પણ સ્મરણ કરાવે છે- ‘દ્રઢ ઈન ચરનન કેરો ભરોસો’.
દેશ રાગ પર આધારિત આ પદ સાંભળો.
-અમર ભટ્ટ
આ ગીતની પૂરેપૂરી મઝા લેવી છે? Headphone ની વ્યવસ્થા કરો.. વિરાજ-બીજલ નો યુગલ સ્વર હોય એટલે ગીત સ્પેશિયલ તો થઇ જ જાય, અને આ ગીતનું રેકોડિંગ એવું સરસ છે કે એકબાજુ વિરાજનો અવાજ સંભળાય અને બીજી બાજુ બીજલનો..