એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે ગોકુળિયે ગામ નહિ આવું,
જમનાનાં વ્હેણમાંથી પાણી લઇ મૂકો કે મુરલીની તાન નહિ લાવું.
જમનાને તીર તમે ઊભા તો એમ જાણે ઊભો કદમ્બનો પ્હાડ,
લીલેરી લાગણીઓ ક્યાંય ગઇ ઓસરીને રહી ગઇ વેદનાની વાડ,
ફૂલની સુવાસ તણા સોગન લઇ કહી દો કે શમણાંને સાદ નહિ આવું.
આટલી અધીરતા જવામાં છે કેમ જરા એક નજર ગાયો પર નાખો,
આખરી યે વાર કોઇ મટુકીમાં બોળીને આંગળીનું માખણ તો ચાખો,
એકવાર નીરખી લે ગામ પછી કહી દો કે પાંપણને પાન નહિ આવું.
આજે કવિ જવાહર બક્ષીનો જન્મદિવસ….એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે વાંચો એમની આ ગઝલ ‘તારા વિરહના શહેરનો’. પુરષોત્તમ ઉપાધ્યાયનું સુંદર સ્વરાંકન અને હંસા દવેની મધુર ગાયિકી…..
જુન ૨૦૦૭થી ટહુકો પર ઝરણા વ્યાસના અવાજ ટહુકતું આ ગીત – આજે સ્વરોત્તમ પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વર – સ્વરાંકન સાથે ફરી એક વાર…!!
______________________
Posted on June 15 :
આ ગીત માટે મનિષભાઇનો ખાસ આભાર માનવો જ પડે. એમણે રેડિયો પરથી રેકોર્ડ થયેલું અડધું ગીત મોકલ્યું, અને એ એટલું ગમ્યું કે આખું ગીત શોધવું જ પડ્યું. ફક્ત શબ્દો સાથે પહેલા રજુ થયેલ ગીત, આજે સ્વર સંગીત સાથે ફરીથી એકવાર. ગીતમાં રહેલ કરુણભાવ ગાયિકાએ આબાદ રીતે ઉજાગર કર્યો છે.
નાની ઉંમરે પરણેલી છોકરીની વ્યથા આ ગીતમાં કવિએ ખુબ ભાવાત્મક રીતે રજુ કરી છે… ‘લીલીછમ મ્હોરવાની આશામાં ઉગેલી કુંપણ તોડાઇ એક તાજી’… બસ આટલા જ શબ્દો આ ગીત વિશે ઘણું ઘણું કહી જાય છે…
સ્વર : ઝરણા વ્યાસ
સંગીત : દક્ષેશ ધ્રુવ
.
પાંચીકા રમતી’તી, દોરડાઓ કુદતી’તી
ઝુલતી’તી આંબાની ડાળે
ગામને પાદરે જાન એક આવી
ને મારુ બચપણ ખોવાયુ એ જ દા’ડે
મધમીઠા મહુડાના ઝાડ તળે બેસીને
લખતી’તી દાદાને ચીઠ્ઠી
લખવાનું લિખિતંગ બાકી હતું ને
મારે અંગે ચોળાઇ ગઇ પીઠી
આંગણામા ઓકળિયું પાડતા બે હાથ…..
લાલ છાપાઓ ભીંત ઉપર પાડે
હે મારુ બચપણ ખોવાયુ એ જ દા’ડે
પાનેતર પહેરીને પંખી ઉદાસ,
છતાં મલકાતા મામા ને કાકી
બાપુના હુક્કામાં તંબાકુ ભરવાનુ,
મને કહેવાનું હતુ બાકી,
પાણીડા ભરતી એ ગામની નદી,
જઇ બાપુના ચશ્મા પલાળે
હે મારુ બચપણ ખોવાયુ એ જ દા’ડે
ઢોલ અને શરણાઇ શેરીમાં વાગીયા
અને ગામ મને પરણાવી રાજી
લીલીછમ મ્હોરવાની આશામાં ઉગેલી
કુંપણ તોડાઇ એક તાજી
ગોરમાને પાંચ પાંચ વર્ષોથી પૂજ્યા
ને ગોરમા જ નાવને ડુબાડે
હે મારુ બચપણ ખોવાયુ એ જ દા’ડે
15મી ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય દિવસની સાથે આપણા વ્હાલા લાડીલા અને ગુજરાતી સંગીતને એક અનેરી ઉંચાઇ બક્ષનાર સ્વરકાર શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયનો જન્મદિવસ પણ. એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણીએ એમના સ્વરમાં આ અદ્ભૂત પદ..!