Category Archives: મહેશ શાહ

એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે – મહેશ શાહ

એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે……

સ્વર : સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

આસ્વાદ : તુષાર શુક્લ
સ્વર : વૃંદ
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
સંગીત સંચાલન : શ્યામલ – સૌમિલ મુનશી
આલ્બમ : મોરપિચ્છ

એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે ગોકુળિયે ગામ નહિ આવું,
જમનાનાં વ્હેણમાંથી પાણી લઇ મૂકો કે મુરલીની તાન નહિ લાવું.

જમનાને તીર તમે ઊભા તો એમ જાણે ઊભો કદમ્બનો પ્હાડ,
લીલેરી લાગણીઓ ક્યાંય ગઇ ઓસરીને રહી ગઇ વેદનાની વાડ,
ફૂલની સુવાસ તણા સોગન લઇ કહી દો કે શમણાંને સાદ નહિ આવું.

આટલી અધીરતા જવામાં છે કેમ જરા એક નજર ગાયો પર નાખો,
આખરી યે વાર કોઇ મટુકીમાં બોળીને આંગળીનું માખણ તો ચાખો,
એકવાર નીરખી લે ગામ પછી કહી દો કે પાંપણને પાન નહિ આવું.

– મહેશ શાહ

મને દરિયો સમજીને પ્રેમ કરતી નહીં – મહેશ શાહ

યેસુદાસ ના અવાજમાં ૧૯૭૫-૧૯૭૬માં આકાશવાણી મુંબઇ પર પ્રસારીત થયેલું આ ગીત યેસુદાસનું સૌથી પહેલુ ગુજરાતીમાં ગીત છે.

સંગીત: નવીન શાહ
સ્વર: કે. જે. યેસુદાસ

(મને દરિયો સમજીને…..Ocean Beach San Francisco)

.

મને દરિયો સમજીને પ્રેમ કરતી નહીં
કે તારી આંખોમાં ભરતીનું પૂર છે,
તારી આંખોમાં કંઈક તો જરૂર છે.

એકલી પડે ને ત્યારે મારા વિચારોના દર્પણમાં મુખ જોઈ લેજે,
ખુદને સંભળાય નહીં એમ તારા મનમાં તું મારું બસ નામ કહી દેજે;
મને હોઠ સુધી લાવી અકળાવતી નહીં
કે મારા શ્વાસોનો નાજુક બહુ સૂર છે,
તારી આંખોમાં કંઈક તો જરૂર છે.

માટીની ઈચ્છા કૈ એવી તું ચાલે તો અંકિત પગલાં હો તારાં એટલાં,
મારા મળવાના તારા મનમાં અમાપ રાત દિવસો સદાય હોય જેટલાં;
મને આંખોના ઓરડામાં રોકતી નહીં
કે મારું હોવું તારાથી ભરપૂર છે,
તારી આંખોમાં કંઈક તો જરૂર છે.

– મહેશ શાહ

જ્યારે ગોકુળિયું ગામ યાદ આવશે – મહેશ શાહ

આજે ટહુકો ના વાચકો ને બોનસ…. બેવડી ખુશી છે – સ્વાતંત્ર્ય દિવસ, અને આપણા માનીતા અને લાડીલા ગાયક – સંગીતકાર – શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય નો જન્મ દિવસ.

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

દ્વારિકાની દુનિયામાં કેમ તમે રહેશો ?
ને કેમ કરી તમને તે ફાવશે ?
જ્યારે ગોકુળિયું ગામ યાદ આવશે…

કેવું બપોર તમે વાંસળીનાં સૂર થકી
વાયરાની જેમ હતા ઠારતા !
પાંપણમાં પૂરેલી ગાયો લઈ સાંજ પળે
તમે પાદરની વાટને મઠારતા.
મોરપિચ્છ ખોસીને ફરતા બેફામ
હવે સોનાનો ભાર કેવો લાગશે?
જ્યારે ગોકુળિયું ગામ યાદ આવશે…

માખણની જેમ ક્યાંક હૈયું યે ચોરતા
ને ક્યાંક વળી કરતા ઉદારતા
ગોવર્ધન જીતવા છતાં ય એક રાધાની
તમે પાસે અનાયાસે હારતા.
રાજ તણી રમતોમાં નહીં ચાલે હારીને,
જીતવાનું ઠેર ઠેર આવશે.
જ્યારે ગોકુળિયું ગામ યાદ આવશે…

ગોકુળિયું ગામ યાદ આવશે…
ગોકુળિયું ગામ યાદ આવશે…

– મહેશ શાહ