Category Archives: ગાયકો

હજુ રસભર રાત તો – અવિનાશ વ્યાસ

ગઇકાલે – ૨૧ જુલાઈ એટલે ઉમાશંકર જોશીના જન્મશતાબ્દી વર્ષની શરૂઆત – અને સાથે કવિ – સ્વરકાર – અને ગુજરાતી સંગીતજગતનો આધાર સ્તંભ – એવા શ્રી અવિનાશ વ્યાસનો પણ એ જ દિવસે જન્મદિન..!! એમને ફરી એકવાર યાદ કરી માણીએ એમની આ યાદગાર રચના….. સ્વરાંકન શ્રી ગૌરાંગ વ્યાસનું – અને સાંભળીએ આ ગીતની મૂળ ગાયિકાઓના સ્વરમાં..

ગુજરાતી ગીતોમાં female duets આમ ઘણા ઓછા છે – એ રીતે પણ આ ગીત ઘણું ખાસ ગણાય….

સ્વર : વિભા દેસાઈ અને હર્ષિદા રાવલ

.

હજુ રસભર રાત તો બાકી રહી ગઈ,
ના જા, ના જા, સાજના…..

હજુ ચંદ્ર નથી બુઝાઈ ગયો
છે તારાઓની છાંય,
હજુ રજનીના શ્યામલ પગલાં
થોડું દૂર રહ્યું છે પ્રભાત…
જરી જંપ્યુ ગગન વિરાટ,
ના જા, ના જા, સાજના…..

હજુ ચંદનભીની કુંજન છે
હજુ સૂર ગુંજે સૂનકાર…
હજુ ઢળ્યું નથી કંકુ સૂરજનું
તિમિર ને પગથાર.
હજુ ઝાંખી બળે દીપમાળ,
ના જા, ના જા, સાજના…..

– અવિનાશ વ્યાસ

રામમઢી રે મારી રામમઢી – ઉમાશંકર જોશી

આજે ૨૧ જુલાઈ એટલે ઉમાશંકર જોશીની જન્મશતાબ્દી છે. એ અવસરે એમની આ યાદગાર રચના…..

આલ્બમ : હસ્તાક્ષર
સંગીત : શ્યામલ-સૌમિલ મુન્શી
સ્વર : રવિન્દ્ર સાઠે

.

રામમઢી રે મારી રામમઢી,
ગંગા ને કાંઠે રામમઢી;
રામમઢી રે મારી રામમઢી,
જમુના ને કાંઠે રામમઢી.

કોઈ સંતન આવે મંગલ ગાવે,
અલખ ધૂનરસ રંગ લગાવે;
આવે કોઈ અવધૂત ચઢી,
રામમઢી રે મારી રામમઢી….

રસભર હૈયાની ડોલે નૈયા,
પીયુ પીયુ બોલે પ્રાણ પપૈયા;
ચેતનની વરસંત ઝડી,
રામમઢી રે મારી રામમઢી….

– ઉમાશંકર જોશી

અમે ફેર ફુદરડી ફરતા તાં….

સ્વર – અંજના દવે
સંગીત – ઉદયન ભટ્ટ
આલ્બમ – આંગણામાં નાચે મોર (ગમતાં બાળગીતો)

.

અમે ફેર ફુદરડી ફરતાં તાં
અમે ફેર ફુદરડી ફરતાં તાં
ફેર ફુદરડી ફરતાં ફરતાં
પડી જવાની કેવી મજા
ભાઈ પડી જવાની કેવી મજા

અમે સાતતાળી રમતાં તાં
અમે દોડમ દોડી કરતાં તાં
દોડમ દોડી કરતાં કરતાં
બેસી જવાની કેવી મજા
ભાઈ બેસી જવાની કેવી મજા

અમે આમલી પીપળી રમતાં તાં
અમે ઝાડે ઝાડે ચડતાં તાં
ઝાડે ઝાડે ચડતાં ચડતાં
લપસી જવાની કેવી મજા
ભાઈ લપસી જવાની કેવી મજા

અમે સંતાકુકડી રમતાં તાં
અમે ખોળમ ખોળાં કરતાં તાં
ખોળમ ખોળાં કરતાં કરતાં
પકડાઈ જવાની કેવી મજા
ભાઈ પકડાઈ જવાની કેવી મજા

અમે ઉંદર બિલ્લી રમતાં તાં
અમે ચું ચું મ્યાઉં મ્યાઉં કરતાં તાં
ચું ચું મ્યાઉં મ્યાઉં કરતાં કરતાં
નાસી જવાની કેવી મજા
ભાઈ નાસી જવાની કેવી મજા

સમસ્યાના સાગર તરી જાણજે – રવિ ઉપાધ્યાય

કવિ: રવિ ઉપાધ્યાય
ગાયિકા : રેખા ત્રિવેદી
સંગીતકાર : પ્રકાશ ઉપાધ્યાય

.

સમસ્યાના સાગર તરી જાણજે
મળ્યું છે જીવન તો જીવી જાણજે.

પરીક્ષા પ્રભુનેય દેવી પડે…..
થઇ અગ્નિમાં કંચન, તપી જાણજે…

ફુલોથી ઘણું શીખવાનું મળે
પીસાઇનેતું અત્તર બની જાણજે…

તફાવત તું સારાં બૂરાનો સમજ,
દીવાદાંડી જગની , બની જાણજે..

વિધાતાનો કેવો આ ઉપહાર છે.
તું બુધ્ધિની લ્હાણી કરી જાણજે.

પ્રલોભનથી રહીને નિરાળો ‘રવિ’ !
જીવન તો છે ઠીક, પણ મરી જાણજે.

બોલે છે ઝીણા ઝીણા મોર.. – કેશવ રાઠોડ

સ્વર – પ્રફુલ દવે, ઉષા મંગેશકર અને કોરસ
સંગીત – ગૌરાંગ વ્યાસ
ગીત – કેશવ રાઠોડ
ગુજરાતી ફીલમ – ચોરી ના ફેરા ચાર (૧૯૭૯)

.

બોલે છે ઝીણા ઝીણા મોર, રે મધુવન
બોલે છે ઝીણા ઝીણા મોર….

હો મીઠું રે મીઠું બોલે રે મોરલો,
હાલો કાપે મારા કાળજાની કોર રે મધુવન
બોલે છે ઝીણા ઝીણા મોર….

હે દલનાં વેપારી અમે દલડા રે વેચીએ,
હે હાલો ચિત્તડા કેરા છો તમે ચોર રે મધુવન,
બોલે છે ઝીણા ઝીણા મોર….

સંગે રે રમશું ને સંગે રે ભમશું,
હે હાલો જોબનીયું ઝાકમઝોળ રે મધુવન,
બોલે છે ઝીણા ઝીણા મોર….

આપણી જ વાર્તા – ગૌરવ ધ્રુ

આજનું આ ગીત ખાસ મારા ‘રાજા’ અમિત અને અમારી પરીની કહાણી માટે… (આમ તો અમે વર્ષમાં ચાર જાતની Anniversary ઉજવીએ છે, પણ આજે આ ગીત… બસ એમ જ.. પ્રેમમાં ક્યાં કારણ જોઇએ? 🙂 )

સ્વર : આશિત – હેમા દેસાઇ
સંગીત : આશિત દેસાઇ

.

આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી
ખાધું પીધું ને પછી મોજ કીધી કહીએ તો થઇ જતી પરીની કહાણી

પરીઓના દેશનું નામ સ્વપ્ન નગરી,
એ નગરીના રહેવાસી આપણે
ઇચ્છા ના નામ ધરી પસ્તાયા એવા
કે સૂકવવા જઇ બેઠા તાપણે
સમજણ ના સીમાડા ઓળંગ્યા બાદ
ગાંડાતૂર થઇ કીધી ઉજાણી

આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી
ખાધું પીધું ને પછી મોજ કીધી કહીએ તો થઇ જતી પરીની કહાણી

હોળી હલ્લેસા ને પાણીનું રણ
અને ડમરી સમ ____ એના લ્હેરે
લથબથતા ભીંજાતા નખશીખ ____
હવે શમણેરી વેશ જુઓ પ્હેરે
હાંફતા હરણ સમા કિનારે પહોચ્યા
ત્યાં આવ્યું તું અંકમાં સમાણી

આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી
ખાધું પીધું ને પછી મોજ કીધી કહીએ તો થઇ જતી પરીની કહાણી

– ગૌરવ ધ્રુ

સુખના સુખડ જલે રે – વેણીભાઇ પુરોહિત

આજે સાંભળીએ વેણીભાઇ પુરોહિતનું આ મઝાનું ગીત, અજિત-નિરૂપમા શેઠના યુગલ સ્વરમાં. વર્ષો જુનું live recording છે, એટલે audio file માં થોડું disturbance આવે છે – ચલાવી લેશો ને? 🙂

સ્વર : અજિત – નિરૂપમા શેઠ
સંગીત : અજિત મર્ચન્ટ

( સુખડ જલે ને થાય….    Photo: Internet)

.

સુખના સુખડ જલે રે મારા મનવા!
દુઃખના બાવળ બળે,
સુખડ જલે ને થાય ભસમની ઢગલી
ને બાવળના કોયલા પડે.
મારા મનવા! તરસ્યા ટોળે વળે.

કોઈનું સુખ ખટરસનું ભોજન,
કોઈ મગન ઉપવાસે;
કોઈનું સુખ આ દુનિયાદારી,
કોઈ મગન સંન્યાસે.
રે મનવા ! કોઇ મગન સંન્યાસે.

સુખના સાધન ને આરાધન
લખ ચકરાવે ચડે રે મારા મનવા!
તરસ્યા ટોળે વળે.

કોઈ પરમારથમાં સુખ શોધે,
કોઈ પરદુઃખે સુખિયા, રે મનવા!
ભગત કરે ભગતીનો ઓછવ,
કોઈ મંદિરના રે મુખિયા.
રે મનવા ! કોઈ મંદિરના મુખિયા.

સમદુખિયાનો શંભુમેળો
ભવમાં ભેળો મળે, મળે રે મારા મનવા!
તરસ્યા ટોળે વળે.

સુખનાં સુખડ જલે રે
મારા મનવા !
દુઃખના બાવળ બળે.

‘ક્ષેમુ દિવેટીઆ’ સ્પેશિયલ 7: એક પ્રશ્નગીત – રમેશ પારેખ

ટહુકો પર જ્યારે ‘ક્ષેમુ દિવેટીઆ’ સ્પેશિયલ – ક્ષેમુદાદાની રચનાઓની એક અઠવાડિયા સુધી ઉજવણી કરી હતી, ત્યારે અમરભાઇના અવાજમાં રજુ કરેલી આ રચના, આજે એક નવા સ્વરાંકન – એક નવા સ્વર સાથે ફરી એકવાર..!! આશા છે આ સ્વરાંકન પણ ગમશે..!

સંગીત: શ્યામલ-સૌમિલ
સ્વર: સાધના સરગમ
આલ્બમ: હસ્તાક્ષર

***************************

રમેશ પારેખનું આ ઘણું જાણીતું ગીત – અમરભાઇના અવાજ અને શાસ્ત્રીય સંગીત-ગાયકીની અસર સાથે કંઇક અલગ જ નીખરી ઉઠે છે…….

સ્વર : અમર ભટ્ટ
સંગીત :  ક્ષેમુ દિવેટીઆ

દરિયામાં હોય એને મોતી કહેવાય છે, તો આંખોમાં હોય તેને શું?
અમે પૂછ્યું : લે બોલ, હવે તું.

પંખીવછોઇ કોઇ એકલી જગાને તમે માળો કહેશો કે બખોલ?
જોવાતી હોય કોઇ આવ્યાની વાટ ત્યારે ભણકારા વાગે કે ઢોલ ?
બોલો સુજાણ, ઊગ્યું મારામાં ઝાડવું કે ઝાડવામાં ઊગી છું હું?
અમે પૂછ્યું : લે બોલ, હવે તું.

ઊંચી ઘોડી ને એનો ઊંચો અસવાર: એના મારગ મોટા કે કોલ મોટા?
દરિયો તરવાની હોડ માંડે તો દરિયાનું પાણી જીતે કે પરપોટા?
સૂરજ ન હોય તેવી રીતે ઝીંકાય છે એ તડકાઓ હોય છે કે લૂ?
અમે પૂછ્યું : લે બોલ, હવે તું.

– રમેશ પારેખ

બહુ બોલકી છોકરીનું ગીત – નવનીત ઉપાધ્યાય

સંગીત – નલિન ત્રિવેદી
સ્વર – કૃતિ મારુ

.

દર્પણને ગીત પછી ફૂટે તો ?
કોઇ મારું નામ મને પૂછે તો ?

ચંદન-તળાવ મારી જેવું દેખાય એવું કોણે લખ્યું છે મારું ગીત
કાગળ વાંચું કે મને પાણી દેખાય એનું કેવું લખાણ કેવી રીત
મને ચોમાસું એ..ય કહી ચૂંટે તો ?
કોઇ મારું નામ મને પૂછે.. તો ?

લીલાં શ્રીફળ લાવો અમને વધાવો મારાં સપનાંઓ પોઇ ભરી આવ્યા
સૂરજ જેવું ચારે બાજુ વરતાય આજ કોના અણસાર અહીં આવ્યા
એનું નામ મારા નામમાંથી ફૂટે તો ?
કોઇ મારું નામ મને પૂછે તો ?

– નવનીત ઉપાધ્યાય

(‘કવિતા’ માં ૧૯૮૯માં પ્રકાશિત આ ગીત ખાસ ટહુકો માટે મોકલવા બદલ માધવીઆંટીનો ખૂબ ખૂબ આભાર)

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી – અનિલ જોશી

ત્રણ વર્ષથી ટહુકો પર પુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠે ટહૂકતું આ અનિલ જોશીનું આ મારું ખૂબ જ ગમતું ગીત – આજે રાજેશભાઇના સ્વરમાં ફરી એકવાર… ગીત છે જ એવું સરસ કે જેટલીવાર સાંભળીએ એટલીવાર…. આહા… !!

સ્વર – રાજેશ મહેડુ
સ્વરાંકન – પુરુષોત્તમ ઉપાધ્યાય

.

—————————-
Posted on : April 24th, 2007

સૌપ્રથમ આ ગીત લગભગ ૯-૧૦ વર્ષ પહેલા સાંભળેલું. કોણ ગાયક અને કયા કવિનું આ ગીત છે એ જાણવાની પણ તે સમયે તો કોઇ ઉત્સુકતા ન હતી, કારણ કે આ શબ્દોનો મર્મ સમજવા જેટલી સમજ ન હતી.
પણ હવે જેટલી વાર આ ગીત સાંભળું, એટલું વધારે ગમે છે આ ગીત. અને પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા દિગ્ગજ કલાકારનો અવાજ હોય પછી તો પૂછવું જ શું ? જાણે એક અલગ દુનિયામાં પહોંચી જવાય છે. થોડી હતાશા, અને સાથે જ થોડી ખુમારીનો અહેસાસ કરાવી જાય છે આ ગીત…..

સ્વર – સ્વરાંકન : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

ડો.દર્શના ઝાલાના સુંદર અવાજમાં એમનાં આલબમનું આ ગીત સાંભળો….
સ્વર:ડો.દર્શના ઝાલા
સ્વરાંકન:પુરુષોત્તમ ઉપાધ્યાય
આલબમ:તારાં નામમાં

.

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !

પંખી સહિત હવા ચાતરીને જાય
એવું આષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં
પણ મારામાં ઝાડ હજી જાગે.

માળામાં ગોઠવેલી સળી હું નથી
મને વીજળીની બીક ના બતાવો !

એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય
કોઈ રાતી કીડીનોય ભાર !
એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાય
પડવાને છે કેટલી વાર ?

બરફમાં હું ગોઠવેલું પાણી નથી
મને સૂરજની બીક ના બતાવો !

————————————-

ફરમાઇશ કરનાર મિત્રો : મૌલિન, મિરાજ, વિક્રમ ભટ્ટ.

( આભાર : લયસ્તરો )