Category Archives: કાવ્યપ્રકાર

‘ક્ષેમુ દિવેટીઆ’ સ્પેશિયલ 3 : દાડમડીના ફૂલ રાતા ઝૂલણ લ્યો વણઝારી

ઘણા વખત પહેલા ટહુકો પર એક મિત્રએ આ ગીતની ફરમાઇશ કરી હતી.. અને ત્યારે મેં આ ગીત સાંભળ્યું નો’તુ – તો એના બદલે

વગડાની વચ્ચે વાવડી ને વાવડીની વચ્ચે દાડમડી…

એ ગીત મુકી દીધું… ગરબાની કેટગરીમાં મુકી શકાય એવું આ લોકગીત ક્ષેમુદાદાએ ખૂબ જ સરસ રીતે સ્વરબધ્ધ કર્યું છે.. અને સાથે વિભા દેસાઇ, માલિની પંડિત, હર્ષિદા રાવળ, જયશ્રી વોરા, આરતી મુન્શી અને સુધા દિવેટીયા એ સ્વર પણ એવો જ આપ્યો છે કે સાથે આપણને પણ ‘ઊભલા ઊભલા જોયું ઝૂલણ લ્યો…’ કરવાનું મન થઇ જાય…

સ્વર : વિભા દેસાઇ અને વૃંદ

.

દાડમડીના ફૂલ રાતાં ઝૂલણ લ્યો વણઝારી
ફૂલ રાતાં ને ફળ એનાં લીલાં ઝૂલણ લ્યો વણઝારી

હું તો વાણીડાને હાટે હાલી
ચૂંદડી મુલવવા હાલી
ઊભલા ઊભલા જોયું ઝૂલણ લ્યો
હેઠે બેસીને મૂલ કર્યા ઝૂલણ લ્યો
બેઠી એવી હું ઉઠી ઝૂલણ લ્યો વણઝારી…

હું તો સોનીડાને હાટે હાલી
ઝુમણા મુલવવા હાલી
ઊભલા ઊભલા જોયું ઝૂલણ લ્યો
હેઠે બેસીને મૂલ કર્યા ઝૂલણ લ્યો
બેઠી એવી હું ઉઠી ઝૂલણ લ્યો વણઝારી…

હું તો મણિયારાને હાટે હાલી
ચૂંડલા મુલવવા હાલી
ઊભલા ઊભલા જોયું ઝૂલણ લ્યો
હેઠે બેસીને મૂલ કર્યા ઝૂલણ લ્યો
બેઠી એવી હું ઉઠી ઝૂલણ લ્યો વણઝારી…

– લોકગીત

‘ક્ષેમુ દિવેટીઆ’ સ્પેશિયલ 2 : સભર સુરાહી લલિત લચક.. – રાજેન્દ્ર શુક્લ

આમ તો ગઝલ વિષે કેટલીય ગઝલો અને કવિતાઓ લખાઇ છે.. (કોઇવાર ગઝલ-સ્પેશિયલ ઉજવશું ટહુકો પર ! ) અને એ બધામાં ખાસ એવી આ રાજેન્દ્ર શુક્લની ગઝલ.. અલખ અલખ ગિરનારી ગાજે નિત પડછંદા ગઝલ… આહા..!! અને કવિના આ સુંદર શબ્દોને જ્યારે  ક્ષેમુ દિવેટીઆનું સંગીત મળે, એમા શ્યામલ-સૌમિલની જોડીનો સ્વર ભળે…. એટલે તો કોઇ પણ ગઝલ પ્રેમી એને સાંભળ્યા જ કરે…

.

સભર સુરાહી લલિત લચક કટિ, કોમલસ્કંધા ગઝલ,
વન વન ભમતાં મિલત અતર્કિત યોજનગંધા ગઝલ.

લખચોરાસી લખત લખત ચખ વેધત રે લખ ગઝલ,
અલખ અલખ ગિરનારી ગાજે નિત પડછંદા ગઝલ.

ચાક ગરેબાં, બેબાક દિશાઓ દામન હરહર ઊડે,
અષ્ટપાશ આકાશ ઉડાવત ત્રુટિતફંદા ગઝલ.

સાંસ ઉસાંસ ચલાવત, છૂવત ઝિલમિલ સાતોં ગગન,
વિહઁસ વિહઁસ કરતાલ નચાવત ગાવત બંદા ગઝલ.

કઁહ લગ રુઠો, માન કરો અતિ, મુખ મચકોડો અલગ,
સૂર મિલાવી ગાવો પ્રિયજન, સત્-ચિત્-નંદા ગઝલ.

– રાજેન્દ્ર શુક્લ

‘ક્ષેમુ દિવેટીઆ’ સ્પેશિયલ 1 : ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં – રમેશ પારેખ

ગુજરાતી સંગીતપ્રેમીઓ માટે ખુશીના સમાચાર… આપણા વ્હાલા સંગીતકાર શ્રી  ક્ષેમુ દિવેટીઆને એમના સંગીતક્ષેત્રના પ્રદાન માટે ‘અવિનાશ વ્યાસ’ એવોર્ડ ‘ પૂજ્ય મોરારીબાપુ’ ના હસ્તે આવતી કાલે ’17મી ફેબ્રુઆરી’ ના દિવસે અર્પણ કરવામાં આવશે.

‘કાશીનો દિકરો’ માટે ‘શ્રેષ્ઠ સંગીતકાર’નો એવોર્ડ મેળવનાર શ્રી  ક્ષેમુ દિવેટીઆની ‘સંગીત સુધા’ એ ગુજરાતી સુગમ સંગીતનો અમુલ્ય હિસ્સો છે. એમણે કેટલાય નાટકો માટે પણ સંગીત આપ્યું છે.. એમના ગીતો ગુજરાતી સંગીત જગતમાં એક અનોખું સ્થાન ધરાવે છે, અને એમનું યોગદાન માટે આપણે સર્વે એમના હંમેશા ઋણી રહીશું.

એમના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે આપણા બધા તરફથી શુભેચ્છાઓ સાથે આજથી એક અઠવાડિયા સુધી ઉજવીએ એમના ગીતોનો ઉત્સ્વ…

અને શરૂઆત કરીએ ‘કાશીનો દિકરો’ ફિલ્મના આ ગીતથી…

સ્વર – વિભા દેસાઇ
સંગીત – ક્ષેમુ દિવેટીયા
ગુજરાતી ફિલ્મ – કાશીનો દિકરો

ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલા ઓછા પડ્યા રે લોલ
કમ્મખે દોથો ભરીને કાંઇ ટાંક્યા ને આભલાં ઓછાં પડ્યા રે લોલ

માંડવે મ્હેક મ્હેક જૂઇની વેલ કે જૂઇના રેલા દડે રે લોલ
સૈ, મારે નેવાંનું હારબંધ ટોળું કે સામટું મોભે ચડે રે લોલ

ત્રાજવે ત્રંફેલા મોરની ભેળી હું છાનકી વાતું કરું રે લોલ
લોલ, મારે મોભરે કાગડો બોલે ને અમથી લાજી મરું રે લોલ

મેંદીએ મેલું હું મનની ભાત્ય ને હાથમાં દાઝ્યું પડે રે લોલ
આડોશપાડોશ ઘમ્મકે વેલ્યું ને લાપસી ચૂલે ચડે રે લોલ

સૈ, મારી ઊંબરાની મરજાદ કે ઓરડા ઠેસે ચડ્યા રે લોલ
લોલ મારે પથ્થરને પાણિયારે કે જીવતાં મોતી જડ્યાં રે લોલ

લોલ, ઊભી આંગણે નાગરવેલ કે પાંદડા તૂટ્યા કરે રે લોલ
ઓરડે વાની મારી કોયલ આવે ને કાંઇ ઊડ્યા કરે રે લોલ

– રમેશ પારેખ (૨૬ સપ્ટેમ્બર, ૧૯૬૮)

——————
આ ફિલ્મના બીજા ગીતો તમે ટહુકો પર અહીં સાંભળી શકશો.

ઝીણાં ઝીણાં રે આંકેથી અમને ચાળિયા – અનિલ જોશી

કેવા રે મળેલા મનના મેળ – બાલમુકુન્દ દવે

સાંભરણ – માધવ રામાનુજ

શ્વાસ શ્વાસમાં રાસની લીલા – સુરેશ દલાલ

આજકલ વેલેન્ટાઇ – પ્રેમની મોસમ ચાલે છે, તો રાધા-કૃષ્ણના પ્રેમને યાદ કર્યા વગર ચાલે?

રાધા વૃધ્ધા થાય નહીં ને કૃષ્ણનું યૌવન માય નહીં,
શ્વાસ શ્વાસમાં રાસની લીલા કદીયે થંભી જાય નહીં.

ધૂળ ધૂળમાં ગોકુળ ઘૂમે વૃંદાવન લહેરાય,
મોરપિચ્છનો મુગટ ધારીને સૂર મુરલીના ગાય.
જનમપૂનમના ઘાટથી પૂનમ ક્યાંયે આછી થાય નહીં

શૈશવ ને જોબન તો અહીંયા અડખેપડખે બેઠાં,
હોઠ હજીયે ભીના ભીજા કુંવારા ને એંઠા.
અરસપરસનાં વરસો કેવાં સદીઓમાં વહી જાય અહીં.

– સુરેશ દલાલ

છોકરાને સપનું આવ્યું’તું ગઇ રાતે – તુષાર શુક્લ

Happy Valentines Day to Dear Friends and All Dear Ones… from Tahuko.com !

વેલેંટાઈન જેવો ગમતીલો દિવસ આવે એટલે જો કોઈ છોકરાનાં દિલમાં કોઈ છોકરી માટે કુછ કુછ હોતા હૈ જેવું થઈ ગયેલું હોય, તો એ છોકરીનાં સપના જરા વધારે જ આવવા માંડે. અને પ્રેમની બેકરારી વધતા કોઈ છોકરો કદાચ છોકરીને હિંમત કરીને પ્રપોઝ પણ કરી દે, પરંતુ જો એ છોકરી છોકરાને ‘ના’ પાડી દે તો…? તો બિચ્ચારા એ છોકરાના દિલની શું હાલત થાય ?!! એજ વાતને કવિ તુષાર શુક્લ આ ગીતમાં જરા હળવાશથી રજૂ કરે છે.

(છોકરાનું સપનું…)

સ્વર – સોનિક સુથાર
સંગીત – ગૌરાંગ વ્યાસ

.

છોકરાને સપનું આવ્યું’તું ગઇ રાતે,
કેટલુંયે સમજાવ્યું છોકરીએ છોકરાને, છોકરો ન માને કોઈ વાતે.

ચોખ્ખી ચણાક સાવ સમજી શકાય એવી છોકરીએ પાડી’તી ‘ના’,
ગલ્લા ને ઘેર કદી રાણી ના જાય એમ છોકરાને સમજાવવું આ,
લો ગાર્ડન પાસેથી છૂટા પડ્યા’તા હજુ હમણા તો સાત સાડા સાતે.
છોકરાને સપનું આવ્યું’તું ગઇ રાતે…

મળવા છતાંયે જે ના બોલી શક્યો એણે સપનામાં કીધું મલકાતે,
ઓશિકા બદલે, ના સપના બદલાય મારી રાત હવે ગઈ ગયા ખાતે?,
‘ના’ પાડી તોયે આવી હાલત છે છોકરાની, ‘હા’ પાડી હોતે તો શું થાતે !
છોકરાને સપનું આવ્યું’તું ગઇ રાતે…

અણગમતું આવે કે મનગમતું આવે, એ સપનું છે સપનાની મરજી,
સપનું આંજેલ આંખ કોઈથી ના ઉકલે, એ આંખો નથી રે કોઈ અરજી,
આંખોના સરનામે આવે સુગંધ, એને ઓળખવી પડતી રે જાતે.
છોકરાને સપનું આવ્યું’તું ગઇ રાતે…

– તુષાર શુક્લ

તને ગીત દઉં કે ગુલાબ – રઈશ મનીયાર

આમ તો આ સવાલ કાલ માટે રાખવો હતો – પણ મને થયું, થોડું advance planning સારું. પ્રેમિકા ગીત માંગે તો એ તમને ટહુકો પર મળી રહેશે – પણ ગુલાબ માંગે તો ‘Valentines Day’ના દિવસે ગુલાબ થોડા મોંઘા હોય છે 🙂 – આવી economyમાં saving નું તો વિચારવું જ પડે ને !!

અને સવાલ પૂછવો જ હોય – તો સમજી-વિચારીને પૂછશો ! સવાલમાં ઉતાવળ કરશો તો ક્યાંક આવું ના થાય…

અને હા… સાથે બીજી એક મહત્વની વાત..

આ ગીત કાવ્ય-સંગીત સમારોહ – ૨૦૦૬માં સૌમિલભાઇએ રજુ કર્યું હતું. કાવ્ય-સંગીત સમારોહ એટલે ગુજરાતી સંગીતનો જાજરમાન જલસો.. મારી પાસે વધારે માહિતી તો નથી, પણ અમદાવાદના સંગીતપ્રેમીઓ જેની રાહ જુએ એ વેલેન્ટાઇન ડે – ૧૪મી ફેબ્રુઆરીથી શરુ થતો – ગુજરાતી જુના નવા જાણીતા માનીતા ગીતોથી હ્રદયના તાર રણઝણાવતો ઉત્સવ કાલથી અમદાવાદમાં શરુ થઇ રહ્યો છે..

અમદાવાદમાં હો – કે અમદાવાદ પહોંચી શકો એમ હો – તો આ જલસો જરૂર માણજો.. થોડો મારા તરફથી પણ 🙂

સ્વર-સંગીત: સૌમિલ મુનશી

( Picture from Flickr )

* * * * *

તને ગીત દઉં કે ગુલાબ,
દઈ દે આજે મને તું જવાબ.

કંઠમાં ફસાયેલી લાગણીને સંભાળી
ટહુકો બનાવીને આપું,
ઊડું ઊડું થાય છે જે આંખોમાં
એની પાંખો બનાવીને આપું..

ઘૂંટવું હો નામ તારે કોરાં એક પાનાં પર,
આપી દઉં દિલની કિતાબ,
દઈ દે આજે મને તું જવાબ..

સદીઓ લાગી છે મને હોઠ ઉપર લાવવામાં,
એવો પૂછું છું સવાલ,
મારા ખયાલ બાબત તારો ખયાલ શું છે?
કહેવામાં થાય નહીં કાલ..

આજે ને આજે મને, ન્યાલ કર મીઠું હસી,
કહે છે તું તો છે હાજર જવાબ,
દઈ દે આજે મને તું જવાબ..

તને ગીત દઉં કે ગુલાબ,
દઈ દે આજે મને તું જવાબ.

– રઈશ મનીયાર

રઘુપતિ રાઘવ રાજારામ

આજે આ ખૂબ જ જાણીતી ધૂન.. કવિનું નામ કોઇને ખબર છે?

કવિ – સ્વર – સંગીત ઃ ??

.

રઘુપતિ રાઘવ રાજારામ,
પતિત પાવન સીતારામ.

સીતારામ સીતારામ,
ભજ પ્યારે તુ સીતારામ.

ઇશ્વર અલ્લાહ તેરો નામ,
સબકો સન્મતિ દે ભગવાન

જય રઘુનંદન જય સીયારામ
જાનકી વલ્લ્ભ સીતારામ

રખડવા નીકળ્યો છું – પ્રહલાદ પારેખ

રખડવા નીકળ્યો છું
તરસને ભૂખ મારી તૃપ્ત કરવા કાજ
આજે આ ભટકવા નીકળ્યો છું.

વર્ષા નથી, છે વાદળાં;
શીતળ અને ધીમી ગતિની છે હવા;
મેદાન હરિયાળાં હસે,
ને દૂર એમાં ગાય કોઈ ભાંભરે;
કોઈ રંગીલું ગળું,
આ સીમને માધુર્યથી વળગી પડ્યું.

ક્યાંક છે તડકા તણું કો ચોસલું,
તાજું અને થોડું ગરમ:
એકાદ બે બટકાં લઉં એને ભરી,
ને પછી તેની ઉપર
માટી તણી સોડમ ભરેલી આ હવા
ગટગટાવી જાઉં જરી.

શી છે કમી ? જહાંગીર છું,
– ને જહાનું નૂર આ સામે ખડું !

હું – સાઇકલ – પપ્પા – ધડામ……….. – વત્સલ શાહ

(આધાર)
26 જુલાઇ, 2008 ના અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ વખતે
સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં એક પિતા એના પુત્રને
સાઇકલ શીખવી રહ્યા હતા.

દ્રશ્ય – ૧

પપ્પા, જુઓ જુઓ
આ સાઇકલ હું ચલાવું છું જાતે
કેવા મારું છું પેડલ ગોળગોળ
તમારો હાથ ખસેડી લો હવે તમે
ના, નથી જરૂર તમારા ટેકાની હવે મને

અમે તો જુઓ જુઓ, આ ઉડ્યા
હા, પપ્પા
હવે હું ને મારી સાયકલ
ફરતાં ફરતાં પહોંચીશું
કોઇ અજ્ઞાત દૂરિત દેશમાં
તમે પોકાર્યા કરો ભલે હવે પાછળ
તમે દોડ્યા કરો ભલે હવે પાછળ
તમે ભલે શીખવી સાયકલ
પણ હવે અમે છીએ એકલાં,
હું ને સાઇકલ.

પપ્પા, આવજો,
બાય – બાય
ધડામ

દ્રશ્ય – ૨

ક્યાં છે મારી સાયકલ?
સાયકલના ગોળ ફરતામ પેડલ?
પેડલ પર ગોળ ફરતા મારા પગ?
ક્યાં છે મારા પગ?

કેડ નીચેના ભાગે કેમ વર્તાય ખાલીપો?
મારા હાથ સ્પર્શ છે આ જેને
તે પગ છે કે ખાલીપો?

પપ્પા, ક્યાં છો તમે?
‘શાબ્બાશ બેટા’ કહેતો તમારો
અવાજ
મારા મસ્તિષ્કના આનંદ-તારને
રણઝણાવતો તમારો અવાજ
ક્યાં છે?

હા, સંભળાય છે, મને તમારો અવાજ
પણ, આ તો અવાજ છે કે પડઘો?
મારા પગ ભેગો એ અવાજ
પણ ઓગળી ગયો શું શૂન્યમાં?

પપ્પા, ક્યાં છો તમે?
તમારા અવાજની પાછળ
આ ભયાનક અવાજ શેનો?
તમારા શબ્દો હજુ મારા કાન સુધી
પહોંચ્યા, ન પહોંચ્યા ને
હવામાં જ ભયાનક ધડાકાથી ચૂર ચૂર થયા શું?

પપ્પા,
મને અહીં મૂકીને એકલો
તમે સાઇકલ લઇ
પહોંચી ગયા
શું કોઇ અજ્ઞાત – દૂરિત દેશમાં?

– વત્સલ શાહ

H गझल मुझको कहेनी है – આસિમ રાંદેરી

શ્રી આસિમ રાંદેરીએ ખાસ ‘માધ્વી-અસીમ મહેતા‘ ના આલ્બમ ‘Passion’ માટે લખેલી આ ગઝલ.. અને આ આલ્બમનું વિમોચન પણ જનાબ આસિમ સાહેબના હસ્તે જ થયું છે. આજે જ્યારે આસિમ સાહેબ આપણી વચ્ચે નથી, ત્યારે આ ગઝલ માધ્વી-અસીમ મહેતા તરફથી અને સંપૂર્ણ સંગીત-જગત તરફથી એમને શ્રધ્ધાંજલી રૂપે….

સ્વર – સંગીત : અસીમ મહેતા

.

गझल मुझको कहेनी है एक इन्कलाबी
मुझे साकिया दे गुलाबी गुलाबी

गुलाबी इन आंखोकी उफ रे गुलाबी
झमाना हुआ जा रहा है शराबी

कुछ ऐसे सवालात थे उस नझर के
के गुम हो गइ मेरी हाझिर जवाबी

मेरे शेरकी धूप पडते ही ‘आसिम’
हुआ जा रहा है, वो चहेरा गुलाबी