Category Archives: પ્રહલાદ પારેખ

મારો નાવલિયો – પ્રહલાદ પારેખ

સ્વર : દેવયાની ઓઝા ,સ્વાતિ પાઠક
સંગીત : ચિંતન

.

દીઠો ઝાકળિ યે,મારો નાવલિયો ! નાવલિયો રે

ઉંચે તે આભ જેવો ગાજે મેહુલિયો,
નીચે બોલે છે એવો સીમે નાવલિયો;
વીજની આભે એની, સીમમા, આવી એની
છૂટે છે વેગીલી ગલોલ રે !

મોલે મઢેલો એનો, દેહનો ડુંગર શોભે
શોભે ખેતરેની કાયે રે
પંખીડા આવી આવી માથે કિલ્લોલી જાયે
મોરલા બોલ એના ગાયે રે !

પાયની પાસે એના મોલ બનીને ઝૂલું ?
પંખી બનીને શિરે ગઊં રે ?
કેમ કરીને, આજે હૈયું અધીરું પુછે,
જૈને એ દિલમા સમાઉ રે !
– પ્રહલાદ પારેખ

ગ્લૉબલ કવિતા : ૧૨૪ : અમે અંધારું શણગાર્યું – પ્રહલાદ પારેખ

આજ અમે અંધારું શણગાર્યું,
હે જી અમે શ્યામલને સોહાવ્યું.

ગગને રૂપાળું કર્યું તારા મઢીને એને, ધરતીએ મેલીને દીવા;
ફૂલોએ ફોરમને આલી આલીને એનું અંગે અંગ મહેકાવ્યું !
હો આજ અમે અંધારું શણગાર્યું o

પાણીએ, પાય એને, બાંધેલા ઘૂઘરા ખળખળ ખળખળ બોલે :
ધરણીના હૈયાના હરખે જાણે આજ અંધારાનેયે નચાવ્યું !
હો આજ અમે અંધારું શણગાર્યું o

વીતી છે વર્ષા ને ધરતી છે તૃપ્ત આજ, આસમાન ખીલી ઊઠ્યું;
ઊડે છે આનંદરંગ ચોમેર અમારો, એમાં અંધારું આજે રંગાયું !
હો આજ અમે અંધારું શણગાર્યું o

થાય છે રોજ રોજ પૂજા સૂરજની ને ચાંદાનાંયે વ્રત થાતાં:
આનંદઘેલાં હૈયે અમારાં આજ અંધારાનેયે અપનાવ્યું !
હો આજ અમે અંધારું શણગાર્યું o

– પ્રહલાદ પારેખ

ચાલો, આજે અંધારું અજવાળીએ…

અંધારું. કાળુંડિબાંગ અંધારું. આદિકાળથી એ માનવજાતને પજવતું આવ્યું છે. દિવસના અજવાળામાં જે તમામ વસ્તુઓને આપણી આંખ અલગ-અલગ તારવી શકે છે, એ તમામને અંધારાની પીંછી એક જ રંગે રંગી દઈને સૃષ્ટિના તમામ ઊંચનીચ-ભેદભાવને એકરસ કરી દે છે. પંચેન્દ્રિયમાંથી આપણે દૃશ્યેન્દ્રિયનો મહત્તમ ઉપયોગ કરતાં હોઈએ છીએ પણ અંધારું એને જ સ્વીચ-ઑફ કરી દે છે. પરિણામે અંધારામાં અન્ય ઇન્દ્રિયો આપોઆપ સતેજ બની જાય છે. દિવસભરના અજવાળામાં પોતાની જાતને જોઈ ન શકતા મનુષ્યોને અંધારામાં પોતાની જાતને જોઈ શકે છે કેમકે ખુદને જોઈ શકવામાં બાધારૂપ દુનિયાના તમામ વ્યવધાનો અંધારાની કાળાશમાં લુપ્ત થઈ જાય છે. કવિઓએ કદાચ એટલે જ અજવાળાં કરતાં અંધારાંને વધુ લાડ લડાવ્યાં છે. કવિશ્રી પ્રહલાદ પારેખની અંધારાંને અજવાળતી એક અદભુત રચના આજે આપણે માણવાની છે.

પ્રહ્.લાદ પારેખ. ૨૨-૧૦-૧૯૧૧ના રોજ ભાવનગરના જેઠાલાલ દુર્લભજી પારેખ અને મેનાલક્ષ્મીના ઘરે જન્મ. ગુજરાતી સાહિત્ય પરિષદના ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ ૫’માં દક્ષા વ્યાસના લેખ મુજબ ત્રણ અલગ-અલગ સ્રોતમાં એમની ત્રણ અલગ-અલગ જન્મતારીખ મળે છે, અને લેખિકા જાણીતા સંશોધક ભૃગુરાય અંજારિયાએ લખેલ ૨૨-૧૦-૧૯૧૧ તારીખને વધુ પ્રમાણભૂત ગણાવે છે. પણ પરિષદની પોતાની વેબસાઇટ ઉપર અને અન્ય ઘણા સ્રોતમાં ૧૨-૧૦-૧૯૧૨ તારીખ જોવા મળે છે, જે ખોટી હોવાની સંભાવના વધારે છે. કેમકે ૨૨-૧૦-૧૯૬૧ના રોજ કવિના વનપ્રવેશને આવકારવા માટે એમના મિત્રોએ મુંબઈના ફૉર્ટ વિસ્તારમાં સર પી.એમ. રોડ ખાતે આવેલી ‘બ્રિસ્ટોલ ગ્રીન રેસ્ટોરાં’ ખાતે મૈત્રીભોજન ગોઠવ્યું હતું, જેમાં સમસ્ત કવિ પરિવાર હાજર હતો અને ભૃગુરાય અંજારિયા નિમંત્રકોમાંના એક હતા. કવિએ ‘વનપ્રવેશે મિત્રોને’ નામથી કાવ્ય પણ લખ્યું હતું. પોરવાડ વણિક. માધ્યમિક શિક્ષણ નાનાભાઈ ભટ્ટ અને હરભાઈ ત્રિવેદી જેવી વિભૂતિઓના હાથ તળે ભાવનગરની સુપ્રસિદ્ધ શિક્ષણસંસ્થા દક્ષિણામૂર્તિમાં. સ્વભાવે ટિખળી તે નાનાભાઈએ આખો દિવસ અલગ રૂમમાં રહેવાની સજા ફટકારી પણ કવિ તો ‘આવતી-જતી જાનને જોઈએ છીએ, અને આનંદની મોજને માણીએ રે’ એમ ગીતો ગાવા માંડ્યા હતા. ૧૯૩૦ની સ્વાતંત્ર્ય ચળવળમાં વીરમગામ સત્યાગ્રહ છાવણીમાં સક્રિય ભાગ લીધો અને વીસાપુરમાં જેલવાસો ભોગવવો પડ્યો. વિનીત થયા બાદ ગૂજરાત વિદ્યાપીઠ અને પછી કવિવર રવીન્દ્રનાથના સાંનિધ્યમાં શાંતિનિકેતન (૧૯૩૩થી ૩૭)માં આગળ અભ્યાસ કરવાનો લહાવો સાંપડ્યો. મુંબઈ અને ભાવનગરમાં શિક્ષક તરીકે સેવા બજાવી. ઋજુ, સરળ વ્યક્તિત્વ. આજીવન ખાદીધારી. કફની-લેંઘો-બંડી એમના ટ્રેડમાર્ક. ૧૯૪૨માં રંજનબેન સાથે લગ્ન. ચાર પુત્રીઓ (રક્ષા, ઉમા, હેમાંગિની, ભક્તિ) અને એક પુત્ર (અજય). ૦૨-૦૧-૧૯૬૨ના રોજ કવિનું નિધન થયું, એ જ દિવસે એમના ઘરે ગયેલ ઉપેન મહેતા અને અરવિંદ શાહને કવિએ ‘ઑલ ઇન્ડિયા રેડિયો’ પર એ જ સાંજે પ્રસારિત થનાર નવીનકોર કવિતા સાંભળવા અનુરોધ કર્યો જેમાં એમણે મુંબઈની લોકલ, ઝૂંપડપટ્ટી અને ભીડની વચ્ચે ગંદકી-કચરાંમાં અટવાતાં-રોળાતાં નિર્દોષ ભૂલકાંઓના જીવનની વિષમતા રજૂ કરી હતી. ‘જમ્યા પછી મસાલેદાર મીઠા પાનની લિજ્જત કંઈ ઓર જ છે’ કહીને એમણે પાન ખાધું અને પત્નીને જય શ્રી કૃષ્ણ કહીને કાંદિવલી સ્ટેશન જવા આ બે અતિથિઓ સાથે નીકળ્યા. રસ્તે ગભરામણ થતા ડચૂરો દૂર કરવા પાનની પિચકારી મારી પણ હૃદયરોગનો આ બીજીવારનો હુમલો પ્રાણઘાતક નીવડ્યો અને નાની વયે એક પ્રતિભાશાળી કવિ ફાની દુનિયાને રામ-રામ કરી ગયા.

કવિતા ઉપરાંત બાળકાવ્યો અને મહત્ત્વના અનુવાદ પણ એમણે આપ્યા છે. ‘હેતની હેલીના કવિ’, ‘નીતર્યાં હૈયાનો સુહૃદ’, ‘નેહના વેલાનો કવિ’ જેવા અંતરોદ્ગારોથી કવિઓ-વિવેચકોએ એમને વધાવ્યા છે. ગાંધીયુગમાં કાર્યશીલ હોવા છતાં તેમણે અનુગાંધીયુગીન કાવ્યધારાના પ્રમુખ અગ્રણી કવિ તરીકે પોતાની વિશિષ્ટ ઓળખ ઊભી કરી. સ્વાતંત્ર્ય સેનાની બન્યા હોવા છતાં એમની કવિતાઓમાં તત્કાલીન પ્રવર્તમાન શૌર્યગીતોની ઝળાંહળાંના સ્થાને પ્રકૃતિ અને માનવપ્રકૃતિ જ કેન્દ્રસ્થાને રહ્યાં હતાં. એમના સહાધ્યાયી અને એમની જેમ જ દક્ષિણામૂર્તિ, વિદ્યાપીઠ અને શાંતિનિકેતનમાં ભણેલાં કૃષ્ણલાલ શ્રીધરાણી પણ ગાંધીકાવ્યો કરતાં પ્રકૃતિકાવ્યો માટે વિશેષ જાણીતા છે. સાહિત્ય પરિષદ ‘ભાવની ઈન્દ્રિયગ્રાહ્ય રજૂઆત, લયસમૃદ્ધિ અને સૌન્દર્યાભિમુખતા’ને પ્રહલાદ પારેખની કવિતાના મુખ્ય લક્ષણ ગણાવે છે. એમના પ્રથમ સંગ્રહ ‘બારી બહાર’માં કવિતાના જેટલાં પાનાં હતાં, લગભગ એટલાં જ પાનાં લાંબી પ્રસ્તાવના ઉમાશંકર જોશીએ લખી હતી, જેને સુરેશ દલાલે ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ પ્રસ્તાવના તરીકે ઓળખાવી છે. ઉ.જો.એ કવિની કવિતાને ‘આંખ, કાન અને નાકની કવિતા’ કહીને એમની કવિતાઓની ઇન્દ્રિયગ્રાહ્યતાને યથાર્થ બિરદાવી હતી. ઉ.જો. આ કવિતાઓને ‘નીતરાં પાણીની કવિતા’ કહીને એની પારદર્શિતાને વખાણે છે. આ સફળ ગીતકવિને છંદ અને લય બંને શ્વાસ જેમ જ સહજ થયા છે. અંધકાર અને વર્ષા એમને અતિપ્રિય છે. વિનોદ જોશીના શબ્દોમાં: ‘પ્રહલાદ પારેખની કવિતા ગુજરાતી સાહિત્યનો એક મહત્વનો સ્થિત્યંતર છે.કવિ ન્હાનાલાલ પછી ગુજરાતી કવિતામા સૌંદર્યનો ઉછાળ મને પ્રહલાદ પારેખની કવિતામા દેખાયો છે.’

‘અમે અંધારું શણગાર્યું’ શીર્ષક જ ભાવકને વિચારતા કરી દેવા માટે પૂરતું છે. અંધારાને વળી કોઈ શણગારે? કે એનાથી દૂર ભાગે? અંધારું અનંત છે, અમર્યાદિત છે, અમાપ છે, ને અતાગ છે. પોતાનો સગો હાથ પણ ભાળી ન શકાય એવા અંધારામાં લાંબો સમય રહેવા માટે વજ્જરની છાતી જોઈએ. અંધારું મૃત્યુના સાક્ષાત્કાર સમું છે. માટે જ, અંધારું સદી-સદીઓથી આપણને ડારતું-ડરાવતું આવ્યું છે. આપણે સહુ પ્રકાશના પૂજારી છીએ. આપણો તો ઈશ્વર પણ અજવાસ સાથે સંકળાયેલો છે. પણ હકીકતમાં તો કાળો રંગ એકત્વનો રંગ છે. ઉપસ્થિત તમામ રંગ એકમેકમાં ભળી જાય ત્યારે કાળો રંગ બને છે. કાળો રંગ કાયમી છે. પ્રકાશ માટે સૂર્યનું ઊગવું કે દીવાનું પ્રગટવું અનિવાર્ય છે પણ અંધારું તો જન્મજાત જ છે. અજવાળું નશ્વર છે પણ અંધારું તો શાશ્વત છે. કદાચ એટલે જ ઈસુની આગળ-પાછળના ત્રણસોએક વર્ષ દરમિયાન અસ્તિત્વમાં રહેલ એસેન (Essene) સંપ્રદાય સંપૂર્ણતઃ અંધકારને જ ઈશ્વર ગણતો હતો. આપણા આંતર્ચક્ષુ અંધકારમાં જ ઊઘડે છે ને અંધકાર જ આપણને આપણી ભીતર જોવા-ઝાંકવાની સવલત કરી આપે છે. માટે જ કવિ અંધારાને શણગારવાની નવીન વાત લઈને આવ્યા છે.

બે ટૂંકી પંક્તિમાં ધ્રુવપદ બાંધ્યા બાદ કવિએ ચાર અંતરામાં ગીતને વિભાજીત કર્યું છે. અંતરામાં આંતર્પ્રાસ મેળવવાની સામાન્ય ગીતપ્રયુક્તિને નેવે મૂકીને કવિએ સીધી ધ્રુવપદ સાથે જ ટૂક બાંધી છે. લય માટે ષટકલ પસંદ કર્યો હોવાથી પંક્તિ નાના-નાના ખંડમાં વિભાજિત થઈને ગીતને દ્રુતગતિ બક્ષે છે. પ્રકૃતિના સૌંદર્યથી છલોછલ કવિતા જો કવિનો મુખ્ય કાકુ હતો તો લયમાધુર્ય એમનું બીજું ઘરેણું હતું, એ વાત પ્રસ્તુત રચનામાંથી પસાર થતાં સમજી શકાય છે.

પ્રહલાદ પારેખ વિશે વિચારીએ તો ક્ષણાર્ધમાં ‘આજ’, ‘ઘેરૈયા’, ‘આપણે ભરોસે’, ‘બનાવટી ફૂલોને’ જેવી ઘણી રચનાઓ યાદ આવે. ‘બનાવટી ફૂલોને’ તો ગુજરાતી ભાષાની પ્રથમ આધુનિક કવિતા પણ કહેવામાં આવી છે. પણ અંધારાને અજવાળતું આ ગીત સાવ અલગ જ છે. અજવાળાંને તો ગામ આખું પૂજે પણ અંધારાને તો પ્રહલાદ પારેખ જેવો કોઈ પ્રકૃતિઘેલો કવિ જ પૂજી શકે… અંધારાને શણગારવાનું કલ્પન પોતે જ કેટલું ઉજાસભીનું છે! અંધકાર નિચોવીને અજવાસ કાઢે એનું જ નામ કવિ. મેઘજી દોઢેચા ‘મેઘબિંદુ’નું મજાનું ગીત તરત જ યાદ આવે:

અમે તમારાં અરમાનોને ઉમંગથી શણગાર્યા
અમે તમારાં સપનાંઓને અંધારે અજવાળ્યાં

તો રાજેન્દ્ર શુક્લ અંધારું વેચવા નીકળે છે:

ઊંટ ભરીને આવ્યું રે, અંધારું લ્યો.
આ પોઠ ભરીને આવ્યું રે, અંધારું લ્યો.
અમે તો મુઠ્ઠી ભરી મમળાવ્યું રે, અંધારું લ્યો.
અમને ભોર થતાં લગ ભાવ્યું રે, અંધારું લ્યો.

આપણા કવિ કહે છે, આજ અમે અંધારું શણગાર્યું. ગીતનો ઉપાડ ‘આજ’થી થાય છે. મતલબ, એક યા બીજા કારણોસર આજ પૂર્વે આ કામ કરાયું નથી. જિંદગીમાં તો ભાઈ, જાગ્યા ત્યાંથી સવાર. પ્રથમ પંક્તિમાં જ ‘અ’ની વર્ણસગાઈ ધ્યાન ખેંચ્યા વિના રહેતી નથી. આ વર્ણસગાઈ કવિતામાં આગળ જતાં ‘શ્યામલ-સોહાવ્યું’, ફૂલ-ફોરમ’, ‘આલી આલીને એનું અંગે અંગ’, ‘પાણીએ પાય’, ‘હૈયાના હરખે’ –એમ પંક્તિએ પંક્તિએ આવતી જ રહે છે, પરિણામે ગીતના પ્રવાહી લયસૌંદર્યમાં નક્કર નાદસૌંદર્ય પણ સંમિલિત થાય છે. ગીતની આસ્વાદ્યતા વધે છે. ગીતનો બીજો શબ્દ ‘અમે’ છે. કવિને આ અનનુભૂત અભૂતપૂર્વ કામ કર્યાનો લહાવો પોતાના એકલાના નામે નથી લૂંટી લેવો. કવિના આ ‘અમે’માં કવિની સાથોસાથ જે પણ કોઈ લોકો હશે એ તો હશે જ પણ ગીતના ભાવકો પોતે પણ જોતરાઈ ગયા હોવાનું અનુભવ્યા વિના નથી રહેતા, એ આ ‘અમે’ની ખરી ઉપલબ્ધિ છે. અંધારું આમેય વિરાટકાય દિવ્ય અનુભૂતિ છે. એને એકલા હાથે તો કેમ શણગારી શકાય? આ કામમાં તો ‘साथी हाथ बढाना’ કહેવું જ રહ્યું. અંધારાને શણગારવાના કારણે જે શ્યામલ હતું એ સોહી ઊઠ્યું છે. ભલે, કૃષ્ણ આપણો લોકનાયક કેમ ન હોય, પણ કાળો રંગ આપણા સમાજ અને આપણી સમજમાં હંમેશા ઊતરતું સ્થાન જ પામ્યો છે. આપણી સભ્યતામાં ગોરાની બોલબાલા જ વધુ રહી છે. પણ કવિ જ્યારે સાથે મળીને અંધારાને શણગારીને શ્યામલને શોભાવ્યું હોવાની વાત કરે છે ત્યારે ‘શ્યામલ’ શબ્દમાં ‘શ્યામ’માં છૂપાયેલ ઘનશ્યામ અને ‘મલ’માં છૂપાયેલ ‘મેલ-મલિનતા’ તરત જ અછતા થાય છે. અંધારાને શોભાવવાની સાથોસાથ શ્રીકૃષ્ણને અને આપણા મનના મેલને પણ સાફ કરીને, શણગારીને, શોભાવવાની વાત આપણા ચિત્તતંત્રમાં પ્રભવે છે. અને જન્મજાત અનાયામ અંધારાને એક નવો જ આયામ પ્રાપ્ત થાય છે.

આકાશ આ અંધારાને તારાઓ વડે તો ધરતી દીવાઓ પ્રગટાવીને શણગારે છે. ફૂલો ખુશબૂ રેલાવીને અંધારાના અંગ-અંગને, કણ-કણને મહેકાવે છે. તારા અને દીવડા તો માન્યું કે રાત્રે જ હોય પણ ફૂલોની ફોરમ તો દિવસે પણ હોવાની જ ને? તો, કવિ શા માટે એને રાત સાથે સાંકળે છે? ગીતમાં ક્યાંય રાતરાણી કે પારિજાત જેવા રાત્રે ખીલતાં ફૂલોનાં નામ પણ તો લખ્યાં નથી. રાતની વાત છે અને રાત્રે આગળ લખ્યું એમ, આંખ કશા કામની રહેતી નથી અને આંખના દીવા ઓલવાય છે ત્યારે નાક-કાનના દીવા આપોઆપ પ્રજ્વળી ઊઠે છે. એટલે જ રાતના અંધારામાં એ જ ખુશબૂ વધુ તીવ્રતર અનુભવાય છે, જે દિવસે ચૂકી જવાતી હોય છે. જેમ ઘ્રાણેન્દ્રિય, એમ શ્રવણેન્દ્રિય પણ અંધારામાં વધુ સતર્ક બની જાય છે. વહી જતું પાણી જાણે અંધારાના પગે ઘૂઘરા ન બાંધતું હોય અને એ પહેરીને અંધારું નર્તન ન કરતું હોય એમ પાણીનો ખળખળ ખળખળ અવાજ રાત્રે વધુ શ્રાવ્ય બને છે. અંધારાનું આ નર્તન જોઈ કવિને એમ લાગે છે, કે જાણે આ ધરતીના હૈયાનો જ હરખ છે, જે અંધારાને પણ આજે નચાવે છે. અહીં ફરીથી કવિ ‘આજ’ શબ્દ પ્રયોજે છે. મતલબ આ અહેસાસ આ પહેલાં થયો નહોતો. રાત તો કાયમ પડતી આવી છે પણ આવો પુણ્ય અહેસાસ કદીક જ થતો હોય છે. કવિ કાન્તને પણ ભવનાથના દરિયા પરથી થતા ચંદ્રોદયને જોઈને આ જ રીતે ‘આજ મહારાજ, જલ પરથી ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે’ જેવો એ દિ’ સુધી અનનુભૂત રહેલો અહેસાસ થયો હતો ને?! ‘सुबह होती है, शाम होती है, उम्र यूँ ही तमाम होती है’ (મુંશી અમીરુલ્લાહ તસ્લીમ)ની એકવિધતા તોડીને ક્યારેક એકાદ ચમકારો આપણી ભીતર એવો થાય છે કે બધું એનું એ જ અને રોજનું જ હોવા છતાં અચાનક આપણને એમાં કંઈક નાવીન્ય લાગે છે. આ ગીત આ નવીન અનુભૂતિનું ગીત છે.

આજે આ જૂનું નવીન કેમ થયું છે એની વાત કવિ હવે માંડે છે. કવિઓને પ્રિય વર્ષા હમણાં જ વીતી છે અને ઉનાળાભરની પ્યાસી ધરતી હવે પરિતૃપ્ત થઈ છે. કાળાં વાદળોના બોજથી લચી પડેલું આકાશ પણ ખાલી થતાં ખીલી ઊઠ્યું છે. આ મદમસ્ત ઋતુની ભીનાશ અને પરિતોષની અસરના લીધે કે અન્ય કોઈક અંગત કારણે કવિના ઊરમાં આજે ચોમેર આનંદરંગના ફૂવારા ઊછળી રહ્યા છે, જેના પરિણામસ્વરૂપ કોઈ દિવસ નહીં ને આજે આ અંધારું પણ આનંદના રંગોથી રંગાયું છે. મન પ્રફુલ્લિત હોય તો દોઝખ પણ જન્નત લાગે. સૂરજ અને ચાંદાના પૂજાવ્રતો તો રોજે-રોજ લોકો કરતાં આવ્યાં છે. બંને પ્રકાશના પ્રતીક છે. પણ કવિનું હૈયું આજે આનંદઘેલું છે એટલે એ આજે કાળાડિબાંગ અંધારાને પણ અપનાવી લે છે. કાવ્યારંભે જે ‘અમે’ એકાધિક લોકોના સમૂહ માટે પ્રયોજાયો હોવાનું લાગ્યું હતું એ ‘અમે’ કવિએ પોતાની જ જાત માટે માનાર્થે પ્રયોજ્યો હોવાનું પણ સમજાય છે, પણ એનાથી ભાવકોની કવિના ‘અમે’ સાથે તાદાત્મ્ય સાધતા હોવાની અનુભૂતિમાં લવલેશ ફર્ક પડતો નથી. હોળીની મસ્તીમાં જે રીતે दुश्मन भी गले मिल जाते हैं, એ જ રીતે આનંદોર્મિના આવેશમાં આજ સુધી જેની નકરી અવગણના જ કરતાં આવ્યાં હોઈએ, એને પણ અપનાવી બેસાય છે. માત્ર અપનાવી જ નથી બેસાતું, એને પોતાના આનંદના રંગે રંગી, શણગારી અને શોભાવી પણ બેસાય છે. કવિતામાં ‘આજ’નો પ્રયોગ શા માટે વિશેષ છે એ પણ સમજાય છે.

ભીતરી ભાર-અંધાર લઈ જાય દૂર, એવા કંઈ વાયરા આજ ભૂલા પડ્યા;
યુગયુગાન્તર પછી શબ્દ કાવ્યે ઢળ્યા, આજ અંધાર ખુશબો ભર્યો લાગતો.

ભીતરનો ભાર અને અંધકાર દૂર લઈ જાય એવું કંઈ થાય છે ત્યારે અંધારું ખુશબૂદાર લાગે છે. ઉપરોક્ત શેરની રદીફ પ્રહલાદ પારેખના જ અતિપ્રસિદ્ધ ગીતમાંથી જ લેવામાં આવી છે અને એનું શીર્ષક પણ ‘આજ’ છે. આ કાવ્યમાં રાત્રિના સૌંદર્યને સ્પર્શક્ષમ પરિમાણ આપી કવિએ અદભુત ઈંદ્રિયવ્યત્યય સાધ્યો છે. રાત્રિના શાંત પ્રહરમાં કવિ ચારેકોરથી કોઈ દિવ્ય સુગંધની અનુભૂતિ કરી રહ્યા છે. કદીક એ સુગંધ શાલવૃક્ષથી ખરતી મંજરીઓની ભાસે છે તો વળી સિંધુના પેલે પારથી આવતી પવનની લહેરખી એ પારથી કોઈ સુગંધ આણતું હોય એમ પણ લાગે છે. ત્યાં સુધી કે આકાશના તારા પણ આજે સુગંધ રેલાવતા લાગે છે. આ દિવ્ય આનંદ કયો છે જે આજે આખી રાતને ખુશ્બૂદાર કરી ગયો છે એ પ્રશ્નનો જવાબ તો ગીત પાસે જ માંગીએ:

આજ અંધાર ખુશબો ભર્યો લાગતો,
આજ સૌરભ ભરી રાત સારી;
આજ આ શાલની મંજરી ઝરી ઝરી,
પમરતી પાથરી દે પથારી. આજ 0

આજ ઓ પારથી ગંધને લાવતી
દિવ્ય કો સિંધુની લહરી લહરી;
આજ આકાશથી તારલા માંહીંથી
મ્હેંકતી આવતી શી સુગંધી ! આજ 0

ક્યાં, કયું પુષ્પ એવું ખીલ્યું, જેહના
મઘમઘાટે નિશા આજ ભારી ?
ગાય ના કંઠ કો, તાર ના ઝણઝણે :
ક્યાં થકી સૂર કેરી ફૂવારી ? આજ 0

હૃદય આ વ્યગ્ર જે સૂર કાજે હતું
હરિણ શું, તે મળ્યો આજ સૂર ?
ચિત્ત જે નિત્ય આનંદને કલ્પતું,
આવિયો તે થઈ સુરભિ-પૂર ? આજ 0

જુઇ – પ્રહલાદ પારેખ

સ્વર : સ્વતિ પાઠક
સંગીત સંચાલન – ચિંતન પંડ્યા
સ્વર – સ્વાતિ પાઠક

સાગરની ચાદર ઓઢીને સુરજ જ્યારે પોઢી જાય.
ભટુરીયાંશા તારલીયા લૈ ચન્દા આભે રમવા જાય.
ખીલેઃએ જુઇ ત્યારે.
તેને ગમતું અંધારે.

માનવ આ દુનીયાને છૉડી સવપ્નો ને સંસારે જાય,
સમીર કેરી લહેરે જ્યારે ફુલો ધીમા ઝોલાં ખાય.
જુઇ જતી રમવા ત્યારે
એને ગમતું અંધારે

પવન તણાં સંગાથે રમતી કોઇ વેળ સંતાકુકડી,
સંતાતી એ ને આવીને લે પળમાં પકડી;
ઘડીક તેની સાથે જાય,
મળતાં લાગ ફરી સંતાય.

તારા જો આભે હસતા તો ધરણી પર મલકાય;
શાને હસતા?એવી તે શી બન્ને વચ્ચે વાતો થાય?
પ્રભાત સાથે શું નવ વ્હાલ?
ઘેર જતી રે કાં શરમાળ?

– પ્રહલાદ પારેખ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

કાવ્યાસ્વાદ ૫ : વાતો – પ્રહલાદ પારેખ

કાવ્યાસ્વાદ – મધુસુદન કાપડિયા

હજુ ધીમે ધીમે, પ્રિય સખી! તહીં ઝાડ ઉપરે
સૂતેલા પંખીને કથની જરી જો કાને પડશે,
પ્રભાતે ઊઠી એ સકલ નિજને ગાન ધરશે:
કથા તારી મારી સકલ દિશ માંહી વહી જશે.

હજુ ધીમે ! ઊભું મુકુલ તહીં જો પર્ણ-પડદે
છુપાઈને; તેને શ્રવણ કદી જો વાત પડશે ,
સુવાસે તો કે’શે સકલ કથની એ અનિલને;
અને આ તીરેથી અવર તટ વાયુ લઇ જશે.

અને કૈં તારા, જો, નભથી છુટતા વાત સુણવા,
મૃદુ પાયે આવે શબનમ કરી કાન સરવા;
ઊંભું છે આજે, જો જગ સકલ એકાગ્ર થઈને,
ઝરે તારે શબ્દે પ્રણયરસ તે સર્વ ઝીલવા,

પછી તો ના વાતો : પ્રિયઅધર જે કંપ ઊઠતો,
ધ્વનિ તેનો આવી મુજ હ્રદયમાંહી શમી જતો

– પ્રહલાદ પારેખ

કાવ્યાસ્વાદ ૪ : અમે અંધારું શણગાર્યું – પ્રહલાદ પારેખ

કાવ્યાસ્વાદ – મધુસુદન કાપડિયા

આજ અમે અંધારું શણગાર્યું,
હે જી અમે શ્યામલને સોહાવ્યું.

ગગને રૂપાળું કર્યું તારા મઢીને એને, ધરતીએ મેલીને દીવા;
ફૂલોએ ફોરમને આલી આલીને એનું અંગે અંગ મહેકાવ્યું!
હો આજ અમે અંધારું શણગાર્યું,

પાણીએ,પાય એને, બાંધેલા ઘૂઘરા ખળખળ ખળખળ બોલે:
ધરણીના હૈયાના હરખે જાણે આજ અંધારાને યે નચાવ્યું!
હો આજ અમે અંધારું શણગાર્યું,

વીતી છે વર્ષા ને ધરતી છે તૃપ્ત આજ, આસમાન ખીલી ઊઠયું ;
ઊડે આનંદરંગ ચોમેર અમારો, એમાં અંધારું આજે રંગાયું!
હો આજ અમે અંધારું શણગાર્યું,

થાય છે રોજ રોજ પૂજા સૂરજની ને ચાંદાનાયે વ્રત થાતાં :
આનંદઘેલા હૈયે અમારાં આજ અંધારાને ય અપનાવ્યું!
હો આજ અમે અંધારું શણગાર્યુ,

– પ્રહલાદ પારેખ

કાવ્યાસ્વાદ ૩ :ઘાસ અને હું – પ્રહલાદ પારેખ

જ્યાં સુધી પહોંચે નજર,
ત્યાં સુધી બસ ઘાસનો વિસ્તાર છે;
ને પછી આકાશ કેરી
નીલરંગી ક્ષિતિજ કેરી ધાર છે.

પૃથ્વીના આનંદનાં સ્પંદન સમાં
તરણાં હલે છે વારવાર;
ના ખબર કે શા સંબંધે
સર્વ સંગે એહ, મારો પ્યાર છે.
એ હલે છે આવતાં ધીમો પવન,
થાય છે એવું જ મારા ચિત્તમાંહીયે ચલન.

જોઉં છું વહેલી સવારે એમને
ને ખુશીથી મહેક મહેકે છે મને.
ઝાકળેથી એ બધાંયે શોભતાં.
જોઈ આંસુ હર્ષ કેરાં આંખમાં આવી જતાં!

થાય છે મારી નજર જાણે હરણ
ને રહે છે ઠેકતી એ ઘાસમાં:
ના છબે છે એક પળ એના ચરણ.
સ્પર્શતો એને નહીં,
ને નજાકત તોય એની
અનુભવું છું મન મહીં !

ને બપોરે હેમ શા તડકા તણું
ને હરિત એવા ઘાસનું થાયે મિલન :
આભનું, ધરતી તણું, એ બેઉ માંહી,
લાગતું કે, મન મળ્યું;
જોઈને એ ક્યાંકથી મુજ દિલ મહીં
આનંદ કેરું મધ ગળ્યું!

સાંજવેળા તેજ, છાયા, ઘાસ, સૌ
સાથે મળીને ખેલતાં ;
સાદ પાડી ચિત્તને મારા ય, સંગે લઈ જતાં!
એમના એ ખેલને જોઈ રહું,
ને હર્ષપુલકિત થઈ જઉં,
પુલકને એ જોઈને લાગે મને
કે ઘાસ જુદે રંગ, મારે અંગ,
નાનું રૂપ લઇ વ્યાપી રહ્યું!

કેવી અહો! આ મન તણી છે સાધના,
(વા નેહની એને કહું આરાધના?)
કે જોઉં જેને બા’ર
તેને અંગમાં ને અંતરે હું અનુભવું!
રે સ્વપ્નમાં એ ઘાસનું એ ચહુદિશે
સુખદ એવું જોઉં છું હું ફરકવું.

કાવ્યાસ્વાદ ૨ :આજ અંધાર ખુશબો ભર્યો લાગતો – પ્રહલાદ પારેખ

સ્વર – દર્શન જોશી
સ્વરાંકન – ચિંતન પંડ્યા

કાવ્યાસ્વાદ – મધુસુદન કાપડિયા

આજ અંધાર ખુશબો ભર્યો લાગતો,
આજ સૌરભ ભરી રાત સારી;
આજ આ શાલની મંજરી ઝરી ઝરી,
પમરતી પાથરી દે પથારી.
આજ અંધાર
આજ ઓ પારથી ગંધને લાવતી
. દિવ્ય કો સિંધુની લહરી લહરી;
આજ આકાશથી તારલા માંહીંથી
મ્હેંકતી આવતી શી સુગંધી !
આજ અંધાર
ક્યાં, કયું પુષ્પ એવું ખીલ્યું, જેહના
મઘમઘાટે નિશા આજ ભારી ?
ગાય ના કંઠ કો, તાર ના ઝણઝણે :
ક્યાં થકી સૂર કેરી ફૂવારી ?
આજ અંધાર
હૃદય આ વ્યગ્ર જે સૂર કાજે હતું
હરિણ શું, તે મળ્યો આજ સૂર ?
ચિત્ત જે નિત્ય આનંદને કલ્પતું,
આવિયો તે થઈ સુરભિ-પૂર ?
આજ અંધાર
– પ્રહલાદ પારેખનાં કાવ્યો
કાવ્યાસ્વાદ: મધુસૂદન કાપડિયા 2015

કાવ્યાસ્વાદ ૧ : પ્રસ્તાવના અને પ્રહલાદ પારેખના બે કાવ્યોનો આસ્વાદ

‘કાવ્યાસ્વાદ’ કાર્યક્રમની પ્રસ્તાવના – શ્રી મધુસુદન કાપડિયા
https://www.youtube.com/watch?v=9HLg2O_hG-4

પ્રહલાદ પારેખના બે કાવ્યો – ‘વિદાય’ અને ‘બનાવટી ફૂલોને’ નો શ્રી મધુસુદન કાપડિયાએ કરાવેલો આસ્વાદ
(કાવ્યના શબ્દો – વિડિયોની નીચે લખેલા છે). આપના પ્રતિભાવો અહીં નીચે આપેલા comment boxમાં લખી શકો છો.

વિદાય

કદી નહિ કહું, ‘મને જ સ્મરણે સદા રાખજે,
અને નયનપંથનું અવર વિશ્વ તું ત્યાગજે’ ;
પરંતુ ગગનાંગણે, અવનિમાં અને સિંધુમાં,
મળે અધિક જે તને મુજ થકી, ઉરે થાપજે.

પરસ્પર કરી કથા રજની ને દિનો ગાળિયા;
અનેક જગતો રચી સ્વપ્નમાં, વળી ભાંગિયાં.
કઠોર થઈને કદીક તુજ આંસુ જોયા કર્યાં;
કદીક તુજ ગોદ શીશ ધરી હીબકાં મેં ભર્યાં.

મળે અધિક ઊજળા દિન અને મીઠી રાતડી,
જજે સકલ તો ભૂલી રજનિ ને દિનો આપણાં ;
રચે સ્વપન ભવ્ય કો જગતનું બીજા સાથમાં,
ભલે વીસરજે પછી જગત આપણે જે ઘડ્યાં.

છતાંય સ્મરણે ચડી વિપળ એક જો હું લઉં,
ઉદાર તવ ઉરની પ્રથમથી ક્ષમા તો ચહું .

*******

બનાવટી ફુલોને

તમારે રંગો છે,
અને આકારો છે,
કલાકારે દીધો તમ સમીપ આંનંદકણ છે,
અને બાગોમાંનાં કુસુમ થકી લાંબું જીવન છે.

ઘરોની શોભામાં,
કદી અંબોડામાં,
રહો છો ત્યાં જોઈ ઘડીકભર હૈયું હરખતું,
પ્રશંસા કેરાં એ કદીક વળી વેણો ઊચરતું.

પરંતુ જાણ્યું છે,
કદી વા માણ્યું છે,
શશિનું, ભાનુંનું, ક્ષિતિજ પરથી ભવ્ય ઊગવું ?
વસંતે વાયુનું રસિક અડવું વા અનુભવ્યું?

ન જાણો નિંદું છું,
પરંતુ પૂછું છું :
તમારા હૈયાનાં ગહન મહીંયે આવું વસતું :
દિનાન્તે આજે તો સકલ નિજ આપી ઝરી જવું.

પેલા ખેતર કેરે શેઢે (પાવા) – પ્રહલાદ પારેખ

સ્વર – સ્વાતિ પાઠક અને કોરસ
સંગીત સંચાલન – ચિંતન પંડ્યા
વાદ્ય વ્રુંદ – ક્ર્મવીર મહેતા (તબલા), જયદીપ શાહ (કી બોર્ડ). અભિજીત ગોહિલ (સાઇડ રીથમ)

પેલા ખેતર કેરે શેઢે રે,
ખેતર કેરા શેઢે કોઈ પાવા બજવતું જાય;
એના સૂર કેરી તાણે રે,
સૂર કેરી તાણે એક મનડું તણાય.

પેલા શ્રાવણને સરવડે રે,
શ્રાવણને સરવડે મોલ ડોલી જાય;
એવા સૂર કેરે ફોરે રે,
સૂર કેરે ફોરે એક દિલ કૉળી જાય!

જેવું સીમ કેરી કાયે રે,
સીમ કેરી કાયે તેજ સોનેરી સોહાય,
એવું એક મન માહેં રે,
એક મન માંહે સુખ સૂરનું છવાય.

આવી મેહુલે બનાવી રે,
મેહુલે બનાવી જેવી ભૂમિ હરિયાળી;
એવી દિલ કેરી ભોમે રે,
દિલ કેરી ભોમે સૂરે શોભા જનમાવી.

અલ્યા, પૂછું હું, અજાણ્યા રે,
પૂછું હું, અજાણ્યા, મેં જે ગીત ગાયાં છાનાં,
એ તો કેમ કરીને આજે રે,
કેમ કરીને આજે તારા પાવામાં ઝીલાણાં?

– પ્રહલાદ પારેખ

કોની વાટ ? – પ્રહલાદ પારેખ

સ્વર – કર્મવીર મહેતા
સ્વરાંકન – ?

થાવાનું છે તારે, નાના મટીને વિરાટ.
થાવાનું છે તારે, નાના મટીને વિરાટ.

કોની જુવે છે તું વાટ, અભાગી !
કોની જુવે છે તું વાટ ?
કોણ રે આવી ,નાવ લાવે તુજ,
નાંગરશે ઉર ઘાટ ?
-અભાગી ૦

ઉઠ ,ઉભો થા, ઝાલી લે લાકડી,
લૈ લે તારી કંધે તું. ગાંસડી;

આવવાનુ નથી કોઇ તેથી ના રે’વુ રોઇઃ.
જાવાનું તારે , થાવાનું છે તારે,
નાના મટીને વિરાટ.
– અભાગી ૦

આફત આવશે આભથી ઉતરી,
લેશે ધરા નિજ દુખમા જોતરી,
તોય છે તારે માથે,થઇ એક જવું સૌ સાથે;
લેખ લખ્યા છે એ,માનવી. તારે
એક જ, ભવ્ય, લલાટ.
– અભાગી ૦

– પ્રહલાદ પારેખ