Category Archives: કાવ્યપ્રકાર

સુ.દ. કહોને મળશું ક્યારે ? – હિતેન આનંદપરા

સુ.દ. તમને કઈ જગાએ ગોતું ?
મારી આંખો નાનકડી ને રૂપ તમારું મોટું !

એક નથી સરનામું તમારું એક નથી રે કાયા
ચારેબાજુ રમી રહ્યા છે સૂરજના પડછાયા
એક કિરણ છે હસ્તુંરમતું, એક કિરણ છે રોતું
તમને કઈ જગાએ ગોતું ?

કેમ છે તું ? આ સવાલ પૂછ્યો અને બની ગ્યા મૂર્તિ !
કઈ રીતે વાંચીશ તમારા લેખ વિનાની પૂર્તિ ?
ક્રમશ: મૂકી દીધું સંબંધનું પાનું ચોથું !
તમને કઈ જગાએ ગોતું ?

‘કવિતા’ નું મેટર બોલાવે, જલદી પાછા મળીએ
ગરમ ઉકાળો પીતા પીતા કુંજગલીમાં વળીએ
બે સ્ટેશનની વચ્ચે કોઈ રાહ તમારી જોતું.
તમને કંઈ જગાએ ગોતું ?

‘આવજો’ કહીને તમે ગયા છો, પાછા કેમ ન આવો ?
ખુરશી બાવરી પૂછે : મારા સાહેબ ક્યાં છે બતાવો ?
મંદિર પાસે જવાબ ક્યાં છે ? એ પણ બોલે ખોટું.
તમને કઈ જગાએ ગોતું ?

– હિતેન આનંદપરા
(સુ.દ.ના અંતિમ સંસ્કારના દિવસે લખાયેલો ઝુરાપો) ૧૧/૮/૨૦૧૨
રવિવાર, ૧૨/૮/૨૦૧૨ જન્મભૂમિ પ્રવાસીમાં છપાયેલું કાવ્ય.

જયારે અણધાર્યું કોઈ ગમી જાય – તુષાર શુકલ

indian_poster_ae17_l-sml

(જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે…)

પ્રેમમાં તો એવું યે થાય છે, સાવ અણધાર્યું કોઈ ગમી જાય છે,
પ્રેમમાં ના પડવાનું, ઉપડવાનું છે રે સખી, ઉડવાનું સંગાથે થાય છે;
જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

આકાશે આષાઢી વાદળનો વૈભવ ને છાતીમાં અણજાણ્યો ડૂમો,
ઝરમરની આંખોમાં જામે તૈયારી તમે પાલવને એકલાં જ ચૂમો;
ત્યારે અંદરથી મેઘ કોઈ ગાય છે, જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

આસપાસ બળબળતું રેતીનું રણ હો જાણે એવું પથારીમાં લાગે,
ફાટ ફાટ નસનસમાં પૂર હો તરસનાં ને કંઠે કોઈ શોષ બની જાગે;
ત્યારે અંદર વસંત કોઈ ગાય છે, જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

ઓરડાની એકલતા થથરાવી જાય અને હૈયું આ સાથ કોઈ માગે,
હાથ મહીં હાથ હો ને ગમતો સંગાથ હો તો રુંવાડે આગ કોઈ જાગે;
ત્યારે અંદર હેમંત કોઈ ગાય છે, જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

મોસમ બદલાય ભલે, મનડું બદલાય નહીં પ્રીત તણી રીતો બદલાય છે,
પ્રેમમાં જો હોઈએ તો પ્રેમમાં જ રહીએ, બસ એવું એવું પ્રેમમાં તો થાય છે;
જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.

-તુષાર શુકલ

કાન ઓળખાતા નથી – હરીન્દ્ર દવે

સ્વર: હેમા દેસાઈ
સ્વરાંકન – આશિત દેસાઇ

.

અમે સાંભળ્યું એ વાંસળીને વાતા નથી
કે આજ કેમે કર્યા કાન ઓળખાતા નથી.

હવે મધુવન તો જાણે કોઈ શમણાની વાત,
હવે યમુનાને તીર ઝૂરે એકલી ન જાત,
વહે વાસંતી વાયરો ને શાતા નથી,
આજ કેમે કર્યા કાન ઓળખાતા નથી.

ક્યાંક આછો મલકાટ જાણે ખખડે છે પાન,
હોઠ ફફડે ને તોય નથી સંભળાતું ગાન,
ફૂલ ઉપવનની ભીડમાં સમાતાં નથી,
આજ કેમે કર્યા કાન ઓળખાતા નથી.

– હરીન્દ્ર દવે

મોરપિચ્છની રજાઈ ઓઢી – સુરેશ દલાલ

Update at 10.15 pm of August 10, 2012:
ગુજરાતી ભાષાને કવિતાનો દરિયો જેમણે આપ્યો – એ વ્હાલા કવિ શ્રી સુરેશ દલાલ હવે આપણી વચ્ચે નથી! ગુજરાતી પ્રજા હંમેશા આ કવિની ઋણી રહેશે, અને કવિતા થકી કવિશ્રી હંમેશા આપણી સાથે જ રહેશે! કવિ શ્રી ને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી!

અમે એવા છઇએ, અમે એવા છઇએ.
તમે માછલી માગો ને અમે દરિયો દઇએ.

– સુરેશ દલાલ
———————————————————–

Posted at 5.25 am of August 10, 2012:

આદિ કવિ નરસિંહ મહેતાથી લઇને અર્વાચિન કવિઓની વાત કરીએ – એ બધામાં ‘ગુરુત્તમ સામાન્ય અવયવ’ એટલે કૃષ્ણ..!

તો આજે ‘જન્માષ્ટમી’ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણો એક મઝાનું કૃષ્ણકાવ્ય..! કવિ કહે – “અમે તમારા સપનામાં તો નક્કી જ આવી ચડાશું…” આહા…! પૂર્ણ સમર્પણ વગર આટલો confidence શક્ય જ નથી. અને આ મઝાના શબ્દોને સ્વર-સંગીત પણ એવા મળ્યા છે કે કૃષ્ણમય થયા વિના છૂટકો જ નથી..!!

સ્વર : હરિહરન
સંગીત : આશિત દેસાઇ

મોરપિચ્છની રજાઈ ઓઢી
તમે સૂઓને શ્યામ
અમને થાય પછી આરામ….

મુરલીના સૂરનાં ઓશીકાં
રાખો અડખે-પડખે
તમે નીંદમાં કેવા લાગો
જોવા ને જીવ વલખે
રાત પછી તો રાતરાણી થઇ
મ્હેકી ઊઠે આમ….

અમે તમારા સપનામાં તો
નક્કી જ આવી ચડાશું
આંખ ખોલીને જોશો ત્યારે
અમે જ નજરે પડશું
નિદ્રા-તંદ્રા-જાગૃતિમાં
ઝળહળભર્યો દમામ….

– સુરેશ દલાલ

નહીં આવું – હરીન્દ્ર દવે

ગોકુળથી ગોવર્ધન જાવું
ને શ્યામ, તોય વચ્ચે વૃંદાવન નહીં આવું.

દાણતણો લેશ નથી ડર રે ઓ કાન!
એમ અમથા ફુલાતા નહીં મનમાં,
બંસરીનો નાદ હવે ભૂલવે ના રાહ
હવે સૂણતી એ સૂર ક્ષણેક્ષણમાં;
સંતાશો તોય નહિ શોધું, ઓ કાન,
તને કહો તો એ માન પણ મુકાવું.

ફોગટના પોરસાઓ નહિ રે ઓ કાન,
હવે ભૂલી પડું ન કુંજગલીએ,
સામે આવીને તમે રસ્તો રોકો તો અમે
આડબીડ મારગે ઊપડીએ;
કોઈનીયે રોક, કે ન કોઈનીય ટોક
હવે મારગ મળે એમ જાવું.

અમને મિલન કેરો આવડિયો મંતર રે
ખોવાયું હોય એ જ ખોળે,
દીધું’તું એથી તો કૈંક ગણું પામ્યાં, હાથ
આવ્યું રતન કોણ રોળે?
જેને ગરજ હોય આવે ને સ્હાય હાથ
મારે તે શીદને મૂંઝાવું!

– હરીન્દ્ર દવે

સોનાના બોર ઝુલે….. – શ્રી બ્રહ્માનંદ સ્વામી

સ્વર – પ્રફુલ દવે
આલ્બમ – રસિયો રાસ રમે

ઘનશ્યામ મહારાજ

સોનાના બોર ઝુલે નંદકિશોર, પ્યારાને પારણે સોનાનાં બોર,
હીરા માણેક બહુ જડિયાં પારણિયે,
કાજુ શોભે છે રૂડી મોતીડાની કોર….

કોડે ઝુલાવે પ્યારી, કહાન કુંવરને,
હાથે ગ્રહીને રૂડી હીરલાની દોર….

કોઈક કા’નાને નેણે સારે કાજળિયું,
કોઈક બનાવે કસ્તૂરીની ખોર….

બ્રહ્માનંદ કહે મુખ રસિયા વા’લમનું,
ગોપી જુએ છે જેમ ચન્દ્ર ચકોર….

– શ્રી બ્રહ્માનંદ સ્વામી

(Audio file અને શબ્દો માટે કમલેશ ધ્યાનીનો આભાર)

શ્યામ તને હું સાચ્ચે કહું છું – સુરેશ દલાલ

આસ્વાદ – તુષાર શુક્લ
સ્વર – આરતી મુન્શી
સંગીત – ગૌરાંગ વ્યાસ
સંગીત સંચાલન – શ્યામલ – સૌમિલ મુનશી
આલ્બમ – મોરપિચ્છ

સ્વર – ઐશ્વર્યા મજમુદાર
સંગીતકાર – ગૌરાંગ વ્યાસ
આલ્બમ – ઐશ્વર્યા

શ્યામ તને હું સાચ્ચે કહું છું, માન મલાજો લોપી;
હું તો તારી, હે ગિરિધારી ગયા જનમની ગોપી.

જાણીતી ને તોય અજાણી, એક યમુના વહ્યા કરે,
એક વાંસળી મોરપીંછની મૂંગી મૂંગી સહ્યા કરે;
સૂર શબ્દની સીમાએથી આંખ આંખમાં રોપી,
હું તો તારી, હે ગિરિધારી ગયા જનમની ગોપી.

કીયા જનમનાં કદંબો ઉગ્યાં કીયા જનમની છાયા,
મીરાં ને મોહન મુખડાની અનંત લાગી માયા;
શ્યામલ તારા ચરણ કમળમાં સઘળું દીધું સોંપી,
હું તો તારી, હે ગિરિધારી ગયા જનમની ગોપી.

– સુરેશ દલાલ

તું અહીંયાં રમવા આવ મઝાની ખિસકોલી – ત્રિભુવનભાઈ વ્યાસ

સ્વર – મેઘધનુષ આલ્બમના બાળ કલાકારો

મઝાની ખિસકોલી.... Picture: Vivek Tailor

 

તું અહીંયાં રમવા આવ મઝાની ખિસકોલી
તું દોડ તને દઉ દાવ મઝાની ખિસકોલી

તું કેવી હસે ને રમે મઝાની ખિસકોલી
તારા કૂદકાતો બહુ ગમે મઝાની ખિસકોલી

તું જ્યારે ખિલખિલ ગાય મઝાની ખિસકોલી
તારી પૂંછડી ઊંચી થાય મઝાની ખિસકોલી

તારે અંગે સુંદર પટા મઝાની ખિસકોલી
તારી ખાવાની શી છટા મઝાની ખિસકોલી

તું ઝાડે ઝાડે ચડે મઝાની ખિસકોલી
કહે કેવી મઝા ત્યાં પડે મઝાની ખિસકોલી

બહુ ચંચળ તારી જાત મઝાની ખિસકોલી
તું ઉંદરભાઈની નાત મઝાની ખિસકોલી

તું અહીંયાં રમવા આવ મઝાની ખિસકોલી
તું દોડ તને દઉ દાવ મઝાની ખિસકોલી

એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે – મહેશ શાહ

એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે……

સ્વર : સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

આસ્વાદ : તુષાર શુક્લ
સ્વર : વૃંદ
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
સંગીત સંચાલન : શ્યામલ – સૌમિલ મુનશી
આલ્બમ : મોરપિચ્છ

એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે ગોકુળિયે ગામ નહિ આવું,
જમનાનાં વ્હેણમાંથી પાણી લઇ મૂકો કે મુરલીની તાન નહિ લાવું.

જમનાને તીર તમે ઊભા તો એમ જાણે ઊભો કદમ્બનો પ્હાડ,
લીલેરી લાગણીઓ ક્યાંય ગઇ ઓસરીને રહી ગઇ વેદનાની વાડ,
ફૂલની સુવાસ તણા સોગન લઇ કહી દો કે શમણાંને સાદ નહિ આવું.

આટલી અધીરતા જવામાં છે કેમ જરા એક નજર ગાયો પર નાખો,
આખરી યે વાર કોઇ મટુકીમાં બોળીને આંગળીનું માખણ તો ચાખો,
એકવાર નીરખી લે ગામ પછી કહી દો કે પાંપણને પાન નહિ આવું.

– મહેશ શાહ

આ લાલ-પીળો દોરો – અવિનાશ વ્યાસ

આજે બધી બહેનોના વ્હાલકડા ભાઇઓ અને ભાઇઓની લાડકડી બહેનોને અમારા સર્વ તરફથી રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!
અને સાથે સાંભળો આ મઝાનું ગીત..! અને હા, થોડું હોમવર્ક પણ છે તમારા માટે – ખાલી જગ્યા પૂરો! 🙂

સ્વર – આશા ભોસલેં
સંગીત – અવિનાશ વ્યાસ
ગુજરાતી ફિલ્મ – રમ્મત રમાડે રામ (૧૯૬૪)

આજ કાચા રે સૂતર કેરા તારનો તહેવાર
નાચો નાચો નરનાર
લઇ ફૂલકેરા હાર હાલો બંધવાને તાર
_________(?)

આ લાલ-પીળો દોરો
એને તાણેવાણે બાંધુ _________(?)

ભાઇ અને બેનની એવી રે સગાઇ કે
જનમો જનમ ના આવે જુદાઇ
દુખનો પડછાયો કદી આવે નહીં ઓરો
આ લાલ-પીળો દોરો

રીમઝીમ રીમઝીમ શ્રાવણની ધાર…
___________(?)

ભલો થાજે લાડકો તું જણનારી માવલડીનો
ભલો થાજે પીયુડો તું ગોરી ગોરી ભાભલડીનો
________(?) ભાઇ રહેજે મારો

આજ કાચા રે સૂતર કેરા તારનો તહેવાર
નાચો નાચો નરનાર
લઇ ફૂલકેરા હાર હાલો બંધવાને તાર
_________(?)

– અવિનાશ વ્યાસ

**************

અને હા – રક્ષાબંધનની સાથે આ ગીતો તો કેમ ભૂલાય?
કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી.. – અવિનાશ વ્યાસ 
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે… 
રક્ષાબંધન.. હો રક્ષાબંધન – ડો. દિનેશ શાહ 
ઇટ્ટા કિટ્ટા… – સુરેશ દલાલ
રક્ષાબંધન Special – જાહલની ચિઠ્ઠી