Update at 10.15 pm of August 10, 2012:
ગુજરાતી ભાષાને કવિતાનો દરિયો જેમણે આપ્યો – એ વ્હાલા કવિ શ્રી સુરેશ દલાલ હવે આપણી વચ્ચે નથી! ગુજરાતી પ્રજા હંમેશા આ કવિની ઋણી રહેશે, અને કવિતા થકી કવિશ્રી હંમેશા આપણી સાથે જ રહેશે! કવિ શ્રી ને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી!
અમે એવા છઇએ, અમે એવા છઇએ.
તમે માછલી માગો ને અમે દરિયો દઇએ.
– સુરેશ દલાલ
———————————————————–
Posted at 5.25 am of August 10, 2012:
આદિ કવિ નરસિંહ મહેતાથી લઇને અર્વાચિન કવિઓની વાત કરીએ – એ બધામાં ‘ગુરુત્તમ સામાન્ય અવયવ’ એટલે કૃષ્ણ..!
તો આજે ‘જન્માષ્ટમી’ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણો એક મઝાનું કૃષ્ણકાવ્ય..! કવિ કહે – “અમે તમારા સપનામાં તો નક્કી જ આવી ચડાશું…” આહા…! પૂર્ણ સમર્પણ વગર આટલો confidence શક્ય જ નથી. અને આ મઝાના શબ્દોને સ્વર-સંગીત પણ એવા મળ્યા છે કે કૃષ્ણમય થયા વિના છૂટકો જ નથી..!!
સ્વર : હરિહરન
સંગીત : આશિત દેસાઇ
મોરપિચ્છની રજાઈ ઓઢી
તમે સૂઓને શ્યામ
અમને થાય પછી આરામ….
મુરલીના સૂરનાં ઓશીકાં
રાખો અડખે-પડખે
તમે નીંદમાં કેવા લાગો
જોવા ને જીવ વલખે
રાત પછી તો રાતરાણી થઇ
મ્હેકી ઊઠે આમ….
અમે તમારા સપનામાં તો
નક્કી જ આવી ચડાશું
આંખ ખોલીને જોશો ત્યારે
અમે જ નજરે પડશું
નિદ્રા-તંદ્રા-જાગૃતિમાં
ઝળહળભર્યો દમામ….
– સુરેશ દલાલ