Category Archives: કાવ્યપ્રકાર

લાગી રે લગન – રાજેન્દ્ર શાહ

આજે એક જ ગીત… ત્રણ અલગ અલગ સ્વરમાં..!! આમ તો ઘણીવાર ટહુકો પર એકજ ગીત અલગ-અલગ ગાયકોના સ્વરમાં મુકુ છું, પણ આજે ખૂબી એ છે કે – ત્રણે ગીતોના સ્વરાંકન પણ અલગ અલગ છે..! એક જ ગીત આમ ગુજરાતના દિગ્ગજ સ્વરકારો – ગાયકો પાસે જુદા જુદા રાગ-સ્વરૂપમાં સાંભળવાની મઝા આવશે ને? 🙂

સ્વર: મન્ના ડે
સંગીત : નીનુ મઝુમદાર

.

સ્વર: હેમા દેસાઇ
સંગીત : ક્ષેમુ દિવેટીઆ

.

સ્વર: હંસા દવે
સંગીત : ક્ષેમુ દિવેટીઆ

.

લાગી રે લગન
પિયા! તોરી લાગી રે લગન

રેણ રે ઝૂમેલી બરિખન માસની
રૂમઝૂમ રેલ્યો અંધકાર
ભીને રે અંચળ ભમતો રાનમાં
ફૂલની ફોરમનો લઈ ભારઃ
વીજને તેજે તે પેખું પંથને,
ઉરમાં એક રે અગન.

તમરાં બોલે રે તરુવરપુંજમાં
જલપે ઝરણાં હજાર,
અડધી રાતે યે મનનો મોરલો
મારો ગાયે રે મલારઃ
આભ રે વીંટાયું અવની અંગને
એવાં મિલને મગન.

શું બોલીએ? – રમેશ પારેખ

કવિ શ્રી રમેશ પારેખને એમના જન્મદિવસ… ૨૭મી નવેમ્બરે .. આપણા બધા તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..!! સાંભળીએ એમની એક ગઝલ – એમના જ સ્વરમાં.

અને હા.. રમેશ પારેખ વિશે થોડું વધારે જાણવા, એમના સ્વરમાં બીજી થોડી કવિતાઓ માણવા.. એમની વેબસાઇટ – છ અક્ષરનું નામ – જોવાનું ચૂકશો નહી.

.

શબ્દની બેડી પડી છે જીભમાં શું બોલીએ?
ને તમે સમજી શકો નહી મૌનમાં શું બોલીએ?

બહાર ઊભા હોત તો તસવીરની ચર્ચા કરત,
આ અમે ઊભા છીએ તસવીરમાં શુ બોલીએ!

લોહીમાં પણ એક બે અંગત ખૂણાઓ છે રમેશ !
એ ઊભા છે આપના સત્કારમાં, શું બોલીએ?

– રમેશ પારેખ

દરિયાનો ઓટોગ્રાફ – જિગર જોષી ‘પ્રેમ’

દરિયા સાથે દોસ્તીવાળું એક મઝાનું ગીત… મારા જેવા ઘણાને થશે કે – અરે! આ તો આપણી જ વાત….!

(દરિયા સાથે દોસ્તી… Stinson beach, CA – April 09)

* * * * *

અમે જોયું છે સાવ સગી આંખે
દરિયાનો ઓટોગ્રાફ આપવાને આવે છે મોજાઓ રોજ રોજ કાંઠે
અમે જોયું છે સાવ સગી આંખે

એને જોવાને જઈએ ભઈ સાંજકના રોજ અમે દરિયાના પહેલેથી ફેન
રેતીને સ્પર્શી એ તો ફૂટે છે ગીત અને અંગુલી થઈ જાયે પેન
છીપલાના ઓરડાથી શબ્દોના મોતિડાં ઝીણું ઝીણું રે સહેજ ઝાંખે
અમે જોયું છે સાવ સગી આંખે

દરિયાને જેમ અમે મળવા જઈએને એમ દરિયો પણ આવે છે મળવા
સોરી હો ‘પ્રેમ ‘ જરા બીઝી હતોને… મને દેખીને લાગે કરગરવા
મૂકીને મન પછી ભેટવાને આવે ને બોજ બધો ઊતારી નાખે
અમે જોયું છે સાવ સગી આંખે

– જિગર જોષી ‘પ્રેમ’

આજ રીસાઇ અકારણ રાધા… – સુરેશ દલાલ

કવિ : સુરેશ દલાલ

.

આજ રીસાઇ અકારણ રાધા…
આજ રીસાઇ અકારણ
બોલકણીએ, મૂંગી થઇ ને
મૂંગું એનું મારણ

મોરલીના સૂર છેડે માધવ
વિધવિધ રીતે મનાવે
નીલ-ભૂરા નીજ મોરપિંછને
ગોરા ગાલ લગાવે

આજ જવાને કોઇ બહાને
નેણથી નીતરે શ્રાવણ
રાધા.. આજ રીસાઇ અકારણ

છાની છેડ કરે છોગાળો
જાય વળી સંતાઇ
તોય ન રીઝે રાધા
કા’નનું કાળજું જાયે કંતાઇ

થાય રે આજે શામળિયાને
અંતરે બહુ અકળામ
રાધા… આજ રીસાઇ અકારણ

આજ રીસાઇ અકારણ
રાધા… આજ રીસાઇ અકારણ

વૃક્ષ પરનો એક ટહુકો – ગૌરાંગ ઠાકર

(જેનો પર્યાય નથી….. Niagara Falls, June 09)

* * * * *

એક તો તારો મને પર્યાય દેખાતો નથી,
ને ઉપરથી તું સરળતાથી અહીં, મળતો નથી.

તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો,
રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.

ફૂંક મારીને તું હવાને આટલી દોડાવ ના,
ધૂળ છે કે મ્હેંક, એનો ભેદ પરખાતો નથી.

એક માણસ ક્યારનો આંસુ લૂંછે છે બાંયથી,
આપણાથી તો ય ત્યાં રૂમાલ દેવાતો નથી.

ડાળથી છૂટું પડેલું પાંદડું પૂછ્યા કરે,
વૃક્ષ પરનો એક ટહુકો કેમ ભૂલાતો નથી ?

ભીતરી આખી સફર પર ચાલવાની છે મજા,
એકલા બસ આપણે એ ભીડનો રસ્તો નથી

– ગૌરાંગ ઠાકર

————–

(આભાર : શબ્દ-સાગરના કિનારે…)

તું જ મોજું થઈ મળવાને આવ ને ! – તુષાર શુક્લ

સૂર-સંવાદ (આરાધનાબેન)એ લીધેલી મુલાકાત દરમ્યાન તુષારભાઈએ સંભળાવ્યું હતું.. એ એમનું ગીત..
તુષારભાઇનું પેલું સૌનું જાણીતું – માનીતું ગીત.. ‘દરિયાના મોજા કંઇ રેતીને પૂછે, તને ભીંજાવું ગમશે કે કેમ? એમ, પૂછીને થાય નહીં પ્રેમ…! – એ ગીત એક પુરુષની અભિવ્યક્તિ છે..! એ જ પ્રતિકો લઇને, એક સ્ત્રીના ભાવોને ઉજાગર કરતું આ ગીત કવિતા પોતાના અવાજમાં સાંભળવાનો એક અનોખો લ્હાવો છે.

( તું જ મોજું થઈ મળવાને આવ ને ! …. Fort Bragg – California, August 2008 )
* * * * * * *

પેલી મોજાંએ ભીંજવેલી રેતી, સજન ! મને કાનમાં એ એટલું કહેતી, સજન…
‘તારા સાજનને એવું સમજાવ ને,
તું જ મોજું થઈ મળવાને આવ ને !’

રોજ ભીંજાતી રેત થાય કોરીધાકોર, રોજ ભીંજવતાં મોજાં પણ નવ્વાનક્કોર,
એક તરસે ને એક વળી વરસાવે હેત, મને સમજાયો હેત કેરો સાચો સંકેત,
હું તરસું, તું વ્હાલપ વરસાવ ને…!
મને મોજું થઈ મળવાને આવ ને…!

કોરી રેતીને ભીંજવતા મોજાં સમો પ્રેમ વર્ષો વિતે ને તોયે રહેતો નવો,
કોઈ બાંધે ન કોઈને એ સાચો સંગાથ, કેવો પળ પળનો બેઉ જણા માણે છે સાથ !
તારા હૈયાને તું પણ સમજાવ ને…!
મને મોજું થઈ મળવાને આવ ને…!

તું દરિયાનું મોજું, હું કાંઠાની રેત, જો પૂછ્યું હોત છીપને તો એ પણ કહેત,
હું તો કોરપ ઓઢીને તને ખીજવું, સજન ! તો જ થાય ને તને, કે આને ભીંજવું સજન…?!
મને ભીતરથી આજે છલકાવને..!
મને મનગમતું મનભર ભીંજાવ ને…!

-તુષાર શુક્લ

યાદમાં અટવાય છે કારણ વગર -ઊર્મિ

ભર ઉનાળે
વરસ્યો મેઘ… કોઈ
કારણ હશે ?

*

કેમ મારું મન અધીરું થાય છે કારણ વગર ?
લાગે છે, તું યાદમાં અટવાય છે કારણ વગર.

તું હૃદયમાં એમ ફરકી જાય છે કારણ વગર,
જેમ નભમાં વીજળી ચમકાય છે કારણ વગર.

એમ તો, શોધ્યો મળે નહીં ક્યાંય તું આયાસથી,
ને કદી કણકણમાં તું દેખાય છે કારણ વગર.

કેટલી કોશિશ કરું- તું યાદ નહીં આવે મને !
…પણ છતાંયે ધ્યાન લાગી જાય છે કારણ વગર.

મેં તને પૂર્યો કવનનાં શબ્દમાં મોઘમ, સખા !
તોયે આવી ટેરવે ટકરાય છે કારણ વગર.

-’ઊર્મિ’ (જાન્યુ. 2008)

પીયરને પીપળેથી આવ્યું પારેવડું… – અવિનાશ વ્યાસ

સ્વર: આશા ભોંસલે
સંગીત : અવિનાશ વ્યાસ

.

પીયરને પીપળેથી આવ્યું પારેવડું,
પારેવડાં ને સોના કેરી ચાંચ રે..
પારેવડાં ને કોઇ ના ઉડાડશો..

મૈયરનું ખોરડું ને મૈયરની ગાવડી,
મૈયરની સામે એક નાની તલાવડી,
એવા મારા મૈયરનું આ રે પારેવડું,
એને આવે ના ઉની આંચ રે..
પારેવડાંને કોઇ ના ઉડાડશો..

એ રે પારેવડાંમાં જનક ને જનેતા,
એ રે પારેવડે મારો ભાઇ..
એ રે પારેવડાંમાં નાનકડી બેનડી,
એ રે પારેવડે ભોજાઇ..
પારેવડાંના વેશમાં આજ મારે આંગણે,
મૈયર આવ્યું સાચો-સાચ રે..
પારેવડાં ને કોઇએ ના ઉડાડશો..

એ રે પારેવડે મારા મૈયરનો મોરલો,
એ રે પારેવડે મારા દાદાજીનો ઓટલો,
એ રે પારેવડું મને જોતું રે વ્હાલથી,
એને કરવા દ્યો થનગન થન નાચ રે..
પારેવડાં ને કોઇ ના ઉડાડશો..

પીયરને પીપળેથી આવ્યું પારેવડું,
પારેવડાં ને સોના કેરી ચાંચ રે..
પારેવડાં ને કોઇ ના ઉડાડશો..

– અવિનાશ વ્યાસ

હોઠ મલકે તો મોટી મહેરબાની – હરીન્દ્ર દવે

હરીન્દ્ર દવેનું વધુ એક મધમીઠું ગીત… ખબર નહીં કેમ, પણ હરીન્દ્ર દવેના હસ્તાક્ષર જાણે સ્પષ્ટ વંચાઇ આવે છે આ ગીતમાં… અને સાથે જ એમના બીજા કેટલાય, આવા જ મધુરા ગીતોનું સ્મરણ થઇ આવે… જેવા કે.. માંડ રે મળી છે … , નેણ ના ઉલાળો તમે ઊભી બજાર, અમોને નજરું લાગી ! , રે મન, ચાલ મહોબ્બત કરીએ…

ચલો, હું આ મઝાનું ગીત લઇ આવી… તો તમે સ્વરકાર – ગાયિકાને ઓળખી બતાવશો? 🙂

સ્વર: આનતિ શાહ
સંગીત: માલવ દિવેટીઆ

* * * * *

.

હોઠ મલકે તો મોટી મહેરબાની
સાજન, થોડો મીઠો લાગે;
તારી સંગાથે પ્રેમનો અજાણ્યો
મુલક કયાંક દીઠો લાગે!

સંગાથે હોય ત્યારે અટવાતાં ચાલીએ
કે એકલાનો રાહ એકધારો,
મઝધારે મ્હાલવાનો મોકો મળ્યો, તો
ભલે આઘો ઠેલાય આ કિનારો!

મધમીઠો નેહ તારો માણું
સંસાર આ અજીઠો લાગે.

રાત આખી સૂતો કયાં સૂરજ, સવારે
એની આંખમાં ઉજાગરાની લાલી.
લથડીને ચાલતી આ ચંચલ હવાનો હાથ
ઊઘડેલા ફૂલે લીધો ઝાલી;

તારી આંખના ઉજાગરાનો
છલકાતો રંગ જો મજીઠો લાગે!

હોઠ મલકે તો મોટી મહેરબાની
સાજન, થોડો મીઠો લાગે;
તારી સંગાથે પ્રેમનો અજાણ્યો
મુલક કયાંક દીઠો લાગે!

– હરીન્દ્ર દવે

(આભાર : pyarikavita)

ભૂલી જા – મનોજ ખંડેરિયા

દૂખ ભૂલી જા દિવાલ ભૂલી જા
થઈ જશે તૂં યે ન્યાલ ભૂલી જા

જીવ કર મા ધમાલ ભૂલી જા
એનો ક્યાંછે નિકાલ ભૂલી જા

જો સુખી થવું જવું હોય તારે
તો જે થતાં સવાલ ભૂલી જા

મૌન રહી મિત્રતાનુ ગૌરવ કર
કોણે ચાલી હતી ચાલ ભૂલી જા

રાખ મા યાદ ઘા કર્યો કોણે
ને તું બન્યો કોની ઢાલ ભૂલી જા

એ નથી પંહોચવાની એને ત્યાં
તેં લખી તી ટપાલ ભૂલી જા

ઘેર જઈ ધોઈ નાખ પહેરણ તું
કોણે છાંટ્યો ગુલાલ ભૂલી જા

રાસ તારે નિરખવો હોય ખરો
હાથ સળગ્યો કે મશાલ ભૂલી જા

બે લખી ગઝલ મોથ શું મારી
એ તારી ક્યાં કમાલ ભૂલી જા

– મનોજ ખંડેરિયા