હુંફાળો સ્પર્શ કાનને કરી અને પછી સુણો ; હું જે કહું છું વાત એમાં ભારોભાર તથ્ય છે.
સવાલ એ નથી એ માનવી કે કોઇ મત્સ્ય છે ; બધાંની ભિતરે કશેક એક તત્વ દિવ્ય છે,
શું સર્વતા ને શૂન્યતા, શું અલ્પતા ને ભવ્યતા, શું સ્થિરતા, પ્રવાહિતા શું સામ દામ દંડ ભેદ !?
ન કૈંજ સ્પર્શ થાય છે, અનોખો અર્થ થાય છે, એ સંત છે ને સંતને ન અંત છે ન મધ્ય છે.
‘ભલે હો સૂર્ય જેમ શ્વાસ તોય આખરે જુઓને આથમી જવાનું હોય છે અતિક્રમી બધું,’
સ્વભાવગત આ વાત છે સ્વિકારવું – નકારવું, કરૂણતાઓથી ભર્યું જિવનનું આ જ સત્ય છે.
ઘડીક સુખ મળે અને ઘડીક પીડ અવતરે ; ઘડીક કૂંપળો બને, ઘડીકમાં એ પણ ખરે !
બધું જ એક ચક્ર જેમ કાયમી ફર્યા કરે ; ક્ષણીક હોય છે બધું – અહીં કશું ક્યાં નિત્ય છે ?
કરૂણતા જુઓ કૃતિ વિશે જ મૌન છે સતત ; વિવેચકોની દ્રષ્ટિઓય લીન છે સ્વરૂપમાં
છે એજ ધ્યેય આખરી ‘કવિત્વ’ એમાં જોઇએ ; સવાલ એ નથી પછી ‘એ ગદ્ય છે કે પદ્ય છે’ !