તારી આંખોનાં કાજળમાં ડૂબવાનું થાય, પછી દરિયાનું મારે શું કરવું ?
મારા કાંટાળા રસ્તે તું ચાલીને જાય, પછી નકશાનું મારે શું કરવું ?
દલડાની વાત સખી કહેવી છે મારે,
તું ઓરી આવે તો પછી માંડુ.
હળવેથી પર્ણોમાં ઝાકળ જે બોલ્યું,
વ્હાલી ક્યાંથી હું બોલી દેખાડું ?
બીડેલા અધરોમાં હૈયા ઉકલાય, પછી પડઘાનું મારે શું કરવું ?
તારી આંખોના કાજળમાં ડૂબવાનું થાય, પછી દરિયાનું મારે શું કરવું ?
વીતેલી રાત વિષે પૂછો ના રાજ,
મારે નીંદરની સાથ નથી બનતું.
એકલતા અકળાવે ઓશીકે આવીને,
ઈશ્વર સોગન નથી ગમતું.
મારી પાંપણ ઉઘડે ને મારો વ્હાલમ દેખાય, પછી શમણાનું મારે શું કરવું ?
તારી આંખોના કાજળમાં ડૂબવાનું થાય, પછી દરિયાનું મારે શું કરવું ?
સગપણની ગાંઠ અમે બાંધી છે સમજણથી,
દુનિયાને થાય આવું કરીએ
આથમતા સૂરજને સાગરની પાસ,
અમે માંગીશું ભવભવમાં મળીએ.
જ્યારે પળપળની વાત અહીં કલરવ થઈ જાય પછી ટહુકાનું આપણે શું કરવું ?
તારી આંખોનાં કાજળમાં ડૂબવાનું થાય, પછી દરિયાનું મારે શું કરવું ?