દરિયાનો ઓટોગ્રાફ – જિગર જોષી ‘પ્રેમ’

દરિયા સાથે દોસ્તીવાળું એક મઝાનું ગીત… મારા જેવા ઘણાને થશે કે – અરે! આ તો આપણી જ વાત….!

(દરિયા સાથે દોસ્તી… Stinson beach, CA – April 09)

* * * * *

અમે જોયું છે સાવ સગી આંખે
દરિયાનો ઓટોગ્રાફ આપવાને આવે છે મોજાઓ રોજ રોજ કાંઠે
અમે જોયું છે સાવ સગી આંખે

એને જોવાને જઈએ ભઈ સાંજકના રોજ અમે દરિયાના પહેલેથી ફેન
રેતીને સ્પર્શી એ તો ફૂટે છે ગીત અને અંગુલી થઈ જાયે પેન
છીપલાના ઓરડાથી શબ્દોના મોતિડાં ઝીણું ઝીણું રે સહેજ ઝાંખે
અમે જોયું છે સાવ સગી આંખે

દરિયાને જેમ અમે મળવા જઈએને એમ દરિયો પણ આવે છે મળવા
સોરી હો ‘પ્રેમ ‘ જરા બીઝી હતોને… મને દેખીને લાગે કરગરવા
મૂકીને મન પછી ભેટવાને આવે ને બોજ બધો ઊતારી નાખે
અમે જોયું છે સાવ સગી આંખે

– જિગર જોષી ‘પ્રેમ’

ફીલિંગ્સ દીપોત્સવી વિશેષાંક – સંગીત વિશેષ

ગયા વર્ષે આજના દિવસે હું ‘આજે નવું કંઈ નથી… ‘ એમ કહીને છટકી ગયેલી ! પણ આ વર્ષે ખરેખર તમારે માટે કંઇક નવું લાવી છું.. એટલે જરા મોડું છે, પણ મોળું નથી… 🙂

જીવનના સંગીત તરફ દોરી જતો વડોદરાના ફીલિંગ્સ સામાયિકનો આ વિશેષાંક…

આવો મઝાનો સંગીત વિશેષાંક આપવા માટે અતુલભાઇ અને વિજયભાઇનો ખૂબ ખૂબ આભાર…!! અને બીજી એક ખાસ વાત કહું? આ ફીલિંગ્સના છેલ્લા પાનાએ મારો પણ એક ટહુકો સચવાયેલો છે..!

feelings

વડોદરાના ફીલિંગ્સ સામાયિકનો દિવાળી વિશેષાંક વિષે થોડી વાતો અતુલભાઇ પાસે જ સાંભળીએ.

——————————————————————

ફીલિંગ્સ એ છેલ્લા અગિયાર વર્ષોથી વડોદરાથી પ્રકાશિત થતું એકમાત્ર ગુજરાતી મેગેઝિન છે. વિશ્ર્વભરના અગિયાર લાખથી વધુ વાચકો સુધી પહોંચી એક સંપૂર્ણ પારિવારિક સામયિક તરીકે જાણીતું બની ચૂકેલ `ફીલિંગ્સ’ મીડિયા ક્ષેત્રે પણ આજે મહત્ત્વનું સ્થાન ધરાવે છે, જે આપ્ને વિદિત હશે જ. દિવાળી પર્વ પર મેગા વિશેષાંક બહાર પાડવાની પરંપરાને અનુસરતાં `ફીલિંગ્સ’ સામયિકે આ વર્ષે તેના સુજ્ઞ વાચકો માટે દીપોત્સવી અંક તરીકે ગુજરાતી ગીત-સંગીત પર આધારિત મધુર `સંગીત વિશેષાંક’ રજૂ કરેલ છે.

જીવનના સંગીત તરફ દોરી જતો `ફીલિંગ્સ’નો આ વિશેષાંક વાચકોને જરૂર ગમશે એમાં કોઇ શંકા નથી. કારણકે જીવન એક એવું સંગીત છે કે જેમાં સૂર અને તાલ બરાબર હશે તો હંમેશાં તે મધુરું બની રેલાતું રહેશે. આ સંગીતમય વિશેષાંકમાં ગુજરાતી સુગમ સંગીત, લોકસંગીત, ફિલ્મીસંગીત, ધાર્મિક સંગીત, ગરબા અને સંગીત જેવા વિવિધ વિષયો પર જાણીતા લેખકો દ્વારા રસપ્રદ આર્ટિકલની લ્હાણી છે તો 50થી ય વધુ જાણીતા ગુજરાતી ગીતોનો સમાવેશ કર્યો છે. આ ઉપરાંત રઈસ મણિયાર દ્વારા જાણીતી સંગીતમય ગઝલોનો આસ્વાદ તમને સંગીતપ્રેમી બનાવી દેશે. તો ગુજરાતી ગીત-સંગીતને જેણે એક નવી ઊંચાઈ બક્ષી છે એવા ગાયકો-સંગીતકાર પુરસોત્તમ ઉપાધ્યાય, મનહર ઉધાસ, મહેશ-નરેશ, પ્રફુલ દવે, સોલી કાપડીયા, આણંદજીભાઈ, પાર્થિવ ગોહિલ, ગૌરાંગ વ્યાસ જેવા ઉત્તમ કલાકારોના એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂ… આ બધું જ માત્ર એક જ અંકમાં…

ફીલિંગ્સના દીપોત્સવી વિશેષાંકમા…

માત્ર ને માત્ર સંગીત પીરસતો આ સુંદર વિશેષાંક સૌના માટે ખાસ કરીને સંગીતરસિયાઓ માટે એક અનોખું સંભારણું બની રહેવા સાથે આજીવન સાચવવાલાયક તેમજ સ્વજનને ગિફટ આપવાલાયક અવશ્ય બની રહેશે.
આભાર.
ભવદીય

અતુલ શાહ (તંત્રી)
રોહિત વિજય (સંપાદક)

Feelings Multimedia Ltd.
102-104, Pacific Plaza, VIP Road, Karelibaug, Vadodara – 390 022, Gujarat, India.
Phone : Office : 91-265-2489477
E-mail : info@feelingsmultimedia.com / hitechfeelings@yahoo.co.in
Website : www.feelingsmultimedia.com

આજ રીસાઇ અકારણ રાધા… – સુરેશ દલાલ

કવિ : સુરેશ દલાલ

.

આજ રીસાઇ અકારણ રાધા…
આજ રીસાઇ અકારણ
બોલકણીએ, મૂંગી થઇ ને
મૂંગું એનું મારણ

મોરલીના સૂર છેડે માધવ
વિધવિધ રીતે મનાવે
નીલ-ભૂરા નીજ મોરપિંછને
ગોરા ગાલ લગાવે

આજ જવાને કોઇ બહાને
નેણથી નીતરે શ્રાવણ
રાધા.. આજ રીસાઇ અકારણ

છાની છેડ કરે છોગાળો
જાય વળી સંતાઇ
તોય ન રીઝે રાધા
કા’નનું કાળજું જાયે કંતાઇ

થાય રે આજે શામળિયાને
અંતરે બહુ અકળામ
રાધા… આજ રીસાઇ અકારણ

આજ રીસાઇ અકારણ
રાધા… આજ રીસાઇ અકારણ

વૃક્ષ પરનો એક ટહુકો – ગૌરાંગ ઠાકર

(જેનો પર્યાય નથી….. Niagara Falls, June 09)

* * * * *

એક તો તારો મને પર્યાય દેખાતો નથી,
ને ઉપરથી તું સરળતાથી અહીં, મળતો નથી.

તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો,
રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.

ફૂંક મારીને તું હવાને આટલી દોડાવ ના,
ધૂળ છે કે મ્હેંક, એનો ભેદ પરખાતો નથી.

એક માણસ ક્યારનો આંસુ લૂંછે છે બાંયથી,
આપણાથી તો ય ત્યાં રૂમાલ દેવાતો નથી.

ડાળથી છૂટું પડેલું પાંદડું પૂછ્યા કરે,
વૃક્ષ પરનો એક ટહુકો કેમ ભૂલાતો નથી ?

ભીતરી આખી સફર પર ચાલવાની છે મજા,
એકલા બસ આપણે એ ભીડનો રસ્તો નથી

– ગૌરાંગ ઠાકર

————–

(આભાર : શબ્દ-સાગરના કિનારે…)

રેડિયો 08 : રાસબિહારી દેસાઇ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તું જ મોજું થઈ મળવાને આવ ને ! – તુષાર શુક્લ

સૂર-સંવાદ (આરાધનાબેન)એ લીધેલી મુલાકાત દરમ્યાન તુષારભાઈએ સંભળાવ્યું હતું.. એ એમનું ગીત..
તુષારભાઇનું પેલું સૌનું જાણીતું – માનીતું ગીત.. ‘દરિયાના મોજા કંઇ રેતીને પૂછે, તને ભીંજાવું ગમશે કે કેમ? એમ, પૂછીને થાય નહીં પ્રેમ…! – એ ગીત એક પુરુષની અભિવ્યક્તિ છે..! એ જ પ્રતિકો લઇને, એક સ્ત્રીના ભાવોને ઉજાગર કરતું આ ગીત કવિતા પોતાના અવાજમાં સાંભળવાનો એક અનોખો લ્હાવો છે.

( તું જ મોજું થઈ મળવાને આવ ને ! …. Fort Bragg – California, August 2008 )
* * * * * * *

પેલી મોજાંએ ભીંજવેલી રેતી, સજન ! મને કાનમાં એ એટલું કહેતી, સજન…
‘તારા સાજનને એવું સમજાવ ને,
તું જ મોજું થઈ મળવાને આવ ને !’

રોજ ભીંજાતી રેત થાય કોરીધાકોર, રોજ ભીંજવતાં મોજાં પણ નવ્વાનક્કોર,
એક તરસે ને એક વળી વરસાવે હેત, મને સમજાયો હેત કેરો સાચો સંકેત,
હું તરસું, તું વ્હાલપ વરસાવ ને…!
મને મોજું થઈ મળવાને આવ ને…!

કોરી રેતીને ભીંજવતા મોજાં સમો પ્રેમ વર્ષો વિતે ને તોયે રહેતો નવો,
કોઈ બાંધે ન કોઈને એ સાચો સંગાથ, કેવો પળ પળનો બેઉ જણા માણે છે સાથ !
તારા હૈયાને તું પણ સમજાવ ને…!
મને મોજું થઈ મળવાને આવ ને…!

તું દરિયાનું મોજું, હું કાંઠાની રેત, જો પૂછ્યું હોત છીપને તો એ પણ કહેત,
હું તો કોરપ ઓઢીને તને ખીજવું, સજન ! તો જ થાય ને તને, કે આને ભીંજવું સજન…?!
મને ભીતરથી આજે છલકાવને..!
મને મનગમતું મનભર ભીંજાવ ને…!

-તુષાર શુક્લ

યાદમાં અટવાય છે કારણ વગર -ઊર્મિ

ભર ઉનાળે
વરસ્યો મેઘ… કોઈ
કારણ હશે ?

*

કેમ મારું મન અધીરું થાય છે કારણ વગર ?
લાગે છે, તું યાદમાં અટવાય છે કારણ વગર.

તું હૃદયમાં એમ ફરકી જાય છે કારણ વગર,
જેમ નભમાં વીજળી ચમકાય છે કારણ વગર.

એમ તો, શોધ્યો મળે નહીં ક્યાંય તું આયાસથી,
ને કદી કણકણમાં તું દેખાય છે કારણ વગર.

કેટલી કોશિશ કરું- તું યાદ નહીં આવે મને !
…પણ છતાંયે ધ્યાન લાગી જાય છે કારણ વગર.

મેં તને પૂર્યો કવનનાં શબ્દમાં મોઘમ, સખા !
તોયે આવી ટેરવે ટકરાય છે કારણ વગર.

-’ઊર્મિ’ (જાન્યુ. 2008)

મનડું વિંધાણું રાણા… – મીરાંબાઇ

ઘણા વખતથી ટહુકો પર ગુંજતું આ મીરાંકાવ્ય, આજે કૌમુદી મુન્શીના સ્વરમાં અને એક અલગ જ સ્વરાંકન સાથે ફરીથી એક વાર… બંને સ્વરાંકન આટલા અલગ.. અને તો યે બંને એટલા જ સુરીલા… !

સ્વર : કૌમુદી મુન્શી
સંગીત : ??

.

———————–
Posted on September 19, 2008

સ્વર : બંસરી યોગેન્દ્ર (know more about Bansari Yogendra’s Musical Journey)
સંગીત : ક્ષેમુ દિવેટીયા
સંગીત Arranger : ઇમુ દેસાઇ

.

મનડું વિંધાણું રાણા, મનડું વિંધાણું
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું?
વિષ પીધે રાણા ના રે મરું.
મારું મનડું વિંધાણું

નીંદા કરે છે મારી નગરીના લોક રાણા
તારી શીખામણ હવે મારે મન ફોક રાણા
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું?
વિષ પીધે રાણા ના રે મરું.
મારું મનડું વિંધાણું

ભૂલી રે ભૂલી હું તો ઘરના રે કામ રાણા
ભોજન ના ભાવે નૈણે નિંદ હરામ રાણા
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું?
વિષ પીધે રાણા ના રે મરું.
મારું મનડું વિંધાણું

બાઇ મીરાં કહે પ્રભ્રુ ગિરીધરના ગુણ વ્હાલા
પ્રભુ ને ભજીને હું તો થઇ ગઇ ન્યાલ રાણા
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું?
વિષ પીધે રાણા ના રે મરું.
મારું મનડું વિંધાણું

———————

If you are in Los Angeles Area : Enjoy Musical Evening by Mrs. Bansari Yogendra

પીયરને પીપળેથી આવ્યું પારેવડું… – અવિનાશ વ્યાસ

સ્વર: આશા ભોંસલે
સંગીત : અવિનાશ વ્યાસ

.

પીયરને પીપળેથી આવ્યું પારેવડું,
પારેવડાં ને સોના કેરી ચાંચ રે..
પારેવડાં ને કોઇ ના ઉડાડશો..

મૈયરનું ખોરડું ને મૈયરની ગાવડી,
મૈયરની સામે એક નાની તલાવડી,
એવા મારા મૈયરનું આ રે પારેવડું,
એને આવે ના ઉની આંચ રે..
પારેવડાંને કોઇ ના ઉડાડશો..

એ રે પારેવડાંમાં જનક ને જનેતા,
એ રે પારેવડે મારો ભાઇ..
એ રે પારેવડાંમાં નાનકડી બેનડી,
એ રે પારેવડે ભોજાઇ..
પારેવડાંના વેશમાં આજ મારે આંગણે,
મૈયર આવ્યું સાચો-સાચ રે..
પારેવડાં ને કોઇએ ના ઉડાડશો..

એ રે પારેવડે મારા મૈયરનો મોરલો,
એ રે પારેવડે મારા દાદાજીનો ઓટલો,
એ રે પારેવડું મને જોતું રે વ્હાલથી,
એને કરવા દ્યો થનગન થન નાચ રે..
પારેવડાં ને કોઇ ના ઉડાડશો..

પીયરને પીપળેથી આવ્યું પારેવડું,
પારેવડાં ને સોના કેરી ચાંચ રે..
પારેવડાં ને કોઇ ના ઉડાડશો..

– અવિનાશ વ્યાસ

હોઠ મલકે તો મોટી મહેરબાની – હરીન્દ્ર દવે

હરીન્દ્ર દવેનું વધુ એક મધમીઠું ગીત… ખબર નહીં કેમ, પણ હરીન્દ્ર દવેના હસ્તાક્ષર જાણે સ્પષ્ટ વંચાઇ આવે છે આ ગીતમાં… અને સાથે જ એમના બીજા કેટલાય, આવા જ મધુરા ગીતોનું સ્મરણ થઇ આવે… જેવા કે.. માંડ રે મળી છે … , નેણ ના ઉલાળો તમે ઊભી બજાર, અમોને નજરું લાગી ! , રે મન, ચાલ મહોબ્બત કરીએ…

ચલો, હું આ મઝાનું ગીત લઇ આવી… તો તમે સ્વરકાર – ગાયિકાને ઓળખી બતાવશો? 🙂

સ્વર: આનતિ શાહ
સંગીત: માલવ દિવેટીઆ

* * * * *

.

હોઠ મલકે તો મોટી મહેરબાની
સાજન, થોડો મીઠો લાગે;
તારી સંગાથે પ્રેમનો અજાણ્યો
મુલક કયાંક દીઠો લાગે!

સંગાથે હોય ત્યારે અટવાતાં ચાલીએ
કે એકલાનો રાહ એકધારો,
મઝધારે મ્હાલવાનો મોકો મળ્યો, તો
ભલે આઘો ઠેલાય આ કિનારો!

મધમીઠો નેહ તારો માણું
સંસાર આ અજીઠો લાગે.

રાત આખી સૂતો કયાં સૂરજ, સવારે
એની આંખમાં ઉજાગરાની લાલી.
લથડીને ચાલતી આ ચંચલ હવાનો હાથ
ઊઘડેલા ફૂલે લીધો ઝાલી;

તારી આંખના ઉજાગરાનો
છલકાતો રંગ જો મજીઠો લાગે!

હોઠ મલકે તો મોટી મહેરબાની
સાજન, થોડો મીઠો લાગે;
તારી સંગાથે પ્રેમનો અજાણ્યો
મુલક કયાંક દીઠો લાગે!

– હરીન્દ્ર દવે

(આભાર : pyarikavita)