રે પંખીડા ! સુખથી ચણજો – કલાપી

કલાપીની ખૂબ જ જાણીતી કવિતા…. યાદ છે ત્યાં સુધી ભણવામાં પણ આવતી..!

રે પંખીડા! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો;
શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો?
પાસે જેવી ચરતી હતી આ ગાય, તેવો જ હું છું;
ના, ના, કો દી તમ શરીરને કાંઈ હાનિ કરું હું.

ના પાડી છે તમ તરફ કૈં ફેંકવા માળીને મેં;
ખુલ્લું મારું ઉપવન સદા પંખીડાં સર્વને છે.
રે રે! તોયે કુદરતથી મળી ટેવ બીવા જનોથી;
છો બીતાં તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની.

જો ઊડો તો જરૂર ડર છે, ક્રુર કો હસ્તનો હા!
પાણો ફેકેં તમ તરફ રે! ખેલ એ તો જનોના.
દુ:ખી છું કે કુદરત તણા સામ્યનું ભાન ભૂલી;
રે રે! સત્તા તમ પર જનો ભોગવે ક્રુર આવી.

-કવિ કલાપી

અમે તો ગીત ગુલાબી ગાશું! – સુરેશ દલાલ

(મારા ભત્રીજાઓ.. ….આલાપ અને ઈશાન)

* * * * *

નાનાં અમથાં આજ ભલે ને, કાલે મોટા થાશું;
અમે તો ગીત ગુલાબી, ગાશું !

કળી-કળીનાં ફૂલ થાય ને બુંદ-બુંદનો દરિયો !
નાની અમથી વીજ ચમકતી આભે થઈ ચાંદલિયો;
મસ્ત થઈને અજાણ પંથે અમે એકલાં જાશું :
અમે તો ગીત ગુલાબી ગાશું !

નાનકડી કેડીનો થાતો મારગ કેવો મોટો;
એવા મોટા થઈશું કે નહિ જડે અમારો જોટો !
હશે હોઠ પર સ્મિત : આંખમાં કદી હોય નહિ આંસુ,
અમે તો ગીત ગુલાબી ગાશું !

– સુરેશ દલાલ

ખોવાયા ગીતના ટહુકા – દેવેન શાહ

ભીના અવાજના રેશમી હોંકારે કાંઇ પડઘા પડે રે અપાર,
આપણા અધૂરા એક ખોવાયા ગીતના ટહુકા મળે રે માંડ ચાર

ઘૂંટેલા છંદ અને લીલ્લેરા લયમાં હું દરબારી રાગ થઇ જાગું,
વૈરાગી ગીત લઇ વેગીલા શ્હેર પાસે મલ્હારી સૂર કેમ માગું?
અડાબીડ રસ્તાને ભમરાળી ભીડમાં વેરાણાં શમણાં હજાર
આપણા અધૂરા એક ખોવાયા ગીતના ટહુકા મળે રે માંડ ચાર

શ્રાવણિયા મેળામાં મળશું રે’ કોલ કાલ દીધા ને હાથવેંત છેટા,
ઇચ્છાના રોપવન એવા ઉગ્યાં કે અમે પાન પાન પાન થઇ બેઠાં
ચીતરેલી ઘડીઓના ખોલવા ઉકેલવામાં વીતે આ સાંજ ને સવાર
આપણા અધૂરા એક ખોવાયા ગીતના ટહુકા મળે રે માંડ ચાર

આંબે આવ્યા મ્હોર ! – ડો. દિનેશ ઓ. શાહ

આજે કવિ ડો. દિનેશ શાહને એમના ૭૨મા જન્મદિંવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ…
સાથે સાંભળીએ એમનું આ સુંદર ગીત…..”આંબે આવ્યા મ્હોર…”

અને હા.. ગીતની પ્રસ્તાવના લઇને આવનાર છે વ્હાલા કવિ મુકેશ જોષી..!!

સ્વર : ઉદય મઝુમદાર, રેખા ત્રિવેદી
સંગીત : ઉદય મઝુમદાર

(in case you are unable to view this video, double click on the video to go to You Tube)

કોણે વાવ્યા’તા વૃક્ષ કેરીના, કોણે નાખ્યા’તા ખાતર ખોર ?
કોણે સિંચ્યા’તા નીર બપોરે, ભર ઉનાળે નાચ્યા’તા મોર !
આજ મારે આંબે આવ્યા મ્હોર !

હરખે મલકે કેરિયું નાની, ઝુલે ડોલમ ડોલ
એની સુગંધનો દરિયો ઉછળે, આજે છોળમ છોળ !
આજ મારે આંબે આવ્યા મ્હોર !

મ્હોરમાંથી મારી કેરીયું થાશે, ને કોયલ કરશે કલશોર !
ગાડાં ભરી ઘેર કેરિયું જાશે, મારા હૈયાની ભીંજશે કોર !
આજ મારે આંબે આવ્યા મ્હોર !

જીવતર મારું કેરીનું ગાડું, હંકારુ ખેતરથી ઘરની કોર
કોણે વાવી’તી ને કોણ રે ખાશે, કોણે ખેંચ્યા’તા કુવે દોર ?
આજ મારે આંબે આવ્યા મ્હોર !

અમરત સમ રસ પીવે સૌએ, મન મારું કરે કલશોર !
વાવવા મારે આંબા આ ભવમાં,કાલે સૌ થાશે ભાવ વિભોર !
આજ મારે આંબે આવ્યા મ્હોર !

– ડો. દિનેશ ઓ. શાહ

(શબ્દો માટે આભાર – ગુજરાતી સાહિત્ય સરિતા)

ચાંદો ઊગ્યો ચોકમાં, ઘાયલ!…..

આજે આપણા લાડીલા લોક ગાયક/સ્વરકાર પ્રફુલ દવેનો જન્મદિવસ… એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે સાંભળીએ એમના કંઠે આ મજાનું લોકગીત.….Happy Birthday Prafulbhai!!

(ચાંદો ઊગ્યો ચોકમાં, ઘાયલ!)

સ્વર – પ્રફુલ દવે, ?
સંગીત – ?

.

કોઇ પ્રેમિક ગોવાળ અરજણિયાને એની પરણેલી પ્રેમિકા ચેતવણી આપતી ને મોહ પામતી સંબોઘી રહી છે. મૂળ ગીત નાયિકાના ભાવનું છે. સ્વરાંકિત થયેલું ગીત યુગલગીત છે અને એના શબ્દોમાં થોડો ફેર પણ છે..! (અહીં રજૂ કરેલા શબ્દો મૂળગીતના છે..!)

ચાંદો ઊગ્યો ચોકમાં, ઘાયલ ! ચાંદો ઊગ્યો ચોકમાં,
એ લે’રીડા! (લહેરીડા) હરણ્યું આથમી રે હાલાર શે’રમાં, અરજણિયા !

ઝાંપે તારી ઝૂંપડી, ઘાયલ ! રે ઝાંપે તારી ઝૂંપડી,
એ લે’રીડા! આવતાં જાતાંનો નેડો લાગ્યો રે, અરજણિયા !

ભેસું તારી ભાલમાં, ઘાયલ ! રે ભેસું તારી ભાલમાં,
એ લે’રીડા! પાડરું પાંચાળમાં ઝોલાં ખાય રે, અરજણિયા !

ગાયું તારી ગોંદરે, ઘાયલ ! ગાયું તારી ગોંદરે,
એ લે’રીડા! વાછરું વઢિયારમાં ઝોલાં ખાય રે, અરજણિયા !

પાવો વગાડ્ય મા, ઘાયલ ! રે પાવો વગાડ્ય મા,
એ લે’રીડા! પાવો રે પરણેતર ઘરમાં સાંભળે રે,અરજણિયા !

ચીતું રે લગાડ્ય મા, ઘાયલ ! ચીતું લગાડ્ય મા,
એ લે’રીડા! ચીતું સાસુડી ઘરમાં સાંભળે રે, અરજણિયા !

બખિયાળું (તારું) કડીઉં, ઘાયલ ! રે બખિયાળું કડીઉં,
એ લે’રીડા! તેદુંનો છાંડેલ અમારું ફળિયું રે, અરજણિયા!

ખંભે તારે ખેસડો, ઘાયલ ! રે ખંભે તારે ખેસડો,
એ લે’રીડા! તેદુનો છાંડેલ અમારો નેસડો રે, અરજણિયા !

રૂપાળીને મોઇશ મા, ઘાયલ ! રે રૂપાળીને મોઇશ મા,
એ લે’રીડા! રૂપાળી બાવડાં બંઘાવશે રે, અરજણિયા !

કુંવારીને મોઇશ મા ઘાયલ ! કુંવારીને મોઇશ મા,
એ લે’રીડા! કુંવારી કોરટું દેખાડશે રે, અરજણિયા !

ખોળામાં બાજરી ઘાયલ ! રે ખોળામાં બાજરી,
એ લે’રીડા! લીલી લીંબડીએ લેવાય હાજરી રે, અરજણિયા !

ખોળામાં ખજૂર છે ઘાયલ ! રે ખોળામાં ખજૂર છે,
એ લે’રીડા! તારા જેવા મારે મજૂર છે રે, અરજણિયા !

પાવો વગાડ્ય મા, ઘાયલ ! રે પાવો વગાડ્ય મા,
એ સેલુડા ! પાવો સાંભળીને પ્રાણ વીંઘાય રે, અરજણિયા !

તારે મારે ઠીક છે, ઘાયલ ! રે તારે મારે ઠીક છે,
એ લેરીડા ! ઠીકને ઠેકાણે વે’લો આવજે રે, અરજણિયા !

લીલો સાહટિયો, ઘાયલ ! રે લીલો સાહટિયો,
એ લેરીડા! લીલે રે સાહટિયે મોજું માણશું રે, અરજણિયા!

૧) હરણ્યું – હરણી નક્ષત્ર
૨) નેડો – નેહડો, સ્નેહ
૩) હાલાર, પાંચાલ, વઢિયાર – એ પ્રદેશોનાં નામ છે.
૪) નેસડો – નેસ,વનવાસીઓનું નાનું જંગમ ગામડું.
૫) સાહટિયો – ઉનાળુ જુવારના મોલ, મૂળ શબ્દ ‘છાસઠિયો’: છાસઠ દિવસમાં પાકનારું ઘાન્ય.

(“રઢિયાળી રાત”, શ્રી ઝવેરચંદ મેઘાણી દ્વારા કરાયેલા સંકલનમાંથી સાભાર)

રેડિયો 15 : શ્યામલ – સૌમિલ – આરતી મુન્શી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

રેડિયો ગીતો ના શબ્દો માટે નીચેની લીંક પર ક્લીક કરો

૦૧ – આંખ્યુંના આંજણમાં – સુરેશ દલાલ
૦૨ – એક છોકરીના હોય ત્યારે કેટલા અરીસાઓ – રમેશ પારેખ
૦૩ – આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ – રમેશ પારેખ
૦૪ – ચોમાસું ક્યાંક આસપાસ છે – તુષાર શુક્લ
૦૫ – કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે..! – સુરેશ દલાલ
૦૬ – કોઈ કહેતું નથી – મનોજ ખંડેરિયા
૦૭ – ન પેપ્સી ન થમ્સઅપ ન તો કોક ભાવે – રઇશ મનીઆર
૦૮ – હસ્તાક્ષર – શ્યામલ મુન્શી
૦૯ – સાંવરિયો રે મારો સાંવરિયો (વ્હાલબાવરીનું ગીત) – રમેશ પારેખ
૧૦ – લ્યો, અમે તો આ ચાલ્યાં – તુષાર શુક્લ
૧૧ – તારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે.. – અવિનાશ વ્યાસ
૧૨ – તારી હથેળીને દરિયો માનીને – તુષાર શુક્લ
૧૩ – પાનખરોમાં પાન ખરે – મુકેશ જોશી

આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ – રમેશ પારેખ

રમેશ પારેખની ખૂબ જ જાણીતી ગઝલ.. શ્યામલ મુન્શીના સ્વરમાં…..

સ્વર – શ્યામલ મુન્શી
સંગીત – શ્યામલ-સૌમિલ મુન્શી
આલ્બમ – હસ્તાક્ષર (રમેશ પારેખ)

સ્વરઃ અમર ભટ્ટ

.

આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ,
ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ.

ફૂલો ય પૂરબહારમાં હિંસક છે આજકાલ,
રહેવા દે, રોજ તું મને ગજરો ન મોકલાવ.

તું આવ કે પાડી રહ્યો છું સાદ હું તને,
પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ.

ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે,
હોડી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ.

થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ,
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ.

– રમેશ પારેખ

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું – મુનિ શ્રી ચિત્રભાનુ

આજે મહાવીર જયંતીના પર્વ નિમિત્તે સાંભળીએ મુનિ શ્રી ચિત્રભાનુની આ અમર રચના…

સ્વર – માયાદિપક
આલ્બમ – ધૂપસળી

.

સ્વર – મુકેશ
આલ્બમ – તારી યાદ સતાવે

.

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે … મૈત્રીભાવનું

ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણકમળમાં, મુજ જીવનનું અર્ઘ્ય રહે … મૈત્રીભાવનું

દીન ક્રુર ને ધર્મવિહોણાં, દેખી દિલમાં દર્દ વહે,
કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે … મૈત્રીભાવનું

માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું,
કરે ઉપેક્ષા એ મારગની, તોય સમતા ચિત્ત ધરું … મૈત્રીભાવનું

ચિત્રભાનુની ધર્મભાવના હૈયે, સૌ માનવ લાવે,
વેરઝેરનાં પાપ તજીને, મંગળ ગીતો એ ગાવે … મૈત્રીભાવનું

– મુનિ શ્રી ચિત્રભાનુ

———-
આભાર – મિતિક્ષા.કોમ

તમે કિયા તે ગામનાં ગોરી રાજ, અચકો મચકો કાં રે લી….

ગુજરાતી ફિલ્મ સોન કંસારીનું આ ગીત એક લોકગીત છે. આ લોકગીતના શબ્દો તમને લયસ્તરો.કોમ પર મળશે….. લયસ્તરો પર વિવેકે comment કરી છે એ પ્રમાણે – મેં પણ આખી જિંદગી આ ગીત ‘અચકો મચકો કારેલી’ જ ગાયું…. કાં રે અલી કે કાં રે ‘લી તો ધ્યાનમાં પણ નથી આવ્યું..! અને હા, લયસ્તરો પર જ ધર્મેન્દ્રભાઇની comment પ્રમાણે તો મૂળ લોકગીતના શબ્દો કંઈક આવા હોવા જોઇએ..

તમે કિયા તે ગામનાં ગોરી. રાજ
આટલો મટકો કાં રે અલી…

સંગીત – અવિનાશ વ્યાસ
સ્વર – વેલજીભાઇ ગજ્જર, ઉષા મંગેશકર
ફિલ્મ – સોન કંસારી

.

તમે કિયા તે ગામના ગોરી રાજ
અચકો મચકો કાં રે લી…..

અમે ગોંડલ ગામના ગોરી રાજ
અચકો મચકો કાં રે લી…..

તમે દલડાં લીધાં ચોરી રાજ
અચકો મચકો કાં રે લી…..

આ તો ચોરી પર શિરજોરી રાજ
અચકો મચકો કાં રે લી…..

હે…. જો ને પાંચ વેંતની પૂતળી અને મુખ લોઢાના જો ને દાંત
હે…. નારી સંગે નટ રમે તમે ચતુર કરો વિચાર

ધીન-ધાક ધીન-ધાક રંગ-રંગીલું સાંબેલું
ધીન-ધાક ધીન-ધાક છેલ-છબીલું સાંબેલું

તમે કેટલા ભાઈ કુંવારા રાજ
અચકો મચકો કાં રે લી…….

અમે સાતે ભાઈ કુંવારા રાજ
અચકો મચકો કાં રે લી……

તમને કિયા તે ગોરી ગમશે રાજ
અચકો મચકો કાં રે લી……

જે રંગે અમારી રમશે રાજ
અચકો મચકો કાં રે લી……

અંતરંગ સખાને… – ઊર્મિ

આજે ઊર્મિની એક મઝાની ગઝલ.. એના જ હાઇકુ સાથે..!!

(વ્હાલનાં વરસાદમાં………….. Photo by : Kopfjäger)

*

શબ્દોની વચ્ચે
છોડેલી ખાલી જગ્યા…
વાંચી શકીશ?

*

આટલું જાણ્યું સખા ! એ પ્રીત પણ પ્યારી નથી,
સંગ એની એક-બે જો વેદના પાળી નથી.

જો પ્રણયની રાહ તેં આંસુથી શણગારી નથી,
છો સફરમાં હોય તું, પણ એ સફર તારી નથી.

વાંસળીની જેમ વાગી ના શકે તો જાણજે,
છે હજી પણ કૈંક અંદર… સાવ તું ખાલી નથી !

વ્હાલનાં વરસાદમાં પણ સાવ કોરો રહી જશે,
તું નહીં પલળે કદી, જો છતને ઓગાળી નથી.

પ્રેમને ઈશ્વર સમજ ને ભાગ્ય કર તું વ્હાલકુ,
ફર્ક શો છે હાથની રેખા જો હૂંફાળી નથી?!

હોમતી રહે છે મને કાયમ વિરહની અગ્નિમાં,
તોયે તારી યાદને મેં તો કદી ટાળી નથી.

પ્રીત, ઊર્મિ, બેબસી ને દર્દથી સજતી રહી,
જિંદગીને મેં સખા ! કંઈ ખાસ કંડારી નથી.

-’ઊર્મિ’ (સપ્ટેમ્બર 26, 2008)