ભીના અવાજના રેશમી હોંકારે કાંઇ પડઘા પડે રે અપાર,
આપણા અધૂરા એક ખોવાયા ગીતના ટહુકા મળે રે માંડ ચાર
ઘૂંટેલા છંદ અને લીલ્લેરા લયમાં હું દરબારી રાગ થઇ જાગું,
વૈરાગી ગીત લઇ વેગીલા શ્હેર પાસે મલ્હારી સૂર કેમ માગું?
અડાબીડ રસ્તાને ભમરાળી ભીડમાં વેરાણાં શમણાં હજાર
આપણા અધૂરા એક ખોવાયા ગીતના ટહુકા મળે રે માંડ ચાર
શ્રાવણિયા મેળામાં મળશું રે’ કોલ કાલ દીધા ને હાથવેંત છેટા,
ઇચ્છાના રોપવન એવા ઉગ્યાં કે અમે પાન પાન પાન થઇ બેઠાં
ચીતરેલી ઘડીઓના ખોલવા ઉકેલવામાં વીતે આ સાંજ ને સવાર
આપણા અધૂરા એક ખોવાયા ગીતના ટહુકા મળે રે માંડ ચાર