લગ્નની વર્ષગાંઠે કોઈને પણ ગીફ્ટ કરી શકાય એવી કવિતા.. – એષા દાદાવાળા

એનીવર્સરી

વસંત જેવી છે
સાથે જીવાય ગયેલા
સહેજ લીલા સહેજ પીળા થયેલા વર્ષોને
એ આખેઆખા લીલા કરી જાય છે
જોકે
વસંતના આગમનની સાબિતી તો
શહેરમાં હારબંધ ઉભા કરેલા વૃક્ષો લીલો યુનિફોર્મ પહેરી લે
ત્યારે જ મળે,
બાકી
સાથે જીવાયેલા વર્ષોના સહેજ
ઝાંખા થયેલા ખૂણે
એકાદું ફૂલ ઉગી નીકળે
એ પ્રત્યેક પળ વસંત જેવી જ હોય છે.
લગ્નની વર્ષગાંઠ તો
વસંતને આવકારવાનું બહાનું છે
બાકી
સાથે જીવવાનું નક્કી કરીને બેઠેલા
બે જણ સાથે હોય
એ પ્રત્યેક પળે
શરીરની ડાબી બાજુએ
એકાદું ફૂલ ઉગતું જ હોય છે
અને ત્યારે વસંતના આગમનની સાબિતીની જરૂર પડતી નથી..!

રેડિયો 16 – પ્રણયગીતો (૨)

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

  1. તને ગીત દઉં કે ગુલાબ – રઈશ મનીયાર
  2. તને ખોટું જો લાગે તો હું શું કરું? – હિતેન આનંદપરા
  3. તમારા સમ…. – મુકુલ ચોક્સી
  4. નૈને નૈન મળે જ્યાં છાના…. – બરકત વિરાણી ‘બેફામ’
  5. તેં પૂછ્યો તો પ્રેમનો મર્મ  ને હું દઈ બેઠો આલિંગન – હરીન્દ્ર દવે
  6. મારા હ્રદયની વાત – મનોજ મુની
  7. સજન મારી પ્રિતડી
  8. તમોને પ્રેમ કરું છું હું… – કમલેશ સોનાવાલા
  9. પ્રિયતમ… મારા પ્રિયતમ… – મુકુલ ચોક્સી
  10. નયનને બંધ રાખીને ….. – બરકત વિરાણી ‘બેફામ’
  11. તમે મારામાં આરપાર રહેતાં.. – રમેશ પારેખ
  12. વરસોથી સંઘરી રાખેલી – સૈફ પાલનપુરી

કહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું – જગદીશ જોશી

Happy Valentines Day to Dear Friends and All Dear Ones… from Tahuko.com !

૧૪મી ફેબ્રુઆરી… Valentines Day.. ગઈકાલના સમાચારમાં આવ્યું હતું કે અહીં અમેરિકામાં સરેરાશ માણસ – આ Valentines Day માટે $116 ખર્ચે છે..! (તમે એટલો ખર્ચો ના કર્યો હોય, તો પ્રેમિકા કે પત્નીને આ સમાચાર આપવા નહીં 🙂 ) પણ જો કે આ પ્રેમનું એવું છે ને કે – કોઇકવાર સાવ સરળ અને થોડા શબ્દોમાં પણ પ્રેમનો એકરાર થઇ જાય .. જેમને આ સુન્દરમે રચેલો દોઢ લીટીનો પ્રેમ ઉપનિષદ.

તને મેં ઝંખી છે –
યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.

-સુન્દરમ

તો ઘણીવાર – દોઢસો પાનાનો ગ્રંથ પણ ઓછો પડે લાગણીઓને વાચા આપવા માટે..! અને ત્યારે – જગદીશ જોશીના આ શબ્દો યાદ આવે…

સ્વર – સંગીત : આશિત દેસાઇ

કહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું
સહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું

આકાશ હવે આવડું અમથું નાનકું લાગે
ધરતી હવે જાણે કે પરમાણું લાગે
મન આ મારું ક્યારેક તો ઉખાણું લાગે
સહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું

કેટલાંયે આ શબ્દો જાણે તરણાં જેવાં
આવરું બહાવરું દોડતાં જાણે હરણાં જેંવાં
પહાડથી જાણે દડતાં ઝીણાં ઝરણાં જેવાં
વહી ના શકાય એટલો તને પ્રેમ કરું છું

ખડક થાઉં તોયે હવે તો તારા વિના
રહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું .
– જગદીશ જોશી

********

અને હા.. થોડા વધુ પ્રણયગીતો અહીં માણી શકશો..!!

સખી મધરાતે એકવાર મીરાં આવી’તી… – ભાસ્કર વ્હોરા

સ્વર – સંગીત : નયન પંચોલી

સખી મધરાતે એકવાર મીરાં આવી’તી
મારા મનનાં મંદિરીયામાં રહેવા.
સપના ઢંઢોળી મુને માધવની વાતડી
એ હળું હળું લાગી’તી કહેવા.

ગોકુલ મથુરાને દ્વારિકાની રાજ એણે
હસી હસી દીધી’તી હાથમાં,
મુરલીના સૂર ગુંથી તુલસીની માળા
એણે પહેરાવી લીધી’તી બાથમાં.

એની રે હુંફમાં એક જોકું આવ્યું ને
એમ આંસુ ઝર્યા’તા અમી જેવા.

સખી મધરાતે એકવાર..

ગોરસ ગીતાના એણે એવા રે પાયા,
મારી ભવ ભવની તરસ્યું છીપાણી,
ભાગવા તે રંગે હું એવી ભીંજાણી
મારાં રૂંવે રૂંવે મીરાં રંગાણી.

ભગવની છોળ ધરી મીરાની વાત
હું તો ઘેર ઘેર ઘુમતી રે કહેવા.

સખી મધરાતે એકવાર..

– ભાસ્કર વોરા

અતિથિ વિશેષ : આપણે બધા

મારી સાઇટ ઉપર હું પોસ્ટ મૂકું અને પછી જયશ્રી કોપી-પેસ્ટ કરીને અહીં મૂકે એના કરતાં હું જાતે જ ઘુસણખોરી કરીને પોસ્ટ મૂકી દઉં તો શું ખોટું?

*

આપે ત્રેવીસમી ફેબ્રુઆરી તારીખ તો નોંધી જ લીધી હશે…. હવે આપ સહુના માટે આ આમંત્રણ પત્રિકા…. સમય કાઢી જરૂર પધારશો. આપને અંગત આમંત્રણ પત્રિકા જોઈતી હોય તો આપનું સરનામું મને dr_vivektailor@yahoo.com પર મેલ કરવા વિનંતી છે…

01_Card_cover 01_Card_front_final 01_Card_back_final

*

આપણો જ કાર્યક્રમ અને આપણે બધા જ અતિથિ વિશેષ…

*

A_SCSM_front_final A_CDsticker_final GarmaaLo

-આપની પ્રતીક્ષામાં,

વિવેક

અરુણોદય – ન્હાનાલાલ કવિ

ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે;
ઊગે છે ઉષાનું રાજ્ય ધીમે ધીમે;
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે…

રજનીની ચૂંદડીના
છેડાના હીરલા શા,
ડૂબે છે તારલા આજ ધીમે ધીમે;
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે…

પરમ પ્રકાશ ખીલે,
અરુણનાં અંગ ઝીલે;
જાગે પ્રભુ વિશ્વમાં આજ ધીમે ધીમે;
જાગે પ્રભુ જીવમાં આજ ધીમે ધીમે;
ઊગે છે પ્રભાત આજ ધીમે ધીમે….

આવ્યો માસ વસંત વધામણાં – નરસિંહ મહેતા

બે દિવસ પહેલા – ૮ મી ફેબ્રુઆરીએ વસંત પંચમી આવી ને ગઇ.. અને આ રાત-દિવસના આંકડાઓ (Audit) ના ચક્કરમાં હું અહીં વસંત સ્પેશિયલ કંઇક મુકવાનું ભૂલી જ ગઇ..

તો આજે માણીએ આ નરસિંહ મહેતાનું વસંતના વધામણાંનું પદ – અને સાથે ગયા વર્ષે શ્રી રામકબીર મંદિર – કારસન (અમેરિકા) માં આ પદ ગવાયેલું એનું લાઇવ રેકોર્ડિંગ..!

Recorded on January 25, 2010 at Shree Ramkabir Mandir, Carson, CA, USA

આવ્યો માસ વસંત વધામણાં, છબીલાજીને કરીએ છાંટણા;

વન કેસર ફૂલ્યો અતિ ઘણો, તહાં કોકિલા શબ્દ સોહામણાં;
રૂડી અરતના લઇએ ભામણા, આવ્યો માસ વસંત વધામણાં …. ૧

તું તો વહેલી થા ને આજ રે, તારાં સરસે સારાં કાજ રે;
તું તો મુક હૈયાની દાઝ રે, આવ્યો માસ વસંત વધામણાં ……… ૨

તું તો નવરંગ ચોળી પહેર રે, પછી આજ થાશે તારો લ્હેર રે;
રૂડા હરજી આવ્યા તારે ઘેર રે, આવ્યો માસ વસંત વધામણાં …. ૩

તું તો સજ શણગાર સાહેલડી, લેને અબિલ ગુલાલ ખોલા ભરી;
પછી ઓ આવે હસતાં હરિ, આવ્યો માસ વસંત વધામણાં …….. ૪

રૂડી અરતના અંગો અંગ છે, તહાં રમવાનો રૂડો રંગ છે;
તહાં છબીલાજીનો સંગ છે, આવ્યો માસ વસંત વધામણાં ……… ૫

તહાં આનંદ સરખો થાય છે, તહાં મોહન મોરલી વાયે છે;
તહાં નરસૈંયો ગુણ ગાય છે, આવ્યો માસ વસંત વધામણાં …….. ૬

બે મંજીરાં – ભગવતીકુમાર શર્મા

સ્વર – સ્વરાંકન : સોલી કાપડિયા

મારે રુદિયે બે મંજીરાં:
એક જૂનાગઢનો મહેતો, બીજી મેવાડની મીરાં…

ક્રુષ્ણક્રુષ્ણના રસબસ રણકે
પડે પરમ પડછન્દા:

એક મંજીરે સૂરજ ઝળહળ,
બીજે અમિયલ ચન્દા.

શ્વાસશ્વાસમાં નામસ્મરણના સરસર વહત સમીરા…

રાસ ચગ્યો ને હૈડાહોંશે
હાથની કીધી મશાલ;

વિષનો પ્યાલો હોઠ પામીને
નરદમ બન્યો નિહાલ.

હરિનાં જન તો ગહનગભીરાં, જ્યમ જમુનાનાં નીરાં…
મારે રુદિયે બે મંજીરાં.

– ભગવતીકુમાર શર્મા

( આભાર – પ્રભાતના પુષ્પો)

મારી બલ્લા – હરીન્દ્ર દવે

એક જશોદાના જાયાને જાણું
એ દેવકીના છોરાને જાણે મારી બલ્લા.
હોય ગોરસ તો પરસીને નાણું
આ નીરના વલોણાને તાણે મારી બલ્લા.

નિશ્ચે ઓધાજી તમે મારગડો ભૂલ્યા
આ તો ગોકુળનું ગમતીલું ગામ,
વ્રેહની પીડાને દીધી દાંતે દબાવી
હવે હોઠને તો હસવાથી કામ.

હોય વાંસળીનો સૂર તો પિછાણું
આ કાલીઘેલી બોલીને જાણે મારી બલ્લા.

રાધાનું નામ એક સાચું,
ઓધાજી બીજું સાચું વૃંદાવનનું ઠામ,
મૂળગી એ વાત નહીં માનો કે કોઇ
અહીં વારેવારે બદલે ના નામ.

એક નંદના દુલારાને જાણું
વસુદેવજીના કુંવરને જાણે મારી બલ્લા.

– હરીન્દ્ર દવે

કવિ – ગઝલકાર રઇશ મનીઆર અમેરિકાની મુલાકાતે…

રઇશભાઇના અમેરિકા નિવાસી ચાહકો…. આનંદો… રઇશભાઇ ૩૦ એપ્રિલ થી ૧૫ જુન સુધી અમેરિકાની મુલાકાતે આવી રહ્યા છે.. અને ઘણા શહેરોની મુલાકાત લેશે..! તમારા શહેરમાં એમના કાર્યક્રમ સંદર્ભે વાત કરવા આપ નીચેની રીતે એમનો સંપર્ક કરી શકો છો :

Email : amiraeesh@yahoo.co.in
Cell Phone : +91 9825137077

અને હવે માણીએ રઇશભાઇની આ પહેલાની એક અમેરિકાની મુકાલાત દરમ્યાન એમણે રજૂ કરેલી હઝલનું રેકોર્ડિંગ..!

પહેલાં એક સુરતી શેર માણીએ…

સુરતનો છું હું વતની એટલે આ આળ લાગે છે,
શુભેચ્છા પાઠવું છું તોયે સૌને ગાળ લાગે છે.

– હઝલ –

અમે રસ લેવા માંડ્યો જે ઘડીથી એક છોરીમાં,
નથી પડતો હવે ઇન્ટરેસ્ટ પેટીસમાં કચોરીમાં.

પ્રિયે, એવી મને તું પ્રેમરસથી ભરી ભરી લાગી,
કદી ચટણીપુરી લાગી, કદી પાણીપુરી લાગી.

થતી તુજ વાત ને તેમાં ય તારા રૂપની ચર્ચા,
જાણે ગરમાગરમ ભજીયા અને હો સાથમાં મરચા.

અમારો તે છતાં ના થઈ શક્યો મનમેળ તારી સાથ,
નકામી ગઈ જે રોજેરોજ ખાધી ભેળ તારી સાથ.

હવે મનમાં છવાયો એ રીતે આલમ હતાશાનો,
હું પેંડા ખાઉં છું તો સ્વાદ આવે છે પતાસાનો.

અમે સાથે અમારી કમનસીબી લઈ મરી જાશું,
કફનમાં ફાફડા સાથે જલેબી લઈ મરી જાશું.

– ડો. રઇશ મનીઆર