ત્રેવીસમી ફેબ્રુઆરી…

આમ તો આ પોસ્ટ તમે ‘શબ્દો છે શ્વાસ મારા’ કે ‘લયસ્તરો’ પર વાંચી હશે… પણ આ મઝાના સમાચાર અને ભાવભીનું આમંત્રણ તમારા સુધી પહોંચાડવાનો વધુ એક મોકો મળતો હોય તો શું કરવા જતો કરું? 🙂

ફરી એકવાર અભિનંદન દોસ્ત… Direct दिल से ….

આગળ વાંચો… વ્હાલા કવિ મિત્ર – વિવેક ટેલર – ના પોતાના શબ્દો… (એમના બ્લોગ પરથી કોપી-પેસ્ટ – 🙂 )

**********************

ત્રેવીસમી ફેબ્રુઆરી…

આ દિવસ આપની ડાયરીમાં નોંધી રાખજો, દોસ્તો !  કેમકે આ દિવસ આપના એકધારા સ્નેહ અને હૂંફના કારણે જ મારી જિંદગીમાં આવ્યો છે…

આ દિવસે મારા બે પુસ્તકો ‘શબ્દો છે શ્વાસ મારા’ અને ‘ગરમાળો’ તથા ઑડિયો સીડી ‘અડધી રમતથી…’નું વિમોચન ગાંધી સ્મૃતિભવન, સુરત ખાતે થશે… સાથે જ ગાર્ગી વોરા, અમન લેખડિયા અને રાહુલ રાનડે રજૂ કરશે મારા ‘શબ્દોનું સ્વરનામું’ – જાણીતા-માનીતા ગુજરાતી ગીત-ગઝલનો મનહર કાર્યક્રમ…

આપ જો સુરત રહેતા હો અથવા આ દિવસે જો સુરત આવી શક્તા હો તો આપ સહુને મારા આ કાર્યક્રમમાં સહભાગી થવા મારું સ્નેહભીનું આમંત્રણ છે.

આપનું સરનામું જો મને dr_vivektailor@yahoo.com પર મોકલી આપશો તો આપને આમંત્રણ પત્રિકા પહોંચાડવામાં મને સુવિધા રહેશે…

આભાર !

GarmaaLo

SCSM

હે જી એવી ચોપાટ્યું મંડાણી ચંદન ચોકમાં – રાજેન્દ્ર શુક્લ

સ્વર : સમૂહ સ્વર –રાગેશ્રી વૃંદ
સંગીત નિયોજન : નીરવ જ્વલંત
સ્વરાંકન : પરેશ ભટ્ટ

હેજી એવી ચોપાટ્યું મંડાણી ચંદન ચોક માં ,
હે નાખ્યા લખ રે ચોરાશી દાવ, હેજી એવી રૂડી ચોપાટ્યું મંડાણી

પુરા ચાંદા સુરજ ના કીધા સોગઠા … કીધા સોગઠા
નાચ્યા કોઈ આંખ્યું ને અણસાર …
હેજી એવી ચોપાટ્યું મંડાણી

તમે પાસા ઢાળો ને તારા ઝળહળે… તારા ઝળહળે…
ને મુઠ્ઠી વાળો ત્યાં અંધાર .. મૂઠી તમે વાળો ત્યાં અંધાર
હેજી એવી ચોપાટ્યું મંડાણી ચંદન ચોક માં

મારા ખોબામાં – રમેશ પારેખ

મારા ખોબામાં ખખડાવું કોડી ૪૦
તને બોલાવું : રમવા આવીશ ?
છાબડી લઇને ચાલ, પરપોટા વીણશું
ને સાંજરે વળીશું ઘેર પાછાં

વીણેલા પરપોટા સાંધી સાંધીને
એના દરિયાઓ ગોઠવશું આછા
પછી દરિયાને તું ક્યાં વાવીશ ?

રણથી ટેવાયેલી આંગળીઓ
પાણીને ઑળખાણ આપતાં મૂઝાંશે
પોતાના ખખડાટે છળી જતી કોડીને
દરિયો અફળાય તો શું થાશે ?

તારા ખોબામાં તું શું લાવીશ ?

(  આભાર – http://www.rameshparekh.in/)

એક છોકરીના હાથથી રૂમાલ પડે -રમેશ પારેખ

શંકર મહાદેવનનાં મસ્તીભર્યા મોહક સ્વરે આ ગીતને જાણે ચાર ચાંદ લગાવી દીધા હોય એવું નથી લાગતું?!

આલ્બમ: હસ્તાક્ષર
સંગીત: શ્યામલ-સૌમિલ
સ્વર: શંકર મહાદેવન

girl_on_swing-light.jpg
(ફળિયાના હીંચકે, એક છોકરી…)

એક છોકરીના હાથથી રૂમાલ પડે
એ લેવા આખુંય ગામ વળે નીચે
જુવાન આંખ ફાડે, બુઢ્ઢાઓ આંખ મીચે.

નામ કોનું રૂમાલમાં આ છોકરીએ ભર્યું છે,
એ બાબત પર ઠેર ઠેર ગરમી.
પડ્યા ગામના બગીચાઓ ખાલી કુંજાર
અને નાસ્તિકો થઇ ગયા ધરમી.

કારણ કે મંદિરે જાય છોકરી તો
લોક શું કરવા ટળવળે બગીચે ?

ગંધ છોકરીની આવી જે જીવને તે જીવની
ગંભીરતામાં પડી ગયો ગોબો.
સહુ છોકરાને અરીસાઓ ઠપકો આપે
કે જરા મોઢાઓ માંજો ને શોભો.

કારણ કે ફળિયાના હીંચકે આ છોકરી
એકલી બેસીને રોજ હીંચે.

-રમેશ પારેખ

* * *

આભાર – ઊર્મિસાગર.કોમ

પ્રેમમાં ક્યાં જાણકારી જોઇએ – મુકેશ જોષી

પ્રેમમાં ક્યાં જાણકારી જોઇએ
બસ હ્રદય વચ્ચે કટારી જોઇએ

શ્રીહરી ને છોકરીમાં સામ્યતા
બેઉ જણ માટે પૂજારી જોઇએ

આપણા ઘરમાં જ હો ચાલે નહીં
એમના ઘરમાં ય બારી જોઇએ

નાગ ને નાગણ હવે ઘરડાં થયાં
દિકરા જેવો મદારી જોઇએ

એ અગાસીમાં સૂતેલા હોય તો
ચાંદ પર મારે પથારી જોઇએ.

– મુકેશ જોષી

એક એવી તે પ્રીત અમે કીધી – જયંત પાઠક

એક એવી તે પ્રીત અમે કીધી, ઘૂંટમાં આખી પિયાલી પીધી.

પીંછામાં એક, અમે પંખીને પામિયા, ને તારામાં એકલ આકાશ,
લહરીમાં એક લીધો સાગરને તાગી, ને એક જ કિરણમાં પ્રકાશ;
એક એવી તે પ્રીત અમે કીધી, કે મીટમાં નજરું હજાર બાંધી લીધી.

એક જ ઉચ્છવાસ અમે લીધો ને રોમ રોમ, ઊઘડ્યાં ફટોફટ ફૂલ,
એક જ નિશ્વાસ અમે મૂક્યો ને કંપિયાં, વનવનનાં પર્ણો વ્યાકુળ;
એક એવી તે પ્રીત અમે કીધી, કે ભંગમાં રેખાઓ ઊઘડી સીધી.

– જયંત પાઠક

( આભાર – Webમહેફિલ)

મને સુક્કા કદંબનું તે પાંદડું કહે – હરીશ મિનાશ્રુ

સ્વર: ઝરણા વ્યાસ
સ્વરાંકન : દક્ષેશ ધ્રુવ

મને સુક્કા કદંબનું તે પાંદડું કહે
મને ગોકુળ કહે તો તને મારા સોગંદ,
મને મોરલી કહે કે મોર પીછું કહે
મને માધવ કહે તો તને મારા સાગંદ.

કેમ કરી આંસુને ઓળખશે ભાઈ?
હું તો પાણીમાં તરફડતી માછલી.
જીવતરની વારતામાં ગૂંથેલી ઘટના તો
ખાલીખમ શ્રીફળની કાચલી.

જીવ સોંસરવી ઘૂઘવતી વેદનાને અમથુંયે
દરિયો કહે તો તને મારા સોગંદ.

વેણુંમાં ફરફરતા આદમ ને ઇવ
જાણે સૂક્કેલા પાંદડાની જાળી,
ચપટી વગાડતાંમાં ઊડી ગઇ ક્યાંક
મારા ભેરુબંધોની હાથતાળી.

મને ડૂમો કહે કે ભીનું ડૂસકું કહે
મને માણસ કહે તો તને મારા સોગંદ.

ગાંધીડો મારો – દુલા ભાયા ‘કાગ’

રચના અને સ્વર – દુલા ભાયા ‘કાગ’

.

સો સો વાતુંનો જાણનારો ગાંધીડો મારો
ઝાઝી વાતુંનો ઝીલનારો

ડગલે ડગલે હાલ્યા કરે ઈ
ઊંચાણમાં ન ઊભનારો

એ ઢાળ ભાળીને સૌ ધ્રોડવા માંડે
ઢાળમાં નવ ધ્રોડનારો મોભીડો મારો
ઢાળમાં નવ ધ્રોડનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો

ભાંગ્યા હોય એનો ભેરુ થનારો
મેલાંઘેલાંને માનનારો

એ ઉપર ઊજળાં ને મનનાં મેલા એવાં
ધોળાને નહિ ધીરનારો મોભીડો મારો
ધોળાને નહિ ધીરનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો

એના કાંતેલામાં ફોદો ન ઊમટે
તાર સદા એકતારો

એ દેહે દુબળિયો ને ગેબી ગામડિયો
મુત્સદીને મૂંઝવનારો મોભીડો મારો
મુત્સદીને મૂંઝવનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો

પગલાં માંડશે એવે મારગડે
આડો ન કોઈ આવનારો

એ ઝેરના ઘૂંટડા જીરવી જાશે ઈ તો
બોલીને નહિ બગાડનારો મોભીડો મારો
બોલીને નહિ બગાડનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો

નાનાં બાળક જેવો હૈયે લેરીલો
એરુમાં આથડનારો

એ કૂણો માખણ જેવો સાદો ને સોયલો ઈ
કાળને નોતરનારો મોભીડો મારો
કાળને નોતરનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો

ઝીણી છાબડીએ ઝીણી આંખડીએ
ઝીણી નજરુંથી જોનારો

એ પોતે ચણેલામાં પોલ ભાળે તો તો
પાયામાંથી જ પાડનારો મોભીડો મારો
પાયામાંથી જ પાડનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો

આવવું હોય તો કાચે તાંતણે
બંધાઈને આવનારો

એ ના’વવું હોય ને નાડે જો બાંધશો તો
નાડાં તોડાવી નાસનારો મોભીડો મારો
નાડાં તોડાવી નાસનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો

રૂડો રૂપાળો થાળ ભરીને
પીરસે પીરસનારો

એ અજીરણ થાય એવો આહાર કરે નૈ
જરૂર એટલું જ જમનારો મોભીડો મારો
જરૂર એટલું જ જમનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો

આભે ખૂંતેલી મેડી ઊજળિયુંમાં
એક ઘડી ન ઊભનારો

એ અન્નનાં ધીંગાણાની જૂની ઝૂંપડિયુંમાં
વણ તેડાવ્યે જાનારો મોભીડો મારો
વણ તેડાવ્યે જાનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો

સૌને માથે દુખડા પડે છે
દુખડાંને ડરાવનારો

એ દુખને માથે પડ્યો દુખ દબવીને એ તો
સોડ તાણીને સૂનારો મોભીડો મારો
સોડ તાણીને સૂનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો

કાળ જેવાને મહાકાળ લાગે છે
આભને બાથ ભીડનારો

એ સૂરજ આંટાં ફરે એવડો ડુંગરો
ડુંગરાને ડોલાવનારો મોભીડો મારો
ડુંગરાને ડોલાવનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો

ઓળખજે બેનડી એ જ એંધાણીએ
એ મારા ખોળાનો ખૂંદનારો

એ મારો મોહનજી એ ઝાઝેરું જીવો મારા
ઘડપણને પાળનારો ગાંધીડો મારો
ઘડપણને પાળનારો ગાંધીડો મારો
ઝાઝી વાતુંનો ઝીલનારો

સો સો વાતુંનો જાણનારો ગાંધીડો મારો
ઝાઝી વાતુંનો ઝીલનારો

(આભાર – માવજીભાઇ.કોમ)

ચોર્યાંસી ભાતનો સાથિયો – નીનુ મઝુમદાર

Dear All,

I am glad to inform you that this year’s Avinash Vyas Award of Sugam Sangeet will be given to Ms.Kaumudi Munshi. The award will be given at the hands of Shri Morari Bapu in Ahmedabad during the holding of Samanvay Sangeet Samaroh on Sunday, 13th February 2011. The earlier awards were given to Shri Dileep Dholakia, Shri Ajit Merchant, Shri Kshemu Divetia and Shri Purushottam Upadhyay respectively. However that makes Ms.Kaumudi Munshi, the first lady recipient to be of the coveted Avinash Vyas Award inspired by Shri Morari Bapu in music.

Kindly see the attachment for the announcement (Mumbai Samachar)

સ્વર : કૌમુદી મુનશી
સ્વરાંકન : નીનુ મઝુમદાર

ચોર્યાંસી ભાતનો સાથિયો રે માંડ્યો
કે લાલ રંગ ખૂટ્યો સાહેલડી જી રે
અડધી ભાતે રે મારો સાહ્યબો રિસાયો
કે હાય સંગ છૂટ્યો સાહેલડી જી રે

મેઘધનુ રંગની ભાત વચ્ચોવચ્ચ
કોઈ અજબ રંગ સાંપડ્યો જી રે
જાતાં પડ્યોતો પગ વાલમના આંગણિયે
લોક કહે સાથિયો બગડ્યો જી રે

પથ પથરાઈ મારો જીવડો પુકાર્યો
કે પિયુ કેમ રૂઠ્યો સાહેલડી જી રે

ચોર્યાંસી ભાતનો…..

કોઈ જાણભેદુને પાછળ દોડાવ્યો
કે આવ્યો સંદેશ લઈ સોગિયો જી રે
પરદેશ જઈ વ્હાલે રંગ મોકલાવ્યો
તે લાલ નહિ નીકળ્યો જોગિયો જી રે

અંગે અંગે તે મારે રોમ રોમ લાગ્યો
કે આગ થઈ ફૂટીયો સાહેલડી જી રે

ચોર્યાંસી ભાતનો…..

(આભાર – માવજીભાઈ.કોમ)

શોધું – સુન્દરમ્

શોધું સાંજસવાર
આ પારે ઓ પાર
મારા સૂરોનો અસવાર જી,
મારા સૂર તણો સરદાર જી.

રંગમહલમાં દીપ જલાવ્યા મેં બાંધ્યા હીંડોળાખાટ જી,
સજ્જ મારા સહુ તાર સતારના, વાદકની રહી વાટ જી.
મારા સૂરોનો સરદાર જી.

કુંજનિકુંજે ફૂલ ખીલ્યાં, ખીલ્યાં જલકમલ કાસાર જી,
આજ વસંત કેરી વાત જાગી, મારું ઉર માગે ઉદગાર જી.
મારા સૂરોનો સરદાર જી.

મનપવનની પાવડી પહેરું, આંખમાં આંજું જ્યોત જી,
નીલ ગગનની ગોદ ગોતે મારો પ્રાણનો સરદાર જી.
મારા સૂરોનો સરદાર જી.

આભ ઓળંગું ને ભોમ ભેદું, માંડું ગુરુ ચરણમાં ચિત્ત જી,
કંઠ મારે એણે કંઠ ભર્યો નિજ, પ્રીતમાં પૂરી પ્રીત જી.
મારા સૂરોનો સરદાર જી.

– સુન્દરમ્