Monthly Archives: October 2008

જીવનનું વિવેચન કોણ કરે ? – સૈફ પાલનપૂરી

સૈફ પાલનપૂરીની આ સદાબહાર ગઝલ આજે ફરી એકવાર.. એટલે સ્વર – સંગીતના બોનસ સાથે જ તો વળી..!! અને એ સ્વર – સંગીત જ્યારે શ્યામલ-સૌમિલના હોય તો? મઝા જ આવી જાય ને…

.

નિસ્બત છે અમારે ધરતીથી, તુજ સ્વર્ગનું વર્ણન કોણ કરે ?
ઘર-દીપ બુઝાવી નાંખીને, નભ-દીપને રોશન કોણ કરે ?

જીવનમાં મળે છે જ્યાં જ્યાં દુ:ખ, હું જાઉં છું ત્યાં ત્યાં દિલપૂર્વક
મારાથી વધુ મુજ કિસ્મતનું, સુંદર અનુમોદન કોણ કરે ?

વીખરેલ લટોને ગાલો પર, રહેવા દે પવન, તું રહેવા દે
પાગલ આ ગુલાબી મોસમમાં, વાદળનું વિસર્જન કોણ કરે ?

આ વિરહની રાતે હસનારા, તારાઓ બુઝાવી નાખું પણ,
એક રાત નભાવી લેવી છે, આકાશને દુશ્મન કોણ કરે ?

જીવનની હકીકત પૂછો છો ? તો મોત સુધીની રાહ જુઓ
જીવન તો અધૂરું પુસ્તક છે, જીવનનું વિવેચન કોણ કરે ?

લાગે છે કે સર્જક પોતે પણ કંઇ શોધી રહ્યો છે દુનિયામાં
દરરોજ નહિતર સૂરજને, ઠારી ફરી રોશન કોણ કરે ?

એવું બધું – અલ્પેશ પાઠક ‘પાગલ’

હું એટલે કે આંસુ, સપના, આશ, મ્રૂગજળ, પ્યાસ ને એવું બધું,
જિંદગાની ધારણા, અટકળ્ ઊછીના શ્વાસ ને એવું બધું,

ડરતો નથી હું તારી આવી વાતથી મેં આયનાને કહી દીધું ,
કાયમ બતાવ્યા શું કરે પોતાની મારી લાશ ને એવું બધું,

છે એક જાહેરાત અખબારમાં કે ફ્લેટ ના જંગલ મહી,
ખોવાઈ ગ્યું છે ઊડતું પંખી અને આકાશ ને એવું બધું,

આજે કે જ્યારે આંખને અંધારનઆદત પડી છે માંડ માંડ,
ત્યારે તું સામે લઈને આવે ચાંદની અજવાસ ને એવું બધું,

મ્હેંદી ભરેલા હાથ, થાપા કંકુના ડેલી ઊપર હું જોઊ ત્યાં,
આજે હજુયે યાદ આવે એક ચહેરો ખાસ ને એવું બધું,

વૃંદાવનમાં થનકાર થનક થૈ થૈ થૈ … – દયારામ

આ ગીતની પૂરેપૂરી મઝા લેવી છે? Headphone ની વ્યવસ્થા કરો.. વિરાજ-બીજલ નો યુગલ સ્વર હોય એટલે ગીત સ્પેશિયલ તો થઇ જ જાય, અને આ ગીતનું રેકોડિંગ એવું સરસ છે કે એકબાજુ વિરાજનો અવાજ સંભળાય અને બીજી બાજુ બીજલનો..

અને આ વાત અહીં ખાસ એટલા માટે કહું છું કે તમે વિરાજ-બીજલને સાથે બીજા ગીતોમાં સાંભળ્યા હશે ( સૂના સરવરિયાને કાંઠડે – અવિનાશ વ્યાસ, પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા – અવિનાશ વ્યાસ ) તો એ ગીતોમાં એમનો અવાજ એવો તો એકાકાર થઇને આપણા સુધી પહોંચે છે કે – જાણે એક જ વ્યક્તિનો સ્વર હોય..!

સ્વર : વિરાજ – બીજલ ઉપાધ્યાય
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

વૃંદાવનમાં થનકાર થનક થૈ થૈ થૈ
રાધાકૃષ્ણ રમે રાસ ગોપી લૈ લૈ લૈ
બીજું કૈં નહીં કૈં નહીં… વુંદાવનમાં…

નૂપુરચરણ કનકવરણ ઝાંઝર જોડો
ઘુંઘરીયાળો કટી ઓપે કંદોરો
મોરમુકુટ મણી વાંકડો અંબોડો
કુંડલકાન, ભ્રુકુટી તાન, નૈનબાણ કંપમાન
તાળી લૈ લૈ લૈ… વુંદાવનમાં…

વાગે તાલ ને કરતાલ સંગ તાળી
કોઇ તંબુરો ને કોઇ મૃદંગવાળી
મદનગાન મુખ્ય ગાયે વનમાળી
બોલે બૈન, સુધા સૈન, મોહન નૈન, પ્રગટ ચૈન
હ્રદય દૈ દૈ દૈ… વુંદાવનમાં…

મુકુટમાંહી રૂપ દીઠું રાધાએ
મનમાં માનિની વિમાસણ થાયે
હુંથી છાની બીજા છે મુકુટ માંહે
બહુ વ્હાલી, હઠ ઝાલી, ઊઠી ચાલી
દયા પ્રભુ જય જય જય… વુંદાવનમાં…

માડી તારા મંદિરીયે ઘંટારવ થાય – અવિનાશ વ્યાસ

સ્વર : વિભા દેસાઇ અને વૃંદ
સ્વરકાર : ગૌરાંગ વ્યાસ

.

માડી તારા મંદિરીયે ઘંટારવ થાય
વાગે નગારું ને ચમ્મર વિંઝાય

હે જગદંબા મા, તારે શરણે અમે કંકુ વિખાવ્યા
પગલા પાડો માં, અમે તારા ગરબા કોરાવ્યા
માડી તારા ઘુમ્મટમાં ઘંટારવ થાય…

જ્યાં જ્યાં ઘંટારવ, ત્યાં ત્યાં માડી તારા દર્શન
ઘંટારવમાં પૂજા ને ઘંટારવમાં અર્ચન
માડી તારી રગરગમાં ઘંટારવ થાય

જાગો માં.. જાગો માં..
જગભરમાં ઘંટારવ થાય..
ચારેકોર ચેતનની ચમ્મર ઢોળાય

માડી કેરા ઘુંઘટમાં ઘંટારવ થાય
વાગે નગારું ને ચમ્મર વિંઝાય

માડી તારા મંદિરીયે ઘંટારવ થાય…
ઘંટારવ થાય…
ઘંટારવ થાય…

મુને એકલી જાણીને ક્હાને છેડી રે….

સ્વર : નિશા ઉપાધ્યાય

.

મુને એકલી જાણીને ક્હાને છેડી રે…
પછી કહી દઉં જશોદાના કાનમાં.
મારો મારગડો છોડીને હાલતો થા…
પછી કહી દઉં જશોદાના કાનમાં.

મેળામાં મળવા હાલી, મારી સરખી સૈયરને
મેળામાં મળી ગયો પેલો રે તોફાની ક્હાન,
મારો છેડલો ન ઝાલ, તને કહી દઉં છું…
પછી કહી દઉં જશોદાના કાનમાં.

મુને એકલી જાણીને ક્હાને છેડી રે…

બેડલું લઇને હું તો સરોવર ગઇ’તી
પાછું વળીને જોયું, બેડલું ચોરાઇ ગયું,
મારા બેડલાનો ચોર, મારે કેમ લેવો ખોળી…
દઇ દે બેડલું રે ઓ મારા ક્હાનજી.

મુને એકલી જાણીને ક્હાને છેડી રે…

જય જય બોલો આનંદે અંબે માતની રે

સંગીત : દિપક અંજારીઆ
સ્વર : દિપક અંજારીઆ, પરાગ અંજારીઆ, પ્રાર્થના રાવલ, અસ્મિતા ઓઝા


.

જય જય બોલો આનંદે અંબે માતની રે
અંબે માતની રે બહુચર માતની રે
ચાંચર ચોકની રે
ગબ્બર ગોખની રે..

પાવાગઢમાં છે મહાકાળી
શંખલપૂરમાં બહુચર વાળી
આરાસુરની રાણી અંબે માતની રે

ગોખમાં ગબ્બરમાં હિંચકા ખાયે
ભક્તોને એ દર્શન આપે
શોભે સિંહની સવારી અંબે માતની રે

રાચે નાચે તાળી પાડે
ગરબા ગાયે સખી સંગાથે
સખીઓ ઝીલે તાળી અંબે માતની રે

ખણખણ ખંજરી વાગે
ઘમઘમ ઘમઘમ ઘૂઘરી વાજે
સઘળે પ્રસરે જ્યોતિ અંબે માતની રે

હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો

સ્વર : હેમુ ગઢવી

.

હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો

આજ અમે ગ્યા’તા સોનીડાને હાટ જો
આ ઝાલઝૂમણા વહોરતાંને, વ્હાણલાં વાહી ગયાં

હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો

આજ અમે ગ્યા’તા મણિયારાને હાટ જો
આ ચૂડલડો ઉતરાવતાં, વ્હાણલાં વાહી ગયાં

હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો

આજ અમે ગ્યા’તાં કસુંબીને હાટ જો
આ ચૂંદલડી વહોરતાંને, વ્હાણલાં વાહી ગયાં

હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો

આજ અમે ગ્યા’તાં મોચીડાને હાટ જો
આ મોજડિયું મૂલવતાંને, વ્હાણલાં વાહી ગયાં

હો રંગ રસિયા! ક્યાં રમી આવ્યા રાસ જો
આંખલડી રાતી ને ઉજાગરો ભારે કીધો

સૈયર હાલો ને જઇએ આજ ગરબે ઘૂમવાને

સ્વર : વત્સલા પાટિલ અને સચિન લિમયે
સંગીત : રિષભ Group

.

સૈયર હાલો ને જઇએ આજ ગરબે ઘૂમવાને
સૈયર હાલો ને જઇએ આજ ગરબે !
મનમાં ઉમંગ જાગે, હૈયે તરંગ ઉઠે,
હાલો ને જઇએ આજ ગરબામાં..

હે ઢોલ ઢમઢમ વાગે ને થાય રૂદિયે ધડકાર
હે મીઠી બંસી વાગે ને થાય ચિતડે થડકાર
હે આભમાં ચાંદો સોહે, સૌનું મનડું મોહે
હાલો ને જઇએ આજ ગરબામાં..

હે ઝાંઝર છમછમ વાગે ને થાય મીઠ્ઠો રણકાર
હે ગોરી ગરબે ઘૂમે રે સજી સોળે શરણાર
હાથ ના હૈયું રહે, મારું ચિતડું કહે,
હાલો ને જઇએ આજ ગરબામાં..

ઓ છોડી ગોરી નમણી નાજુકડી તું એકલડી નાર
તારુ દલડું ચોરાઇ જતા લાગે નહીં વાર
સંગે સૈયરની ટોળી, ગરબે રમવા દોડી
હાલો ને જઇએ આજ ગરબામાં..

ઓ ગોરી દલડું લોભાવે તારી આંખ્યુંનો માર
ચાલ લટકાળી જોઇ લાગે કાળજે કટાર
આજની રાત સારી, નિરખું વાટ તારી
હાલો ને જઇએ આજ ગરબામાં..

Non-stop Garba

નવરાત્રી શરૂ થાય અને ગુજરાતીઓની સાથે સાથે આખું ભારત જાણે ગરબાના મુડમાં આવી જાય..  અને નોન-સ્ટોપ ગરબા સાંભળવાની મજા આમ તો કાયમ જ આવતી હોય છે, પણ નવરાત્રીમાં એની એક ઓર જ મજા હોય છે. જાણે ઓફિસમાંથી અને બીજા બધા કામમાંથી ગુટલી મારીને ગરબાના મેદાન પર જવાની ઇચ્છા થઇ જાય..