ઐ કાચો કુંવારો એક છોકરો હતો ને એક છોકરી હતી
ને વાત ચાલી એવી તો ભાઇ ચાલી !
ઐ દરિયા ઉપર ઓલ્યા સપ્તર્ષિ જેમ સાત મચ્છર ઊડ્યા
ને જાત મ્હાલી એવી તો ભાઇ મ્હાલી !
ઐ કાચો કુંવારો….
નાના હતા ને તૈ ખાટલા ટ્પ્યા ને પછી ઉંબરા ટપ્યા
ને પછી દરિયો ટપતા તો ભાઇ ગલઢા થયા ને પછી
જૂનું મકાન કર્યું ખાલી એવું તો ભાઇ ખાલી !
ઐ કાચો કુંવારો….
પછી ભમ્મરિયા ઘૂનામાં ન્હાવા પડ્યાં
પછી પાણીનો રંગ મને લાગી ગિયો
પછી દોરી ઉપર ભીના લૂગડાની જેમ
મને સૂકવી દીધો સાવ સૂકવી દીધો.
પછી દરિયાની ઓસરીમાં પીંજારો બેઠો
ને રૂથી ભરાઇ જતા કોરા આકાશમાં
સૂરજનો સાવ ઝીણો તણખો પડ્યો ને
આગ લાગી, એવી તો ભાઇ, લાગી !
ઐ કાચો કુંવારો એક છોકરો હતો ને એક છોકરી હતી
ને વાત ચાલી એવી તો ભાઇ ચાલી !
આ વર્ષના ‘મનોજ પર્વ’ના બીજે દિવસે સાંભળીએ કવિ શ્રી મનોજ ખંડેરિયાની આ મને ખૂબ જ ગમતી ગઝલ..! કવિના પોતાના અવાજમાં.. મનોજ ખંડેરિયાની ગઝલોમાં આવતા જૂનાગઢ, નરસિંહના સંદર્ભો આમ તો અજાણ્યા નથી – પણ આ ગઝલમાં જૂનાગઢ કે નરસિંહ મહેતાના નામ વગર આવતો સંદર્ભ વિષે કવિના પોતાના અવાજમાં જ સાંભળો.
ગઝલ પઠન : મનોજ ખંડેરિયા
.
*****
અને સાથે બે અલગ સ્વરાંકનો અને સ્વરોમાં માણીએ આ ગઝલ ..!
સ્વર અને સ્વરાંકન : રાસબિહારી દેસાઇ
(થોડું જૂનું રેકોર્ડિંગ હોવાથી અવાજ થોડો ધીમો છે… ચલાવી લેશો ને? 🙂 )
.
સ્વર અને સ્વરાંકન : સોલી કાપડિયા
.
પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને
જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને
એવું છે થોડું : છેતરે રસ્તા કે ભોમિયા ?
એક પગ બીજા ને છળે એમ પણ બને
જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને
તું ઢાળ ઢોળિયો : હું ગઝલનો દિવો કરું
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને
વિવેક આ ગઝલ માટે કહે છે:
ઈશ્વર ઉપર લખાયેલી ઢગલાબંધ કવિતાઓમાં આ ગઝલ એનું અલગ જ પોત લઈને મોખરે પહોંચતી હોય એવું નથી લાગતું? ભગવાનની આવી સુંદર ધોલાઈ કદી જોઈ છે ખરી? છ એ છ શે’ર એવા નિપજ્યા છે કે ભગવાન જો ક્યાંય હોય અને આ ગઝલ વાંચી બેસે તો અચૂક હાર્ટ-એટેક આવી જાય…
મન વગર મેં એ રીતે દર્શન કર્યું,
દોસ્ત, એણે જે રીતે સર્જન કર્યું
* * * * *
ગઝલ પઠન – સૌમ્ય જોશી
.
સ્વર – સંગીત : આલાપ દેસાઇ
.
ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર,
તું કેવો અક્સ્માતથી સર્જાય છે ઈશ્વર.
હેઠો મૂકાશે હાથને ભેગા થશે પછી જ,
કોશિશ જ્યાં પતે ત્યાં જ શરૂ થાય છે ઈશ્વર.
જો દૂર પેલી વસ્તીમાં ભૂખ્યા છે ભૂલકાં,
લાગે છે તને દૂરનાં ચશ્માં ય છે ઈશ્વર.
કે’ છે તું પેલા મંદિરે છે હાજરાહજૂર,
તું પણ શું ચકાચોંધથી અંજાય છે ઈશ્વર ?
આજે કવિ શ્રી આદિલ મન્સૂરીને એમના જન્મદિવસે હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે માણીએ એમની આ ગઝલ એમના પોતાના અવાજમાં, અને સાથે મનહર ઉધાસના સ્વર-સ્વરાંકન..!!
હો ભીડમાં જ સારૂં, બધામાં ભળી જવાય,
એકાંતમાં તો જાતને સામે મળી જવાય;
સામે મળી જવાય તો બીજું તો કંઈ નહીં,
પણ કેમ છો કહીને ન પાછા વળી જવાય.
– આદિલ મન્સૂરી
સ્વર-સંગીત : મનહર ઉધાસ
આલ્બમ : અપેક્ષા
.
સામાં મળ્યાં તો એમની નજરો ઢળી ગઈ,
રસ્તા મહીં જ આજ તો મંઝીલ મળી ગઈ.
સાચે જ મીણ જેવી હતી મારી િજંદગી,
દુઃખનો જરાક તાપ પડ્યો ઓગળી ગઈ.
મારાથી તોય આંસું વધુ ખુશનસીબ છે,
જેને તમારી આંખમાં જગ્યા મળી ગઈ.
આજે કવિ શ્રી રમેશ પારેખની પૂણ્યતિથિ… એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે સાંભળીએ એમની આ ગઝલ, એમના પોતાના સ્વરમાં… અને હા, કવિ શ્રી ને થોડા વધુ નજીકથી ઓળખવાનો આ મોકો ચુકશો નહીં – http://www.rameshparekh.in/
રમેશ પારેખ કંઇક ભાળી ગયેલો કવિ હતો. પ્રેમના માર્ગે ચાલનારો આ કવિ સતત કંઇક ખોજવામાં રત હતો. ખુદ ભીંજાઇને બીજાને ભીંજવવા મથતો એ કવિ હતો.
– મોરારિ બાપુ
રમેશ પારેખની કવિતાનો હું સનાતન ઘાયલ છું. એ હૃદય મન સરોવરનો કવિ છે અને આપણા માન-સરોવરનો અધિકારી છે. એની કલમમાંથી આખોને આખો ગીતોનો દરિયો ઊછળી આવે છે. સર્જકતાથી ફાટફાટ થતાં આ કવિનું નામ વૈપુલ્યથી અને વૈવિધ્યથી ગીત, ગઝલ અને અછાંદસ દ્વારા ઊર્મિકવિતા સાથે ગુંથાયેલું અને ગંઠાયેલું છે. સોનલ તેની કાલ્પનિક વાસ્તવિકતા છે અને વાસ્તવિક કલ્પના છે. રમેશ એ વાવાઝોડું પી ગયેલો કવિ છે.
– સુરેશ દલાલ
એને તમે ‘લયનો કામાતુર રાજવી’ કહો કે પછી ‘સર્જકતાથી ફાટફાટ થતો કવિ’ કહો, રમેશ પારેખ છેલ્લા ત્રણ દાયકા સુધી ગુજરાતી ભાષાપ્રેમીઓના હૃદય પર એકચક્રી શાસન કરનાર અનન્વય અલંકાર છે. પોતાના નામને એણે કવિતાના માધ્યમથી જેટલું ચાહ્યું છે, ભાગ્યે જ કોઈ કવિ કે લેખકે એટલું ચાહ્યું હશે. ફરક ખાલી એટલો જ કે એનો આ ‘છ અક્ષર’નો પ્રેમ આપણે સૌએ સર-આંખો પર ઊઠાવી લીધો છે. કવિતામાં એના જેવું વિષય-વૈવિધ્ય અને શબ્દ-સૂઝ પણ ભાગ્યે જ કોઈના નસીબે હશે. એની કવિતાના શીર્ષક તો જુઓ: ‘કાગડાએ છુટ્ટું મૂક્યું છે ગળું’, ‘ઘઉંમાંથી કાંકરા વીણતા હાથનું ગીત’, ‘પત્તર ન ખાંડવાની પ્રાર્થના’, ‘મા ઝળઝળિયાજીની ગરબી’, ‘સમળી બોલે ચિલ્લીલ્લીલ્લી’, ‘વૈજયંતીમાલા અથવા ઠાકોરજીની છબીમાં’, ‘હનુમાનપુચ્છિકા’, ‘મનજી કાનજી સરવૈયા’, ‘બાબુભાઈ બાટલીવાલા’, ‘સાંઈબાબાછાપ છીંકણી વિશે’, ‘પગાયણ’, ‘હસ્તાયણ’, ‘રમેશાયણ’, ‘’પેનબાઈ ઈંડું ક્યાં મૂક્શો?’, ‘કલમને કાગળ ધાવે’ વિ…
રમેશ પારેખ એટલે દોમદોમ કવિતાની સાહ્યબીથી રોમરોમ છલકાતો માણસ. રમેશ પારેખ એટલે નખશિખ ગીતોના મોતીઓથી ફાટફાટ થતો સમંદર. રમેશ પારેખ એટલે ગુજરાતી ભાષાનું અણબોટ્યું સૌન્દર્ય. રમેશ પારેખ એટલે લોહીમાં વહેતી કવિતા.
– વિવેક ટેલર
આમ અછતા ન થયા આમ ઉઘાડા ન થયા,
હાથ ફૂલોમાં ઝબોળ્યા ને સુંવાળા ન થયા.
સ્વપ્ન તો આંખમાં આવીને રહે કે ન રહે,
ઘેર આવેલ પ્રસંગો ય અમારા ન થયા.
તાગવા જાવ તો – ખોદાઇ ગયા છે દરિયા,
અર્થ શોધો તો – અમસ્થા ય ઉઝરડા ન થયા.
એક વરસાદનું ટીપું અમે છબીમાં મઢ્યું,
ત્યારથી ભેજભર્યા ઓરડા કોરા ન થયા.
સમુદ્ર લોહીમાં ખીલ્યો, ખીલ્યો, ઝૂલ્યો ને ખર્યો,
બળી ‘ગ્યો છોડ લીલોછમ ને ધુમાડા ન થયા.
આજ ખાબોચિયાનાં થાય છે શુકન રણમાં,
તો ય ભાંગી પડેલ જીવને ટેકા ન થયા.
આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.
રવિવારે નવમી મે નાં રોજ આપણા પ્રિય કવિ શ્રીગારાંગભાઈ ઠાકરનાં બીજા કાવ્યસંગ્રહનું વિમોચન કરવામાં આવ્યું હતું. અને લયસ્તરો પર ખાસ ઇ-મોચન પણ કરવામાં આવ્યું છે 🙂 પહેલા કાવ્યસંગ્રહનું નામ તો લગભગ બધાને ખબર જ છે – ‘મારા હિસ્સાનો સૂરજ ‘. એમના આ બીજા કાવ્યસંગ્રહનું નામ એમણે રાખ્યું છે – ‘વ્હાલ વાવી જોઈએ ‘ ! મિત્રો, એમનું આ નામ તમને થોડું જાણીતું લાગ્યું ને? કારણ કે કદાચ તમને આ શિર્ષકવાળી એમની એક ગઝલ એમના ગઝલ-પઠન સાથે યાદ આવી ગઈ હશે, જે આપણે અહીં ગયા વર્ષે માણી ચૂક્યા છીએ… 🙂 : વ્હાલ વાવી જોઈએ
તો એમના આ નવા કાવ્યસંગ્રહમાંની બીજી બે ગઝલોની થોડી ઝલક આપણે એમનાં જ અવાજમાં માણીએ… જે આપણે આમ તો આગળ અહીં અને લયસ્તરો પર અપ્રગટ ગઝલો તરીકે માણી જ ચૂક્યા છીએ.
(કાવ્યસંગ્રહનું મુખ્યપૃષ્ઠ…)
સ્વર : ગૌરાંગ ઠાકર
*
મારું સઘળું એ ધ્યાન એ લઇ બેઠા
જાણે ઇશ્વરનું સ્થાન લઇ બેઠા
ને માત્ર સરમાનુ એમણે દીધું
ને અમે ત્યાં મકાન લઇ બેઠા
*
ટોચની આ કલ્પના ક્યાં તળ વગર
શક્યતા ક્યાં વૃક્ષની કુંપળ વગર
છાપ સિક્કાની મને બંને ગમે
માત્ર તું એને ઉછાળે છળ વગર
*
શબ્ક ક્યારેક તીર લાગે છે,
કોઇ વેળા લકીર લાગે છે
કોઇ કારણ વગર મળે ત્યારે,
જાત મારી અમીર લાગે છે
જેને વૈભવ મળે છે અંદરથી,
બહારથી એ ફકીર લાગે છે
*
મને સ્હેજ મારાથી અળગો કરી દઉં
તને પામવાનો હું રસ્તો કરી દઉં
નદી ક્યાંક મંઝિલથી ભટકી પડે ના
હું પર્વતની નીચે જ દરિયો કરી દઉં
આજે ૧૬મી માર્ચ… વ્હાલા કવિ મિત્ર ડૉ. વિવેક મનહર ટેલર, અને સાથે એમના જ ‘હમનામ’ કવિ શ્રી વિવેક કાણે ‘સહજ’ નો પણ જન્મદિવસ. તો આજે બંને કવિઓની ગઝલો સાંભળીએ એમના પોતાના અવાજમાં.. અને હા, આમ તો જન્મદિવસે ભેટ આપવાનો રિવાજ હોય છે – પણ આજે એ બંને કવિમિત્રો પાસેથી હું એક ભેટ તમારા માટે લઇ આવી છું.
ડૉ. વિવેક મનહર ટેલર શ્રી વિવેક કાણે ‘સહજ’
વિવેક ટેલરની ગઝલનો આસ્વાદ વિવેક કાણે ‘સહજ’ ના શબ્દોમાં…. અને વિવેક કાણે ‘સહજ’ની ગઝલનો આસ્વાદ વિવેક ટેલરના શબ્દોમાં..!!
આશા છે એમના તરફથી આજના આ દિવસ માટે ખાસ મેળવેલા આસ્વાદ માણવાની આપને મઝા આવશે.
અને એમને Happy Birthday કહેવાનું ભૂલી ન જશો..!!
આ રહ્યું મારા અને અમિતના તરફથી…Happy Birthday……!!! 🙂
ગઝલ પઠન : વિવેક મનહર ટેલર
જગત જ્યારે જ્યારે કનડતું રહે છે,
મને કંઈક મારામાં જડતું રહે છે.
છે દિલ પર અસર શેનાં આકર્ષણોની ?
નથી ઢાળ તો પણ ગબડતું રહે છે.
પડે જેમ ખુશબૂનાં પગલાં હવામાં,
કોઈ એમ મારામાં પડતું રહે છે.
રહી દૂર કોઈ રહે ઠેઠ ભીતર,
રહી પાસે કોઈ, અછડતું રહે છે.
આ મન છે કે માણેકશાની ચટાઈ ?
બને દહાડે, રાતે ઊખડતું રહે છે.
આ વાતાનુકૂલિત મકાનોની પાછળ,
જરઠ ઝાડ કંઈ-કંઈ બબડતું રહે છે.
હથેળીની ભાષા અડી ગઈ’તી ક્યારેક,
કબૂતર હજી પણ ફફડતું રહે છે.
-વિવેક મનહર ટેલર
(જરઠ=વૃદ્ધ)
(માણેકશાહ બાવાની ચટાઈ: અમદાવાદનો (કે મહેમદાબાદનો) સુલતાન શહેર ફરતે કોટ બાંધી રહ્યો હતો ત્યારે ત્યાં પડી રહેતો ફકીર ઓલિયો માણેકશાહ બાવો ચટાઈ વણતો રહેતો. દિવસ દરમિયાન એ ચટાઈ વણતો રહેતો અને કોટ બંધાવા આવતો પણ સાંજ પડતા એ ચટાઈ ખોલી નાંખતો અને કોટ તૂટી પડતો દિવસો સુધી આમ ચાલ્યું પછી જ્યારે રાજાને ફકીરનું મહત્વ સમજાયું અને એના આશીર્વાદ લેવા ગયો ત્યારે માણેક બાવાએ ચટાઈ ઊકેલવાનું બંધ કર્યું અને કોટ બંધાયો)
– વિવેક મનહર ટેલર
આસ્વાદક : વિવેક કાણે ‘સહજ’
જગત જ્યારે જ્યારે કનડતું રહે છે
મને કંઇક મારામાં જડતું રહે છે
કનડગત કોને નથી ? કોઈને આની, તો કોઈને તેની, અકળાવી મૂકનારી, બેચૈન કરી નાખનારી. આ બેચૈની, આ પીડા, આ વલોપાત, આ મંથનમાંથી કંઇક નિપજે છે, કંઇક મળી આવે છે. એ કદી વિષ હોય તો ક્યારેક અમૃત. કદી કાળો કડદો તો કદી ધવલ નવનીત. શું મળી આવ્યું એ તો પ્રકાશમાં દેખાય – દ્રષ્ટિના પ્રકાશમાં. નીર-ક્ષીર વિવેક જોઈએ. ડૉ વિવેક ટેલર પાસે આવો વિવેક હોવાના પુરાવા, એમના સર્જનમાંથી મળી આવે છે, શોધવા પડતા નથી.
છે દિલ પર અસર શેના આકર્ષણોની
નથી ઢાળ તો પણ ગબડતું રહે છે
આકર્ષણો અનેક પ્રકારનાં હોય છે. એમાંનું એક એ ગુરુત્વાકર્ષણ. ગુરુત્વાકર્ષણથી ગબડવા માટે ઢાળ જોઈએ. ઢાળ હોય તો પથરો ગબડે. હૃદયને તો ન ગુરુત્વાકર્ષણની જરૂર, કે ન ઢાળની. એ તો બસ ગબડે, આકર્ષણ કોઈ પણ ચાલે. કવિએ એ આકર્ષણોનાં નામ નથી પાડ્યાં. નામ પાડ્યા વિના વાત પહોંચાડી દેવી એ જ ડૉ વિવેકના કવિકર્મનું જમા પાસું, અને ભાવકની સજ્જતાને પડકાર. સુજ્ઞ ભાવકની સજ્જતા પર કવિને પૂરો વિશ્વાસ છે.
પડે જેમ ખુશ્બુનાં પગલાં હવામાં
કોઈ એમ મારામાં પડતું રહે છે
‘પડવું’ એ આમ તો માત્ર એક ક્રિયા – સાવ સામાન્ય, ભૌતિક. પણ એ ક્રિયાપદ ગુજરાતી ભાષામાં કંઈ કેટકેટલા સંદર્ભે વપરાય છે ! હાથમાંથી કલમ ‘પડે’, અને નીતિમત્તાનું ધોરણ પણ ‘પડે’. ‘રેતી ઉપર પગલાંનું પડવું’ એ એક અને ‘મન ઉપર કોઈ છાપનું પડવું’ એ એનાથી જુદું. પડવા પડવા માં ફેર છે અને આ છે ગુજરાતી ભાષાની સમૃદ્ધિ. આ બધું તો ઠીક, પણ ખુશ્બુનાં પગલાં ? અને એ પણ હવા પર ? શબ્દોનાં કોશગત અર્થો અને ભાષાગત સંદર્ભોને અતિક્રમીને એમને આ રીતે પ્રયોજવા એ ડૉ વિવેકનું ભાષાકર્મ.
ખુશ્બુનાં હવા પરનાં પગલાં, એ એની ગતિનો ચિતાર છે. પહેલા મિસરાનું ખુશ્બુનું ગતિમાન, બીજા મિસરામાં કોઈના પડવાને ગતિ આપે છે. કોઈ મારામાં પડે છે, છાપ મૂકે છે અને આગળ વધી જાય છે, રોકાઈ પડતું નથી – કેવી ચિત્તાકર્ષક image છે !
રહી દૂર કોઈ, રહે ઠેઠ ભીતર
રહી પાસે કોઈ અછડતું રહે છે
‘નિકટ’ કે ‘દૂર’ નો, સંબંધની ઉત્કટતા સાથે કેટલો સંબંધ ? ભૌતિક રીતે પાસે હોય એ આપણને જરાય સ્પર્શે જ નહીં અને ભૌતિક અંતર હોવા છતાંય સાચો સંબંધ વધુ ઘનીભૂત થતો જાય એમ પણ બને. આ શેરમાં ‘અછડતું’ નો કાફિયા ખાસ ધ્યાન ખેંચે છે. બાકીની આખી ગઝલમાં બધાં જ કાફિયા ક્રિયાપદોનાં છે, જ્યારે અહીં એ monotony તૂટે છે. બધાં જ કાફિયા ક્રિયાપદોનાં ન રાખવાં એ એક પડકાર છે, જે આપણા કવિ એ સાચવીને ઝીલી લીધો છે.
આ મન છે કે માણેકશાની ચટાઈ ?
બને દહાડે રાતે ઉખડતું રહે છે
‘બનના ઔર બિગડના’ એ પ્રયોગ આમ તો હિન્દી / ઉર્દુ માં થાય છે. મનનું બનવું અને ઉખડવું (એ ય પાછું ઉખડવું, બગડવું નહીં), એવો પ્રયોગ ગુજરાતી માં આગંતુક લાગે. વળી, ચટાઈના બનવા અને ઉખડવા સિવાય પણ મનના ‘દિવસે’ બનવા અને ‘રાતે’ ઉખડવાનો કોઈ સ્વતંત્ર સંદર્ભ હોય તો શેર હૃદ્ય બને. એકંદરે, આખી ગઝલમાં આ એક શેર થોડો કૃત્રિમ જણાય છે. પણ માણેકશા બાવાની લોકવાયકા અને મનને એની ચટાઈની અપાયેલી ઉપમા આસ્વાદ્ય ખરી.
આ વાતાનુકુલિત મકાનો ની પાછળ
જરઠ ઝાડ કંઈ કંઈ બબડતું રહે છે
છેલ્લાં કેટલાંક વર્ષોમાં, પર્યાવરણ અને ખાસ કરીને Global Warming વિષેની ચિંતા પ્રસરી રહી છે. પણ આપણામાંનાં ઘણાં હજી પણ એ તરફ આંખ આડા કાન કરીને, પોતપોતાના આરામદાયક નિવાસમાં નિષ્ક્રિય બેઠાં છે. મકાનની પાછળ ઊભેલા જરઠ ઝાડને આની જાણ છે, પણ એ બિચારું બબડવા સિવાય શું કરી શકે ? એનો એ બબડાટ કોઈ કાને ધરશે ? નાનાં તો નાનાં પણ કોઈ નક્કર પગલાં ભરશે ?
હથેળીની ભાષા અડી ગઈ’તી ક્યારેક
કબૂતર હજી પણ ફફડતું રહે છે
પોતાના બેજવાબદાર વર્તનથી માનવી પોતાની અને સમગ્ર જીવસૃષ્ટિની નિયતી પોતે જ પોતાની હસ્તરેખાઓમાં અંકિત કરી રહ્યો છે. કબૂતર ફફડે છે કારણ કે પેલા જરઠ વૃક્ષની માફક એને પણ નિયતીની જાણ છે. કબૂતર ફફડતું રહેશે – ક્યાં સુધી કોને ખબર !
જોયું ! કયા વિષયથી શરૂ કરીને આપણે ક્યાં આવી ગયા. પણ વાંધો નહીં, ગઝલનું સ્વરૂપ જ એવું છે. એનો પ્રત્યેક શેર એક સ્વતંત્ર કવિતા હોવાથી એક જ ગઝલનાં વિભિન્ન શેર નાનાવિધ ભાવ, વિચાર, વિષય કે આશય ને નિરૂપે એ સ્વીકાર્ય છે. હા, એટલું ખરું કે આ બધું જ, ડૉ વિવેક ટેલરને થતી કનડગતથી આરંભાયેલી આત્મશોધ અને મંથનને પરિણામે પ્રાપ્ત થયેલું નવનીત છે.
આવો, આજે આ જ નવનીતથી એમના (અને મારા પણ) જન્મદિવસની કેક ઉપર icing કરીએ.
‘Happy Birthday to both of us and may we celebrate many more of them, together like this one.’
થાય છે સ્પષ્ટ વધારે ને વધારે ચહેરો,
એક ભૂંસાતી જતી છાપમાં ધીરે ધીરે
શું છે વ્યક્તિત્વ, શું ઓળખ છે નવા ગંતુકની
ખૂલતું જાય છે પદચાપમાં ધીરે ધીરે
નામ લેશે નહીં મારું કે તમારું ને ‘સહજ’
એ વણી લેશે બધું વાતમાં ધીરે ધીરે
– વિવેક કાણે ‘સહજ’
ગઝલ આજે કવિતાનો પ્રતિષ્ઠિત મોભો પામી ચૂકી છે ત્યારે જેમ ક્યારેક સૉનેટનો તેમ આજે ગઝલનો પણ અતિરેક થઈ રહ્યો છે. છંદ-રદીફ-કાફિયાની તુકબંધી જાણનાર દરેક ગઝલ કહેતા થઈ ગયા હોય એવા વખતે પોતાનો અલગ અવાજ જાળવી રાખવું ઘણું દોહ્યલું બની રહે છે. આવામાં કવિ શ્રી વિવેક કાણે ‘સહજ’ પોતાના અસલ પાઠને ભલે ધીરે ધીરે પણ સાંગોપાંગ સાચવી શક્યા છે એ ગુજરાતી ગઝલનું સદનસીબ. ગઝલમાં છંદ અને રદીફની પસંદગી કવિના મિજાજનું પોત ખોલી આપે છે. ગાલગા ગાલલગા ગાલલગા ગાલલગા (ગાગાગા) જેવો ગુજરાતી ગઝલની દુનિયામાં પ્રમાણમાં ઓછો ખેડાયેલો છંદ વાપરી કવિ પોતાની શક્તિનું પ્રથમ પ્રમાણ આપે છે. આ છંદની પ્રવાહીતાના કારણે ગઝલ ન માત્ર વાચનક્ષમ, ગાયનક્ષમ પણ બની છે.
જેમ જેમ સાંજ સરે રાતમાં ધીરે ધીરે
આવતો જાઉં અસલ પાઠમાં ધીરે ધીરે
ગઝલની શરૂઆત દ્વિરુક્તિ પામતા શબ્દથી થાય છે એ નોંધપાત્ર છે કેમકે ગઝલની રદીફ પણ એજ રીતે પ્રયોજાયેલી છે. અને જેમ જેમથી શરૂ થતો ઉલા મિસરો ધીરે ધીરેમાં વિરમે છે ત્યારે સાંજના રાતમાં નિઃશબ્દ સરી પડવાની ઘટના દૃશ્યક્ષમ બની રહે છે. અંધારું દૃશ્યોને ભૂંસી નાંખે છે. બે વસ્તુઓ વચ્ચેના તફાવતને ઓગાળી દઈ અંધારું નાના-મોટા તમામને કાળા રંગની એક જ પીંછીથી રંગી દે છે. અંધારાની કાલિમા પાસે કોઈ ઊંચું નથી ને કોઈ નીચું નથી. આંખ જ્યારે કશું જોઈ શકતી નથી ત્યારે જ બધું સમાન સ્તર પર દૃષ્ટિગોચર થાય છે. નાનાવિધ રંગસભર સાંજ જ્યારે કાળી નિબિડ રાત્રિમાં બિલ્લીપગલે પરિવર્તિત થાય છે ત્યારે કવિ એના અસલ પાઠમાં આવે છે. જ્યારે સમગ્ર સૃષ્ટિને તમે એક જ સમ્યક્ ભાવથી નિરખો છો ત્યારે એ કાળા રંગમાંથી જ ખરો સૂર્યોદય થાય છે. કેવી સહજતાથી અને કેવી વેધકતાથી કવિ પોતાનો આત્મ પરિચય ગઝલના પહેલા જ શેરમાં આપે છે!
પ્રણય અને ઝંખનાની ચરમસીમાની પરિભાષા બધાની અલગ અલગ હોઈ શકે.
પ્રણયોર્મિની ચરમસીમાએ મરીઝને એની મા યાદ આવે છે:
મુહબ્બતના દુઃખની આ હદ આખરી છે.
મને મારી પ્રેમાળ મા યાદ આવી.
જવાહર બક્ષી મસ્તીની ચરમસીમાએ વિરક્તિનો અનુભવ કરે છે:
મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ.
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઈ ગયો.
તો હરીશ ધોબી તલસાટની પરાકાષ્ઠાએ અલગ જ અભિવ્યક્તિ પામે છે:
તારા વિરહની કેવી ચરમ સીમા એ હશે –
જ્યાં હું મિલનને માર્ગ જવું ટાળતો રહ્યો!
અહીં આ ગઝલમાં કવિ પણ તલસાટના અંતિમ તબક્કાને પોતાની રીતે અનુભવે છે. તીવ્રતાની અનુભૂતિ એક જ છે પણ અભિવ્યક્તિ નોખી છે. અહીં વાત પ્રેયસીની પણ હોઈ શકે અને ઈશ્વરની પણ. પરંતુ સંદર્ભ અહીં ગૌણ છે. અહીં તો કવિનો તલસાટ દીર્ઘત્તમ થયો છે. અને તલસાટ જ્યારે હદપારનો થાય છે ત્યારે સ્વ ઓગળીને સ્વજન બની જાય છે. પ્રણયનો આ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે. પ્રિય પાત્રને ધીરે ધીરે પોતામાં આત્મસાત્ થયેલ અનુભવવું એનાથી વિશેષ શું હોઈ શકે તલસાટની પરિભાષા?
થાય છે સ્પષ્ટ વધારે ને વધારે ચહેરો,
એક ભૂંસાતી જતી છાપમાં ધીરે ધીરે
સમયનું કામ ભૂંસવાનું છે. સમય જો એનું કામ ચૂકી જાય તો કદાચ જીવવું જ દોહ્યલું બની જાય. સ્મરણોનો ભંગાર સમય-સમય પર સાફ થતો ન રહે તો કદાચ ગાંડા થઈ જવાય. રેતીમાં પડેલી છાપ જેમ પવન ધીરે ધીરે ભૂંસી દે છે એમ પસાર થતો કાળ પણ જૂની યાદોને સતત ભૂંસતો રહે છે અને એમ આપણું જીવવું હળવુંફૂલ બનતું રહે છે. પણ કેટલીક સ્મૃતિ, કેટલાક ચહેરા, કેટલાક સંબંધ જેમ-જેમ ભૂંસાતા જાય છે એમ એમ વધુ ને વધુ બળવત્તર રીતે સ્મૃતિપટ પર અંકાતા જાય છે. સમય, સંજોગ, સમાજ કે સમજફેરના લીધે કેટલાક ચહેરા કમનસીબે રસ્તા પરના માઈલસ્ટૉન પેઠે પાછળ છૂટી જાય છે, સફર કે મંઝિલનો ભાગ બની શક્તા નથી. આપણે પણ નદીની જેમ કદાચ આગળ વહી નીકળીએ છીએ પણ વરસોના વીતતા જતા વહાણાંની સાથે જ્યારે એ ચહેરો ધીરે ધીરે વધુને વધુ સાફ નજર આવવા માંડે છે ત્યારે કદાચ આપણને આપણા જીવનમાં એનું સાચું સ્થાન સમજાય છે… બની શકે કે ત્યારે આપણે પાછાં ફરી શક્વાની સ્થિતિમાં ન પણ હોઈએ!
શું છે વ્યક્તિત્વ, શું ઓળખ છે નવાગંતુકની
ખૂલતું જાય છે પદચાપમાં ધીરે ધીરે
પણ ઉર્દૂના આ કવિ કરતાં વિવેક કાણે વધુ વાસ્તવવાદી છે. સામે આવનાર નવાગંતુક (કવિ કેવો મજાનો શબ્દ ‘કોઈન’ કરે છે!) ખરેખર કોણ છે અને કેવો છે એ કંઈ પહેલી નજરે કે પહેલી મુલાકાતમાં થોડું જ જાણી શકાય? માણસનું ખરું વ્યક્તિત્વ, એની સાચી ઓળખાણ તો એ જેમ જેમ આગળ વધે એમ ધીરે ધીરે જ જાણી શકાય ને? આ શેરમાં રદીફનો કેવો સચોટ ઉપયોગ થયો છે!
નામ લેશે નહીં મારું કે તમારું ને ‘સહજ’
એ વણી લેશે બધું વાતમાં ધીરે ધીરે
ગઝલ જે રંગમાં ધીરે ધીરે આગળ વધે છે એ જ રંગને મક્તાનો શેર ઓર ઘેરો બનાવે છે. મક્તાનો શેર એટલો બધો સરળ થયો છે કે એના વિશે કશું પિષ્ટપેષણ કરવા બેસીએ તો એમાં રહેલી કવિતાને કદાચ અન્યાય કરી બેસાય. પણ આ શેર જેટલો સરળ છે એટલો જ ઉમદા પણ છે. સરળ શેર સામાન્યતઃ અર્થની સપાટી પર ફસકી પડતા હોય છે જ્યારે અહીં કવિ આ સહલે મુમતેના (દુઃસાધ્ય સરળ) શેરમાં વાણી, વિચાર અને અભિવ્યક્તિની સરળતા હોવા છતાં અર્થગહનતા અને અર્થગાંભીર્યતા જાળવી શક્યા છે એ એમની ‘સહજ’ સિદ્ધિ છે!
સરવાળે આ આખી ગઝલ ભાવજગતને અનવરુદ્ધપણે પણ ધીરેધીરે સંવેદવામાં સફળ નીવડે છે. કવિની છંદની પસંદગી અને એનો નિભાવ, કાફિયાની સહજતા અને નોંધપાત્રરીતે રદીફનો ઉત્તમ નિર્વાહ કાબિલે દાદ છે.
આજે ૨૧ ડિસેમ્બર – વ્હાલા કવિ શ્રી મુકુલ ચોક્સીનો જન્મદિવસ…. મુકુલભાઇને આજના ખાસ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… અને સાથે સાંભળીએ એમની આ ખાસ ગઝલ, એમના પોતાના જ સ્વરમાં 🙂 કવિની આ ખૂબ જ જાણીતી ગઝલ, એમના આગવા અંદાઝમાં સાંભળવાની મઝા જ કંઇ અલગ છે..!
ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને,
બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને.
પર્વતો પાછળ સવારે, ને બપોરે ઝીલમાં,
સાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને.
સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું,
બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને.
કાળી રાતોમાં છુપાઈને ગઝલની આડમાં,
પાંચ દસ પંક્તિના અજવાળામાં ચૂમી છે તને.
લોકોએ જેમાં ન પગ મુકવાની ચેતવણી દીધી,
પગ મૂકીને એ જ કુંડાળામાં ચૂમી છે તને.
પાંપણો મીંચાય ને ઉઘડે એ પલકારો થતાં,
વાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને.
હમણા થોડા વખત પહેલા California Academy of Sciences’ ના Morrison Planetarium માં ‘JOURNEY TO THE STARS‘ નામનો Show જોયો.. અને બીજે દિવસે ‘Disneynature Movie : Earth‘. ખરેખર તો આ બંને show માં એવું કંઇ નવું નો’તુ કે જેના અસ્તિત્વ વિષે પહેલા ખબર નો’તી..!! પણ કોણ જાણે કેમ, મારી જીંદગીની વ્યાખ્યાનો વ્યાસ થોડો મોટો થઇ ગયો હોય એવું લાગ્યું….
અને એ જ સમયે મળી હિમાંશુભાઇની આ ગઝલ… વાંચતા જ ગમી જાય એવી..! અને કંઇક હદે જાણે ‘મારી જ વાત’ જેવા લાગતો શેર…
હું હતો નોખો પછી આ શું થયું?
કેમ આ ઢાંચે ચઢે છે જીંદગી
પોતે જગથી નોખા હોવાનો ભાવ/ભ્રમ કોને નથી થતો? અને વાત તો સાચી જ ને, ક્યાં તમને બે વ્યક્તિઓ સરખી જોવા મળે? બધામાં કંઇને કંઇ તો એવું નોખુ હોવાનું જ ને, કે જે આપણને જગથી જુદા બનાવે..! અને તો યે, broader perspective થી જોઇએ તો – બધાની જીંદગી લગભગ એકસરખી ઘરેડમાંથી પસાર થતી હોય એવું નથી લાગતું?
અને મક્તાનો શેર પણ મને તો ખૂબ જ ગમી ગયો..!
તો સાંભળીએ હિંમાશુભાઇની આ તાજ્જી ગઝલ – એમના જ અવાજમાં..
( જીંદગી… )
બસ કદી એમજ મળે છે, જીંદગી
હું જડું છું જ્યાં, જડે છે જીંદગી
દોડતો બસ દોડતો રાખી સતત
કે હસે છે, જો હસે છે, જીંદગી
એક દરિયો, એક પળમાં વીફરે
તો બની લાશો તરે છે જીંદગી
હું હતો નોખો પછી આ શું થયું?
કેમ આ ઢાંચે ચઢે છે જીંદગી
શું ઘડામણ આપનું કાચું હતું?
કે મને ઘડતી રહે છે જીંદગી
૫ જુન, ૨૦૦૭ ના દિવસે ટહુકો પર મુકેલી આ કવિ શ્રી રાજેન્દ્ર શુક્લની ગઝલ, આજે એમના પોતાના અવાજમાં ફરી એકવાર… કવિની ગઝલ પઠનની આગવી શૈલી સાથે આ ગઝલના શબ્દોનો ભાવ વધુ ઉજાગર થઇને આપણા સુધી પહોંચે છે.
(ક્યાંક કંઇ ખૂલી રહ્યું…)
પઠન : રાજેન્દ્ર શુક્લ
.
———————— Posted on June 5, 2007
૨ જૂન ૨૦૦૭, અમદાવાદ મુકામે ગુજરાતી ભાષાના ઉત્કૃષ્ટ સર્જક્ – કવિવર રાજેન્દ્ર શુક્લને ગુજરાતી સાહિત્યનું સર્વોચ્ચ સન્માન (રણજિતરામ સુવર્ણચંદ્રક) પ્રદાન કરવામાં આવ્યું એ ઉપક્રમે એમની એક રચના માણીએ. (કવિના સમગ્ર ગઝલ સંગ્રહ ‘ગઝલસંહિતા’માંથી સાભાર)
આ અહીં પહોંચ્યાં પછી આટલું સમજાય છે,
કોઇ કંઇ કરતું નથી, આ બધું તો થાય છે!
હાથ હોવાથી જ કંઇ ક્યાં કશું પકડાય છે?
શ્વાસ જેવા શ્વાસ પણ વાય છે તો વાય છે!
આંખ મીંચીને હવે જોઉં તો દેખાય છે,
ક્યાંક કંઇ ખૂલી રહ્યું, કયાંક કંઇ બિડાય છે!
જે ઝળકતું હોય છે તારકોનાં મૌનમાં,
એ જ તો સૌરભ બની આંગણે વિખરાય છે!