Category Archives: વિવેક કાણે ‘સહજ’

અસત્ય કેવું અધિકૃત કરીને સ્થાપે છે – વિવેક કાણે ‘સહજ’

અસત્ય કેવું અધિકૃત કરીને સ્થાપે છે
એ વાત વાતમાં તારો હવાલો આપે છે

બધું જે શુભ છે, એ સમજી લો દેન એની છે
અને અશુભ બધું મારા-તમારા પાપે છે

હવે તો તાજું ગઝલમાં કશુંક લઈ આવો
હજીય ઘરને જલાવીને કોઈ તાપે છે

કલમ, ને શાહી, ને ખડિયા ને કાગળો મારા
પરંતુ શબ્દ ‘સહજ’ એમના પ્રતાપે છે.

– વિવેક કાણે ‘સહજ’

બસ એટલું નક્કી કરો – વિવેક કાણે ‘સહજ’

ડૂબવું છે? દિન-પ્રહર, બસ એટલું નક્કી કરો,
મયકદા કે માનસર, બસ એટલું નક્કી કરો.

કાં જતા કરવા પડે છે શ્વાસ, કાં લખવી ગઝલ
ચાલશે શેના વગર, બસ એટલું નક્કી કરો.

ધ્યેયસિધ્ધિ થઈ કે નહીં, એ પ્રશ્ન તદ્દન ગૌણ છે
કેટલી કાપી સફર, બસ એટલું નક્કી કરો.

જન્મ લીધો ત્યારથી મરવું અફર છે ભાગ્યમાં,
કઈ રીતે કોના ઉપર, બસ એટલું નક્કી કરો.

મેં કસુંબો પણ પીધો છે, ને પીધું છે રૂપ પણ,
શેષ છે શાની અસર, બસ એટલું નક્કી કરો.

ભરવસંતે તો ‘સહજ’ ખીલ્યા હશો, ડોલ્યા હશો,
કેવી વીતી પાનખર, બસ એટલું નક્કી કરો.

– વિવેક કાણે ‘સહજ’

ક્યારેક મત્સ્ય, કર્ણથી વીંધાય પણ ખરું – વિવેક કાણે ‘સહજ’

ક્યારેક એવું શમણું જોયું છે, જેને બસ પલકોમાં કેદ કરવાની ઇચ્છા થઇ જાય? એના માટે કવિ વિવેક કાણે ‘સહજ’ કહે છે કે –

જાગ્યા પછી નયનને ‘સહજ’ બંધ રાખજો
સપનું પલકની કેદમાં રહી જાય પણ ખરું

સાંભળો આ મઝાની ગઝલ, વડોદરાના જ સ્વરકાર-ગાયક રાહુલ રાનડે પાસે..

સ્વર – સ્વરાંકન : રાહુલ રાનડે

Posted on October 29, 2009

તારા સુધી પગેરું આ લંબાય પણ ખરું
આશ્ચર્યનો સ્વભાવ છે, સર્જાય પણ ખરું

જળથી કમળની જેમ ક્યાં અળગું રહી શકે
હૈયું છે દોસ્ત, કો’ક દી ભીંજાય પણ ખરું

માનવહ્રદયની આ જ તો ખૂબી છે દોસ્તો
વેરાય પણ ખરું ને સમેયાટ પણ ખરું

રાખો શરત તો એટલું સમજીને રાખજો
ક્યારેક મત્સ્ય, કર્ણથી વીંધાય પણ ખરું

જીવન એ ભ્રમનું નામ છે, બીજું કશું નથી
એ તથ્ય કો’ક દી’ તને સમજાય પણ ખરું

આ મૌન ચીજ શું એ, એ આજે ખબર પડી
જો બોલકું થયું તો એ પડઘાય પણ ખરું

સાચો પ્રણય ઘણુંખરું અદ્રશ્ય રહે અને
એનું જ બિંબ આંખમાં ઝીલાય પણ ખરું

જાગ્યા પછી નયનને ‘સહજ’ બંધ રાખજો
સપનું પલકની કેદમાં રહી જાય પણ ખરું

– વિવેક કાણે ‘સહજ’

તું મૌનની સ્વરાવલિ હું વૃંદગાન છું – વિવેક કાણે ‘સહજ’

દેખાય તું ન ક્યાંય ને હું દૃશ્યમાન છું,
તું મૌનની સ્વરાવલિ હું વૃંદગાન છું.

જોટો ન મારો ક્યાંય ને તું પણ અનન્ય છે,
તારા સમાન તું જ, હું મારા સમાન છું.

ઝૂમરામાં બદ્ધ કોઈ વિલંબિત ખ્યાલ તું,
હું મારવામાં બદ્ધ કોઈ બોલતાન ખ્યાલ છું.

તારો રંગ કૃષ્ણ છે, એવું ન માન તું,
વાદળ સમાન હું ય સ્હેજ ભીનેવાન છું.

તું વિદ્યમાન સૃષ્ટિના કણકણમાં હોય તો,
હું પણ ‘સહજ’ એ બે કણોની દરમિયાન છું.

– વિવેક કાણે ‘સહજ’

Happy Birthday to વિવેક મનહર ટેલર & વિવેક કાણે ‘સહજ’

આજે ૧૬મી માર્ચ… વ્હાલા કવિ મિત્ર ડૉ. વિવેક મનહર ટેલર, અને સાથે એમના જ ‘હમનામ’ કવિ શ્રી વિવેક કાણે ‘સહજ’ નો પણ જન્મદિવસ. તો આજે બંને કવિઓની ગઝલો સાંભળીએ એમના પોતાના અવાજમાં.. અને હા, આમ તો જન્મદિવસે ભેટ આપવાનો રિવાજ હોય છે – પણ આજે એ બંને કવિમિત્રો પાસેથી હું એક ભેટ તમારા માટે લઇ આવી છું.

ડૉ. વિવેક મનહર ટેલર                                 શ્રી વિવેક કાણે ‘સહજ’

વિવેક ટેલરની ગઝલનો આસ્વાદ વિવેક કાણે ‘સહજ’ ના શબ્દોમાં…. અને વિવેક કાણે ‘સહજ’ની ગઝલનો આસ્વાદ વિવેક ટેલરના શબ્દોમાં..!!

આશા છે એમના તરફથી આજના આ દિવસ માટે ખાસ મેળવેલા આસ્વાદ માણવાની આપને મઝા આવશે.

અને એમને Happy Birthday કહેવાનું ભૂલી ન જશો..!!

આ રહ્યું મારા અને અમિતના તરફથી…Happy Birthday……!!! 🙂

ગઝલ પઠન : વિવેક મનહર ટેલર

જગત જ્યારે જ્યારે કનડતું રહે છે,
મને કંઈક મારામાં જડતું રહે છે.

છે દિલ પર અસર શેનાં આકર્ષણોની ?
નથી ઢાળ તો પણ ગબડતું રહે છે.

પડે જેમ ખુશબૂનાં પગલાં હવામાં,
કોઈ એમ મારામાં પડતું રહે છે.

રહી દૂર કોઈ રહે ઠેઠ ભીતર,
રહી પાસે કોઈ, અછડતું રહે છે.

આ મન છે કે માણેકશાની ચટાઈ ?
બને દહાડે, રાતે ઊખડતું રહે છે.

આ વાતાનુકૂલિત મકાનોની પાછળ,
જરઠ ઝાડ કંઈ-કંઈ બબડતું રહે છે.

હથેળીની ભાષા અડી ગઈ’તી ક્યારેક,
કબૂતર હજી પણ ફફડતું રહે છે.

-વિવેક મનહર ટેલર

(જરઠ=વૃદ્ધ)

(માણેકશાહ બાવાની ચટાઈ: અમદાવાદનો (કે મહેમદાબાદનો) સુલતાન શહેર ફરતે કોટ બાંધી રહ્યો હતો ત્યારે ત્યાં પડી રહેતો ફકીર ઓલિયો માણેકશાહ બાવો ચટાઈ વણતો રહેતો. દિવસ દરમિયાન એ ચટાઈ વણતો રહેતો અને કોટ બંધાવા આવતો પણ સાંજ પડતા એ ચટાઈ ખોલી નાંખતો અને કોટ તૂટી પડતો દિવસો સુધી આમ ચાલ્યું પછી જ્યારે રાજાને ફકીરનું મહત્વ સમજાયું અને એના આશીર્વાદ લેવા ગયો ત્યારે માણેક બાવાએ ચટાઈ ઊકેલવાનું બંધ કર્યું અને કોટ બંધાયો)

– વિવેક મનહર ટેલર

આસ્વાદક : વિવેક કાણે ‘સહજ’

જગત જ્યારે જ્યારે કનડતું રહે છે
મને કંઇક મારામાં જડતું રહે છે

કનડગત કોને નથી ? કોઈને આની, તો કોઈને તેની, અકળાવી મૂકનારી, બેચૈન કરી નાખનારી. આ બેચૈની, આ પીડા, આ વલોપાત, આ મંથનમાંથી કંઇક નિપજે છે, કંઇક મળી આવે છે. એ કદી વિષ હોય તો ક્યારેક અમૃત. કદી કાળો કડદો તો કદી ધવલ નવનીત. શું મળી આવ્યું એ તો પ્રકાશમાં દેખાય – દ્રષ્ટિના પ્રકાશમાં. નીર-ક્ષીર વિવેક જોઈએ. ડૉ વિવેક ટેલર પાસે આવો વિવેક હોવાના પુરાવા, એમના સર્જનમાંથી મળી આવે છે, શોધવા પડતા નથી.

છે દિલ પર અસર શેના આકર્ષણોની
નથી ઢાળ તો પણ ગબડતું રહે છે

આકર્ષણો અનેક પ્રકારનાં હોય છે. એમાંનું એક એ ગુરુત્વાકર્ષણ. ગુરુત્વાકર્ષણથી ગબડવા માટે ઢાળ જોઈએ. ઢાળ હોય તો પથરો ગબડે. હૃદયને તો ન ગુરુત્વાકર્ષણની જરૂર, કે ન ઢાળની. એ તો બસ ગબડે, આકર્ષણ કોઈ પણ ચાલે. કવિએ એ આકર્ષણોનાં નામ નથી પાડ્યાં. નામ પાડ્યા વિના વાત પહોંચાડી દેવી એ જ ડૉ વિવેકના કવિકર્મનું જમા પાસું, અને ભાવકની સજ્જતાને પડકાર. સુજ્ઞ ભાવકની સજ્જતા પર કવિને પૂરો વિશ્વાસ છે.

પડે જેમ ખુશ્બુનાં પગલાં હવામાં
કોઈ એમ મારામાં પડતું રહે છે

‘પડવું’ એ આમ તો માત્ર એક ક્રિયા – સાવ સામાન્ય, ભૌતિક. પણ એ ક્રિયાપદ ગુજરાતી ભાષામાં કંઈ કેટકેટલા સંદર્ભે વપરાય છે ! હાથમાંથી કલમ ‘પડે’, અને નીતિમત્તાનું ધોરણ પણ ‘પડે’. ‘રેતી ઉપર પગલાંનું પડવું’ એ એક અને ‘મન ઉપર કોઈ છાપનું પડવું’ એ એનાથી જુદું. પડવા પડવા માં ફેર છે અને આ છે ગુજરાતી ભાષાની સમૃદ્ધિ. આ બધું તો ઠીક, પણ ખુશ્બુનાં પગલાં ? અને એ પણ હવા પર ? શબ્દોનાં કોશગત અર્થો અને ભાષાગત સંદર્ભોને અતિક્રમીને એમને આ રીતે પ્રયોજવા એ ડૉ વિવેકનું ભાષાકર્મ.

ખુશ્બુનાં હવા પરનાં પગલાં, એ એની ગતિનો ચિતાર છે. પહેલા મિસરાનું ખુશ્બુનું ગતિમાન, બીજા મિસરામાં કોઈના પડવાને ગતિ આપે છે. કોઈ મારામાં પડે છે, છાપ મૂકે છે અને આગળ વધી જાય છે, રોકાઈ પડતું નથી – કેવી ચિત્તાકર્ષક image છે !

રહી દૂર કોઈ, રહે ઠેઠ ભીતર
રહી પાસે કોઈ અછડતું રહે છે

‘નિકટ’ કે ‘દૂર’ નો, સંબંધની ઉત્કટતા સાથે કેટલો સંબંધ ? ભૌતિક રીતે પાસે હોય એ આપણને જરાય સ્પર્શે જ નહીં અને ભૌતિક અંતર હોવા છતાંય સાચો સંબંધ વધુ ઘનીભૂત થતો જાય એમ પણ બને. આ શેરમાં ‘અછડતું’ નો કાફિયા ખાસ ધ્યાન ખેંચે છે. બાકીની આખી ગઝલમાં બધાં જ કાફિયા ક્રિયાપદોનાં છે, જ્યારે અહીં એ monotony તૂટે છે. બધાં જ કાફિયા ક્રિયાપદોનાં ન રાખવાં એ એક પડકાર છે, જે આપણા કવિ એ સાચવીને ઝીલી લીધો છે.

આ મન છે કે માણેકશાની ચટાઈ ?
બને દહાડે રાતે ઉખડતું રહે છે

‘બનના ઔર બિગડના’ એ પ્રયોગ આમ તો હિન્દી / ઉર્દુ માં થાય છે. મનનું બનવું અને ઉખડવું (એ ય પાછું ઉખડવું, બગડવું નહીં), એવો પ્રયોગ ગુજરાતી માં આગંતુક લાગે. વળી, ચટાઈના બનવા અને ઉખડવા સિવાય પણ મનના ‘દિવસે’ બનવા અને ‘રાતે’ ઉખડવાનો કોઈ સ્વતંત્ર સંદર્ભ હોય તો શેર હૃદ્ય બને. એકંદરે, આખી ગઝલમાં આ એક શેર થોડો કૃત્રિમ જણાય છે. પણ માણેકશા બાવાની લોકવાયકા અને મનને એની ચટાઈની અપાયેલી ઉપમા આસ્વાદ્ય ખરી.

આ વાતાનુકુલિત મકાનો ની પાછળ
જરઠ ઝાડ કંઈ કંઈ બબડતું રહે છે

છેલ્લાં કેટલાંક વર્ષોમાં, પર્યાવરણ અને ખાસ કરીને Global Warming વિષેની ચિંતા પ્રસરી રહી છે. પણ આપણામાંનાં ઘણાં હજી પણ એ તરફ આંખ આડા કાન કરીને, પોતપોતાના આરામદાયક નિવાસમાં નિષ્ક્રિય બેઠાં છે. મકાનની પાછળ ઊભેલા જરઠ ઝાડને આની જાણ છે, પણ એ બિચારું બબડવા સિવાય શું કરી શકે ? એનો એ બબડાટ કોઈ કાને ધરશે ? નાનાં તો નાનાં પણ કોઈ નક્કર પગલાં ભરશે ?

હથેળીની ભાષા અડી ગઈ’તી ક્યારેક
કબૂતર હજી પણ ફફડતું રહે છે

પોતાના બેજવાબદાર વર્તનથી માનવી પોતાની અને સમગ્ર જીવસૃષ્ટિની નિયતી પોતે જ પોતાની હસ્તરેખાઓમાં અંકિત કરી રહ્યો છે. કબૂતર ફફડે છે કારણ કે પેલા જરઠ વૃક્ષની માફક એને પણ નિયતીની જાણ છે. કબૂતર ફફડતું રહેશે – ક્યાં સુધી કોને ખબર !

જોયું ! કયા વિષયથી શરૂ કરીને આપણે ક્યાં આવી ગયા. પણ વાંધો નહીં, ગઝલનું સ્વરૂપ જ એવું છે. એનો પ્રત્યેક શેર એક સ્વતંત્ર કવિતા હોવાથી એક જ ગઝલનાં વિભિન્ન શેર નાનાવિધ ભાવ, વિચાર, વિષય કે આશય ને નિરૂપે એ સ્વીકાર્ય છે. હા, એટલું ખરું કે આ બધું જ, ડૉ વિવેક ટેલરને થતી કનડગતથી આરંભાયેલી આત્મશોધ અને મંથનને પરિણામે પ્રાપ્ત થયેલું નવનીત છે.

આવો, આજે આ જ નવનીતથી એમના (અને મારા પણ) જન્મદિવસની કેક ઉપર icing કરીએ.

‘Happy Birthday to both of us and may we celebrate many more of them, together like this one.’

==================================================


ધીરે ધીરે ઊઘડતી અનુભૂતિની ગઝલ

આસ્વાદ: વિવેક મનહર ટેલર

સ્વર : વિવેક કાણે ‘સહજ’

જેમ જેમ સાંજ સરે રાતમાં ધીરે ધીરે
આવતો જાઉં અસલ પાઠમાં ધીરે ધીરે

મારા તલસાટનો અંતિમ છે તબક્કો જાણે
જોતો જાઉં છું તને જાતમાં ધીરે ધીરે

થાય છે સ્પષ્ટ વધારે ને વધારે ચહેરો,
એક ભૂંસાતી જતી છાપમાં ધીરે ધીરે

શું છે વ્યક્તિત્વ, શું ઓળખ છે નવા ગંતુકની
ખૂલતું જાય છે પદચાપમાં ધીરે ધીરે

નામ લેશે નહીં મારું કે તમારું ને ‘સહજ’
એ વણી લેશે બધું વાતમાં ધીરે ધીરે
– વિવેક કાણે ‘સહજ’

ગઝલ આજે કવિતાનો પ્રતિષ્ઠિત મોભો પામી ચૂકી છે ત્યારે જેમ ક્યારેક સૉનેટનો તેમ આજે ગઝલનો પણ અતિરેક થઈ રહ્યો છે. છંદ-રદીફ-કાફિયાની તુકબંધી જાણનાર દરેક ગઝલ કહેતા થઈ ગયા હોય એવા વખતે પોતાનો અલગ અવાજ જાળવી રાખવું ઘણું દોહ્યલું બની રહે છે. આવામાં કવિ શ્રી વિવેક કાણે ‘સહજ’ પોતાના અસલ પાઠને ભલે ધીરે ધીરે પણ સાંગોપાંગ સાચવી શક્યા છે એ ગુજરાતી ગઝલનું સદનસીબ. ગઝલમાં છંદ અને રદીફની પસંદગી કવિના મિજાજનું પોત ખોલી આપે છે. ગાલગા ગાલલગા ગાલલગા ગાલલગા (ગાગાગા) જેવો ગુજરાતી ગઝલની દુનિયામાં પ્રમાણમાં ઓછો ખેડાયેલો છંદ વાપરી કવિ પોતાની શક્તિનું પ્રથમ પ્રમાણ આપે છે. આ છંદની પ્રવાહીતાના કારણે ગઝલ ન માત્ર વાચનક્ષમ, ગાયનક્ષમ પણ બની છે.

જેમ જેમ સાંજ સરે રાતમાં ધીરે ધીરે
આવતો જાઉં અસલ પાઠમાં ધીરે ધીરે

ગઝલની શરૂઆત દ્વિરુક્તિ પામતા શબ્દથી થાય છે એ નોંધપાત્ર છે કેમકે ગઝલની રદીફ પણ એજ રીતે પ્રયોજાયેલી છે. અને જેમ જેમથી શરૂ થતો ઉલા મિસરો ધીરે ધીરેમાં વિરમે છે ત્યારે સાંજના રાતમાં નિઃશબ્દ સરી પડવાની ઘટના દૃશ્યક્ષમ બની રહે છે. અંધારું દૃશ્યોને ભૂંસી નાંખે છે. બે વસ્તુઓ વચ્ચેના તફાવતને ઓગાળી દઈ અંધારું નાના-મોટા તમામને કાળા રંગની એક જ પીંછીથી રંગી દે છે. અંધારાની કાલિમા પાસે કોઈ ઊંચું નથી ને કોઈ નીચું નથી. આંખ જ્યારે કશું જોઈ શકતી નથી ત્યારે જ બધું સમાન સ્તર પર દૃષ્ટિગોચર થાય છે. નાનાવિધ રંગસભર સાંજ જ્યારે કાળી નિબિડ રાત્રિમાં બિલ્લીપગલે પરિવર્તિત થાય છે ત્યારે કવિ એના અસલ પાઠમાં આવે છે. જ્યારે સમગ્ર સૃષ્ટિને તમે એક જ સમ્યક્ ભાવથી નિરખો છો ત્યારે એ કાળા રંગમાંથી જ ખરો સૂર્યોદય થાય છે. કેવી સહજતાથી અને કેવી વેધકતાથી કવિ પોતાનો આત્મ પરિચય ગઝલના પહેલા જ શેરમાં આપે છે!

મારા તલસાટનો અંતિમ છે તબક્કો જાણે
જોતો જાઉં છું તને જાતમાં ધીરે ધીરે

પ્રણય અને ઝંખનાની ચરમસીમાની પરિભાષા બધાની અલગ અલગ હોઈ શકે.

પ્રણયોર્મિની ચરમસીમાએ મરીઝને એની મા યાદ આવે છે:

મુહબ્બતના દુઃખની આ હદ આખરી છે.
મને મારી પ્રેમાળ મા યાદ આવી.

જવાહર બક્ષી મસ્તીની ચરમસીમાએ વિરક્તિનો અનુભવ કરે છે:

મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ.
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઈ ગયો.

તો હરીશ ધોબી તલસાટની પરાકાષ્ઠાએ અલગ જ અભિવ્યક્તિ પામે છે:

તારા વિરહની કેવી ચરમ સીમા એ હશે –
જ્યાં હું મિલનને માર્ગ જવું ટાળતો રહ્યો!

અહીં આ ગઝલમાં કવિ પણ તલસાટના અંતિમ તબક્કાને પોતાની રીતે અનુભવે છે. તીવ્રતાની અનુભૂતિ એક જ છે પણ અભિવ્યક્તિ નોખી છે. અહીં વાત પ્રેયસીની પણ હોઈ શકે અને ઈશ્વરની પણ. પરંતુ સંદર્ભ અહીં ગૌણ છે. અહીં તો કવિનો તલસાટ દીર્ઘત્તમ થયો છે. અને તલસાટ જ્યારે હદપારનો થાય છે ત્યારે સ્વ ઓગળીને સ્વજન બની જાય છે. પ્રણયનો આ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે. પ્રિય પાત્રને ધીરે ધીરે પોતામાં આત્મસાત્ થયેલ અનુભવવું એનાથી વિશેષ શું હોઈ શકે તલસાટની પરિભાષા?

થાય છે સ્પષ્ટ વધારે ને વધારે ચહેરો,
એક ભૂંસાતી જતી છાપમાં ધીરે ધીરે

સમયનું કામ ભૂંસવાનું છે. સમય જો એનું કામ ચૂકી જાય તો કદાચ જીવવું જ દોહ્યલું બની જાય. સ્મરણોનો ભંગાર સમય-સમય પર સાફ થતો ન રહે તો કદાચ ગાંડા થઈ જવાય. રેતીમાં પડેલી છાપ જેમ પવન ધીરે ધીરે ભૂંસી દે છે એમ પસાર થતો કાળ પણ જૂની યાદોને સતત ભૂંસતો રહે છે અને એમ આપણું જીવવું હળવુંફૂલ બનતું રહે છે. પણ કેટલીક સ્મૃતિ, કેટલાક ચહેરા, કેટલાક સંબંધ જેમ-જેમ ભૂંસાતા જાય છે એમ એમ વધુ ને વધુ બળવત્તર રીતે સ્મૃતિપટ પર અંકાતા જાય છે. સમય, સંજોગ, સમાજ કે સમજફેરના લીધે કેટલાક ચહેરા કમનસીબે રસ્તા પરના માઈલસ્ટૉન પેઠે પાછળ છૂટી જાય છે, સફર કે મંઝિલનો ભાગ બની શક્તા નથી. આપણે પણ નદીની જેમ કદાચ આગળ વહી નીકળીએ છીએ પણ વરસોના વીતતા જતા વહાણાંની સાથે જ્યારે એ ચહેરો ધીરે ધીરે વધુને વધુ સાફ નજર આવવા માંડે છે ત્યારે કદાચ આપણને આપણા જીવનમાં એનું સાચું સ્થાન સમજાય છે… બની શકે કે ત્યારે આપણે પાછાં ફરી શક્વાની સ્થિતિમાં ન પણ હોઈએ!

શું છે વ્યક્તિત્વ, શું ઓળખ છે નવાગંતુકની
ખૂલતું જાય છે પદચાપમાં ધીરે ધીરે

– આ શેર વાંચતા જ ઉર્દૂનો એક શેર યાદ આવે છે:

ખત કા મજમૂન ભાઁપ લેતે હૈં લિફાફા દેખકર,
આદમી કો પહચાન લેતે હૈં સૂરત દેખકર.

પણ ઉર્દૂના આ કવિ કરતાં વિવેક કાણે વધુ વાસ્તવવાદી છે. સામે આવનાર નવાગંતુક (કવિ કેવો મજાનો શબ્દ ‘કોઈન’ કરે છે!) ખરેખર કોણ છે અને કેવો છે એ કંઈ પહેલી નજરે કે પહેલી મુલાકાતમાં થોડું જ જાણી શકાય? માણસનું ખરું વ્યક્તિત્વ, એની સાચી ઓળખાણ તો એ જેમ જેમ આગળ વધે એમ ધીરે ધીરે જ જાણી શકાય ને? આ શેરમાં રદીફનો કેવો સચોટ ઉપયોગ થયો છે!

નામ લેશે નહીં મારું કે તમારું ને ‘સહજ’
એ વણી લેશે બધું વાતમાં ધીરે ધીરે

ગઝલ જે રંગમાં ધીરે ધીરે આગળ વધે છે એ જ રંગને મક્તાનો શેર ઓર ઘેરો બનાવે છે. મક્તાનો શેર એટલો બધો સરળ થયો છે કે એના વિશે કશું પિષ્ટપેષણ કરવા બેસીએ તો એમાં રહેલી કવિતાને કદાચ અન્યાય કરી બેસાય. પણ આ શેર જેટલો સરળ છે એટલો જ ઉમદા પણ છે. સરળ શેર સામાન્યતઃ અર્થની સપાટી પર ફસકી પડતા હોય છે જ્યારે અહીં કવિ આ સહલે મુમતેના (દુઃસાધ્ય સરળ) શેરમાં વાણી, વિચાર અને અભિવ્યક્તિની સરળતા હોવા છતાં અર્થગહનતા અને અર્થગાંભીર્યતા જાળવી શક્યા છે એ એમની ‘સહજ’ સિદ્ધિ છે!

સરવાળે આ આખી ગઝલ ભાવજગતને અનવરુદ્ધપણે પણ ધીરેધીરે સંવેદવામાં સફળ નીવડે છે. કવિની છંદની પસંદગી અને એનો નિભાવ, કાફિયાની સહજતા અને નોંધપાત્રરીતે રદીફનો ઉત્તમ નિર્વાહ કાબિલે દાદ છે.

– વિવેક મનહર ટેલર

કશુંક સામ્ય તો છે સાચેસાચ કઠપૂતળી – વિવેક કાણે ‘સહજ’

વિવેકભાઇની એક ગઝલ.. એમના જ સ્વર સાથે…

કશુંક સામ્ય તો છે સાચેસાચ કઠપૂતળી
તને હું જોઉં અને જોઉં કાચ ક ઠપૂતળી

આ તારું નૃત્ય એ મારી જ કોરીયોગ્રાફી
નચાવું તને એમ નાચ કઠ પૂતળી

હલનચલન ને આ ચૈતન્ય ખેલ પૂરતું છે
જીવંત હોવાના ભ્રમમાં ન રાચ કઠપૂતળી

સમાન હક ને વિચારોની મુક્તતા ને બધું
જે મારી પાસે નથી એ ન યાચ કઠપૂતળી

‘સહજ’ નચાવે મને કો’ક ગુપ્ત દોરીથી
ને તારી જેમ છું હું પણ કદાચ કઠપૂતળી

તોરણ જે ઉતારો છો એ લીલું તો નથી ને? – વિવેક કાણે ‘સહજ’

કવિ વિવેક કાણે ‘સહજ’ની એક ગઝલ – એમના જ અવાજમાં..!!  

તોરણ જે ઉતારો છો એ લીલું તો નથી ને?
સંકેલો છો જે સ્વપ્ન,એ ભીનું તો નથી ને?

આ મોડસઓપરેંડી તો એની જ છે નક્કી
હથિયાર કતલનું જુઓ, પીછું તો નથી ને?

સરખું છે અમારું કે તમારું કે બધાનું,
દુ:ખોનું તપાસો, કોઇ બીબું તો નથી ને ?

નીકળ્યા જ કરે નિત્ય નવાં સ્વપ્નો નિરંતર
પલકોંની પછીતે કોઇ ખીસ્સું તો નથી ને ?

જન્મ્યા અને જીવ્યા ને પછી મોતને ભેટ્યા
આયુષ્ય ‘સહજ’ એટલું સીધું તો નથી ને?

જેમ જેમ સાંજ સરે રાતમાં ધીરે ધીરે – વિવેક કાણે ‘સહજ’

આજે એક ગઝલ કવિના પોતાના અવાજમાં..  કવિના પોતાના સ્વરાંકન સાથે.. (સંગીતની ગેરહાજરી જરા ન સાલે એવી સરસ રીતે આ ગઝલ કવિશ્રીએ ‘અસ્મિતા પર્વ – ૨૦૦૫’ વખતે આ ગઝલ રજુ કરી હતી)

સ્વર : વિવેક કાણે ‘સહજ’

2409861806_6329829ffe_m

જેમ જેમ સાંજ સરે રાતમાં ધીરે ધીરે
આવતો જાઉં અસલ પાઠમાં ધીરે ધીરે

મારા તલસાટનો અંતિમ છે તબક્કો જાણે
જોતો જાઉં છું તને જાતમાં ધીરે ધીરે

થાય છે સ્પષ્ટ વધારે ને વધારે ચહેરો,
એક ભૂંસાતી જતી છાપમાં ધીરે ધીરે

શું છે વ્યક્તિત્વ, શું ઓળખ છે નવા ગંતુકની
ખૂલતું જાય છે પદચાપમાં ધીરે ધીરે

નામ લેશે નહીં મારું કે તમારું ને ‘સહજ’
એ વણી લેશે બધું વાતમાં ધીરે ધીરે

જવા દે – વિવેક કાણે ‘સહજ’

live

વીતકનો નથી આપવો અહેવાલ, જવા દે
આ ક્ષણને ઊજવ દોસ્ત, ગઇકાલ, જવા દે

સંબંધના સરવૈયાનો તાળો નથી મળતો ?
મારી જ કશી ભૂલ હશે, ચાલ, જવા દે

જા આખી ગઝલ પ્રેમને નામે તને અર્પણ
નહીંતર તો અહીં કોણ ઊભા ફાલ જવા દે ?

આદર્શ ને સિધ્ધાંત અને ધૂળ ને ઢેફાં,
આ માલનો અહીં છે કોઇ લેવાલ ? જવા દે.

અસ્તિત્વનો લય પામ, ‘સહજ’ સમને પકડ તું
ઝુમરા છે, કહેરવા છે કે જપતાલ – જવા દે.