‘મરીઝ’ની મહેફિલ…

આજે ગુજરાતના ગાલિબ – યાદગાર શેરોના સર્જક – ‘મરીઝ’ સાહેબના જન્મદિવસે એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે માણીએ એમના શેરોની મહેફિલ… .- આભાર – રીડગુજરાતી.કોમ

*************

કેવી મજાની પ્રેમની દીવાનગી હશે,
કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો.

***

એના ઈશારા રમ્ય છે, પણ એનું શું કરું-
રસ્તાની જે સમજ દે અને ચાલવા ન દે !

***

મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખ્યાલમાં.

***

એકાદ હો તો એને છુપાવી શકું, ‘મરીઝ’ !
આ પ્રેમ છે ને એના પુરાવા હજાર છે.

***

લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.

***

હું કયાં કહું છું, આપની ‘હા’ હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.

***

એ ‘ના’ કહીને સહેજમાં છટકી ગયાં ‘મરીઝ’,
કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં.

***

એ દ્વાર પરના હળવા ટકોરા તો રદ ગયા,
શાયદ એ સાંભળી લે જો માથું પછાડીએ.

***

એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.

***

બેઠો છું તારી રાહમાં એવી નિરાંતથી,
જાણે કોઈ કહે મને તારી તમા નથી.

***

એક પળ એના વિના તો ચાલતું નહોતું, ‘મરીઝ’
કોણ જાણે કેમ આખી જિંદગી ચાલી ગઈ.

***

ફળી છે જે જે આશા, તેના મેં અંજામ જોયા છે,
હવે કાંઈ ખાસ દુ:ખ જેવું નથી થાતું નિરાશાથી.

***

છે તેથી મારી હરેક વાતમાં પરેશાની,
પવિત્ર દિલ દીધું, જીવન ખરાબ આપીને !

***

બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે.

***

હવે એની ઉપરથી આપ મારી દુ:ખ કથા સમજો,
જવાનીમાં કરું છું યાદ વીતેલી જવાનીને.

***

મરણ કે જીવન હો, એ બન્ને સ્થિતિમાં,
‘મરીઝ’, એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધેકાંધે,
જીવન પણ ગયું છે સહારેસહારે.

***

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી, ‘મરીઝ’
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.

20 replies on “‘મરીઝ’ની મહેફિલ…”

  1. હતી દુર્દશા મારી પણ હાથ ફેલાવ્યો ના કદી
    આ જગ મારા કપડા જોઈ માગણ સમજે છે

  2. મોહબ્બત ની મિલકત નો વારસદાર જોઈએ,
    દીલને ના રઝાળતો દિલદાર જોઈએ,
    માનું છું હું બીલકુલ નિર્ધન છું, શ્રીમંતાઈ થી,
    લાગણી ભાવના ને સ્નેહ નો પૈસાદાર જોઈએ,

  3. અમુક માણસો શાયર બનવા જ આવે છે આ દુનિયામાં … મરીઝ એમાંના એક

    • અમુક માણસો મરીઝની શાયરી સાંભળવા જ આવે છે આ દુનિયામાં એમાંનો હું એક ..

  4. બધો આધાર છે એના જતી વેળા ના જોવા પર,
    મિલન માંથી નથી માલતા મુહૂબત ના પુરાવાઓ.

  5. પ્રેમમાં જીવવું તો દુનિયા શીખવે છે…
    આ મરતા “હૃદય” મરીઝે શીખવ્યું…

  6. ઘના સમય પછિ પાછો કુદરત ના સન્નિધ્ય મા સમાયિ જવા મલિયુ

  7. SU SAAYARO HAMESHA ‘MARIZ’ HOY CHHE ATLE AAVU SUNDER VYTHAA NU VARAN KARI SAKE CHHE.GHAAYAL MARIZ NE DAVAA KDUAA SU HOY

  8. ઘનુ બધુ લખવુ હોય પન શબ્દો ન મલે એવિ સુન્દર રચના ઓ થિ મન ખુશ થઇ ગયુ.

  9. મરણ કે જીવન હો, એ બન્ને સ્થિતિમાં,
    ‘મરીઝ’, એક લાચારી કાયમ રહી છે.
    જનાજો જશે તો જશે કાંધેકાંધે,
    જીવન પણ ગયું છે સહારેસહારે.
    આ શેરમાં જીવન કેમ જીવાય એની ફિલસૂફી ઠાંસી ઠાંસીને ભરી છે. માણસને માણસની જરૂર જનમથી લૈને મરણ સુધી રહેવાની…..

  10. Thanks for clarifying that Jayshree….

    Here is one more I could find….

    પ્રસંગો જીવનમા જે જે ગમી ગયા
    પુરી હજુ મજા ન લીધી અને આથમી ગયા
    ઍ સ્વાસ છે જીવનના સ્પંદનોથી દૂર નથી
    જે તાર ઝણઝણી ના શક્યા, કમકમી ગયા

    • નક્કી નહોતું કેવી રીતે આજે એમને મળવાનું રાખું,
      ક્યાં ઈશારે સંદેશો આપું, કેમ મહેફિલ માં બોલાવવાનું રાખું,
      ભરી સભામાં હાજર કંયા એકલા પડવાનું રાખું,
      એકલાં જો પડાય તો કેવીરીતે મળવાનું રાખું,
      મને જોઈ ડોક મરડી, થોડું શરમાઈ, થોડું મલકાઈ,
      આંખો થી કર્યો સંકેત મને, કેવીરીતે ત્યાં જવાનું રાખું,
      હું એની નજીક ગયો,એ બાજુ માં થી પસાર થાય,
      કોઈ ની નજર ના પડે એવું બને તો સરકવાનુ રાખું,
      દૂર દૂર જતા હતા મને એ જોઈ જોઈને,
      અનિલ છેલ્લે મારા જ ઈશારે મેં ટાળવાનું રાખું,

  11. મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
    વાંચીને એ રહે છે બીજાના ખ્યાલમાં.

    મને લાગે છે આ શેર અમ્રુત ઘાયલ નો છે

    • ,એ નાં કહી ને સહેજ માં છૂટી ગયા “મરીઝ” કરવી નાં જોઈતી તી ઉતાવળ સવાલ માં.

  12. એક પળ એના વિના તો ચાલતું નહોતું, ‘મરીઝ’
    કોણ જાણે કેમ આખી જિંદગી ચાલી ગઈ.

    બેઠો છું તારી રાહમાં એવી નિરાંતથી,
    જાણે કોઈ કહે મને તારી તમા નથી…

    Awesome…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *