Category Archives: સંગીતકાર

ગરબે રમવાના થયા ઓરતા રે.. – દિલીપ જોશી

સ્વર : પ્રીતિ ગજ્જર, નિગમ ઉપાધ્યાય
સંગીત : ડો. ભરત પટેલ

bhagawati_PZ44

.

ગરબે રમવાના થયા ઓરતા રે..
આવ્યા આવ્યા માઁના નોરતા રે…

ચોકે નર-નાર સહુ ડોલતા રે…
આવ્યા આવ્યા માઁના નોરતા રે…

પડવેથી પૂનમનો પંથ કેવો પાવન
જ્યાં જ્યાં નિહાળો ત્યાં માઁના હો દર્શન

આંગણિયે આંગણિયા આજ થયા ઉપવન
સોળે શણગાર સહુ શોભતા રે…
આવ્યા આવ્યા માઁના નોરતા રે…

ગરબે રમવાના થયા ઓરતા રે..
આવ્યા આવ્યા માઁના નોરતા રે…

ઝળહળતી હોય ધરા ઝળહળતું અંબર
માઁને પૂછીને ઉગે સૂરજ ને ચંદર

ચોકે ચોકે રે ઝરે ઉમંગી અવસર
આઠે બ્રહ્માંડ રંગ ઘોળતા રે..
આવ્યા આવ્યા માઁના નોરતા રે…

ગરબે રમવાના થયા ઓરતા રે..
આવ્યા આવ્યા માઁના નોરતા રે…

ચોકે નર-નાર સહુ ડોલતા રે…
આવ્યા આવ્યા માઁના નોરતા રે…

પન્નીને પહતાય તો કે’ટો ની…. – ડો. રઇશ મનીયાર

ચલો… રવિવાર સુધરી જાય એવું કંઇક કરીયે આજે…

એટલે કે.. ટહુકો પર બીજુ તો શું કરવાનું હોય, એક મસ્તીભર્યું ગીત સાંભળીયે. 🙂

કવિ શ્રી રઇશ મનીયારની આ હઝલ ( હાસ્ય ગઝલ ) ઘણી જ જાણીતી છે. અને આપણા મેહુલભાઇએ એને ખૂબ જ સરસ સંગીત આપ્યું છે.. ગમે એવા મૂડમાં હો, ચહેરા પર સ્મિત આવી જાય !!

આમ તો રઇશભાઇ હમણા અમેરિકામાં જ છે, અને East Coastમાં એમના ઘણા પ્રોગ્રામ પણ થાય છે, પણ અમે કેલિફોર્નિયાવાળા રહી ગયા… 🙁

ચલો.. રૂબરૂમાં નહીં તો આવી રીતે જ.. એમની રચના માણીને મઝા કરીયે..

સંગીત : મેહુલ સુરતી
સ્વર : સત્યેન જગીવાલા

after-marriage.jpg

.

પન્નીને પહતાય તો કે’ટો ની.
વાહણ જો અથડાય તો કે’ટો ની.

અમના તો કે’ટો છે કે પાંપણ પર ઊંચકી લેમ.
પછી માથે ચડી જાય તો કે’ટો ની.

અમના તો પ્યાર જાણે રેહમની ડોરી.
એના પર લૂગડાં હૂકવાય તો કે’ટો ની.

”એની આંખોના આભમાં પંખીના ટોળાં…”
પછી ડોળા દેખાય તો કે’ટો ની.

હમ, ટુમ ઔર ટન્હાઇ, બધું ઠીક મારા ભાઇ
પછી પોયરાં અડ્ડાય તો કે’ટો ની.

( આભાર : લયસ્તરો )

ફરમાઇશ કરનાર મિત્ર : હાર્દિક શાહ.

ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં – -‘સૈફ’ પાલનપુરી

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય

khushboo

.

ટહુકો ફાઉન્ડેશનના સુર શબ્દની પાંખે કાર્યક્રમમાં અસીમ મહેતાના સ્વરમાં સાંભળો.

ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં ઊર્મિમાં ડૂબેલા જામ હતા,
શું આંસુનો ભૂતકાળ હતો – શું આંસુનાં પણ નામ હતાં.

થોડીક શિકાયત કરવી’તી થોડક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઈ જતે – બેચાર મને પણ કામ હતાં.

હું ચાંદની રતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ,
કંઈ મંઝિલ પણ મશહૂર હતી – કંઈ રસ્તા પણ બદનામ હતાં.

જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં.

પેલા ખૂણે બેઠા છે એ “સૈફ” છે મિત્રો જાણો છો ?!
કેવો ચંચલ જીવ હતો ને કેવા રમતારામ હતા !

અમે કોમળ કોમળ…- માધવ રામાનુજ

સ્વર : હરીહરન

સંગીત : અજીત શેઠ

Photo by [ CK ]

.

હળવા તે હાથે ઉપાડજો એ હળવા તે હાથે ઉપાડજો
સાથરે ફૂલડાં ઢાળજો એ અમે કોમળ કોમળ…

આયખાની આ કાંટ્યમાં રે અમે અડવાણે પગ,
રૂંવે રૂંવે કાંટા ઊગિયા એ અમને રૂંધ્યા રગેરગ;
ઊનાં તે પાણીડે ઝારજો રે અંગ કોમળ કોમળ,
ખેપનો થાક ઉતારજો રે અમે કોમળ કોમળ..

પેર્યા ઓઢ્યાના ઓરતા એ છોગે છેલ ઝુલાબી,
આંખમાં રાત્યું આંજતા એ અમે ઘેન ગુલાબી,
કેડિયે કોયલ ગૂંથજો એ અમે કોમળ કોમળ,
ફૂમતે મોર ગે’કાવજો એ અમે કોમળ કોમળ…

હાથ મૂકી મારે કાળજે એ પછી થોડુંક લખજો:
– ભવ ભવ આવાં આકરાં રે અમને જીવતર મળજો !
– ભવ ભવ આવાં આકરાં રે અમને જોબન મળજો !

કેવા જીવ્યાના અભરખા રે હતા કોમળ કોમળ !
ફૂલના પોઢણ સાથરા રે કેવા કોમળ કોમળ !

અમે રે સૂકું રૂનું પૂમડું – મકરંદ દવે

સંગીત : અજીત શેઠ

Photo by dumbskull

.

અમે રે સૂકું રૂનું પૂમડું,
તમે અત્તર રંગીલા રસદાર;
તરબોળી દ્યો ને તારેતારને,
વીંધો અમને વ્હાલા, આરંપાર:
આવો, રે આવો હો જીવણ, આમના.

અમે રે, સૂના ઘરનું જાળિયું,
તમે તાતા તેજના અવતાર;
ભેદીને ભીડેલા ભોગળ-આગળા,
ભરો લખ લખ અદીઠા અંબાર:
આવો, રે આવો હો જીવણ, આમના.

અમે રે ઊધઈખાધું ઈધણું,
તમે ધગધગ ધૂણીના અંગાર;
પડેપડ પ્રજાળો વ્હાલા, વેગથી,
આપો અમને અગનના શણગાર:
આવો, રે આવો હો જીવણ, આમના.

પાંદડી તે પી પીને કેટલું રે પીશે – જગદીશ જોષી

સ્વર : માલિની પંડિત
સંગીત : ક્ષેમુ દિવેટીઆ.

.

પાંદડી તે પી પીને કેટલું રે પીશે
કે મૂળિયાંને પડવાનો શોષ ?
આભ જેવા આભને હૈયામાં હોય કદી
જળના વરસ્યાનો અફસોસ ?

એક પછી એક મોજાં આવે ને જાય
એને કાંઠે બેસીને કોણ ગણતું ?
વાદળના કાફલાનું ગીત અહીં લ્હેરખીમાં
રેશમનો સૂર વણતું;
ઉઘાડી આંખે આ જાગતા ઊજાગરાને
આઘાં પરોઢ આઠ કોશ !

નીંદરાતી આંખ મહીં ઊમટીને ઊભરાતું
જાગે છે સપનાંનું ટોળું,
કિરણોની એક એક કાંકરીઓ નાખીને
જંપ્યું તળાવ નહીં ડહોળું;
આખા આકાશને ઓઢીને ઠરવાનો
જળને છે ઝીણો સંતોષ !

શોધતો હતો ફૂલને ફોરમ શોધતી હતી મને – ચંદ્રકાંત શેઠ

સ્વર : પ્રણવ મહેતા
સંગીત : ક્ષેમુ દિવેટીઆ

.

શોધતો હતો ફૂલને ફોરમ શોધતી હતી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.

ક્યાંક રે આંબો ટહુક્યો
એની મનમાં મ્હેકી વાત,
કમળ જેવો ખીલતો દિવસ,
પોયણા જેવી રાત.

શોધતો રહ્યો ચાંદ ને રહી ચાંદની શોધતી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.

આંખ મીંચું ત્યાં
જૂઈનું ગાલે અડતું ઝાકળફૂલ,
મનમાં હળુક લ્હેરવા લાગે
વ્યોમની કિરણ-ઝૂલ.

શોધતો જેની પગલી એનો મારગ શોધે મને,
એકબીજાને શોધતા ગયાં દૂર, તો આવ્યાં કને.

ટહૂકે ટહૂકે ઓગળવું એ પ્રેમ, સખી દે તાલી ..!! – તુષાર શુક્લ

આ મારું ખૂબ જ ગમતું ગીત, એક વ્હાલી સખીને એના જન્મદિવસે મારા તરફથી શુભેચ્છારૂપે.. 🙂 ( Happy Birthday, Bena… !! )

અને એમ પણ, તુષાર શુક્લ જેવા કવિની લખાયેલું આટલું મધમીઠું ગીત, અને સાથે સોનામાં સુગંધ ઉમેરતો સૌમિલ મુન્શી અને આરતી મુન્શીનો યુગલ સ્વર…

અને હા… એક બીજી કમાલ કરી છે માલવભાઇએ સંગીત આપીને… જ્યારે જ્યારે ગીતમાં આ શબ્દ આવે, લે તાલી…. દે તાલી.. ત્યારે તો એમ થાય કે બાજુમાં કોઇ ઉભુ હોય તો એને જરૂરથી તાલી આપી જ દઉં.. !!
સ્વર : સૌમિલ અને આરતી મુન્શી
સંગીત : માલવ દિવેટીઆ

tahuke.JPG

.

ટહૂકે ટહૂકે ઓગળવું એ પ્રેમ, સખી દે તાલી
આ વધઘટ મનમાં વહેમ, પ્રિયે લે તાલી, દે તાલી

અધમધરાતે ઊડી જતાં એ સપનાં કેરાં સમ
આંખોના આકાશમાં હોયે કાંકતો નીતિ નિયમ
પરવાળાના ટાપુ જેવી નીંદરને ન લડીએ
પાંપણ પાળે પ્રીત વસે છે એને જઇને કહીએ

હોવું આખું મ્હેક મ્હેક એ પ્રેમ સખી દે તાલી
આ વધઘટ મનનાં વ્હેમ….

આપણી વચ્ચે બે કાંઠે આ જમુનાજીનાં જલ
અહીં ઓગળે હોવું ને ત્યાં ઓગળ તું પળપળ
નકશાની નદીઓને માથે ચિતરાયાનો શાપ
અધક્ષણ ઉપરવાસમાં મૂઠી ચોમાસા શું આપ

સૂર્યમુખીના સંબંધોની પરવશતાના પ્રેમ સખી દે તાલી
આ વધઘટ મનનાં વ્હેમ….

H अब मोहे ऐसी आय बनी.. – શ્રી જશવિજયજી

વર્ષ 2006 – 2007 ના લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ ના Youngest Music Composer of India ના વિજેતા, રિષીત ઝવેરી એ આપણા સૂરતનું ગૌરવ છે, એ વાત તમને ખબર છે ? !!

11મા ધોરણમાં ભણતા 16 વર્ષના આ કલાકારએ હમણા સુધીમાં 3 આલ્બમ પ્રસિધ્ધ કર્યા છે. 1 ગુજરાતી, 1 હિંદી, અને 1 જૈન સ્તવનોનું આલ્બમ.

રિષીતને આપણા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અને Good Luck for a very bright career.

સંગીત : રિષીત ઝવેરી
ms.jpg

.

अब मोहे ऐसी आय बनी,…..
श्री शंखेश्वर पार्श्व जिनेसर, मेरो तुं एक धनी…. अब

तुम बिन कोउ चित्त न सुहावे, आवे कोडी गुनी;
मेरो मन तुम उपर रसियो, अलि जिम कमल भनी….अब
तुम नामे सवि संकट चूरे, नागराज धरनी;
नाम जपुं निशि वासर तेरो, ए शुभ मुज करनी…अब
कोपानल उपजावत दुर्जन , मथन वचन अरनी;
नाम जपुं जलधार तिहां तुज, धारुं दु:ख हरनी…अब
मिथ्यामति बहु जन है जगमें, पद न धरत धरनी;
उनको अब तुज भक्ति प्रभावे, भय नहि एक कनी….अब
सज्ज्न नयन-सुधारस -अंजन, दुरजन रवि भरनी
तुज मुरति नीरखे सो पावे, सुख जस लील धनी…अब

કહું કેમ મુજને ગમો છો તમે

સ્વર : મનહર ઉધાસ
કવિ : ?

.

કહું કેમ મુજને ગમો છો તમે
દિવસ રાત દિલમાં રમો છો તમે

વિચારોમાં મારા સદાયે રહો
છતાં ક્યાં કદિયે મળો છો તમે

સ્મરણ બસ તમારું કરું રાત દિન
નયનના ઝરુખે રહો છો તમે

ગુન્હો ચાહવાનો કર્યો છે હવે
સજા જોઇએ શું કરો છો તમે

હ્રદય પર મુકી હાથ સાચુ કહો
કદી યાદ મુજને કરો છો તમે