Category Archives: પ્રણવ મહેતા

માણસ ઉર્ફે… – નયન દેસાઈ

નીચે ધવલભાઇએ વાત કરી એમ – નયનભાઈને સાંભળવા એક લ્હાવો છે.. અને આજે એ જ લ્હાવો તમારા સુધી લઇ આવી છું..! સાંભળીએ આ એમની સીમાચિહ્નરૂપ ગઝલ – એમના પોતાના જ અવાજમાં..!

ગઝલ પઠન : નયન દેસાઈ

અને હા, યાદગાર ગઝલો શ્રેણીમાં વિવેકે આ ગઝલનો ખૂબ જ મઝાનો આસ્વાદ કરાવ્યો છે..! એ વાંચવાનું ચૂકી નથી ગયા ને? અને આશિતભાઇએ આ ગઝલનું એવું addictive સ્વરાંકન કર્યું છે કે સાંભળ્યા જ કરીએ… સાંભળ્યા જ કરીએ..!

.

માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…

ખુલ્લી બારી જેવી આંખો ને આંખોમાં દિવસો ઊગે ને આથમતા;
દિવસો મતલબ વેઢા, મતલબ પંખી, મતલબ ઊડી જવાની ઘટના ઉર્ફે…

પગમાંથી પગલું ફૂટે ને પગલાંમાંથી રસ્તાના કૈં રસ્તા ફૂટે;
રસ્તા અથવા ફૂલો અથવા પથ્થર અથવા ઊગી જવાની ઘટના ઉર્ફે…

વજ્જરની છાતી ના પીગળે, આંસું જેવું પાંપણને કૈં અડકે તો પણ;
આંસુ, એમાં શૈશવ, એમાં કૂવો, એમાં કૂદી જવાની ઘટના ઉર્ફે…

ચાલો સૌ આ સંબંધોની વણજારોને બીજે રસ્તે વાળી દઈએ,
સંબંધો સમણાંનાં ઝુમ્મર, ઝુમ્મર યાને ફૂટી જવાની ઘટના ઉર્ફે…

છાતીમાં સૂરજ ઊગ્યાનો દવ સળગે ને સૂરજ તો એક પીળું ગૂમડું,
ગૂમડું પાકે, છાતી પાકે, મહેફિલમાંથી ઊઠી જવાની ઘટના ઉર્ફે…

મૂઠી ભરીને પડછાયાનાં ગામ વસેલાં ને પડછાયા હાલે ચાલે,
પડછાયા તો જાણે ચહેરા, ચહેરા જાણે ભૂલી જવાની ઘટના ઉર્ફે…

જાણીબૂઝીને – હરીન્દ્ર દવે

ટહુકો શરૂ કર્યાના થોડા જ દિવસોમાં મૂકેલું આ ગીત મારું ઘણું ગમતું ગીત..! હરીન્દ્ર દવેના શબ્દો, અને એમાં પરેશ ભટ્ટનું સ્વરાંકન..

આજે જુલાઇ ૧૪, સ્વરકાર શ્રી પરેશ ભટ્ટની પુણ્યતિથિ. તો આજે એમનું આ અદભૂત સ્વરાંકન, એમના પોતાના અવાજમાં સાંભળીને એમને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ.

મઝાની વાત એ છે કે આ રેકોર્ડિંગમાં પરેશભાઇના સ્વર-સંગીત સાથે એમણે ગીત વિષે પણ વચ્ચે વાતો કરી છે, કવિતાની થોડી વધુ નજીક જવામાં એમની વાતો જરૂર મદદ કરશે.

.

—————————-
Posted on : June 30, 2006
સ્વર : પ્રણવ મહેતા

સંગીત : પરેશ ભટ્ટ

smoky

.

જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં
પાલવ અડક્યાનો મને વ્હેમ છે
સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી
ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ?

આટલા અબોલા પછી આવો સવાલ, કહો
કેમ કરી ઊતરવું પાનું?
મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ
ખોલીએ તો બોલવાનું બ્હાનું !

હું તો બોલીશ છતાં માનશો તમે કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે !

વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઇ
ચાલતી દીવાલ થકી ઇંટો ?
ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ
કોરો રહે સ્મરણોનો વીંટો ?

દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજી
આપણી વચાળે જરી પ્રેમ છે ?

(કવિ પરિચય)

ગોરી મોરી – ઉમાશંકર જોષી

ફાગણ જાય અને ચૈત્ર આવે એ પહેલા આ ગીત સાંભળી લઇએ ને ?… (આભાર : ઊર્મિસાગર.કોમ)

સંગીત : ભાઇલાલભાઇ શાહ
સ્વર : પ્રણવ મહેતા, બીના મહેતા
Album : ગોરી મોરી

kesudo.jpg

.

ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે લોલ;
વ્હાલા મોરા, જોબન ઝોલાં ખાય કે ઝૂલણો લાગે મીઠો રે લોલ.

ગોરી મોરી,હૈયાં ઢળી ઢળી જાય કે ઝૂલશો ક્યાં લગી રે લોલ;
વ્હાલા મોરા,ઝૂલ્યો મેલ્યો ન જાય કે ઝૂલશું જિંદગી રે લોલ.

ગોરી મોરી,ચૈતર ચાલ્યો જાય કે વૈશાખ વહી જશે રે લોલ;
વ્હાલા મોરા, આ શો અધીરો થાય કે આજ ઓછી કાલે હશે રે લોલ.

ગોરી વ્હાલે મેલી આંબલીયાની ડાળ કે ચાલ્યાં ચાકરી રે લોલ;
લાગી ઊઠી વૈશાખ-જેઠની ઝાળ કે વેળા આકરી રે લોલ.

આવી ત્યાં તો આષાઢી મેઘ સંભળાય, ગોરીનો ભીંજ્યો કંચવો રે લોલ;
વ્હાલા મોરા ફાગણ પાછો લાવ કે ચૈતર ક્યાં મૂક્યો રે લોલ.

આભમાં ફરકે શ્રાવણવીજ, ગોરીની રૂઠી, આંખડી રે લોલ;
વ્હાલા મોરા,બીજની ન કરજે ત્રીજ, ભીંજાતી મેં અંહી ખડી રે લોલ.

શોધતો હતો ફૂલને ફોરમ શોધતી હતી મને – ચંદ્રકાંત શેઠ

સ્વર : પ્રણવ મહેતા
સંગીત : ક્ષેમુ દિવેટીઆ

.

શોધતો હતો ફૂલને ફોરમ શોધતી હતી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.

ક્યાંક રે આંબો ટહુક્યો
એની મનમાં મ્હેકી વાત,
કમળ જેવો ખીલતો દિવસ,
પોયણા જેવી રાત.

શોધતો રહ્યો ચાંદ ને રહી ચાંદની શોધતી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.

આંખ મીંચું ત્યાં
જૂઈનું ગાલે અડતું ઝાકળફૂલ,
મનમાં હળુક લ્હેરવા લાગે
વ્યોમની કિરણ-ઝૂલ.

શોધતો જેની પગલી એનો મારગ શોધે મને,
એકબીજાને શોધતા ગયાં દૂર, તો આવ્યાં કને.

તારી હથેળીને દરિયો માનીને – તુષાર શુક્લ

સ્વર : પ્રણવ મહેતા
સંગીત : રાસબિહારી દેસાઇ

ran

.

તારી હથેળીને દરિયો માનીને કોઇ ઝંખનાને સોંપે સુકાન;
એને રેતીની ડમરીનો ડૂમો મળે, એનો અલ્લાબેલી.

ખજૂરીની છાયામાં વરસે છે ઝાંઝવા ને વેળુમાં તરસે છે વ્હાણ;
કૂવાથંભેથી હવે સોણલાં રડે ને કોરી આંખોને અવસરની જાણ.
તારી હથેળીને રેતી માનીને કોઇ ઊંટોના શોધે મુકામ;
એને કોરીકટ માછલીની જાળો મળે, એનો અલ્લાબેલી.

કોની હથેળીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી?
વરતારા મૌસમના ભૂલી જઇને એક ઝંખનાને રાખવાની વ્હેતી.
તારી હથેળીને કાંઠો માનીને કોઇ લાંગરે ને ઊઠે તોફાન;
એના ઓસરતી વેળુમાં પગલાં મળે, એનો અલ્લાબેલી.