Category Archives: પ્રીતિ ગજ્જર

નવદુર્ગા રમતી રાસ – પ્રમોદ સોલંકી

સ્વર – પ્રીતિ ગજ્જર
સ્વરાંકન – ડો. ભરત પટેલ

નભના ચોક તેજલ ચોરે, નવદુર્ગા રમતી રાસ,
નવલખ તારલિયાની સાથે નવદુર્ગા રમતી રાસ

અણુઅણુમાં અંબા બીરાજે, જગદંબા ઘટઘટમાં રાચે,
ચૌદભુવનમાં આઠે પોરે, તારા પળપળમાં ડંકા બાજે,
જળમાં સ્થળમાં ચારભુજાળી નવદુર્ગા રમતી રાસ…
નભના ચોક તેજલ ચોરે, નવદુર્ગા રમતી રાસ

માડી તારો ગરબો અનુપમ સોહે,
હાં રે સોમસૂરજના મનડા મોહે
દિવ્ય ગગનમાં દર્શન કાજે હાજર દેવ હજાર
નભના ચોક તેજલ ચોરે, નવદુર્ગા રમતી રાસ

માડી તારો ચૂડલો રણઝણ રણકે
નવલી આ રાતલડી મીઠું મીઠું મલકે
માના માથે તેજ ઘડૂલો રાસ ચગે રળીયાત
નભના ચોક તેજલ ચોરે, નવદુર્ગા રમતી રાસ

– પ્રમોદ સોલંકી

સૂરજ વિનાનું સાવ ગામ – રમેશ પારેખ

આ પહેલા ફક્ત શબ્દો સાથે આવેલું આ રમેશ પારેખનું ગીત આજે સ્વર – સંગીત સાથે ફરી એકવાર…

સ્વર : પ્રીતિ ગજ્જર
સંગીત : ડો. ભરત પટેલ

.

શમણાં આવે ને તો યે કાળાંડિબાણ એવું સૂરજ વિનાનું સાવ ગામ
ઝાંખુંપાંખું ય હવે સૂતાં કે જાગતાં સૂઝે નહીં શમણું કે કામ

એવાં અણરૂપ અમે કેવાં લાગ્યાં કે
કોઇ લીલા રણવાસ આમ વીસરે
તકતે જોઉં ત્યાં આંખ આડે ઘેરાઇ જતી
ભીની તરબોળ ભીંત નીતરે

મારી હથેળીયુંની મેંદી ચીંધીને કોઇ કહેતું’તું – જાળવશું આમ
ઝાંખુંપાંખું ય હવે સૂતાં કે જાગતાં સૂઝે નહીં શમણું કે કામ

સળકે ચોપાસ ઠેઠ અંધારી લૂ
ને મારી ભાતીગળ ઓઢણી ચિરાતી
લીલું એકાદ પાન ઠેસમાં ચડે છે
ત્યારે રૂ-શી પીંજાઇ જતી છાતી

તડકા રે હોય તો તો છાંયડા વિનાના કહી દુ:ખને અપાય કાંક નામ
શમણાં આવે ને તો યે કાળાંડિબાણ એવું સૂરજ વિનાનું સાવ ગામ.

એકબીજા પાસે જઇને બેસવું – ભરત વિંઝુડા

સ્વર : પ્રીતિ ગજ્જર

સંગીત : ડો. ભરત પટેલ

.

એકબીજા પાસે જઇને બેસવું
કંઈ ખબર પડતી નથી કે ક્યાં જવું

હું કહું છું તે મને સમજાય છે
બહુ કઠિન છે અન્યને સમજાવવું

પંખીઓને ઊડતાં જોયા પછી
મનને આવડતું ગયું છે ઊડવું

એ ક્ષણે સળગી ગયો’તો હુંય પણ
છે ખબરમાં ખાલી તારું દાઝવું

એક દિ’ અખબાર કોરું આવશે
એક દિવસ થઇ જશે કંઈ ના થવું

—————
આ ગઝલનો છેલ્લો શેર વાંચી મને મુકુલભાઇનો આ શેર ચોક્કસ યાદ આવે ઃ

આજ કંઇ પણ નવું ન બન્યું
એ જ મોટા સમાચાર છે

સામસામે આવીએ તો ફફડે બે હોઠ – વંચિત કુકમાવાલા

સ્વર : પ્રીતિ ગજ્જર, ભાસ્કર શુક્લ
સંગીત : ડો. ભરત પટેલ
sam-same.jpg

.

સામસામે આવીએ તો ફફડે બે હોઠ પછી બોલવાનું સાનભાન ખોઇએ,
બે’ક ઘડી લાગે કે આટલામાં હોઇએ ને બે’ક ઘડી લાગે ન હોઇએ.

આખું આકાશ એક બટકેલી ડાળ પર લીલેરી કુંપળ થઇ ફૂટે
છાતીમાં સંઘરેલ સાત-સાત દરિયાઓ પરપોટા જેમ પછી ફૂટે
ધોમધોમ તડકામાં પાસપાસે ચાલીએ તો લાગે કે ભીંજાતા હોઇએ…
… બોલવાનું સાનભાન ખોઇએ.
સામસામે આવીએ તો ફફડે બે હોઠ પછી બોલવાનું સાનભાન ખોઇએ.

સાવ રે સભાનતાથી સાચવેલું ભાન અહીં યાદોમાં ધૂળધૂળ થાતું,
ડેલીબંધ બેઠેલા હોઇએ છતાંય કોઇ આવીને સાવ લૂંટી જાતું,
પૂરબહાર હસવાની મૌસમમાં કોઇવાર ઓચિંતા અંદરથી રોઇએ..
… બોલવાનું સાનભાન ખોઇએ.

સામસામે આવીએ તો ફફડે બે હોઠ પછી બોલવાનું સાનભાન ખોઇએ,
બે’ક ઘડી લાગે કે આટલામાં હોઇએ ને બે’ક ઘડી લાગે ન હોઇએ.

યાદમાં મળીએ પળેપળ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

સ્વર : પ્રીતિ ગજ્જર
સંગીત : ડો. ભરત પટેલ

you and me

.

યાદમાં મળીએ પળેપળ, ક્યાંક તું ને ક્યાંક હું,
કાપીએ ચૂપચાપ અંજળ, ક્યાંક તું ને ક્યાંક હું

આ ઉપરની સ્વસ્થતા, સૌને હસી મળવું સદા,
ને ઉભા અંદરથી વિહ્વળ, ક્યાંક તું ને ક્યાંક હું

બારણે ઉભા હશે, સૂતા હશે, ઊઠ્યા હશે,
રોજ બસ કરીએ અટકળ, ક્યાંક તું ને ક્યાંક હું

વ્યસ્ત એવા કે સતત આ જાત જોવાનો વખત
અન્યને કાજે જ ઝળહળ, ક્યાંક તું ને ક્યાંક હું

————

Happy Birthday Preetinben.. (21st May) તમારો ટહુકો ગુજરાતી સંગીત જગતમાં આમ જ ગુંજતો રહે, અને ગુજરાતી સંગીતને જગતમાં ગુંજવતો રહે એવી અમિત શુભેચ્છાઓ.. 🙂

अँखियाँ हरि दर्शन की प्यासी – सूरदास

સ્વર : પ્રિતી ગજ્જર

સંગીત : ડો. ભરત પટેલ

sitting_krishna_qc95_l.jpg

अँखियाँ हरि दर्शन की प्यासी
(देख्यो चाहत कमल नैन को)-२
निस दिन रहत उदासी
अँखियाँ निस दिन रहत उदासी
अँखियाँ हरि दर्शन की प्यासी

आए ऊधो घिरे गए आंगन
डारि गए गरे फाँसी
(अँखियाँ हरि दर्शन की प्यासी)-२

(केसर तिलक मोतियन की माला)-२
वृंदावन को वासी
(अँखियाँ हरि दर्शन की प्यासी)-२

काहू के मन की कोउ न जाने
लोगन के मन हासी
(अँखियाँ हरि दर्शन की प्यासी)-२

सूरदास प्रभु तुम्हरे दरश बिन
लेहों करवत कासी
(अँखियाँ हरि दर्शन की प्यासी)-२
हरि दर्शन की प्यासी

આ ફૂલ ખીલ્યાં કે ચહેરા – ભાસ્કર ભટ્ટ

સંગીત : ડો. ભરત પટેલ
સ્વર : પ્રીતિ ગજ્જર

.

આ ફૂલ ખીલ્યાં કે ચહેરા…
આ ફૂલ ખીલ્યાં કે ચહેરા…

ધરતી એ લીલી ચુનર પર,
ધરી લીધાં છે સહેરા…

સૂરજ મનમાં મીઠું મલકે,
ઝૂલે વાયુ પાનની પલકે.
મધુકરના ગુંજારવ સામે,
ખુશ્બુ ભરતી પહેરા…

આ ફૂલ ખીલ્યાં કે ચહેરા…
આ ફૂલ ખીલ્યાં કે ચહેરા…

મંદ પવનનું ઝોલું આવ્યું
ફૂલે એનું શીશ નમાવ્યું.
ભમરે ધારી શામની મૂરત
ફૂલ બની ગ્યા દહેરા…

આ ફૂલ ખીલ્યાં કે ચહેરા…
આ ફૂલ ખીલ્યાં કે ચહેરા…

મને દરિયો દેખાય તારી આંખમાં – પ્રફુલા વોરા

આ ગીત મારા માટે ખૂબ જ Special છે. શબ્દો.. ગાયકી.. સંગીત… અને સાથે દરિયો એટલો વ્હાલો છે કે આ ગીત પણ વ્હાલું થઇ ગયું.

અને બીજી એક વાત, આ ગીત હું છેલ્લા ૧૦ વર્ષથી શોધતી હતી. ‘તારી આંખનો અફીણી – ગુજરાતી Remix’ એવા આલ્બમમાં આ ગીત સાંભળ્યું હતું, ત્યારથી હ્ર્દયે વસી ગયેલું. પણ એ કેસેટ તુટી ગયા પછી એની બીજી કોપી મને આટલા વર્ષો સુધી ના મળી. તો યે એનું ખાલી કવર સાચવી રાખ્યું હતું, જે મને હમણા ઘરે ગઇ હતી ત્યારે અચાનક મળ્યું.. અને એના પર સંગીતકાર – ગાયકોના જે નામ હતા, એમાંથી એક જાણીતું નામ – ગાર્ગી વોરા. એટલે સૌથી પહેલા તો અચલભાઇ પાસેથી એમનો નંબર મેળવ્યો, અને ગાર્ગીબેન પાસેથી સંગીતકાર – ડો. ભરતભાઇ પટેલનો.

એમને રાજકોટ ફોન કરીને કહ્યું કે હું વાપીથી બોલું છું, અને તમારું એક ગીત ૧૦ વર્ષથી શોધું છું, તો એમણે મારું સરનામું લઇને તરત જ મને એમના બધા જ ગીતોની CD મોકલી આપી.

જ્યારે CD મને મળી અને આ ગીત સાંભળ્યું, ત્યારે શું ખુશી થઇ… એના પર તો કદાચ એકાદ કવિતા જ લખી શકાય..!! 🙂

સંગીત – ડો. ભરત પટેલ
સ્વર – પ્રીતિ ગજ્જર

462492485_ea413e6d51

.

દરિયાને જોઇ હું તો દરિયો થઇ જાઉં
મને દરિયો દેખાય તારી આંખમાં
દરિયાનો દેશ પછી દરિયાનો વેશ પછી
દરિયો રેલાય મારી આંખમાં

દરિયાને જોઇ…

છીપલામાં સદીઓથી કેદ થઇ સૂતેલા
દરિયાને સપનું એક આવ્યું
બાઝેલી લાગણીની પીળી ખારાશ લઇ
માછલીને મીઠું જળ પાયું

માછલીની વાત હોય સાચી સાચી
ને એક સપનું ઘેરાય તારી આંખમાં

દરિયાને જોઇ…

ઓળઘોળ મોજાં ને ઓળઘોળ ફીણ પછી
ઓળઘોળ અંકાતી રેતી
ઝુકેલી ડાળખીને સાન-ભાન-માન નહીં
દરિયામાં વાત થઇ વ્હેતી

વ્હેતી એ વાત બની વાંસળીના સૂર
મોરપિઁછુ લહેરાય તારી આંખમાં

દરિયાને જોઇ હું તો…

ગરબે રમવાના થયા ઓરતા રે.. – દિલીપ જોશી

સ્વર : પ્રીતિ ગજ્જર, નિગમ ઉપાધ્યાય
સંગીત : ડો. ભરત પટેલ

bhagawati_PZ44

.

ગરબે રમવાના થયા ઓરતા રે..
આવ્યા આવ્યા માઁના નોરતા રે…

ચોકે નર-નાર સહુ ડોલતા રે…
આવ્યા આવ્યા માઁના નોરતા રે…

પડવેથી પૂનમનો પંથ કેવો પાવન
જ્યાં જ્યાં નિહાળો ત્યાં માઁના હો દર્શન

આંગણિયે આંગણિયા આજ થયા ઉપવન
સોળે શણગાર સહુ શોભતા રે…
આવ્યા આવ્યા માઁના નોરતા રે…

ગરબે રમવાના થયા ઓરતા રે..
આવ્યા આવ્યા માઁના નોરતા રે…

ઝળહળતી હોય ધરા ઝળહળતું અંબર
માઁને પૂછીને ઉગે સૂરજ ને ચંદર

ચોકે ચોકે રે ઝરે ઉમંગી અવસર
આઠે બ્રહ્માંડ રંગ ઘોળતા રે..
આવ્યા આવ્યા માઁના નોરતા રે…

ગરબે રમવાના થયા ઓરતા રે..
આવ્યા આવ્યા માઁના નોરતા રે…

ચોકે નર-નાર સહુ ડોલતા રે…
આવ્યા આવ્યા માઁના નોરતા રે…