Category Archives: ગીત

શમણાં – લાલજી કાનપરિયા

આણીકોર શમણાં ઓલીકોર શમણાં, વચમાં લોચનિયાં લાચાર
માગીએ તો મબલખ કાંટા મળે અહિ, ફૂલો તો કેવળ બે-ચાર!

સૌના નસીબનો હિસ્સો લઇને સૌ
ભજવે છે જીવનનો વેશ
ચાંદરણું હોય ભલે ચાર જ દિવસોનું
પણ આવે છે સાલ્લો ટેસ!

મેહુલો તો આજકલ વરસે છે ક્યાં? લાગણીઓ વરસે ધોધમાર,
આણીકોર શમણાં ઓલીકોર શમણાં, વચમાં લોચનિયાં લાચાર.

પંખીઓ આજકલ મૂંગા મંતર
અને ઝાડવાએ પાડી હડતાળ
બાઇમીરાં મશગૂલ છે ભજનુંની ધૂનમાં
નરસિંહ બજાવે કરતાલ!

મનવાને મુગતિ નથી આ પાર કે મુગતિ નથી પેલ્લે પાર!
આણીકોર શમણાં ઓલીકોર શમણાં, વચમાં લોચનિયાં લાચાર.

શરદપૂનમની રાતમાં, ચાંદલીયો ઉગ્યો છે.. – રિષભ Group

સ્વર : અચલ મહેતા

સંગીત : રિષભ Group

.

શરદપૂનમની રાતમાં, ચાંદલીયો ઉગ્યો છે,
હે મારું મનડું નાચે, હે મારું તનડું નાચે,
એના કિરણો રેલાય છે આભમાં…

સોનાનું બેડલું મારું રૂપાની ઇઢોંણી,
બેડલું લઇને હું તો પાણીડાં ગઇ’તી..
કા’નો આવ્યો મારી, પૂંઠે સંતાતો ચોરી,
મારું મુખડું શરમથી લાજ રે…

હીરે જડી તે મારી સોનાની નથણી
નથણી પહેરી હું તો ગરબે રે ઘૂમતી
મારી સહેલીઓ મુજને પૂછતી,
કોની તું વાટમાં આજ રે…

એક એવું ઘર મળે આ વિશ્વમાં – માધવ રામાનુજ

સ્વર : રાસબિહારી દેસાઈ

.

એક એવું ઘર મળે આ વિશ્વમાં, ,
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું;
એક એવું આંગણું કે જ્યાં મને;
કોઈપણ કારણ વગર શૈશવ મળે !

એક બસ એક જ મળે એવું નગર;
જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું;
‘કેમ છો?’ એવુંય ના કહેવું પડે;
સાથ એવો પંથમાં ભવભવ મળે !

એક એવી હોય મહેફિલ જ્યાં મને,
કોઈ બોલાવે નહિ ને જઈ શકું !
એક ટહુકામાં જ આ રૂંવે રૂંવે,
પાનખરના આગમનનો રવ મળે !

તો ય તે ના રંજ કૈં મનમાં રહે –
અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે…

ઓડિયો સૌજન્ય : http://gujaratigazal.com/

એક છોકરી સાવ અચાનક આંખો ઢાળે – અરવિંદ ગડા

એક છોકરી સાવ અચાનક આંખો ઢાળે
અને છોકરો નવી નોટનાં પાનાં ફાડે !

સોળ વરસની સાવ કુંવારી લાગણીઓમાં
કેમ ઊઠ્યાં તોફાન કેમ આ ભરતી આવી ?
કેમ અચાનક ગમવા લાગ્યા ફૂલબગીચા
કેમ અચાનક અરીસામાં વસ્તી આવી ?

રંગરંગની છોળ નવા ઉન્માદ જગાડે
અને છોકરી આમ અચાનક આંખો ઢાળે ?

નવી ધડકનો, નવા નિસાસા, નવી નવાઇ
નવી કવિતા, નવી ગઝલ ને નવી રુબાઇ
અંગઅંગમાં નવી ચેતના નવો મુઝારો
દિવસ-રાત બેચેન બનાવે નવી સગાઇ

નવાં નવાં સંગીત સૂતેલા સાપ જગાડે
જુઓ ! છોકરો નવી નોટનાં પાનાં ફાડે !

વૃંદાવનમાં થનકાર થનક થૈ થૈ થૈ … – દયારામ

આ ગીતની પૂરેપૂરી મઝા લેવી છે? Headphone ની વ્યવસ્થા કરો.. વિરાજ-બીજલ નો યુગલ સ્વર હોય એટલે ગીત સ્પેશિયલ તો થઇ જ જાય, અને આ ગીતનું રેકોડિંગ એવું સરસ છે કે એકબાજુ વિરાજનો અવાજ સંભળાય અને બીજી બાજુ બીજલનો..

અને આ વાત અહીં ખાસ એટલા માટે કહું છું કે તમે વિરાજ-બીજલને સાથે બીજા ગીતોમાં સાંભળ્યા હશે ( સૂના સરવરિયાને કાંઠડે – અવિનાશ વ્યાસ, પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા – અવિનાશ વ્યાસ ) તો એ ગીતોમાં એમનો અવાજ એવો તો એકાકાર થઇને આપણા સુધી પહોંચે છે કે – જાણે એક જ વ્યક્તિનો સ્વર હોય..!

સ્વર : વિરાજ – બીજલ ઉપાધ્યાય
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

વૃંદાવનમાં થનકાર થનક થૈ થૈ થૈ
રાધાકૃષ્ણ રમે રાસ ગોપી લૈ લૈ લૈ
બીજું કૈં નહીં કૈં નહીં… વુંદાવનમાં…

નૂપુરચરણ કનકવરણ ઝાંઝર જોડો
ઘુંઘરીયાળો કટી ઓપે કંદોરો
મોરમુકુટ મણી વાંકડો અંબોડો
કુંડલકાન, ભ્રુકુટી તાન, નૈનબાણ કંપમાન
તાળી લૈ લૈ લૈ… વુંદાવનમાં…

વાગે તાલ ને કરતાલ સંગ તાળી
કોઇ તંબુરો ને કોઇ મૃદંગવાળી
મદનગાન મુખ્ય ગાયે વનમાળી
બોલે બૈન, સુધા સૈન, મોહન નૈન, પ્રગટ ચૈન
હ્રદય દૈ દૈ દૈ… વુંદાવનમાં…

મુકુટમાંહી રૂપ દીઠું રાધાએ
મનમાં માનિની વિમાસણ થાયે
હુંથી છાની બીજા છે મુકુટ માંહે
બહુ વ્હાલી, હઠ ઝાલી, ઊઠી ચાલી
દયા પ્રભુ જય જય જય… વુંદાવનમાં…

માડી તારા મંદિરીયે ઘંટારવ થાય – અવિનાશ વ્યાસ

સ્વર : વિભા દેસાઇ અને વૃંદ
સ્વરકાર : ગૌરાંગ વ્યાસ

.

માડી તારા મંદિરીયે ઘંટારવ થાય
વાગે નગારું ને ચમ્મર વિંઝાય

હે જગદંબા મા, તારે શરણે અમે કંકુ વિખાવ્યા
પગલા પાડો માં, અમે તારા ગરબા કોરાવ્યા
માડી તારા ઘુમ્મટમાં ઘંટારવ થાય…

જ્યાં જ્યાં ઘંટારવ, ત્યાં ત્યાં માડી તારા દર્શન
ઘંટારવમાં પૂજા ને ઘંટારવમાં અર્ચન
માડી તારી રગરગમાં ઘંટારવ થાય

જાગો માં.. જાગો માં..
જગભરમાં ઘંટારવ થાય..
ચારેકોર ચેતનની ચમ્મર ઢોળાય

માડી કેરા ઘુંઘટમાં ઘંટારવ થાય
વાગે નગારું ને ચમ્મર વિંઝાય

માડી તારા મંદિરીયે ઘંટારવ થાય…
ઘંટારવ થાય…
ઘંટારવ થાય…

મુને એકલી જાણીને ક્હાને છેડી રે….

સ્વર : નિશા ઉપાધ્યાય

.

મુને એકલી જાણીને ક્હાને છેડી રે…
પછી કહી દઉં જશોદાના કાનમાં.
મારો મારગડો છોડીને હાલતો થા…
પછી કહી દઉં જશોદાના કાનમાં.

મેળામાં મળવા હાલી, મારી સરખી સૈયરને
મેળામાં મળી ગયો પેલો રે તોફાની ક્હાન,
મારો છેડલો ન ઝાલ, તને કહી દઉં છું…
પછી કહી દઉં જશોદાના કાનમાં.

મુને એકલી જાણીને ક્હાને છેડી રે…

બેડલું લઇને હું તો સરોવર ગઇ’તી
પાછું વળીને જોયું, બેડલું ચોરાઇ ગયું,
મારા બેડલાનો ચોર, મારે કેમ લેવો ખોળી…
દઇ દે બેડલું રે ઓ મારા ક્હાનજી.

મુને એકલી જાણીને ક્હાને છેડી રે…

રાધા ગોવાલડીના ઘર પછવાડે

સંગીત : રિષભ Group


.

રાધા ગોવાલડીના ઘર પછવાડે
મોહન મોરલી વગાડે જો,
ઈ રે વાગે ને મુને સટપટી લાગે
નૈણો માં નીંદર ન આવે જો

સરખી સહેલી મળી ગરબે ઘુમતા
રાધિકાને કાળીનાગ ડંખ્યો જો
ડાબે અંગૂઠડે સર્પડંખ દીધો
તનમાં લાહ્યું લાગી જો
વાટકીમાં વાટિયા ને ખાંડણીમાં ખાંડિયા
ઓહળીયા લેપ લગાવ્યા જો
તો યે રાધિકાના વિષના ઉતર્યા
બમણી લાહ્યું લાગી જો

પાટણ શહેરથી વૈદ તેવાડ્યા
વીરા મારા વિષડા ઉતારો જો
સાવ રે સોનાનો મારો હારલો રે આલું
રૂપલે તુને મઠાવું જો

સામસામે આવીએ તો ફફડે બે હોઠ – વંચિત કુકમાવાલા

સ્વર : પ્રીતિ ગજ્જર, ભાસ્કર શુક્લ
સંગીત : ડો. ભરત પટેલ
sam-same.jpg

.

સામસામે આવીએ તો ફફડે બે હોઠ પછી બોલવાનું સાનભાન ખોઇએ,
બે’ક ઘડી લાગે કે આટલામાં હોઇએ ને બે’ક ઘડી લાગે ન હોઇએ.

આખું આકાશ એક બટકેલી ડાળ પર લીલેરી કુંપળ થઇ ફૂટે
છાતીમાં સંઘરેલ સાત-સાત દરિયાઓ પરપોટા જેમ પછી ફૂટે
ધોમધોમ તડકામાં પાસપાસે ચાલીએ તો લાગે કે ભીંજાતા હોઇએ…
… બોલવાનું સાનભાન ખોઇએ.
સામસામે આવીએ તો ફફડે બે હોઠ પછી બોલવાનું સાનભાન ખોઇએ.

સાવ રે સભાનતાથી સાચવેલું ભાન અહીં યાદોમાં ધૂળધૂળ થાતું,
ડેલીબંધ બેઠેલા હોઇએ છતાંય કોઇ આવીને સાવ લૂંટી જાતું,
પૂરબહાર હસવાની મૌસમમાં કોઇવાર ઓચિંતા અંદરથી રોઇએ..
… બોલવાનું સાનભાન ખોઇએ.

સામસામે આવીએ તો ફફડે બે હોઠ પછી બોલવાનું સાનભાન ખોઇએ,
બે’ક ઘડી લાગે કે આટલામાં હોઇએ ને બે’ક ઘડી લાગે ન હોઇએ.

તું પૂછે પ્રેમનું કારણ – તુષાર શુક્લ

 

તું પૂછે પ્રેમનું કારણ
હું કરતો પ્રેમ અકારણ.

પ્રેમ તો કેવળ પ્રેમ છે.
એમાં શું કારણ? શું કેમ?
ચાહીએ એને ચાહતા રહીએ
ભૂલી સઘળા વ્હેમ.

હું પામ્યો એટલું તારણ
આ પ્રેમ છે સાવ અકારણ-

ફૂલ સરીખો સહજ ખીલે
ને રેલી રહે સુગંઘ
પ્રેમ છે કેવળ પ્રેમને માટે
શાના ઋણાનુબંધ?

ના શરતોનું કોઇ ભારણ
આ પ્રેમ છે સાવ અકારણ-

– તુષાર શુક્લ